રોજની જેમ આજે પણ અમે સૂર્યને હરાવ્યો હતો. એની પહેલાં જ ઊઠીને દાડીએ જવા નીકળી ગયા હતા. આગળ મા માથે તગારું ઊંચકીને ચાલતી હતી. તેના પતરામાં ગંધાતા કપડા નીચે અમારા ભાથાં મઘમઘતાં હતાં. રોટલા એકબીજા પર ચડીને બેઠા હતા. ત્રણ નાનાં વાસણો ખખડ્યા વિના સંપીને બેઠાં હતાં. મા, વીજુ અને મારી જેમ. વીજુ મારી બેન. એય દાડિયે હારે જ આવતી. મને ભણાવવા માટે એ બાપડી ભણી ન શકી. જોકે મને ભણાવવા માટે ન ભણી શકી કે માએ એને નિશાળે જ ન મૂકી એટલે, એ મને સમજાતું ન’તું. હું કે’તો કે વીજુડીને ભણાવી હોત તો મા.
મા કે’તી, “તો તને કુણ તારો બાપો રાખત?”
સાચી વાત છે બાપો તો રાખવા માટે હતો નહીં.
બાપા મરી જિયા પછી તો ભાઈભાડુંમાં ચપટીક સંપત્તિ માટે ઝગડા થવા માંડ્યા. મારા બાપાને ૬ ભાઈ. છયે વચે છ વીઘા જમીન. એકને ભાગે એક વીઘો આવે. ઇમાય બાપાના ગયા પછી ભાઈઓએ ભાગ આપવાની ના પાડી, બધાએ કીધું કે લખમણિયાના દવાદારૂમાં બહુ ખર્ચો વેઠ્યો સે અમે. ઈ નથી તો બૈરાંને ભાગ ના મલે. મા તો વળી વટનો કટકો, સોય ઝાટકીને સંભળાવી દીધું કે, “તમારો ભાગ ને તમારું ખેતર મારા ખાહડે માર્યે. ભગવાને બાવડામાં જોર આલ્યું સે. મારા ભાંડરડાઓનું પેટ દાડિયું કરીને ભરીશ, પણ તમારું કંઈ ના જોવે.”
તે દિ’ની ઘડી ને આજનો દાડો, માએ ક્યારેય રજા રાઈખી નથી. દિવાળી હોય કે હોળી, ઉતરાણ હોય કે આઠમ. માને કંઈક ને કંઈક કામ હોય જ.
માની એક બહેનપણી હતી. જુગલી એનું નામ. એ પટેલ હતી. મા હારે બહુ માયા રાખતી. મારી માની દરિદ્રતાના સમાચાર ઈ મારા મામાના ઘરે પોંચાડતી. હારેહારે વખાણેય કરતી કે સમુડી તો ભારે હીંમતવાળી, છો-છો ફૂટના છો ભાયડા ટેક્ટર ભરતા હોય એમાં સમુડી એકલી, તોય કામમાં કોઈને પોંચવા ના દે એવી કામગરી. મારા મામાનો જીવ બળતો, પણ એ પોતે ટીબીનું ઘર, સવારે ખાધું તો સાંજે મળશે કે નહીં એ ય નક્કી નહીં. વળી મારા મામી કંકાસનો જીવતો જાગતો અવતાર. એટલે મામાને ઇચ્છા થાય તોય બાપડા અમને ઘરે બોલાવી હકતા નહીં. રડ્યાખડ્યા આંટો મારી જાતા. મારી માની આવી હિંમતની ઘણી વાતું મેં જુગલીકાકી પાંહેથી સાંભળેલી. એ મને માસીએ થાતી ને કાકીય થાતી. વીજુડીને ભણાવવાનું કેતો ત્યારે મા એમેય કેતી કે ઇને ભણીન ચાં વળી ધોળા લુઘરા પેરીન્ કાનમાં ભુંગરા નાંખવાના છે. ધોરા લુધરા એટલે નર્સનો ડ્રેસ અને કાનમાં ભુંગરા એટલે સ્ટેથોસ્કોપ. પણ માને એમાં વધારે ગમ ન પડતો, એટલે આવું જ કહેતી.
અમારા ગામમાં પાંચ ધોરણ હુધી નિશાળ હતી. પછી મને માએ છાત્રાલયમાં મૂકી દીધો. હું ભણવામાં પ્રમાણમાં હુશિયાર. મને ઘર કરતા સાત્રાલયમાં વધારે ફાવતું. ઘરે તો ખાવાના ઠેકાણાં ય નહીં. છાત્રાલયમાં તો બે ટાઇમ ખાવા મળે. એય ધરાઈને! એમાંય રવિવારે તો દાળભાત શાકરોટલી… હું પેટ ફાટી જાય એટલું ખાતો.
વેકેશનમાં ઘરે જતો ત્યારે દાડિયે લાગી જતો, મને ઇ જ રાહ હોય કે ચાણે વેકેશન પૂરું થાય ને પાછો છાત્રાલય જતો રહું. દસમા બારમા ધોરણમાં મારે સારા ટકા આવ્યા. ગામના સમજુ માણસો કેતા, “આને ભણાવ સમુડી.”
મા કેતી, “અતાર હુદી તો સરકારી સાત્રાલયમાં ભણાયો, હવે મારો પનો ટુંકો પડે.”
કોકે કીધું, “અમદાવાદ નરસીં ભગતમાં મુકો. ફીય્ નૈં ભરવી પડે, સરકારી સાત્રાલય સે.” જેણે કીધું ’તું એણે જ બાપડાએ છાત્રાલયનું ફોર્મ લાવી આપ્યું. મેં ભરીને એને જ આપ્યું. એ અમદાવાદ જતો હતો, તો લેતો ગયો ને જમા કરતો આવ્યો. મારો નંબર પણ લાગી ગયો. હું અમદાવાદ ભણવા જતો રહ્યો. પણ એક તકલીફ હતી. રહેવા છાત્રાલયમાં મળે, પણ ભણવા માટે કોઈ પણ કૉલેજમાં પોતાની રીતે વ્યવસ્થા કરવાની. કૉલેજની ફી, પુસ્તકો, બસ ભાડું આ બધું કઈ રીતે પાર પડશે એ સમજાતું નહીં. પણ મા અને બેન ગમે તેમ કરીને પૈસા મોકલતા. મારો પૈસા લેતા જીવ નતો ચાલતો, પણ શું કરું?
જ્યારે શિયાળો આવે ત્યારે ગામમાં ખાસ કંઈ કામ ન રહેતું. મા અને બહેન કામ કરવા ગામતરે જતા. ‘સોરઠ ગયા’ એવું કહેતા બધાં. કાઠિયાવાડના કોઈ ગામમાં જવાનું, ગામના બસસ્ટેન્ડમાં, રોડની બાજુમાં, કોઈ ઝાડ નીચે, ઢોરની ગમાણમાં કે નકામા પડી રહેલા છાપરાની ઓથે પડી રહેવાનું અને આખો શિયાળો ત્યાં જ મજૂરી કરી ખાવાનું. કમાણી થાય તો ઠીક, ચાર મહિના ગામમાં વ્યાજવા પૈસા લઈને બેઠા-બેઠા ખાઈને દેવું તો ના કરવું પડે. મા-દીકરી એકલા આવી જગ્યાઓમાં રહેતાં. જોકે એ વખતે મને સામાન્ય લાગતું, પણ જેમજેમ મોટો થતો ગયો અને ખાસ કરીને કોલેજમાં આવ્યો ત્યારે મા અને બહેનની કાળી મજૂરી આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી.
મારું વેકેશન પડે ત્યારે હું પણ ગામડે જવાને બદલે મા જે ગામડે મજૂરીએ ગયા હોય ત્યાં જ સીધો પહોંચી જતો. મા જ્યાં મજૂરી કરવા ગઈ હોય તેનું સરનામું હૉસ્ટેલના ફોન પર ફોન કરી મને લખાવી દેતી. આઠમા ધોરણથી હું આવું જ કરતો. મારાં મોટા ભાગના શિયાળાનાં વેકેશનો આ રીતે બસ સ્ટેન્ડ કે ગમાણમાં સૂઈને મજૂરી કરીને જ પૂરા થતા.
એક વખત અમે સોરઠના એક ગામે મજૂરીએ ગયેલા. ગામના બસસ્ટેન્ડની બાજુમાં એક વડ હતો તેની નીચે અમે રહેતા. કપાસ વીણવો, મગફળી વીણવી, ખાળિયા ખોદવા, હલર હાંકવું જેવાં વિવિધ કામો આખો દિવસ કરતાં. દિવસની મજૂરીને અંતે સાંજે આ વડની નીચે આવી પાથરણું નાખીને સૂઈ જતાં.
હું, મા અને બેન રોજની જેમ સૂરજ ઊગે એ પહેલાં કામે જવા નીકળી ગયેલા. પંખી પણ બાપડાં ખોરાક શોધવાની મજૂરીએ નીકળી ચૂક્યાં હતાં. વાયરો કાનમાં ઠંડા સુસવાટા નાંખવામાં સફળ ન’તો થતો. માની ફાટેલી સાડી મફલર બનીને અમારા કાનનું રક્ષણ કરી રહી હતી.
ખેતરોમાં કામ કરતાં મા બધાને કહેતી, “મારો શંભુડો તો સેક અમદાવાદમાં કૉલેજ કરે સે.” આટલું કહેતા તો એ ફુલાઈને ફાળકો થઈ જતી. હું એની આંખમાં અને અવાજમાં ગર્વ અનુભવી શકતો. મને પણ સારું લાગતું. લોકો મારી સામે આશ્ચર્યથી જોઈ રહેતા. ઘણાને નવાઈ લાગતી કે આમ બસ સ્ટેન્ડમાં પડ્યા રહેતા મજૂરિયાનો છોકરો થોડો કંઈ કૉલેજ કરતો હોય? માની વાત પર શંકા જતી. પણ તોય મા હરખથી બધાને કીધા કરતી.
અમુક માણસો એમ પણ કહેતા, “સારું કહેવાય હોં બેન, ભણે સે તોય બિચારો બસસ્ટેન્ડમાં સુઈને મજૂરી કરે છે. બાકી આજકાલ ભણતા સોકરાને તો કંઈ કામ નથી સોંપાતું બાપા… અમારો નવીનિયો ય ભણે સે… પણ બાપા ઈની આગળ તો પાણીનો પાલોય ના મંગાય…”
ચાર પગે ચાલતાં પ્રાણીની જેમ અમે વાંકા-વાંકા મગફળી વીણતા હતા. મારા ચાસમાં હું બધાથી આગળ પહોંચી ગયો હતો. મારી ઝડપ સારી, એટલે ચપોચપ વીણતો હંમેશાં આગળ રહેતો. શેઢે પહોંચ્યા પછી હું મા અને બહેનનો ચાસ પૂરો કરવામાં મદદ કરતો. ખેડૂત બાઈ મારી સામે અહોભાવથી જોઈ રહેતી.
માએ પૂછ્યું, “રોજ તો તમે બપોરે ભાત લઈને આવો સો આજે વેલા આવી જ્યાને કંઈ, ભાતું હવારે વેલા બનાવામાં તકલીફ તો પડતી હૈશે નંઈ…”
પેલી બાઈએ કીધું, “નારે ના બોન, મારી હાહુ બનાવી નાખશે આજે, અને અમારો નવીન્યો ભણીન્ આયો સે તો શું કામનો. આજે ઇ ભાતું લઈને આવશે. આટલું કામ તો કરી જ હકેને…”
“હારું હારું…” માએ જવાબ આપ્યો.
બપોર સુધી એકધારા વાંકા-વાંકા મગફળી વીણ્યા કરવાથી કમર બટકું બટકું થઈ રહી હતી. મોઢે હું બુકાની બાંધી રાખતો જેથી ઉનાળાનો તાપ ન લાગે, પણ એના લીધે પાછી ગરમી બહુ થતી. માથે લોટો ભરીને પાણી રેડ્યું હોય એવો પરસેવો વળ્યો હતો. માથું ઝીંથરા જેવું થઈ ગયું હતું. કોઈ કહે કે આ છોકરો કૉલેજ કરે છે તો ચોક્કસ એ મા ઉપર હસે જ. પોણા એક થયા છતાં કોઈ ખાવાનું નામ નતું લેતું. મારા પેટમાં ખેતરના કૂવા જેટલો ઊંડો ખાડો થઈ ગયો હતો. હું મનોમન પેલા છોકરાને ગાળો દેવા લાગ્યો કે આ હવે જલદી ગુડાય તો સારું. ખેડૂતબાઈ પણ બોલી, “આજે મારા લાલે બહુ મોડું કર્યું. છોકરાવને એક દાડો આવવાનું હોય ઈમાય જોર આવે. મને ઘરનો ધકો ના કરાવે તો સારું આવડો ઈ…”
ત્યાં દૂરથી મોટર સાઇકલ આવતું દેખાયું. તરત બોલ્યા, “આ મારો નવીન્યો જ આવતો લાગે છે.” હું મારા ચાસમાં ખૂબ આગળ પહોંચી ગયો હતો. માએ બૂમ પાડી, “હાલ શંભુ, ખાવાનું આવી જ્યું.” “એ આયો…” કહીને મેં છેલ્લી મુઠ્ઠી ફાંટમાં નાખી. પરસેવો, ધૂળ અને તાપના લીધે હું બુકાની બાંધેલા ડાકુ જેવો લાગતો હતો. મા, બહેન, બીજા મજૂરો અને ખેડૂત બાઈ શેઢા પર પહોંચી ગયા. હું કુંડીએ હાથપગ ધોઈને મા-બહેન જ્યાં અલગ બેઠાં હતાં ત્યાં ઊંધો ફરીને બેસી ગયો. ઠામણાં કાઢ્યાં. અમે રોટલા ઘરેથી બનાવીને લાવતા, શાક ખેડૂતો આપતા. અમારા રોટલા અમે એક કપડામાં ગોઠવ્યા. મા એક મૂળો અને થોડાક મરચાં ખેતરમાંથી વીણી લાવી હતી. એ ગોઠવ્યા. મને વાસણ આપતા કહે, “લે લઈ આય.” મને આમ નીચું વાસણ રાખીને માગવામાં બહુ શરમ આવતી. પણ મોટે ભાગે પુરુષ તરીકે આ કામ મારે જ કરવાનું થતું. મેં ત્રણેયના ઠામણાં લીધાં અને ખેડૂત ખાવા બેઠા હતા તે બાજુ ધરી દીધાં. પેલો છોકરો ઊંધો ફરીને સાંઠીકું લઈને જમીન ખોતરતો હતો. એની મા મારું ઉદાહરણ આપતી હતી, “કંઈક શીખ, પેલી બાઈનો છોકરો મજૂરી કરીને ય કૉલેજ કરે છે.” એ મૂંગા મોઢે સાંભળી રહ્યો હતો. મારા વાસણ મૂકવાનો અવાજ સાંભળીને એની મા કહે, “જા આપી દે એમને… એ તપેલું લઈને નજીક આવ્યો અને વાસણને અડકી ન જવાય એવી સાવધાનીથી વાસણમાં શાક નાખવા માંડ્યો. એ ખાવાનું પીરસવામાં મગ્ન હતો અને હું લેવામાં. અમારી બંનેની નજર એક સાથે મળી. તેનો ચહેરો જોતા જ મારી છાતીમાં ભાલો ભોંકાયો હોય એવી પીડા મને થઈ. મગફળીના ચાસમાંથી અચાનક કોઈ સાપ આવીને મને કરડી ગયો હોત ને હું મરી ગયો હોત તો સારું હતું એવું મને થવા લાગ્વું. મારા ધ્રૂજવા લાગ્યા ને વાટકો ઊંધો પડી ગયો.
“શું થ્યું શંભુડા?”
“ક-ક-કંઈ નંઈ…”
“અલ્યા નવીન્યા ધેન રાખીને આઈપને…” પેલી ખેડૂતબાઈએ છોકરાને ટપાર્યો. “તો તમે આપો લો… છણકો કરીને એ હાલતો થિયો. ક્યાં જાય છે, મારે કામ છે, કહીને તે મોટરસાઇકલને કીક મારીને જતો રહ્યો….”
હું વગર દોડ્યે ય હાંફી રહ્યો હતો. મારું મોઢું જોઈને માને ખબર પડી ગઈ કે નક્કી કંઈક થયું છે. હું વગર બોલ્યો ખાવામાં ધ્યાન આપવા લાગ્યો, પણ કેમેય કોળિયો ગળા હેઠે ઉતરતો નહોતો. મને મજા નથી કહીને હું ઊભો થઈ ગયો અને દૂર ઝાડની નીચે જઈને સૂઈ ગયો. પણ ઊંઘ આવે તો ને. દુનિયાનો અનુભવ લઈને બેઠેલી મારી મા કદાચ બધું સમજી ગઈ. એ કંઈ બોલી નહીં. વીજુડી મને ખાવા બોલાવવા ઊભી થઈ, માએ એને રોકી, કીધું, “ખઈ લે, ઈ અતારે નહીં ખાય…”
હું ઝાડ નીચે આડો પડ્યો પડ્યો ભીની આંખે વિચારતો રહ્યો. બપોર પછી કામે ચડવાનો સમય થઈ ગયો. હું વગર બોલ્યે કામે ચડ્યો. ઝડપથી મગફળી વીણી, સૌથી આગળ પહોંચી એકલો એકલો કામ કર્યા કરતો, જેથી કોઈની નજરનો સામનો ન કરવો પડે. સાંજ પડતાં પડતાં જાણે વર્ષો વીતી ગયાં.
સાંજે છૂટીને અમે ગામ પાદરના અમારા ઉતારે પહોંચ્યા. વડલાની નીચે ગાયું-ભેંસુંના પોદળા પડ્યા હતા. અમારા પાથરણાં ઉપર જાણે ગાયમાતાએ ગાર્ય કરી આપી હતી. મને બહુ ચીડ ચડી મેં જોરથી પાથરણું ઝાટક્યું અને અંદરનું છાણ ચારેબાજુ ઊડ્યું. થોડું મા પર પણ ઊડ્યું. પણ તે જરાકે ગુસ્સે ન થઈ. તેણે મારી સામે જોઈ હસીને ખંખેરી નાખ્યું. ખબર નથી, એ મારો તાગ લેવા માગતી હતી કે શું?
“શંભુ, શું થયું દીકરા,” આખરે એણે પૂછ્યું. “હું જોઉં છું બપોરનો તું બઘવાયેલો છે. ઓલો સોકરો આયો તારનો… તું…?”
“એ મારી સાથે જ ભણે છે. એક જ ક્લાસમાં. મારી જ બેન્ચ પર બેસે છે એ.”
“તો ઈ તો સારી વાત કેવાય. એમાં આમ ગભરાવાની શું?”
“ત્યાં, કોલેજની બારે, લારીએ, એ મારી સાથે બેહીને પફ, વડાપાંઉ ને દાબેલી ખાતો તો… આયાં મને ઈ હાથ અડી ના જાય એમ ઊંચું રાખીને આપતો તો….”
“જેવો દેશ તેવો વેશ, બટા, જેવી રીત તેવા રિવાજ. આંયાં ઈને આવું કર્યું, ત્યાં તો નથી કરતો ને?”
“પેલો નતો કરતો, હવે ખબર નથી….”
“હવેય કરશે, હવેય નહીં કરે બટા, ભણેલામાં આવા ભેદ ના હોય, આ બધી અભણોની અંધશ્રદ્ધાયું…”
સારું. કહીને પ્લાસ્ટિકનું ડબલું લઈને હું કુંડીએ પાણી ભરવા જતો રહ્યો ને મા-બહેન રાંધવામાં પડ્યાં.
એક સમયે મારો મિત્ર ગણાતો અત્યારે મારો શેઠ છે ને હું એનો મજૂર…. મારી ડિસમાંથી દાબેલીનો ટુકડો લઈ લેતો જણ અત્યારે મને ઊંચા હાથે આપતો હતો… હવે એ કોલેજમાં મારી સાથે પહેલાં જેવી જ દોસ્તી રાખશે ખરો? મારા મનમાં અનેક વિચારો વાવાઝોડાની જેમ વાવા લાગ્યા. પાણીનું ડબલું કુંડીમાં ડબોળ્યું, ડબડબ ડબલામાં પાણી ભરાવા લાગ્યું. એ સાથે મારા મનમાં પણ અનેક વિચારો ડબડબ કરીને ભરાઈ રહ્યા હતા.
પાછો આવીને હું વડને ટેકે બેઠો. માને કદાચ સમજાઈ ગયું હતું કે મારા મનમાંથી હજી વિચારો શમ્યા નથી.
“શંભુડા, હાલ્ય હવે ખૈ લઈ. બપોરે ય હરખું નથી ખાધું તેં…”
મને હજીયે ભૂખ નહોતી, પણ મા કંઈ વધારે ન સમજે એટલે હું પરાણે ખાવા બેઠો. પણ કોળિયો ગળા નીચે ઉતરવાનું નામ નહોતો લેતો.
જમીને સાંજે હું ગામમાં આંટો મારવા જતો. પાનના ગલ્લે થોડું ઊભું રહેતો. પણ આજે કશે જવાનો મૂડ નહોતો.
શંભુડા, હું દુકાને જતી આવું, થોડી વસ્તુ લેતી આવું. કહીને મા ગઈ. મેં ખાલી હોંકારો ભણ્યો.
જમ્યા પછી ઝાડને ટેકે બેઠો હું વિચારી રહ્યો હતો. મા દુકાનેથી પાછી આવી ત્યારે તેની સાથે નવીન પણ હતો. મારી પાસે આવીને એ બોલ્યો. અલ્યા સંભવ… સંભવ મારું કૉલેજનું નામ. હું ક્રિકેટ ખૂબ સારું રમું છું. એટલે કોલેજની જે ટીમમાં હું હોઉં એ એમ જ કહે કે, શંભુ છે તો સંભવ છે. અને મારું નામ બધાએ સંભવ પાડી દીધું. “અલ્યા સંભવ… સોરી યાર, કાલે મેં તને જોયો એ વખતે તું બઘવાઈ ગયેલો, એટલે હું કશું બોલ્યો નહીં અને હુંય થોડો અસમંજસમાં હતો. શું કહેવું સૂજતું નહોતું, એટલે ત્યાંથી તરત નીકળી ગયો, વળી બપોરે ક્રિકેટમેચ પણ રાખી હતી. એટલે રોકાય એવું નહોતું. પણ તેં તો ક્યારેય કહ્યું જ નહીં કે તું….”
મજૂરી કરું છું, બસસ્ટેન્ડોમાં સૂઈ રહું છું એમ જ ને? કટાક્ષ કરતો હોઉં એમ મેં પ્રશ્ન કર્યો.
સારું થયું, તારાં મમ્મી મળી ગયા દુકાને. થયું કે તને મળતો જાઉં. અને સાંભળ, હું કૉલેજમાં કોઈને નહીં કહું આ બનાવ વિશે.
જો કહેવા જેવો પ્રસંગ આવે અને કહીશ તો મને ખોટું નહીં લાગે.
પણ સાચું કહું સંભવ,
હું ફિક્કું હસ્યો. મનમાં થયું ક્યાં કૉલેજનો સંભવ અને ક્યાં આ શંભુડો!
મને તારા પર ગર્વ છે, તું આવી સ્થિતિમાં રહીને પણ કૉલેજમાં અવ્વલ રહી શકે છે, મારી જેવા બધી સગવડો ભોગવીને ય નથી કરી શકતા એ તું મુશ્કેલીઓમાં રહીને કરે છે.
આવી બધી વાતો કરીને તે છુટ્ટો પડ્યો. માએ કીધું, હું કહેતી હતીને? ભણતા હોય એમના મનમાં એવું કંઈ ન હોય. બધું સમજતાં હોય.
દિવાળી વેકેશન પત્યું એટલે મા અને બહેનને બસસ્ટેન્ડમાં જ છોડીને છાત્રાલય તરફ પ્રયાણ કર્યું. કૉલેજમાં ગયો. ક્લાસમાં જઈને મારી એ જ જૂની બેન્ચ પર બેઠો. હજી બધા વિદ્યાર્થીઓ આવ્યા નહોતા. અમુક છૂટા છવાયા હતા. હું નવીન, વડાપાઉં, ક્રિકેટ, મજાકમસ્તી વગેરેના વિચારોમાં ખોવાઈ ગયો. ત્યાં નવીન આવ્યો. મેં હસીને એને આવકાર્યો, તેણે સ્મિત કર્યું અને મારાથી બે બેન્ચ આગળ પલ્લવની બેન્ચ પર બેસી ગયો. રીસેસમાં મેં પૂછ્યું કેમ છો, ક્યારે આવ્યો વગેરે… તેણે બધા જ જવાબ સારી રીતે આપ્યા, પણ છતાં ન જાણે એક અદૃશ્ય પરદો મારી આંખને ખૂંચતો હતો. એક જાડ્ડો કાચ જાણે અમારી વચ્ચે મુકાઈ ગયો હોય એમ લાગતું હતું. નવીન અને મારી વચ્ચે અંતર વધતું ગયું, ધીમેધીમે હું એની માટે ફરી સંભવમાંથી ફરી શંભુ બની ગયો.
પછાત વિસ્તારનાને હાલાકી વેઠવી પડે તેનો અનિલ ચાવડાએ વાર્તા –બપોરનું ભાથું મા
‘ મારા પેટમાં ખેતરના કૂવા જેટલો ઊંડો ખાડો થઈ ગયો હતો.’ અને ‘અભણોની અંધશ્રદ્ધાયું’ જેવા અનુભવો સંવેદનશીલ ભાષામા રજુ કર્યા .સમાજને આવી હાલાકી માટે જાગૃત કરવાનો સટિક પ્રયાસ
ધન્યવાદ
LikeLike
અનિલભાઈની વાર્તાઓ સીધી જ કાળજાને છરકો કરે એવી હોય છે.
LikeLike