વેદના ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ


“સમય પણ કેટલો ઝડપથી પસાર થઈ ગયો. સુસવાટા મારતા આ પવનની ઝડપની જેમ જ તો!’’ દેવીપ્રસાદ જીવનની ફ્લેશબૅકની યાત્રા પર હતા.

શહેરમાં દૂરના અલ્પવિકસિત વિસ્તારમાં ખોબા જેવડા મકાનમાં સુનંદા સાથે ગૃહસ્થ જીવનની શરૂઆત થઈ હતી. સંઘર્ષમય દિવસોનો તબક્કો હતો. નવા શરૂ કરેલ ધંધાના સ્થળે સમયસર પહોંચવા એક સાઇકલની ખાસ જરૂર હતી. પરંતુ તાત્કાલિક પૈસાની વ્યવસ્થા શક્ય નહોતી. એક સાંજે કામ પરથી પાછો ફર્યો ત્યારે સુનંદા કાંઈક વધારે ખુશ દેખાતી હતી. રાત્રે સૂતા પહેલા ગાંઠ વાળેલ એક રૂમાલ તેણે મને આપ્યો.

“સાનુ, શું છે …. આ રૂમાલમાં?’’ મેં પૂછયું હતું.

“તમે જ ખોલીને જુઓને!’’ લાડ કરતા એ બોલી હતી. રૂમાલમાં હજારેક રૂપિયા હતા. “આ પૈસા તો આપણા લગ્નપ્રસંગે વડીલોએ તને આશીર્વાદ આપતા સમયે આપ્યા હતા એ છે ને? સાનુ, આ પૈસા તારા છે. મારે એ પૈસાને હાથ પણ લગાડાય નહીં.’’ રૂમાલ પાછો આપતા મેં કહ્યું હતું.

“દેવ, તમે પણ! હવે શું મારું અને તમારું! અને હા, નવી સાઇકલ પર બેસવાના અભરખા અમને પણ હોય ને?’’ અને પછી તો હું, સુનંદા, રાહુલ અને અમારી નવી સાઇકલ, રવિવારની સાંજ પડે તેની રાહમાં હોઈએ. સાઇકલ નહીં પણ કોઈ નવા સાથીદારે અમારા જીવનમાં પ્રવેશ કર્યો હતો. દર રક્ષાબંધને સુનંદા સાઇકલના હેન્ડલ પર રક્ષાનો દોરો અચૂક બાંધતી.

પાંચેક વર્ષ પસાર થયાં. સમયે કરવટ બદલી. ધંધામાં બરકત આવી. આવતી જ રહી. શહેરના પોશ વિસ્તારમાં મોટો બંગલો, નોકર-ચાકર અને કોણ જાણે કેટલાંય સ્કૂટરો અને મોટરો બદલાતી રહી. પરંતુ પેલી સાઇકલ સુનંદાએ પૂરા જતનથી સાચવીને રાખી હતી. સુનંદાના અવસાન પછી મેં એ સાઇકલને સ્ટોરરૂમમાં પડેલી જોઈ હતી.

0 0 0

રાતના દસેક વાગ્યા હશે. બારણાને નોક કરી પુત્રવધૂએ દેવીપ્રસાદના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એ આંખો બંધ કરી પથારીમાં જાગતા પડ્યા હતા. “પપ્પાજી દવા સાથે લેવા માટેનું દૂધ ટેબલ પર રાખ્યું છે; અને હા, પપ્પાજી આજે બપોરે સ્ટોરરૂમાં પડેલ બધો જ ભંગાર વેચી નાખ્યો. તેના પાંચસો રૂપિયા આવ્યા છે. એ પણ ટેબલ પર રાખ્યા છે.’’ પુત્રવધૂએ નિર્દોષભાવે કહ્યું.

“વહુબેટા, એ પૈસા તમારી પાસે જ રાખો. દાનધર્મમાં તેનો ઉપયોગ કરજો.’’ ગળગળા અવાજે દેવીપ્રસાદ માંડ એટલું બોલી શક્યા અને ઝડપથી પડખું ફરી ગયા.

***

1 thoughts on “વેદના ~ ધર્મેન્દ્રસિંહ રાઠોડ

  1. સુંદર રચના… વેદનાસિક્ત અભિવ્યક્તિ…
    દેવીપ્રસાદને -જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન …આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને
    તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે ! ત્યારે ‘દાનધર્મમાં તેનો ઉપયોગ કરજો.’’ ગળગળા અવાજે દેવીપ્રસાદ માંડ એટલું બોલી શક્યા’

    Like

પ્રતિભાવ