છઠ્ઠો હપ્તો
શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રારંભની પૂજન વિધિ
શ્રીમદ્ ભાગવત પુરાણનો પ્રારંભ સદૈવ શ્રી શુકદેવજીને નમસ્કાર કરીને થાય છે. શુકદેવજી શુદ્ધતા અને શુચિતા-પવિત્રતાનું પ્રતીક છે. કુદરત સાથે એમનું અદભૂત તાદાત્મ્ય છે, આથી જ સહુ પ્રથમ શુકદેવજીને પ્રણામ કરીને આ ગ્રંથની પૂજન વિધિ કરવામાં આવે છે. ભગવાનના વિવિધ સ્વરૂપનો અનુભવ કરાવનાર આ પુરાણ ચારેય વેદોનો સાર પણ છે. સંસારની મોહમાયાના અંધકારમાં અને અજ્ઞાનમાં ફસેલા લોકો માટે આ ગ્રંથ એક કદી ન બુઝાય એવો દીપક છે. સાચા અર્થમાં શુકદેવજીએ આવા લોકો પર કરૂણા કરીને એમના પિતા શ્રી વેદવ્યાસજીએ લખેલા આ પુરાણનું વર્ણન મોટા મોટા આચાર્યોથી માંડીને રાજા પરીક્ષિત અને સામાન્ય જનગણને કર્યું છે.
શુકદેવજીને વિધિસર નમસ્કાર કરીને ગુરુ, ઈશ્વર, આચાર્યો, વડીલ અને સહુ સાધુજનોને નમસ્કાર કરીને આ પવિત્ર ગ્રંથનું મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરીને ઉલ્લાસમય વાતાવરણમાં સ્થાપના કરવાની વિધિનો આરંભ થાય છે. ભાગવત પુરાણ મૃત્યુને કે મૃત્યુ પછીની સફર સુધારવાનો જ નહીં, પણ જીવતેજીવ, જીવનને સુધારવા માટે રસ્તો બતાવે છે. મરણની કે જીવનની સફર આનંદ-મંગળ હોય અને થાય તે માટે જ ભાગવતનું પઠન કે વાંચન અંતરના ઉલ્લાસ સાથે કરવામાં આવે છે. આ પુરાણમાં અંતરના આનંદનો મહિમા છે, કારણ, એમાં મુરલીધર, શ્યામસુંદરની મધુરમયી, રસમયી અને મંગલમયી મનોહર લીલાઓનું સવિસ્તાર વર્ણન ભગવતત્વને પ્રકાશિત કરવા માટે થયું છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ મનોમન નિહાળવા માટે આંખો બંધ કરીએ તો એક રોમાંચક આહલાદનો અનુભવ થયા વિના રહેતો નથી. શ્રી કૃષ્ણનું સ્વરૂપ અનેકવિધ લોકોને એટલે કે બ્રોડ સ્પેક્ટ્રમ પબ્લીકને વિવિધ રીતે આકર્ષે છે. એની વાંસળી-મોરલી મ્યુઝીક-સંગીતના શોખીનોને, એનું મોરપીચ્છ તો બાહ્ય સુંદરતા (Esthetics), અલંકાર અને પ્રકૃતિના શોખીનોને અનાયસે પોતાની તરફ ખેંચે છે, આકર્ષિત કરે છે, એટલું જ નહીં, પણ હળવાશનો અનુભવ કરાવે છે. કૃષ્ણના માથા પરનું મોરપીચ્છ અને એના મુખ પરનું મોહક સ્મિત અનેક દુઃખીજનોને હળવા થવાનો અને હળવાશથી રહેવાનો સંદેશ આપે છે. એના પીતાંબરનો રંગ એના સ્યામ રંગને વધુ ઉઠાવ આપે છે કે શ્યામસુંદરની મોહક શ્યામળતા પીતાંબરને શોભાવે છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. પગવાળીને અનોખી મુદ્રામાં ગાયને અઢેલીને, વાંસળી વગાડતા, માથા પર મોરપીચ્છ સજાવી અને પીળું પીતાંબરધારી, ઊભેલા કૃષ્ણને જોતાં જ મનમાં પ્રસન્નતા અનાયસે જાગે છે અને પવિત્રતા અને જીવદયાના પ્રતીક એવી ગૌમાતાને સહજતાથી પ્રણામ કરવાનું મન થઈ જાય છે. આવા મુરલીમનોહર શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરીને, શ્રીમદ્ ભાગવત પુરાણની પોથીનું પૂજન કરવાની શરૂઆત શાંતિપાઠથી થાય છે. પ્રાતઃકાળે સ્નાનાદિ ક્રિયાથી અને નિત્ય-નિયમ સંપન્ન કરીને, સૌ પ્રથમ, ભાગવત સંબંધી સ્તોત્રો અને પદો વડે મંગલાચરણ કરીને વંદના કરીને, આચમન અને પ્રાણાયમ કરી શાંતિપાઠ કરવો. શાંતિપાઠથી મન અને અંતરની શુદ્ધિ થાય છે. ભાગવત પુરાણ આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે; એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધાં જ પાપોમાંથી મુક્ત થાય છે. શુકદેવજી એ પણ કહે છે કે, ધર્માત્મા મનુષ્યે જીવનમાં સત્ય, યશ, ધર્મ અને વિજયને રસ્તે ચાલવા માટે તથા પાપના ક્ષય માટે અને અંતે મોક્ષની પ્રાપ્તિ માટે ભાગવતશાસ્ત્રનું સદૈવ શ્રવણ તથા સ્મરણ કરવું જોઈએ જેથી સત્યના માર્ગ પરથી જીવનભર મનુષ્ય ચલિત ન થાય. જ્યાં સત્ય છે ત્યાં જ ધર્મ છે. અને, ધર્મનું જ્ઞાન નીડરતા અને કર્મફળની ભાવના રાખ્યા વિના પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખવે છે.
પૂજન વખતે ષોડશોપચાર- સોળ પ્રકારમાંના દરેક ઉપચાર માટેના મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ ષોડશોપચાર છે, આવાહનમ્, આસનમ્, પાદ્યમ્, અર્ધ્યમ્, આચમનીયમ્, સ્નાનમ્, વસ્ત્રમ્, યજ્ઞોપવીતમ્, ચંદનમ્, પુષ્પમ્, ધૂપમ્, દીપમ્, નૈવેદ્યમ્, તામ્બૂલમ્, દક્ષિણામ્, નમસ્કારમ્. આ સોળ ઉપચારથી થતાં પૂજન પછી પ્રદક્ષિણા કરીને ક્ષમા પ્રાર્થના અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો આચાર છે. એક સવાલ અહીં થાય એ સ્વાભાવિક છે કે આ સોળ ઉપચાર શા માટે? એની સમજણ આપણે આપણા રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ તો તરત જ પડે છે. આપણા દ્વારે, ખાસ પ્રસંગે કોઈ આવે એ માટે આપણે આમંત્રણ પાઠવવું જોઈએ. પ્રસંગના નિર્ધારિત દિવસે, સ્વચ્છ અને પાવન કરેલી જગામાં આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંથી પૂજનના તર્કને સમજવાનું શરૂ કરીએ તો સમજાય છે કે શ્રીમદ્ ભાગવતની પૂજન વિધિનું મહત્વ શું છે અને શા માટે છે. આપણે એ વિચારીએ કે આપણા સ્નેહી સંબંધીઓને કોઈ આનંદના પ્રસંગે બોલાવતી વખતે કાળજી રાખી છીએ તો આ તો ભાગવત સપ્તાહ માટે ગ્રંથનું અને દેવતાઓ, ગ્રહો, દિશાઓ અને પરમ શાંતિનું આહવાન કરતી વખતે પૂજન અને મંત્રોચ્ચાર તો હોય એ સ્વાભાવિક છે. સોળ ઉપચારથી પૂજન કઈ રીતે કરવું એના મંત્રો ભાગવતમાં મળે છે. આચાર્યગણ આ ષોડશોપચારના મંત્રોચ્ચારથી સ્થાન, દિશાઓને પવિત્ર કરીને, ગ્રંથની સ્થાપના કરે/કરાવે છે જેથી યજમાનગણ સીધા જ ક્રિયા સાથે જોડાય છે. આ પૂજન વિધિ શરૂ કરતાં પહેલાં શાંતિપાઠ ખૂબ જ મહત્વનો છે. શાંતિપાઠથી મન અને અંતર કામ, ક્રોધ, લોભ અને મોહથી મુક્ત થાય છે. આપણું હ્રદય, મન અને શરીર ધરતી સમાન છે. વાવાઝોડું ચાલતું હોય, અનરાધાર વરસાદ પડ્યા જ કરતો હોય કે ત્રસ્ત અને તપ્ત જમીન પર પાણીનો દુકાળ હોય, તો એવી પ્રલયકારી અથવા તો તરસી, તપ્ત અને ત્રાહિત જમીનમાં જો બીજ રોપો તો કઈં ઊગતું નથી. ધરતી પણ શાંત અને સમથલ હોય તો જ રોપેલું બીજ સ્વીકારે છે. શાંતિપાઠ અને પૂજન વિધિ હ્રદય, મન અને શરીરની જમીનને સમથલ અને શાંત કરે છે જેથી પવિત્ર ભાગવત કથાનું શ્રવણ, પઠન અને સ્મરણ કરતી વખતે આપણે પ્રભુ સાથે એકરુપ થઈએ છીએ અને સાંભળેલું કે વાંચેલું હોય એનું બીજ અંતરમનની જમીન પર સહેલાઈથી રોપાઈ જાય છે. એક વાર આ બીજ રોપાયું પછી તો એ વટવૃક્ષ દિવસે દિવસે વધતું જાય છે. આપણને એની છાયા જીવનમરણની રાહમાં સદા મળતી રહે છે. દરેક પૂજન વિધિના મંત્રોથી ભૌતિક રીતે આપણે ઈશ્વરનું આવાહન જ નથી કરતાં પણ, આપણા આત્મામાં, શરીરમાં દૈવી તત્વો અને એની સમજ વિરાજે એવી ભાવના કરીએ છીએ કારણ પરમાત્મા સર્વવ્યાપી છે અને દરેક ચર-અચરની દરેક ઈન્દ્રિયોમાં વસે છે. આ પરમાત્માની પીછાણ માટે યજમાન સહિત સહુ શ્રોતા અને વાચકોને અંતરમન અને શરીરની ઉર્જા સાથે પવિત્રતાથી એકરૂપ થવું જરૂરી છે. ફૂલ, ચંદન, ચોખા, કંકુ, સ્નાનવિધિ, વસ્ત્રગ્રહણ, દીપક પ્રગટાવવો, જળપ્રેક્ષણ, પ્રદક્ષિણા, આચાર્યગણ, દેવતાગણ અને શ્રીમદ્ ભાગવતના ગ્રંથને સાષ્ટાંગ નમસ્કાર, આ બધી જ વિધિ શ્રોતા અને વાચકોના શરીર, મન અને આત્માને પવિત્ર કરીને, એમનામાં ભાગવત સપ્તાહને સાંભળવા અને વાંચવા માટે નિષ્ઠા અને પ્રતિબદ્ધતા – commitment ની ભાવના જગાવે છે અને માનસિક રીતે શ્રીમદ ભાગવત સાથે જોડે છે.
આવતા બુધવારે આપણે પ્રાર્થના, ધ્યાન, ન્યાસ અને વિનિયોગની વાત કરીશું. આ બધી જ ક્રિયાઓનું શાસ્ત્રોક્ત રીતે પાલન થયા પછી જ ભાગવત કથાનો આરંભ કરાય છે.
(વધુ આવતા બુધવાર અંકે)
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રારંભની પૂજન વિધિમા પૂજન વખતે ષોડશોપચાર દ્વારા – જ્યાં સત્ય છે ત્યાં જ ધર્મ છે. અને, ધર્મનું જ્ઞાન નીડરતા અને કર્મફળની ભાવના રાખ્યા વિના પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખવે છે.સ રસ સરળ ભાષામા સમજાવ્યું ધન્યવાદ
LikeLike