(માનનીય શ્રી ભાગ્યેશભાઈ ગુજરાતી સાહિત્યનું એક ખૂબ જ ગૌરવવતું નામ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે કે જેમને જાણતો ન હોય. ભાગ્યેશભાઈની આ સીરીઝ “દાવડાનુઆંગણું” માં પહેલાં, (૧-૩૪ પત્રો) પ્રગટ થઈ ચૂક્યા છે. આજે (૩૫)મા પત્રથી આપણે પણ આ પત્રોને માણીએ. આ પત્રો એક સમર્થ સર્જકે અને વિદ્વાન પિતાએ પોતાની પુત્રીને લખ્યા છે.એમાં લાગણી છે, અને આસપાસની રમ્ય સૃષ્ટિની પણ વાત છે, સામાજિક સંવાદિતા, અને વિશ્વની બીનાઓનો ઉલ્લેખ પણ છે. આ બધા સાથે ક્યાંય પણ વિદ્વતાનો ભાર નથી વર્તાતો પણ સહજતા, સરળતા અને તાઝગી સભર વાતોનો પ્રવાહ વહે છે જે અંતરમનને ભીંજવી જાય છે. આ પત્રોમાં કાવ્યમયતા છે અને એ સાથે એક પિતાના મનની સચ્ચાઈ પણ છે. દરેક પત્ર એટલો ખમતીધર છે કે પોતાના પગ પર ઊભો રહેવા સક્ષમ છે. આપણે પણ આ પત્રોને પોતના કરીને માણીએ.)
પ્રિય પ્રાર્થના,
મઝા પડી ગઈ. યાદ છે, મારું ગીત, “મઝા પડી ગઈ… ” . સાપુતારાની મારી 1983ની મુલાકાત વેળાએ લખેલું.
યાદ છે ને પંક્તિઓ; ” આદિવાસી એકમેકને પકડે ત્યારે, એકમેકને પકડી પકડી નાચે જ્યારે,
પર્વત જેવો પર્વત પણ નીચે ઉતરે ત્યાં, મઝા પડી ગઈ… ” એ મઝાના ડાંગના દરબારમાં આજે ફરીથી એ લીલાછમ્મ ગુજરાતનો આંટો મારી આવ્યા. પ્રસંગ હતો પૂ. રમેશભાઇ ઓઝા [પૂ.ભાઇશ્રી]ના જન્મદિવસની ઉજવણીનો. એમણે ષષ્ઠીપૂર્તિ વખત ‘ના પાડીએ’ કે જન્મદિવસ તો ઉજવવો નથી, પણ થોડા અંગત મિત્રો સાથે સાંદિપની વિધ્યાલયના સાપુતારા પરિસરની મુલાકાત લેવી અને ત્યાં આવેલા પ્રાચીન નાગેશ્વર મહાદેવની પૂજા કરવી. પણ સાપુતારા એટલે સાપુતારા.. જીવતી કવિતા અને સમાધિસ્થ પર્વતોનું સાન્નિધ્ય. ખળખળ વહેતાં ઝરણાંનું નિર્દોષ વહેવું અને વાતોડિયાં વાદળ. વાદળ વાત વાતમાં સાપુતારાની શેરીઓમાં ઉતરી આવે. ચોખ્ખુ આકાશ થોડીવારમાં ધુમ્મસિયું, ના ધુમ્મસિયું નહીં, વાદળિયું થઈ જાય.. વાદળ ઉતરે એટલે ઉતારાની બારીને મોતિયા આવ્યા હોય એમ આખુ સાપુતારા ઝાંખું થઈને રુમમાં ધસી આવે. કશું દેખાય નહીં, ત્યાં પોતાની લાઈટનું અભિમાન લઈને એક ટ્ર્ક પસાર થાય. રુમની બારીમાંથી તો એ લાઈટના ફુવારાથી વ્હેરાતુ વાદળ જોવાનું. આરીથી લાકડું વ્હેરાતુ હોય તેવો અવાજ ના આવે પણ વાદળકણોની વિહ્વળતા મનને ભીંજવી દે. ભોળા આદિવાસીઓની કતાર અને ભોળાનાથની આરતીનો ઘંટનાદ એકબીજાના પૂરક લાગે. એવું કહેવાય છે કે ચોમાસામાં સાપુતારા સોળે કળાએ ખીલે છે. એના સન-રાઇઝ પોઇન્ટ પર ઉગતો ગુજરાતી સૂર્ય પૂર્વદિશાને જગાડે છે, એના ટેબલટોપ પર પહોંચીએ એટલે ગિરિશૃંગની માદક હવાથી લહેરાતું આકાશ મળે. વિશાળ ખીણ દરિયા જેવી લાગે, દૂર ખોબા જેવું ગામ ઘોડિયામાં ઉંઘાડેલા શ્યામ જેવું. અને આ એના સનરાઇઝ પોઇન્ટ પર સાંજે જઈએ અને અંધારુ થઈ જાય ત્યારે ઘોડાઓ વગર હેડલાઈટે જે રીતે રસ્તો શોધે છે તે દ્રશ્ય તો ગમી જાય તેવું હોય જ.
પણ મને તો મઝા આવવા જવાની આવી. બહુ ચિન્તકોએ કહ્યું છે કે માર્ગ પણ મંઝિલ છે, પડાવ અને ચઢાવના સૌંદર્યનું શું? ચઢતી વખતે અમે ગિરાધોધ પાસે ઊભા રહ્યા. “જળ પ્રપાત હે, વહો, નિરંતર!” આખું ગીત ગાયું. નાનકડો ધોધ પણ એની કક્કો બારાખડી ગુજરાતી.. એક શિક્ષક વિદ્યાર્થીઓને લઈને આવ્યા હતા. યુનિફોર્મમાં આવતા વિદ્યાર્થીઓ અને સહજ રીતે ખુલતો પાણીનો પ્રવાહ. મને ગિરાધોધ નાનો ના લાગ્યો કારણ આ બાળકોની આંખમાં એક મોટું આશ્ચર્ય ઉગી નીકળ્યું હતું, એમની આંખોમાં કુદરતના આ દ્રશ્ય માટે જે અહોભાવ હતો તે આખા દ્રશ્યને રમણીય બનાવતો હતો. વળતાં અમે ઉતર્યા આહવાને રસ્તે, મહાલના જંગલોની મસ્તી જોવા માટે. આ રસ્તે આવવું એક અનુભવ છે. એક ઝાડ નીચે એક મોટરસાઇકલ ચાલું રાખીને કોઇ આદિવાસી યુવાન કશુંક લેવા સામેના એક સાવ માંયકાંગલા ગલ્લા પાસે ગયો ત્યારે પેલી મોટરસાઇકલ અને પેલા ઝાડને હું જોઇ રહ્યો. પહેલાં તો એવું લાગ્યું કે જાણે કે આ ઝાડ બીડી પી રહ્યું છે. પણ થોડીવાર જોયા કર્યું તો લાગ્યું કે આ ઝાડ આ બીડી જેવી મોટરસાઈકલ માટેનો પોતાનો અણગમો સંતાડી નથી શકતું. અહીં ક્યાંક જોવા મળતા ‘સ્વચ્છતા ઝુંબેશ’ના બોર્ડ ખાસ્સા ફીક્કા લાગતા હતા. ધોધમાર લીલોતરીને લીધે ફાટફાટ સ્વચ્છતા… ચોખ્ખાઇ એટલી બધી કે માખીએ અહીં આવવું હોય તો વીઝા લેવો પડે.
નિસર્ગના આ આહલાદક સંસ્પર્શથી એક નવીન ઝંકૃતિ પામીને હું આજે પર્વત પરથી નીચે ઉતરી રહ્યો છું ત્યારે મારી સાથે સુરતના શ્રી દીપક રાજ્યગુરુ છે, સરસ વ્યક્તિત્ત્વ. માણસ નૈસર્ગિક હોય ત્યારે ભાષાને જે લાડ કરે એ આવા ઉત્સવોની ઋતુમાં કર્ણામૃત લાગે. દીપકભાઇ સભા સંચાલન કરતા હતા. બ્લ્યુડાર્ટના પાર્ટનર અને મોટા ઉધ્યોગપતિ અને દાનવીર શ્રી તુષાર જાનીએ એવું કહ્યું કે પૂ.ભાઇશ્રી હવે સીનીયર સીટીજન્સની ક્લબમાં આવી ગયા, એટલે એક નવોન્મેષી શિશુત્વ પ્રગટશે, પ્રગટાવવું પડશે. ત્યારે દીપકભાઇએ એ સીનીયરની વ્યુત્પત્તિ કરતાં કહ્યું, ‘સીનીયર એટલે સી નીયર, એટલે કે નજીકનું જુઓ.” આ વખતના ઉત્સવમાં મઝા એટલા માટે આવી કે અમે એટલે કે મુંબઈના શ્રીકરુણાશંકરભાઇ ઓઝા, શ્રી રમેશભાઇ જનાની અને શ્રી વિરેંદ્ર યાજ્ઞિક જેવા મિત્રો સાથે ખડખડાટ હસ્યા. મારો અનુભવ છે કે તમે ‘બ્રેક કે વેકેશન માટે જાઓ અને હસી ના શકો તો પર્વતો અને ઝાડ અને ઝરણાં પણ એમનો મૂડ બદલી નાંખે છે. મને તો હવે લાગે છે કે ‘હસવું એ જ જીવવું છે, ચાહવું એ જ જીવવું છે, હોવું એ જ જીવવું છે… ”
બસ, આજે તો આજ સાર છે, મઝા પડી ગઈ…
ભાગ્યેશ.
જય જય ગરવી ગુજરાત.
“જીવતી કવિતા અને સમાધિસ્થ પર્વતોનું સાન્નિધ્ય. ખળખળ વહેતાં ઝરણાંનું નિર્દોષ વહેવું અને વાતોડિયાં વાદળ. વાદળ વાત વાતમાં સાપુતારાની શેરીઓમાં ઉતરી આવે….” આવું સુંદર વર્ણન આખા પત્રમાં…મજા પડી ગઈ.
સરયૂ
LikeLike
મહાનુભાવ ભાગ્યેશભાઈ જાહ ની સાક્ષરતા ના શબ્દોએ વાચક ને સાપુતારા ની કુદરત નું આબેહૂબ દર્શન કરાવ્યુ છે.
ભુપેન્દ્ર શાહ
LikeLike