વેન્ટીલેટર
દિપક માતા પિતાનુ એકનુ એક સંતાન. ઘણા ડોક્ટર, ઘણી માનતા, બાધા, દોરાધાગા પછી બાર વર્ષે શારદા શેઠાણીનો ખોળો ભરાયો. પુરૂષોત્તમ શેઠને ત્યાં આનંદ મંગલનો માહોલ રચાઈ ગયો.
પુરૂષોત્તમભાઈ કાપડ બજારના જાણીતા વેપારી. વીસ વર્ષની ઉંમરે ગામ છોડી નોકરીની આશાએ મુંબઈ પ્રયાણ કર્યું. ભણતર કાંઈ ખાસ નહિ, બસ મહેનત કરવાની લગન. કાપડ બજારમાં ગાંસડી ઉપાડવાથી કામની શરૂઆત કરી, આપબળે આગળ આવ્યા અને આજે એ જ કાપડ બજારના જાણીતા વેપારી તરીકે માન મોભાના અધિકારી બન્યા.
નવ મહિને શારદા શેઠાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો, નોકર ચાકરથી ઉભરાતા ઘરમાં બાળકની કિલકારીનો અવાજ ગુંજવા માંડ્યો. લાડલા દિકરાનુ, કુળને આગળ વધારનાર કુળદિપકનુ નામ જ દિપક રાખ્યું.
પાણી માંગતા દૂધ હાજર થાય એવી દોમ દોમ સાહ્યબીમાં દિપક નો ઉછેર થવા માંડ્યો. ધનની કોઈ કમી નહોતી ને દિપકની કોઈ માંગ અધુરી રહેતી નહોતી.
મધનુ એક ટીપું પડે ને કીડીઓનુ ઝુંડ જામી જાય એમ દિપક જેમ જેમ મોટો થતો ગયો, લાલચી મિત્રોનુ ઝુંડ એની આસપાસ મંડરાવા માંડ્યું.
ટ્યુશન ટિચરોની મહેરબાનીએ જેમતેમ બારમું ધોરણ પાસ કર્યું અને પિતાની લાગવગે કોલેજમાં પ્રવેશ કર્યો.
દિપકની સ્વછંદતાને છુટો દોર મળી ગયો. દુનિયામાં આવી સ્વછંદતાને પોષનારાઓની ક્યાં કમી હોય છે? પારકે પૈસે મોજ કરવી સહુને ગમે છે.
પૈસાના જોરે બધું જ ખરીદી શકાય એ અભિમાનમાં રાચતા દિકરાની અધોગતિથી મા નું દિલ કકળી ઊઠતું, પણ દિકરો કાબુ બહાર હતો, પુરૂષોત્તમભાઈ માટે હાથના કર્યાં હૈયે વાગ્યાં જેવી સ્થિતિ હતી.
સીધી સમજાવટની કોઈ અસર થાય એમ નહોતી, છેવટે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી ટેઢી કરવી પડે એ યુક્તિ અજમાવી દિપકને અમેરિકા ભણવા જવાની લાલચ આપી.
ડુંગરા હમેશ દૂરથી જ રળિયામણા લાગે એમ અમેરિકાની ચમક, વધુ આઝાદી, કોઈની રોકટોક નહિ એ ભ્રમમાં જીવતા દિપકને તો તાલાવેલી લાગી અમેરિકા જવાની.
ન્યુયોર્કની Queens College માં એડમિશન મળી ગયું. પપ્પાએ જતી વખતે તાકીદ કરી “દિકરા ત્યાં રહેવા, ભણવાનો એક વરસનો બધો ખર્ચ હું ઊપાડીશ, પણ પછી તારે જાતમહેનત કરવી પડશે. અમે ઈચ્છીએ છીએ કે તું જ્યારે પાછો આવે ત્યારે તારૂં જ્ઞાન આપણા ધંધાને વિકસાવવામાં કામ લાગે. અહીં જે છે એ તારું જ છે, એને સાચવવું, એમાં વધારો કરવો અથવા એનુ ધનોત પનોત કાઢવું તારા હાથમાં છે,”
દિપકે અમેરિકા આવી કોલેજ કેમ્પસમાં રહી ભણવાનુ શરૂ કર્યું. વખત જતાં એને જોયું કે અહીં પૈસાદાર કે ગરીબ જેવું કાંઈ નથી. વિદ્યાર્થી પાર્ટ ટાઈમ નોકરી કરી પોતાની ફી ભરે છે, કોઈને કોઈની પ્ણ વાતમાં દખલગીરી કરવાની આદત નથી. એક નવી દુનિયાનો અનુભવ થવા માંડ્યો.
૨૦૧૯ સપ્ટેમ્બરના નવા સત્રથી દિપકે Queens College માં અભ્યાસ શરૂ કર્યો,
માર્ચ ૨૦૨૦ આવતાં સુધીમાં દુનિયા કોરોના વાઈરસના ભરડામાં ઝડપાઈ ચુકી હતી. ચીનથી ફેલાયેલો આ વાઈરસ હવા દ્વારા નહિ પણ માનવ દ્વારા ફેલાતો હતો, કોઈની છીંક, કોઈની ઉધરસથી ફેલાતો વાઈરસ જે વસ્તુ પર હોય એને અજાણતા હાથ લાગે અને એ હાથે આપણે આપણા મોઢાને અડીએ અને આપણે વાઈરસના શિકાર બનીએ. વાઈરસને ફેલાતો અટકાવવા શાળા, કોલેજો, જાહેર પાર્ક, બધું બંધ કરવામાં આવ્યું.
દિપક પણ રજા પડતાં પોતાના મિત્ર સાથે એના ઘરે ન્યૂ યોર્ક રહેવા આવી ગયો. મમ્મી પપ્પાના ફોન પર ફોન આવવા માંડ્યા, “દિકરા તું પાછો આવી જા, દિપકે પણ પાછા જવાની તૈયારી કરવા માંડી, પણ અફસોસ દિપક કોરોનાની ઝપટમાં આવી ગયો.
શરદીને બે દિવસ પછી તાવની શરૂઆત અને પાંચ દિવસ પછી સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
વેન્ટીલેટર સાથે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતાં દિપકને ડોક્ટરોના અથાક પ્રયત્ને મોતના મુખમાં થી બચાવી લીધો.
હોસ્પિટલથી ઘરે જતાં ડોક્ટરે દિપકને કહ્યું, “તમારે હોસ્પિટલમાં રહેવાના તો નહિ, પણ વેન્ટીલેટરના પૈસા આપવા પડશે”
દિપકની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યાં. ડોક્ટર ગભરાઈ ગયા, કહેવા લાગ્યાં, “ચિંતા નહિ કરો, અત્યારે સગવડ નહિ હોય તો કાંઈ વાંધો નહિ. અત્યારે સરકાર તરફથી ઘણી જાતની રાહત મળે છે.
રડતાં રડતાં દિપકે કહ્યું, “પૈસાનો તો કોઈ સવાલ નથી. મારા પપ્પા ખૂબ ધનવાન છે, હું એક ફોન કરીશ અને પૈસા તરત હોસ્પિટલના ખાતામાં જમા થઈ જશે, પણ હું ઈશ્વરની જે અવહેલના કરતો હતો, જનમથી હર પળ જે હવા શ્વાસમાં લઈ હું જીવતો હતો, એનો એક પૈસો પણ મેં ચૂકવ્યો નથી, ને આજે થોડા દિવસ આ મશીનની મદદથી કૃત્રિમ શ્વાસોચ્છશ્વાસ થી જીવ્યો એનુ આટલું મોટું બિલ!!!”
જેની આપણે કોઈ કદર નથી કરતાં એ કુદરત, એ જગનિયંતાનુ કેટલું ઋણ આપણી ઉપર છે, જે ક્યારેય ચૂકવી શકાય એમ નથી.
(ઈટાલીમાં એક દર્દીનો પ્રસંગ છાપામાં વાંચી, વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે.)
સુ શ્રી શૈલા મુન્શાની વેન્ટીલેટર સાંપ્રત સમયે અનુભવાતી વાર્તા –
જગનિયંતાનુ ઋણ માંથી ઉઋણ થવાની કલ્પના ગમી
LikeLiked by 1 person
સરસ વાર્તા. વાંચનનો સદોપયોગ થયો ને અમને વાંચવાનો મોકો મળ્યો. સાસના પ્રમુખનું સાહિત્ય સોરમ! અભિનંદન..
LikeLiked by 1 person
વાર્તા ખુબ ગમી! ઈશ્વરનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે! તેણે આપણને વણમાંગે કેટલું બધું આપ્યું છે તે વિચારવા બેસી તો અંત જ ન આવે. આ વસ્તુને એક જ અણસારથી વાર્તામાં જણાવી દીધી
LikeLiked by 1 person
સરસ વાર્તા. વાંચનનો સદોપયોગ થયો ને અમને વાંચવાનો મોકો મળ્યો. ઈશ્વરનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે! તેણે આપણને વણમાંગે કેટલું બધું આપ્યું છે તે વિચારવા બેસી તો અંત જ ન આવે. આ વસ્તુને એક જ અણસારથી વાર્તામાં જણાવી દીધી
LikeLiked by 1 person