“ખટપટિયા અને કૃત્રિમ લોકો અપ્રસ્તુત બની જાય તો કેવું સારું?”
“શું આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના રસ્તે, ટેકનો-સ્પીરીચ્યુઆલીટીમાં શું ભગવાનનો, ભક્તિનો અને બ્રહ્માંડના રહસ્યોનો એક નવો અધ્યાય લખવો પડશે? “
મનના બ્રહ્માંડનો ઉઘાડ કરતા, એક પિતાના મનના ઊંડાણોની (- જેમાં વિજ્ઞાનથી માંડીને સાહિત્ય, સમાજશાસ્ત્ર અને બીજા અનેક વિષયો સહજપણે આવરી લેવાયા છે -) વાત અહીં નીચે, આજના પ્રાર્થનાના પત્રમાં.
પ્રિય પ્રાર્થના,
ફરી પાછી મઝા આવી ગઈ. નોકરીમાં હતો ત્યારે હતી, તેવી જ પણ કદાચ થોડી અગવડભરી દોડાદોડમાં છું. એક જ અઠવાડિયામાં બે વખત મુંબઈ જઈ આવ્યો, એક વખત નરીમાન પોઇંટના રોટરીક્લબના મિત્રો વચ્ચે ‘કૃષ્ણ; ધ લોર્ડ ઑફ ફ્યુચર” વિશે બોલ્યો. અંગ્રેજી અને હિંદીમાં બોલવાનું હતું, પાંચમી સપ્ટેમ્બરે, તો ચોથીએ સાંજે ભગવદગીતાના ત્રીજા અધ્યાય પર બે કલાક વર્ગ લેવાનો હતો, એમ.એસ. યુનિવર્સિટીમાં. વર્ગ નહીં, પુરો હોલ ભરેલો, ત્રણસો જણા. લે, તું માનીશ, ત્રણસો જણ એક હજાર રુપિયા ભરીને અઢાર દિવસ માટે ગીતા ભણવા આવે, રોજનો એક અધ્યાય અને રોજના જુદા વક્તા. ધન્ય છે, વડોદરાવાસીઓને અને ધન્ય છે, એમ.એસ. યુનિવર્સિટીને! અને સૌથી વધુ ધન્યવાદ તો મારા અંગત મિત્ર તુષારભાઇ વ્યાસને, જેણે આ આખા કાર્યક્રમનું આટલું તેજસ્વી સંકલન કર્યું. વળી, આ જ અઠવાડિયામાં બે પર્યુષણ વ્યાખ્યાનો, એક અમદાવાદમાં અને એક મુંબઈમાં. અને વિશેષતા જો, અમદાવાદની વ્યાખ્યાનમાળાનું નેવુંમું વર્ષ અને મુંબઈનું ચોર્યાસીમું! મને આ જૈનસમાજનું નેતૃત્ત્વ કરનારા શ્રેષ્ઠીઓ માટે માન એટલા માટે થાય કે આ પરંપરાથી જૈનેતર વક્તાઓના વિચારો અને વિચારવાની પ્રક્રિયાને માટે આ લોકો કાન ખુલ્લા રાખીને સાંભળે છે.
બે વાતો કહેવી છે, એક તો મુંબઈ જૈન યુવકસંઘના વ્યાખ્યાનમાં એક મુદ્દો ઉભો થયો, તે ટેકનો-સ્પીરીચ્યુઆલીટીનો. ઓનવર્ડ ટેકનોલોજીના મુખિયા હરીશભાઇ મહેતા ઑડિયન્સમાં બેઠા હતા. હરીશભાઇ એટલે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના ટાસ્ક ફોર્સના એક અગત્યના સભ્ય. જે એ.આઇ. અંગે વડાપ્રધાન સમક્ષ પોતાની બ્લ્યુપ્રીન્ટ રજુ કરવાના છે. આ સભામાં મારે ‘મનની માવજત’ વિશે બોલવાનું હતું.
એક તબક્કે આવો પ્રશ્ન પૂછવાની વાત કરી; કોના મનની માવજત? માણસના મનની કે કમ્પ્યુટર/રોબોટના મનની? આ મનુષ્યતાના ઇતિહાસમાં એક ખૂબ જ અગત્યનો વળાંક આવીને ઉભો છે. એટલે મેં ટેકનો-સ્પીરીચ્યુઆલીટીનો પ્રશ્ન ઊઠાવ્યો. ફ્રેન્ચ ફિલોસોફર દેકાર્તેએ એવું સૂત્ર પ્રચલિત કર્યું, I think, therefore, I am. [હું વિચારું છું, માટે હું છું]. સરસ, માનવ જાતે આ વિચારને વધાવ્યો અને વિચારની પ્રતિષ્ઠા થઈ. વિચારવાની તાકાત માટે માણસનો મહિમા ગવાયો. પ્રોગ્રામ્ડ-પ્રાણીઓ અને પ્રકૃતિમાં માનવની આ વિચાર વિશેષતાએ આગવી ભાત પાડી. પણ હવે શું? હવે તો મશીન વિચારવા લાગ્યા છે, હવે તો રોબોટની સ્વત: ચાલતી પ્રક્રિયાઓ અને પ્રયોગોએ દર અઠવાડિયે કશુંક ને કશુંક નવું પીરસવા માંડ્યું છે. વ્હોટસ-એપની શેરીમાં સુંદર પિચ્છાઇનો વિડીયો આવે છે ને આંખો આતુર બની જાય છે, મન મોર બની થનગનાટ કરે છે, કારણ હમણાં કલાકરતા પિચ્છધરની જેમ કશુંક જગત પામશે. નવું પ્રકરણ ઉમેરાશે. એક નવી ક્ષિતિજમાં માણસની પ્રજ્ઞા અને કમ્પ્યુટરની બુદ્ધિનો કશોક ચમત્કાર જેવા નવતર પ્રયોગની કે સનસનાટીભરી લાગે તેવી સિદ્ધિની વાત માંડવામાં આવશે. આનો ભારે રોમાંચ થઈ ઊઠે છે. મશીનો વિચારતા થયા છે, મશીનો ડીપ-લર્નિંગમાં અને બીગ-ડેટામાં સક્રિય બન્યા છે. મને આ વળાંકે ઊભા રહીને રોમાંચ અનુભવવો ગમે છે. પણ રોમાંચ પાછળ જે વિચાર દોંડતો આવે છે તે વધુ રોમાંચકારી લાગે છે. મનુષ્યનો મનુષ્ય સાથેના વહેવારમાં કેવા ફેરફારો આવશે? એક માણસ બીજા માણસ તરફ જે રીતે લાગણી વ્યક્ત કરતો હતો તે તો ઝુંટવાઇ નહીં જાય ને! મનુષ્ય પોતે જે વિચારતો હતો એ મશીન વિચારે તો મનુષ્ય શું કરશે? શું એ.આઈ. (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ) ના જગત પર નોકરીઓનો દુષ્કાળ ઊભો કરશે, કે તદ્દન નવા પ્રકારની નોકરીઓનું નિર્માણ થશે? ટેકનોલોજીને લીધે મનુષ્યજીવનમાંથી જેમ વિરહ ઊડી ગયો તેમ વિચારની શક્તિ ક્ષીણ તો નહીં થઈ જાય ને! પ્રોગ્રામ બનાવનારા, આઉટ-બોક્ષ વિચારનારા જ ટકશે તો બીજાઓ શું કરશે ? આ અને આવા પ્રશ્નો તપાસવા એક શોધ અને અવલોકનોની પરંપરાઓ અને અનુસંધાનના અભિયાનની જરૂર ઊભી થઈ રહી છે. મને લાગે છે, આ રસ્તે ટેકનો-સ્પીરીચ્યુઆલીટીએ ડગ માંડવા પડશે. જેમાં ભગવાનનો, ભક્તિનો અને બ્રહ્માંડના રહસ્યોનો એક નવો અધ્યાય લખવો પડશે.
ખટપટિયા અને કૃત્રિમ લોકો અપ્રસ્તુત બની જાય તો કેવું સારું? જોઈએ, શું થાય છે. પણ આ વિચાર અને ચર્ચાઓ એક અગાધ શક્યતાનું એક બારણું ખોલે છે. આ બધી દોડાદોડ વચ્ચે આ ધબકતા વિચારોની મઝા આવી રહી છે. પણ એની ખરી મઝા તો વાચકો અને શ્રોતાઓ અને ભાવકોના પ્રેમનો જે સંસ્પર્શ થાય છે તે છે. મને લાગે છે, ભગવાને, કદાચ સરસ્વતી માતાએ એક નવો ઓરડો મારા માટે બાંધ્યો છે જેને દિવાલો નથી, એની જગાએ પાંખો છે, અને છત પર એક રંગોળી જેવું આકાશ મને જગાડે છે.
વધુ, ફરી, ક્યારેક.
ભાગ્યેશ.
જય વિજ્ઞાન, જય આકાશ.
(નવા પત્રમાં આવી જ એક સ-રસ વાત, વધુ આવતા મંગળવારે)
મનના બ્રહ્માંડનો ઉઘાડ કરતા, એક પિતાના મનના ઊંડાણોની જેમાં વિજ્ઞાનથી માંડીને સાહિત્ય, સમાજશાસ્ત્ર અને બીજા અનેક વિષયો સહજપણે આવરી લેવાયા છે –
મા ભાગ્યેશજીની પ્રેરણાજનક વાત..’.ખરી મઝા તો વાચકો અને શ્રોતાઓ અને ભાવકોના પ્રેમનો જે સંસ્પર્શ થાય છે તે છે. મને લાગે છે, ભગવાને, કદાચ સરસ્વતી માતાએ એક નવો ઓરડો મારા માટે બાંધ્યો છે જેને દિવાલો નથી, એની જગાએ પાંખો છે, અને છત પર એક રંગોળી જેવું આકાશ મને જગાડે છે..’
LikeLike