જીવનમાં સાવ અણધાર્યો વળાંક ઉપસ્થિત થાય તો કેમ કરીને પોતાને સંભાળશું?
જોઈએ રચના શું કરે છે?
૬. રચના રાજકુમારી…સરયૂ પરીખ
એ ઉનાળાની બપોરે હું મારી વ્હાલી સખી રચનાને અહોભાવથી જોઈ રહી હતી. નવા જ તૈયાર થયેલા ચણિયા ચોળી, કેવા સિવાયા છે એ જોવા માટે રચનાએ પહેરેલાં. કમરામાં દાખલ થતાં જ રચનાનાં મમ્મીનાં બોલાયેલાં શબ્દો, “અહો! મારી રચના રાજકુમારી!” એ દ્રશ્ય આજે એમ જ યાદ આવી ગયું… મારી એ સખીના લગ્ન દૂરના શહેરમાં હતાં. તેથી જ કદાચ હું મારા ઘેર અમારી મિત્રતાના મનરવમાં ખોવાયેલી હતી. રચના અને મારી ઘણી માંગણી છતાં, મારા મમ્મી પાપાએ મને લગ્નમાં જવાની ના પાડી હતી.
રચના દિલ્હી જેવા મોટા શહેરમાં ઊછરેલી. અમારે ગામ ભાવનગર, લગભગ દર વર્ષે એના નાનીને ઘેર વેકેશનમાં આવતી. તેના મોસાળમાં મામા-મામી, માસી વગેરેથી ભર્યા ઘરમાં ઘણાં મિત્રોનો જમેલો ચાલુ રહેતો. રમત ગમત અને વાતોમાં તે સ્નેહભર્યા વર્તનથી મિત્રોને બાંધી રાખતી. એ વખતે હું ચૌદ વર્ષની અને રચના મારા કરતાં ત્રણ વર્ષ મોટી તો પણ અમે ખાસ બેનપણીઓ બની ગયેલાં. વર્ષો સાથે અમારી મિત્રતા અનન્ય બની ગઈ. રચના કોલેજનો ઊંચી કક્ષાનો અભ્યાસ કરી રહી હતી પણ હંમેશા કહેતી કે, “હું અભ્યાસ વગેરે સરસ રીતે કરીશ, પણ મારું ભવિષ્ય તો એક સરસ મજાનું ઘર અને કુટુંબના સપના જુએ છે.”
જ્યારે એનું લગ્ન નક્કી થયું ત્યારે રચનાએ કાગળમાં લખ્યું હતું કે અજય એમની જ્ઞાતિનો જ છે. મિલિટરીમાં હોવાથી દેશની સરહદ પર છે….રચનાના મોટાભાઈ અજયને મળી આવ્યા હતા. રચનાના માતા-પિતાએ અજયના પિતા અને બે બહેનોને મુંબઈમાં મળી, સારું કુટુંબ છે તેની ખાત્રી કરી લીધી હતી. અજય વેવિશાળ વખતે દિલ્હી આવ્યો ત્યારે તેની સાથેની મુલાકાત પછી રચનાએ લખ્યું હતું…,”મારા તરફથી એટલું જ કહું કે -મેરે મહબૂબમે ક્યા નહીં!” મીઠી કોયલની જેમ ચહેકતી રચનાનો કાગળ વાંચી હું પણ ઝૂમી ઊઠી હતી. ત્રણ ભાઈઓની લાડલી બહેનનાં લગ્ન દિલ્હીમાં ધામધૂમથી થઈ ગયા.
લગ્ન પછી પંદર દિવસમાં રચના એક દિવસ એકલી અમને મળવાં આવી ચડી. નવદંપતિ અમદાવાદ તેમના સગાને મળવા આવેલાં ત્યારે રચના એક દિવસ માટે ખાસ ભાવનગર આવેલી. હું તેનાં લગ્ન વખતના ફોટા જોઈ, સુખી ભવિષ્યના કાંગરે નિશંક વિરાજતી રચનાને ખુશી ખુશી જોતી રહી. અજય નહોતો આવ્યો પણ રચનાની વાતો પરથી તેનું મજાનું છાયાચિત્ર માનસપટ પર દોરાઈ ગયું હતું. રચના નવો સંસાર શરૂ કરવાની અનેક વાતો કરતી રહી. બે મહિના પછી એ સરહદ પર અજય સાથે રહેવા જવાની હતી. અમને થયું, વાહ! ચલચિત્રની વાર્તા જેવું બધું સરસ ગોઠવાઈ ગયું.
પછી છએક મહિના સુધી રચનાનાં કાંઈ સમાચાર નહોતાં તેથી હું કલ્પના કરતી રહેતી કે, એ કેવી આનંદમાં હશે અને કેટલા ઉત્સાહથી એનો ઘરસંસાર ગુંજતો હશે! એવામાં એક દિવસ એના માસીનાં બેનપણી ઘેર આવ્યા અને કહે,
“રચના તો તેનાં મમ્મીને ઘેર પાછી આવતી રહી છે.” મને આ સમાચાર તીરની જેમ વાગ્યા. એવું શું કારણ હશે? હું માનવા કે એ વાત કોઈને કહેવા, તૈયાર ન હતી. મને થયું કે એવું શક્ય જ ન હોય અને હું એ વાત દબાવી રાખું તો એમ જ ઓસરી જશે. આંખ આડા કાન કરું તો હવામાં ઓગળી જશે…મારી સખી, જે દર પંદર દિવસે લાંબો કાગળ લખતી, તે સાવ ચૂપ થઈને દૂર દેશમાં જાણે ખોવાઈ ગઈ હતી. એના ઊડતાં સમાચારો આવતાં. મારા પત્રોનો જવાબ નહોતી આપતી પણ, મને ખાત્રી હતી કે એ બનશે ત્યારે જરૂર મારી હુંફાળી લાગણીનો સહારો લેશે. મહિનાઓ પછી કોઈ મિત્રના લગ્ન પ્રસંગે અમારા ગામ આવી ત્યારે મારે ઘેર ઓચિંતી જ આવીને ઊભી રહી. અમારી બન્નેની આંખો મળતાં જ કસીને બાંધેલી હિંમતની પાળ તૂટી પડી અને આંસુ ધસી આવ્યાં. એ રાત્રે અગાશીના એકાંતમાં તેણે બધી વાત વિસ્તારથી કહી.
રચના બોલી, “મારા લગ્ન ધામધૂમથી થઈ ગયાં. ઘરમાં ખુશીનાં માહોલમાં અતડા રહેતા અજયને મેં ‘ગંભીર સ્વભાવ’ હશે એમ માની લીધો. સુહાગરાત ખાસ વિશિષ્ઠ ન હતી. ‘સંમતિ લગ્નમાં, પ્રેમ-લગ્નનો ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે. અમે એકલાં હશું ત્યારની વાત જૂદી જ હશે. હું તેને એટલો પ્રેમ આપીશ કે એ મારો જ બનીને રહેશે’.
“અજયને સરહદ પર એની ફરજ પર પહોંચવાનું હતું. હું મમ્મીને ઘેર બે અઠવાડિયા રહી અને બધો જરૂરી સામાન લઈ, અતિ ઉત્સાહથી મારું ઘર વસાવવા અજય પાંસે પહોંચી ગઈ. ઘેર આવ્યાં પછી મારા ઉમંગભર્યાં આલિંગનના પ્રતિભાવમાં તેના ઉમળકાનો અભાવ અનુભવ્યો. મને સારી રીતે ઘર વ્યવસ્થા બતાવી, રસોઈમાં મદદ કરી, પણ એકાંતમાં ન કોઈ જુવાળ કે ન કોઈ રોમાંચક સ્પર્શ. ઠંડો આવકાર અને નોકર ટોમીની સતત હાજરીથી મને જરા અચરજ થયું, પણ મારા આદર્શ પત્ની બનવાનાં અરમાનોને અજય વિષે કશું અજુગતું દેખાતું જ નહોતું….
“પહેલાં બે દિવસ તો હું પણ ઘર વ્યવસ્થિત કરવાના કામને લીધે થાકેલી હતી તેથી તેની ઊર્મિરહિત વર્તણૂક મને ધ્યાનમાં ન આવી, પણ ત્રીજી રાત્રે મેં તેને વ્હાલ કરી પૂછ્યું કે, ‘કેમ દૂર સુતો છે?’ તો થાકનું બહાનું કહીને, પડખું ફરીને ઊંઘી ગયો. રાતના અંધારામાં મારા અંતર સ્પંદન નીરવ બની ગયા.” …રચનાનો અવાજ લાગણીના વ્હેણમાં અટવાઈ ગયો.
“એક વખત બપોરે હું બહારથી ખરીદી કરીને આવી ત્યારે ટોમીને અમારા શયનખંડમાંથી જલ્દીથી બહાર નીકળતા જોયો, પણ સવાલ પૂછતાં મને સંકોચ થયો. આમ મૂંઝવણ અને ઉષ્માહીન ઘરમાં પંદરેક દિવસ ગયા હતાં. એ રાત્રે હું નવરાત્રીના પ્રથમ દિવસે બાજુમાં ગરબા અને માતાજીની આરતીમાં ગયેલી. ત્યાં મેનેજરના પત્નીએ મને પૂછ્યું કે, ‘ટોમી ગેસ્ટહાઉસની ચાવી લેવા પંદર દિવસમાં બે વખત આવ્યો હતો, કેમ કોઈ આવ્યું હતું?’ એ સવાલનો જવાબ મારી પાંસે નહોતો.
“અકળાયેલું મન લોકોના ઘેરામાં બહુ ન લાગ્યું અને ત્યાંથી વહેલી નીકળી ગઈ. ઘેર આવી અજયને ચમકાવવા અમારા કમરામાં હસતી, હસતી જઈને ઊભી રહી… પણ અજય અને ટોમીને એકબીજા સાથે વીંટળાયને અમારા પલંગમાં સુતેલાં જોઈ મારા પર જ આશ્ચર્યની વીજળી ત્રાટકી!!!”… ઓહ! એવી વાત સાંભળી જાણે હવા સ્તબ્દ બની થંભી ગઈ.
રચનાને મેં આગળ બોલતાં રોકી. “રહેવા દે મારી બહેની,” કહી હું તેનો હાથ મારા હાથમાં લઈને બેસી રહી. થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈ રચના ફરી બોલી.
“ટોમી જટ ઊઠીને જતો રહ્યો પણ પછીની અજયની વર્તણૂકથી મને અત્યંત દુઃખ થયું. કશા સંકોચ કે શરમ વગર એ બોલ્યો, ‘સારું, હવે તને આ બાબતની ખબર પડી ગઈ. હાં, ટોમી આપણાં જીવનનો હિસ્સો બનીને રહેશે.’ તરત તો હું કશું બોલી ન શકી. આવડું મોટું જૂઠ! પરિસ્થિતીનું તથ્ય સમજતાં આંખે અંધારા આવી ગયાં. બહારના ઓરડામાં આખી રાત મારા ભવિષ્ય, મારા સ્વજનો અને સમાજ વિષે વિચાર કરતી બેસી રહી. એ રાતની એકલતા હું ક્યારેય ભૂલી નહીં શકું.
“બીજે દિવસે સવારમાં અજય આવીને મારી સામે બેઠો. મને મનમાં એટલી બળતરા થતી હતી કે એની સાથે નજર મેળવવાની શક્ય ન હતી. મારો પહેલો પ્રશ્ન, ‘તમે મારી સાથે લગ્ન શા માટે કર્યાં?’ તેના જવાબમાં અજય સામાન્ય વાત કરતો હોય તેમ બોલ્યો, ‘બધાને તું પસંદ પડી ગયેલી. ઘરનાં લોકો મારા લગ્ન કરાવવા માટે એવા પાછળ પડેલાં હતાં કે મારા નકારનું કોઈ કારણ જ ધ્યાનમાં નહોતા લેતા. અંતે તારી સાથે બધું સરળતાથી ગોઠવાઈ ગયું અને મને લાગ્યું કે તું મને સ્વીકારીશ.’
“’તેં મારી જિંદગી બરબાદ કરી નાખી…’ એવા મારા નિશ્વાસ પર એ કહે, ‘તું જરા સહકાર આપશે તો બધું ઠીક થઈ જશે.’ એ માણસની બેદરકારી અને બેજવાબદારી ભરી વાતો સાંભળી હું અવાચક થઈ ગઈ. એ ઘડીએ બધું તોડી ફોડીને ભાગી જવાનું મન થઈ ગયું. પણ મમ્મી-પપ્પા અને ભાઈઓને કેટલો મોટો ધક્કો લાગશે એ વિચારે અટકી ગઈ. કદાચ આ માણસમાં પરિવર્તન લાવી શકું! પ્રયત્ન તો કરવો જ રહ્યો. રાત્રે હું અમારી પથારીમાં સૂતી ત્યાં થોડી વારમાં ટોમી આવીને અજયની બીજી તરફ સૂઈ ગયો. મારાથી આ સહન ન થતાં એ દિવસથી મેં એ શયનખંડમાં રાતના પગ મૂકવાનું બંધ કર્યું. દિવસે અનેક રીતે સમજાવવા અને તેને સમજવા મેં પ્રયત્નો કરી જોયા. પણ દર વખતે અજય મને આ વ્યવસ્થા સ્વીકારી જીવવા માટે આગ્રહ કરતો રહ્યો.
“પહેલાંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે દશેરાને દિવસે મમ્મી આવ્યાં. એ તો ઉમંગ સાથે એની રચનાને ઘેર થોડા દિવસ રહેવાં આવ્યાં હતાં. મારો ઉતરેલો ચહેરો અને નિસ્તેજ આંખો જોઈ સમજી ગયા કે, ‘કાંઈક મુશ્કેલી છે.’ પણ આવી અજુક્ત હાલત હશે એની કલ્પના સુધ્ધા ન હતી. બે દિવસ પછી જેમતેમ હિંમત ભેગી કરી, મેં પહેલી વખત વિચારોને શબ્દોમાં ગોઠવી, મમ્મીને વાત કરી. એમનાં મુખ પર નિરાશા, ગુસ્સો અને અસહાયતાના ભાવો રડી રહ્યાં. અજયના વર્તનમાં ઉપેક્ષા અને રૂક્ષતા જોઈ તેની સાથે વાત કરવાનો કશો અર્થ મમ્મીને દેખાયો નહીં… હવે શું?
“મેં અજય સાથે વાત કરી કે ટોમીને છોડીને અમારું લગ્નજીવન બચાવવા કોઈ પણ ઉપાય બતાવે તો હું સહકાર આપવા તૈયાર છું. પણ એ તો, ‘ટોમી સાથેનો મારો સંબંધ સૌથી વધારે મહત્વનો છે અને એ સ્વીકારી આગળ વધવા તૈયાર હોય તો જ વાત કરવાનો અર્થ છે,’ એમ જણાવી ચૂપ થઈ ગયો…હવે નિર્ણય મારે લેવાનો હતો. મમ્મી સાથે મારી માનસિક અવદશાનું રાતદિવસ વિશ્લેષણ કરવાને અંતે, ‘મારો આમાં કશો વાંક નથી,’ એટલો આત્મવિશ્વાસ આવ્યો. લગ્ન ખંડિત થવાનું આવું અતિ ગુહ્ય કારણ કેમ કરીને સમાજમાં સમજાવીશ એ ચિંતા કોરી ખાતી હતી.
“છેલ્લે દિવસે મારા ગુસ્સાને હું કાબુમાં ન રાખી શકી. કાંપતા અવાજે અજયને મેં જણાવ્યુ કે, ‘આપણા સંબંધનું નિધન થઈ રહ્યું છે, અને તને હત્યારાના સ્વરૂપમાં જોઈ રહી છું. મને અને મારા સ્વજનોને વિના વાંકે આટલું દુઃખ પંહોચાડવા માટે તને ભગવાન માફ નહીં કરે. તને મારી આહ્ની એવી આંચ લાગે કે તું કદી સુખેથી જીવી ન શકે. મારી નજર સામેથી જતો રહે. તારો નિર્લજ ચહેરો ફરી નહીં બતાવતો…'” રચના આવેશમાં ધ્રૂજી રહી હતી.
“મહિનાઓથી પ્રયત્ન કરું છું, પણ મારા દિલના અરીસા પર ઘેરાયેલું જાળું છે તે સાફ નથી થતું. ફરી ક્યારે હસી શકીશ! મારા માટે જ નહીં, ઘરના લોકો માટે પણ મારા ભવિષ્યનો દોર જલ્દી હાથમાં લેવો પડશે.” રચના મારા ખોળામાં માથું મૂકી ઉદાસ નજરે અવકાશમાં જોઈ રહી. પછી મનોમન બોલતી હોય તેમ કહે, “મને લાગે છે કે અજયના બાપ અને બહેનો પણ આ ષડયંત્રમાં જોડાયેલાં હતાં.”
“ઓહ! ના ના, કોઈ એટલાં નિર્દય અને સ્વાર્થી થઈ શકે?”
રચનાની આ ધારણાનું પ્રમાણ મારા લગ્ન પછી થોડાં સમયમાં જ મળી ગયું. મારા સસરાને મળવા તેમના એક સજ્જન મિત્ર આવ્યા. તેમની સાથે વાતો કરતાં ખબર પડી કે તે અજયના સગા કાકા થતા હતા. એ વડીલ કહે કે મારે એક વાતની કબુલાત કરવાની છે. અજયના લગ્ન પછી રીસેપ્શન માટે અમે મુંબઈ ગયા ત્યારે રચનાને મળ્યા. રાતના અમે બે ભાઈઓ એકલા બેઠાં હતા ત્યારે મેં ભાઈને પૂછ્યું, “પેલો નોકર- માણસ અજયની સાથે ને સાથે કેમ ફર્યા કરે છે?”
“એ તેનો…, શું કહું? પ્રેમી છે. આ વાત અજયે થોડાં દિવસ પહેલાં જ કહી.”
વાત સાંભળી મને સખત ઝટકો લાગ્યો, “ભાઈ! તો એને આ છોકરી સાથે પરણાવ્યો કેમ?”
“રચના એટલી સુંદર અને સમજુ છોકરી છે કે અજયને સુધારી લેશે.” પિતાએ બચાવ કર્યો.
“મેં તેમને કહ્યું કે, ‘ભાઈ, તમે મોટું પાપ કર્યું છે’. એ દિવસ પછી ભાઈ કે અજય સાથે હું બોલ્યો નથી.” આ વડીલની વાત જાણી રચના માટે અમારું દિલ દર્દથી વધુ ખોતરાયું.
થોડાં સમયમાં જ રચનાએ ઘણી અઘરી પરીક્ષા પાસ કરી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી, સફળ વ્યવસાયિક જીવન વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓમાં પણ ઘણો ફાળો આપ્યો. તેનાં આકર્ષક વ્યક્તિત્વને લીધે સફર દરમ્યાન કેટલીક તક આવી અને ગઈ, પણ એનાં દિલને જીતનાર જીવનમાં કોઈ આવ્યો જ નહીં.
દિલ મારું એક વાર દઈ ચૂકી,
મેળામાં ઘેલી હું થઈ ચૂકી.
સ્નેહ ને સમર્પણના મેહ લઈ,
વાદળી બનીને વરસી ચૂકી.
માતાપિતાના ગયા પછી અને ભાઈઓ સાથેની પલક જલક મુલાકાત વચ્ચે એકલતાની સંવેદના રચનાને ઘણી વખત સતાવતી….છેલ્લે એક પ્રસંગ વિષે રચના કહેતી હતી. “નિવૃત્ત થયેલા મિલિટરીનાં સભ્યોને ભેટ આપવાના મેળાવડામાં હું મુખ્ય-મહેમાન હતી. એમાં અજયનું નામ બોલાતા મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું. મંચ પર આવીને ભેટ લેતા મારી સામે નજર મિલાવી શક્યો નહીં. મેં જોયું કે સાવ નબળો લાગતો હતો અને ધીમે ધીમે જઈ ટોમીની બાજુમાં બેઠો. મારા મનમાં ચણચણાટી થઈ કે એની સાથે કોઈ છે, જ્યારે હું એકલી છું!”
રચના રાજકુમારી
ત્રણ ભાઈની એકલ બહેની ગરવી ને લાડકડી,
માની મમતા બોલે, ‘મારી રચના રાજકુમારી’.
અમનચમનમાં ઊછરી કન્યા હીરદોરને ઝાલી,
દુધ મળે જો માંગે પાણી, દીકરી સૌની વ્હાલી.
સુજ્ઞ સુશીલા આશ ઉંમરે રાહ જુએ સાજનની,
ચારેબાજું શોધ ચલાવી ઉમંગથી પરણાવી.
મધુરજનીનાં રંગીન સ્વપ્નો સળગે તેના બોલે,
“મને ગમે આ નોકર બંદો, પહેલો એ પ્રેમી છે.
સૌની ટીકટીક કચકચથી હું કંટાળ્યો’તો એવો;
લગ્ન કરીને લાવ્યો તુજને છોડવવાને પીછો.”
ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન અટકાવે,
અનેક ડંખો સહીને કળથી કપટીને સમજાવે.
અરે! વિંખાયો માળો એનો શરૂ શરૂના રસ્તે.
અંતે ચાલી એક અટૂલી લાંબા જીવન રસ્તે,
અગર હોત જો સોણો સાથી સહેજે પ્રેમ પીરસતી,
ઘેરાયેલી હોત કુટુંબમાં આજે પ્યાર જતનથી.
——
સંજોગ; ઓક્ટોબર ૨૦૧૯માં ભારત જવું કે નહીં એ વિવાદ ચાલતો હતો, ત્યારે વડોદરાથી ભાઈએ કહ્યું કે આપણે દિવાળી દિલ્હીમાં ઉજવશું… રચના પણ ત્યાં મળશે. બસ તરત નિર્ણય લેવાઈ ગયો. દિલ્હીમાં બધાં વચ્ચે બે કિશોરીઓનું હસવાનું ચાલ્યું. “હું તને તારા ઘર સુધી મૂકવા આવું અને પાછી તું મને મૂકવા આવે…તું ઘેલી અને હું પણ ઘેલી…” “જા હવે, એ તો તું નાની તેથી…” ત્યાં મારી ભત્રીજી યાદ કરાવે, “એ સિનિઅર આન્ટી! અમારી સાથે પણ વાતો કરો.” અને હું અને રચના વર્તમાનમાં ખેંચાઈ આવીએ. એ અંતિમ મુલાકાત મનભરીને હૈયામાં સાંચવી અમે છૂટા પડ્યાં. તેનાં મિત્રો સાથે પાંચ દિવસના પ્રવાસમાં જવાની હતી.
પછી બે સપ્તાહમાં જ મારી હસતી રમતી સખી, રચના, નશ્વર દૂનિયા છોડી ચાલી ગઈ.
આતે કેવો જોગાનજોગ! સખીએ હંમેશા જીવન જીવતાં, અને સંકેલતા, બીજાને ખુશી આપી.
ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન અટકાવે,
અનેક ડંખો સહીને કળથી કપટીને સમજાવે.
અરે! વિંખાયો માળો એનો શરૂ શરૂના રસ્તે.
અંતે ચાલી એક અટૂલી લાંબા જીવન રસ્તે,
અગર હોત જો સોણો સાથી સહેજે પ્રેમ પીરસતી,
ઘેરાયેલી હોત કુટુંબમાં આજે પ્યાર જતનથી
સંવેદનશીલ ન કહેવાય ન સહેવાય તેવી નારી વ્યથાની
સ રસ કાવ્યમય અભિવ્યક્તી તેના આ અંજામ ‘ રચના, નશ્વર દૂનિયા છોડી ચાલી ગઈ.-‘
“સ્ત્રી એટલે સમર્પણની મૂર્તિ,
સ્ત્રી એટલે ત્યાગનો પર્યાય,…માંથી હવે મહિષાસુરમર્દિનીના તાંડવી સ્વરૂપ ….
LikeLike
પોતાના સ્વાર્થ ખાતર કોઈને કેવી રીતે છેતરી શકાય?
સત્ય સ્વીકારવાની તૈયારી ન હોય એના માટે કોઇપણ રચનાનું જીવન શા માટે બરબાદ કરવું જોઈએ?
LikeLike
લશ્કરમાં અફસર હોય એટલે ભણેલો તો હોયજ..!! પણ, બુદ્ધી કે સમજણ ન હોય એટલો બધો બુદ્ધુ હશે…?? લશ્કરમાં હોય એટલે માબાપનેજ ખુશ રાખવા??? દેશનો વિચાર કરવો અને પોતાનું અર્ધાંગ શરીર કહેવાય તેનોજ વિચાર નહીં કરવાનો.. એક કોડીલી કન્યાનો ભવ બગાડવો એ મહા પાપ કહેવાય..માબાપની સાથે તો રહેવાનું નથી, પછી શા માટે લગ્ન કર્યા..?? અને આ વાત જાણકાર માબાપ સૌથી વધારે ગુનેગાર ગણાય… પણ સમાજ એને કશું નહીં કહે..કહેવાવાળા તો કહેવાના, રચનાએ ચલાવી લેવું જોઈએ..!!!
ખરેખર આજે ભણતરની કિંમત છે, રચના વધારે ભણીને ઉચ્ચ પદવી પામી…પણ બીચારીને અંતે શું મળ્યું..?? એકલતાનું દુઃખ…બહુ કરૂણ વાર્તા…
LikeLiked by 1 person
“જીવનમાં સાવ અણધાર્યો વળાંક ઉપસ્થિત થાય તો કેમ કરીને પોતાને સંભાળશું?”
રચના રાજકુમારીની વાર્તાએ એક મંથન મનમાં જગવ્યું.
અજય જેવો લશ્કરનો જવાન ગે હોઈ શકે, એ માનવ સહજ ભાવ છે, પણ લશ્કરની શિસ્તમાં ઘડાયેલો માણસ કોઈ ગભરૂ યુવતીની જિંદગી કેવી રીતે અને તે પણ કોઈ ગુનાહિત ભાવ વગર બરબાદ કરી શકે? રચનાએ અજયને છોડી જવાનુ પગલું ભર્યું એ એકદમ ઉચિત છે, પણ શૈક્ષણીક સિધ્ધી મેળવી સવતંત્રતાથી પોતાના પગ પર ઊભા રહ્યા પછી આખી જિંદગી કોઈ બીજા પુરૂષ પર વિશ્વાસ ના કર્યો અને એકલતામાં જીવન વ્યતિત કર્યું, એ જાણે પોતાના પર જ અન્યાય કર્યો હોય એવું લાગ્યું.
LikeLike
મને તો રચનાની હિંમત સ્પર્શી ગઈ! સરયૂબેન, એ સમય માટે એ બહુ મોટું પગલું હતું કે પતિને છોડીને આવવું અને એ પણ એવા કારણોસર કે જે ન કોઈને કહી શકાય!.રચનાને એકલાં રહેવું પડ્યું પણ એ પોતાની શરતો પર પોતાની જિંદગી જીવી અને જીવવા જેવી બનાવી. રચનાને સલામ!
LikeLike