પાંચમો હપ્તોઃ
શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન મોટા પાયે શા માટે?
શ્રી સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં માર્ગશીર્ષ માહાત્મ્યમાં (અધ્યાય ૧૬) ના નીચેના શ્લોકમાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કેઃ
“મહારાજોપચારૈસ્તુ શ્રીમદ્ ભાગવતં સુત!
શ્રૃણ્વન્તિ યે નરા ભક્ત્યા તેષાં વશ્યો ભવામ્યહમ્!!”
અર્થાત્ઃ હે પુત્ર! જે લોકો મોટા આયોજનપૂર્વક તથા શ્રધ્ધા ને ભક્તિ પૂર્વક શ્રીમદ્ ભાગવતની કથા સાંભળે છે, તે સહુના વશમાં હું આવી જાઉં છું. હું એ સહુની સાથે થઈ જાઉં છું.
આ બહુ જ મોટી વાત પ્રભુ કહે છે. અહીં, શ્રી હરિ મોટા આયોજનની વાત કરે છે,
પણ, આના પહેલાં પ્રભુ એ પણ કહે છે કેઃ
“યઃ પઠેત્ પ્રયતો નિત્યં શ્લોક ભાગવતં સુત!
અષ્ટાદશપુરાણાનાં ફલમાપ્નોતિ માનવઃ!!”
અર્થાત્ઃ હે પુત્ર, જે પ્રતિદિન પવિત્રચિત્ત થઈને શ્રીમદ્ ભાગવતનો એક શ્લોક પણ કોઈ વાંચે એને અઢાર પુરાણોના પાઠ કરવાનું પુણ્ય ફળ મળે છે.
શ્રી હરિ સ્વયં આ રીતે વાત કરે છે પહેલા અને પછી મોટા આયોજનની વાત કરે છે તો, સાચે જ શું કરવું જોઈએ? સાદી વાત એ છે કે જો મોટું આયોજન કરવાનું શક્ય ન થાય કે થાય, તો પણ ભાગવત કથાને જેટલું વાંચી શકો કે સાંભળી શકો એટલું વાંચવું અને સાંભળવું જરૂરી છે કે જેથી મનમાં પવિત્રતા અને શુદ્ધતા સતત રહે. જ્યારે હરિના ગુણગાન સતત મનમાં ઊતરતા હોય, આંખો દ્વારા એટલે કે વાંચીને અથવા કાનો દ્વારા એટલે કે સાંભળીને, તો, કટુતા, પાપી વિચારો અને દુષ્ટતા મનમાંથી હટતી જાય છે અને સદવિચારો અને સત્કર્મો માટે પ્રીતિ વધે છે. આ સાદું સત્ય છે છતાં સંસારની મોહમાયામાં લપેટાયેલા લોકો કામ, ક્રોધ, મદ, લોભ અને મોહમાં ગળાડૂબ રહે છે, એથી ઈશ્વરની સાથે એકરૂપતા અનુભવી શકતા નથી. વાત તો માત્ર એટલી જ છે કે શ્રી હરિ જ્યારે સાથે હોય તો સંસારનો અસાર સાગર તરી જવાય છે અને આટલી નાની વાત ક્યારેક તો આપણે આજીવન સંસારીઓ સમજી શકતા નથી. હરીફરીને અનેક કથાઓ અને ઉપકથાઓ દ્વારા ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન પ્રભુમાં આસ્થા અને શ્રદ્ધા જગાવી હરિ સુધી પહોંચાડે છે અને જીવને પ્રભુમય કરે છે, જીવને શિવમય કરે છે. આગળ આપણે જોયું કે શ્રીમદ્ ભાગવત પુરાણનું મહત્વ સ્કંદપુરાણ, કે જે આમ તો શૈવપુરાણનું જ વિસ્તરણ છે, એમાં સમજાવવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવતની કથા સંસાર-સાગરની અંદર રહીને પણ કઈ રીતે જળકમળવત રહેવું એનો રસ્તો બતાવે છે.
હવે આપણે એ જોઈએ કે શ્રીમદ્ ભગવત કથાનું મોટું આયોજન શા માટે કરવામાં આવે છે અને એની પાછળ તર્ક શું હોઈ શકે? સંસારમાં કરોડો મનુષ્યો સુધી આ કથાનો રસ પહોંચાડીને, સહુને શ્રી હરિમય કરવાના છે. આ જ કારણોસર એક નિશ્ચિત સમય દરમિયાન સેંકડો કે હજારો લોકો સુધી ભાગવત પુરાણની વાત પહોંચાડવી હોય તો એ જેની પાસે સાધનો અને સામગ્રી હોય તે જો સામાજિક સ્તર પર કથાનું આયોજન કરે તો (સમાજશાસ્ત્રનો પહેલો બોધ) સમાજમાં નાના-મોટા, દરેક નાત-જાતના લોકો સમાનતાથી એક સાથે બેસીને ધ્યાનથી કથા સાંભળે અને પોતપોતાની શક્તિ પ્રમાણે સમજે તો સમાજ સક્ષ્મ અને સધ્ધર બને છે, એટલું જ નહીં, પરસ્પર સહકાર ને ભાઈચારો વધે છે. આમ થવાથી સમાજમાં વ્યાપક થતી નાત-જાતની અને વર્ગિક વિષમતા ઘટે છે. સમાજશાસ્ત્ર સાથે એક બીજી મોટી વાત જે અધ્યાહાર રીતે પ્રભુ કહે છે કે “આ કથાના મોટા આયોજનમાં કથા સાંભળવા આવનારા દરેક જીવ મારો અંશ છે અને મને પામવાનો સહુને અધિકાર છે.” ઈશ્વર માટે પ્રાણીમાત્ર સમાન છે. એના દરબારમાં પ્રાણીઓની જાતિ, જ્ઞાતિ, ધર્મ કે વર્ણ કોઈ બાબતનો ભેદભાવ થતો નથી. આ જ વસ્તુ ભાગવત પુરાણની કથાના મોટા આયોજન દ્વારા શ્રી કૃષ્ણ સમસ્ત સમાજને સમજાવવા માંગે છે, કારણ, ઊંચ-નીચ અને અન્ય ભેદભાવો સમાજમાં વધે છે ત્યારે જ સમસ્ત જગતમાં સમાનતા (Equality), સંતુલન (Equilibrium) અને સમતોલન (Balance) જોખમાય છે. (આજના સાંપ્રતકાળમાં આ જ તો થઈ રહ્યું છે.) જ્યારે માણસોના જીવનમાંથી સમાનતા, સંતુલન અને સમતોલન ખોરવાય છે ત્યારે વિવેક્બુદ્ધિ પણ નષ્ટ થાય છે. નાશ પામેલી વિવેકબુદ્ધિનો ભાર અને એના પરિણામો વ્યક્તિગતથી માંડીને આખા સમાજને, રાષ્ટ્રને અને ક્યારેક તો આખા જગતને ભોગવવા પડે છે. મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે આ જ થયું હતું. પાંડવો સાથે સમાનતાનો સ્વીકાર કરવામાં દુર્યોધન અને કૌરવોને અભિમાન આડે આવ્યું અને એમણે પાંડવોના દૂત થઈને ગયેલા શ્રી કૃષ્ણને સાફ શબ્દોમાં એક સોયના અણી જેટલી જમીન પણ પાંડવોને આપવાની ના પાડી. આ સાથે જ સંતુલન અને સમતોલન પણ જોખમાયું, વિવેકબુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ અને ભીષણ મહાભારતનું યુદ્ધ થયું. જેના પરિણામો આખા રાષ્ટ્રએ ભોગવ્યાં. શ્રી કૃષ્ણએ સમાધાન કરાવવા માટે અથાક પ્રયાસો કરીને કૌરવોને કર્મોના બંધનોને તોડવાની તક તો આપી પણ મદ, મોહ, લોભ અને સત્તાના અભિમાનમાં ચૂર કૌરવો સમજી શક્યા નહીં. ધર્મ પાંડવોના પક્ષે હતો અને પાંડવોને માટે આ લડાઈ લડવા સિવાય, ધર્મને પ્રસ્થાપિત કરવાનો બીજો રસ્તો ન હતો. આજના સમયમાં, કળિયુગના બેઉ વિશ્વયુદ્ધો પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિના જ પરિણામો છે, ઉદાહરણો છે.
શ્રી કૃષ્ણનો માનવીય અવતાર પણ લૌકિક જીવનમાં સંતુલન અને સમતોલનને પુનઃસ્થાપિત કરવા માટે જ થયો હતો અને એમની સર્વ કોશિષો પછી પણ પ્રભુ મહાભારતનું યુદ્ધ્ ટાળી શકવા સમર્થ ન થયા. એનું કારણ હતું, પાડવો, કૌરવો અને મહાભારતના એ ધર્મયુદ્ધમાં ભાગ લેનારા દરેક જીવ સાથે બંધાતા રહેલા એમના કર્મો. અહીં બહુ મોટી શીખ છે કે સહુએ પોતાના કર્મોને સચ્ચાઈથી નિર્મોહ અને અનાસક્ત રહીને નિભાવવાના છે અને જ્યારે એ કર્મોના બંધન તોડવાની તક મળે ત્યારે એ તકને ઝડપી લેવાય તો પ્રભુને પામવાનો રસ્તો ખુલી જાય છે. ઈશ્વર તો તમારી સાથે જ છે પણ એને પારખતાં અને એને વશ કરતાં આવડવું જોઈએ. ભાગવત પુરાણમાં આ બધી જ વાતોનો સાર સાદી ભાષામાં ફરીફરીને સમજાવ્યો છે. મોટા અયોજનમાં અનેકોને આ જ વાત એકસાથે કહેવામાં આવે છે જેથી સહુ પોતાના કર્મોની જવાબદારી સમજી શકે અને સમાજને સશક્ત બનાવવામાં ભાગીદારી કરી શકે. જ્યારે લોકો એકઠા થઈ, આ પુરાણના આયોજનમાં અને સાંભળવામાં પોતાનો હિસ્સો આપે છે ત્યારે ઈશ્વરને ચરણે પોતાની લૌકિકતા – આ લોકનુ કહેવાતું વ્યવહારુપણું ધરી દે છે, અને એ જ શરૂઆત છે, પ્રભુ કહે છે તેમ, “વશીકૃતો હ્યહં તૈશ્ચ”- ઈશ્વરને પોતાના વશમાં કરવાની.
અહીં એક શ્લોકમાં શ્રી હરિ એ પણ કહે છે કે,
“મત્કથાવાચકં નિત્યં મત્કથા સ્રવણે રતમ્!
મત્કથાપ્રીતમનસં નાહં ત્યક્ષ્યામિ તં નરમ્!!”
અર્થાત્ઃ “જે મારી કથા કહે છે, જે મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી.“
જ્યારે આ કથા મોટા પાયે કરવામાં આવે છે ત્યારે વિચારો, કે, કેટલા જીવો ભાગવત પુરાણ સાંભળીને પ્રભુને પોતાના વશમાં કરી લે છે! અને એક વાર હ્રદયમાં હરિ વસ્યા પછી તો એ જીવો અનાસક્ત થઈને સંસારમાં સત્ય અને ધર્મનું પાલન કરીને જીવે છે, જેનાથી એક તંદુરસ્ત સમાજનું સર્જન પણ મોટા પાયે થાય છે.
મોટા અયોજનમાં “વસુધૈવ કુટુંબકમ્!” ની ભવનાનું દર્શન પણ છે. કથા કહેનારા આચાર્યો અને પંડિતો તો કથાને કહીને જતા રહે. શ્રવણ કરનારાં સહુ એક સરખું સમજી ન પણ શકે કારણ કે પ્રત્યેક માણસોની સમજણ શક્તિ અલગ હોય છે. જો ભાઈ-બંધુઓ, સગાંવ્હાલાઓ અને અન્ય મિત્રગણની સાથે કથા સાંભળી હોય તો સમય જતાં કથાના ભાવને આત્મસાત કરવામાં તકલીફ પડે તો એકમેકની મદદ લઈને સમજી શકાય છે. આ રીતે સમાજમાં એકમેકને મદદરૂપ થવાની ભાવના પણ વિકસે છે અને સાથે એકમેક પ્રત્યે કરૂણાનો ભાવ પણ પેદા થાય છે. જે તાકાતવર, બુદ્ધિશાળી અને સંપત્તિવાન હોય છે એને પણ કથાનું મોટા પાયે આયોજન કરતાં વિનમ્રતાનો (Humbling) અનુભવ થતાં, “સર્વ જીવ સમાન છે એની સમજણ પડે છે અને આ રીતે દરેક વર્ગના લોકો વચ્ચેનું અંતર ઘટે છે અને કૌટુંબિકતા અનુભવાય છે.
આ ગ્રંથ જ્ઞાન, ભક્તિ, પ્રેમ અને વૈરાગ્યનો વિશાળ સમુદ્ર છે. ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન કરતાં માણસને વિશુદ્ધ જ્ઞાન થાય છે કે પ્રત્યેક પ્રાણીમાં કેવળ એક પરમાત્મા જ વિરાજમાન છે. જ્યારે આટલી સાદી વાત અંતરમાં ઊતરી જાય છે ત્યારે ઊંચ-નીચના ભેદભાવો મટી જાય છે અને એને અધર્મ આચરવાનું મન નથી થતું. મનુષ્યોમાં પરસ્પર પ્રેમ અને પ્રાણીમાત્ર માટે દયા તથા કરૂણાનો ભાવ સ્થાપિત કરવાનું ભાગવત પુરાણ કરતાં બીજું કોઈ ઉત્તમ સાધન નથી. આજે જ્યારે ધર્મ, નાત, જાત, ઊંચ, નીચ અને સત્તા માટે જગતના અનેક ભાગોમાં સંગ્રામ ચાલી રહ્યો છે ત્યારે ભાગવત પુરાણનો ઉપદેશ મનુષ્યમાત્ર માટે કલ્યાણકારી છે.
(વધુ આવતા બુધવાર અંકે)
આ લેખ સાથે ભાગવત કથા સાથે નાનપણ યાદ આવ્યું. એ કથાઓ વડીલો સાંભળતા અને વાતાવરણ મજાનું લાગતું. શ્રોતાજનોનો આનંદ વિશિષ્ટ હતો.
LikeLiked by 1 person
શ્રીમદ્ ભાગવત કથા ના અધ્યાય ૧૬ ના બંને શ્લોકમાં શ્રી હરિ એ મનુષ્ય જીવ ને અને સામાજિક આયોજન ના સમુહ જીવોને, ઈશ્વર પ્રેમની અનુભૂતિ નો, સમતા, ભાઈચારાનો અને સાથે સાથે સહિષ્ણુતા નો પાઠ શીખવે છે. મારા બાળપણમા કપડવંજ ગામે મોટા આયોજન સાથે શ્રી ડોંગરે મહારાજ અને શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી નું શ્રીમદ્ ભાગવત પારાયણ ની યાદ આવી ગઈ. સુંદર વિષ્લેષણ, જયશ્રીબેન નો આભાર –
ભુપેન્દ્ર શાહ
LikeLiked by 1 person
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ, શ્રીમદ ભાગવત પુરાણનો પાંચમો હપ્તોઃશ્રીમદ્ ભાગવત કથાનું આયોજન મોટા પાયે શા માટે? સ રસ લેખ
સાંપ્રદ સમયે-ખૂબ જરુરી ‘ ઈશ્વર માટે પ્રાણીમાત્ર સમાન છે. એના દરબારમાં પ્રાણીઓની જાતિ, જ્ઞાતિ, ધર્મ કે વર્ણ કોઈ બાબતનો ભેદભાવ થતો નથી. આ જ વસ્તુ ભાગવત પુરાણની કથાના મોટા આયોજન દ્વારા શ્રી કૃષ્ણ સમસ્ત સમાજને સમજાવવા માંગે છે’ સમાજ સુધારણા માટે અગત્યની વાત છે.મોટા અયોજનમાં “વસુધૈવ કુટુંબકમ્!” ની ભાવનાનું દર્શન પણ છે.
LikeLiked by 1 person