ગુજરાતી ઉદગારવાચકો
બાબુ સુથાર
આપણામાંના ઘણાને કલાપીની ‘રે પંખીંડાં! સુખથી ચણજો’ કવિતા યાદ હશે. એમાં કલાપીએ આવી પંક્તિઓ લખી છે: (૧) ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’; (૨) ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને (૩) ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી’. આમાં આવતા ‘રે’ અને ‘રે રે’ હકીકતમાં તો ઉદગારવાચકો છે. આપણે જોઈ શકીએ છીએ કે આમાંની પહેલી પંક્તિમાં એ ‘રે’નો ઉપયોગ પંખીઓને સંબોધવામાં કરે છે. બાકીની બે પંક્તિઓમાં એ ‘રે રે’નો ઉપયોગ પોતાનો અંગત ભાવને, અહીં ‘આક્રંદનો ભાવ’ કહી શકાય, પ્રગટ કરવા માટે કરે છે. કેવળ કલાપીએ જ નહીં, ગુજરાતી ભાષાના ઘણા કવિઓએ એમની કવિતાઓમાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. મજાની વાત તો એ છે કે કેવળ કવિઓએ જ નહીં, આપણે પણ રોજબરોજના વ્યવહારમાં આ પ્રકારના શબ્દોનો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, ‘અરેરે, તમને શું થયું?’; ‘હે ભગવાન, તું કંઈક કર.’ ‘ઓહો, તમે તો આજે બહુ રૂપાળા લાગો છોને કંઈ’. ઊર્મિબેન દેસાઈને બાદ કરતાં મોટા ભાગના ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આવાં ઉદ્ગારવાચકો પર છૂટીછવાઈ નોંધો આપી છે. ઊર્મિબેને એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં આ વિષય પર એક નાનકડું પ્રકરણ લખ્યું છે અને એમાં એમણે ગુજરાતી ઉદગારવાચકોનું અર્થ અને વ્યવહારના માપદંડથી વર્ગીકરણ પણ આપ્યું છે.
એમના મતે ગુજરાતી ઉદગારવાચકોને (૧) હર્ષવાચક (જેમ કે: વાહ, શાબાશ, હાશ, આહા, ધન્ય..), (૨) દુ:ખવાચક (જેમકે: હાય હાય, હાય રે, ઓહ, ઓહ્, ઓરે…) (૩) આશ્ચર્યવાચક (જેમકે: ઓહ, ઓહોહો, અધધધ, હેં…), (૪) ધિક્કારવાચક (જેમ કે: હટ્, છી, છટ્, થૂ, ફટ્…), (૫) સંબોધનવાચક (જેમ કે: એ, એય, અરે, ઓ, હે, હેય…), (૬) પ્રશ્નવાચક (જેમ કે: હં…), (૭) અનુમતિવાચક (જેમ કે: હંઅ, હોવે, હો, હાં, હં…), (૮) નિષેધવાચક (જેમ કે: અહં, ઊંહું…) અને (૯) આશીર્વાચક (જેમ કે: ખમ્મા…) જેવા પ્રકારોમાં વહેંચી શકાય. આ ઉપરાંત એમણે હાલરડામાં વપરાતા કેટલાક ઉદ્ગારવાચકો (જેવા કે: હલુલુલુ, હાં હાં…) તથા બીજી ભાષામાંથી લાવવામાં આવેલા ઉદ્ગારવાચકો (જેવા કે: હલો, બાય બાય, ટા ટા, ઓકે…), અભિવાદનવાચક (જેવાકે: નમસ્તે, નમસ્કાર, તથાસ્તુ. જે જે…) અને સાવચેતીવાચક (જેમ કે: સાવધાન, ખબરદાર…) જેવા ઉદગારવાચકો પણ આપ્યા છે.
પ્રશ્ન એ થાય કે ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારના શબ્દો સાથે કઈ રીતે કામ પાર પાડશે? હું સમજું છું ત્યાં સુધી ભાષાશાસ્ત્રીઓ સૌ પહેલાં તો આ શબ્દોની સંરચનાનો અભ્યાસ કરશે. કેમકે, કેટલાક શબ્દો રવાનુકારી છે તો કેટલાક વળી બીજી વ્યાકરણમૂલક કોટિમાંથી લાવવામાં આવ્યા છે. જેમ કે, ‘શાબાશ’ શબ્દ જુઓ. હું જ્યારે કોઈને એમ કહું કે ‘શાબાશ’ ત્યારે એનો અર્થ એ થયો કે હું સામેની વ્યક્તિને શાબાશી આપી રહ્યો છું. હું એને કહી રહ્યો છું કે ‘હું તને શાબાશી આપું છું’. પણ, હું જ્યારે ‘ઓહ્’ બોલું ત્યારે હું એવું કશું કહી રહ્યો નથી. હું કેવળ મારી લાગણી વ્યક્ત કરતો હોઉં છું. એ જ રીતે ‘હોવે’ જેવા શબ્દો જુઓ. મૂળે તો ‘હા’ શબ્દ છે. જેમ ‘હા’ ‘ના’ પ્રશ્નોના જવાબમાં ‘હા’ વપરાય છે એમ ‘હોવે’ પણ વપરાય છે. જો એમ હોય તો એને ઉદગારવાચકોમાં મૂકી શકાય ખરો?
એ જ રીતે બીજો પ્રશ્ન થાય Placement ને લગતો. આ ઉદ્ગારવાચકો વાક્યની બહાર આવી શકે કે વાક્યની અંદર. જેમ કે, ઉપર ટાંકેલી કલાપીની કવિતામાં ‘રે’ અને ‘રે રે’ વાક્યની પહેલાં આવે છે. પણ, ‘મને થયું કે અરેરેરે, મોહનને શું થયું?’ જેવાં વાક્યો આપણા માટે પડકાર રૂપ બની જાય. એ જ રીતે, ગરબા જેવાં સાહિત્યિક સ્વરૂપોમાં આવતો ‘રેલોલ’ શબ્દ પણ પડકારરૂપ બને. અહીં સવાલ એ છે કે આ પ્રકારના શબ્દોના Placement ની બાબતમાં આપણે એક સામાન્ય સિદ્ધાન્ત પર કઈ રીતે આવી શકીએ? આ કે તે શબ્દ વાક્યની પહેલાં કે પછી આવે એ તો Description થયું. ભાષાશાસ્ત્રીઓ કેવળ Description આપીને સંતોષ ન માને.
એવો એક ત્રીજો પ્રશ્ન થાય આ પ્રકારના શબ્દોના કાર્યનો. ભાષાશાસ્ત્રમાં આ વિષય પર ઘણું કામ થયું છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ જર્મન મનોવૈજ્ઞાનિક અને ભાષાશાસ્ત્રી કાર્લ બુહલરના (૧૮૭૯-૧૯૬૩) ભાષાસિદ્ધાન્તના આધારે આ પ્રકારના શબ્દોનું વર્ગીકરણ કરે છે અને એવો દાવો કરે છે કે ઉદ્ગારવાચકો પ્રતીકાત્મક નહીં પણ Deictic હોય છે. ‘Deictic’ શબ્દ સમજવા માટે આપણે સૌ પહેલાં પ્રતીકાત્મક શબ્દો સમજવા પડશે. જ્યારે હું ‘વૃક્ષ’ શબ્દ બોલું ત્યારે એ શબ્દ કોઈ એક ચોક્કસ એવા વૃક્ષનો ઉલ્લેખ નથી કરતો. પણ જ્યારે હું ‘આ વૃક્ષ’ એમ કહું ત્યારે હું એક ચોક્કસ એવા વૃક્ષની વાત કરતો હોઉં છું. એ ‘ચોક્કસતા’નો ભાવ ‘આ’ના કારણે ઉમેરાય છે. બહુલર કહે છે કે એનો અર્થ એ થયો કે ‘આ’ જેવા શબ્દો કશાક ભણી ‘આંગળી ચીંધતા’ હોય છે. આવું Pointing નું કામ કરતા શબ્દોને Deictic શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ માને છે કે ઉદગારવાચક શબ્દો કશાક ભણી આંગળી ચીંધતા હોય છે. એમ હોવાથી એમને પ્રતીકાત્મકને બદલે Deictic શબ્દો ગણવા પડે. જ્યારે કલાપી એમ કહે કે ‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ ત્યારે એમાં આવતો ‘રે’ ‘પંખીડાં’ ભણી (આંગળી) ચીંધતો હોય છે. એ જ રીતે, ‘રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી’; અને ‘રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી’ જેવી પંક્તિઓમાં આવતા ‘રે રે’ પણ પ્રતીકાત્મક નથી. એ પણ Deictic છે. એ કવિની લાગણી ભણી (આંગળી) ચીંધતા હોય છે. એ જ રીતે માનો કે હું મારી જાતને આમ કહું તો: ‘ઓહ્ બાબુ, તું આવું વિચારે છે!’ ત્યારે ‘ઓહ્’ ઉદગારવાચક શબ્દ મારા તરફ (આંગળી) ચીંધતો હોય છે. પણ, જો હું બીજા કોઈ બાબુને આમ કહું તો એમાં આવતો ‘ઓહ્’ શબ્દ વાક્યની બહાર રહેલા બીજા કોઈક બાબુ તરફ (આંગળી) ચીંધતો હોય છે. જેમ, રમેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ અને મહેશ એમ કહે કે ‘હું શિક્ષક છું’ તો બન્નેમાં ‘હું’ ના અર્થ જુદા થાય; બરાબર એમ જ ઉદગારવાચકોના અર્થ પણ સંદર્ભ પ્રમાણે બદલાય.
મને લાગે છે કે ગુજરાતી ઉદગારવાચકો પર વધારે નહીં તો બે શોધનિબંધો લખી શકાય. એક તે સાહિત્યમાં, ખાસ કરીને ગુજરાતી કવિતામાં આવતા ઉદ્ગારવાચકો પર અને બીજો તો ગુજરાતી ભાષામાં ઉદ્ગારવાચકો કઈ રીતે કામ કરે છે એના પર. આશા રાખીએ કે કોઈક આ બીડું ઝડપી લેશે.
ગુજરાતી ઉદગારવાચકો મા બાબુ સુથારનો અભ્યાસુ સ રસ લેખ
યાદ આવે
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને સસરો મનાવવા જાય રે રંગ મોરલી
સસરાની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને સાસુ મનાવવા જાય રે રંગ મોરલી
સસરાની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને જેઠ મનાવવા જાય રે રંગ મોરલી
જેઠની વાળી હું તો નહીં રે વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
એને કોણ મનાવા જાય રે રંગ મોરલી
એને પરણ્યો મનાવવા જાય રે રંગ મોરલી
પરણ્યાની વાળી હું તો ઝટ વળું રે
હાં, હંઅં, હોવે
હું તો મારે સાસર જઈશ રંગ મોરલી
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
મોરલી તે ચાલી રંગ રૂસણે રે
આમા હાં, હંઅં, હોવે ભાવલાવી ગાવાની ખાસ પ્રેકટીસ કરાવી હતી
LikeLike