ગણિતશાસ્ત્રના અભ્યાસ દરમિયાન ઘણીવાર કૂટપ્રશ્નો ઉકેલવાના આવતા હોય છે. કૂટ એટલા માટે કહેવાય કે એ સરળ નથી હોતા. એને ઉકેલવા માટે વિશેષ યુક્તિઓ વાપરવી પડતી હોય છે. સાદી પદ્ધતિથી કૂટપ્રશ્નના દાખલા ગણવા જઈએ તો ગુંચવાઈ જવાય છે. સાધારણ બાળકો એવા દાખલાને ઓમિટ કરતા હોય છે. ખરા હોશિયાર વિદ્યાર્થીઓને એવા અઘરા દાખલા ગણવામાં ઓર મજા આવતી હોય છે. આપણા ધર્મશાસ્ત્રોમાં પણ વિરોધાભાસી અને ગળે ન ઊતરે તેવી અતાર્કિક લાગતી બાબતો ઘણી છે. શ્રદ્ધાળુઓને તો કોઈ તકલીફ નથી, જે વાંચવામાં કે જે સાંભળવામાં આવ્યું હોય તેને યથાતથ સ્વીકારી લે છે, કોઈ દલીલબાજી નહિ, પણ જેઓ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે છે તેમના મનમાં પ્રશ્નો થાય છે. તેઓ સમજવા માગે છે, પણ કોઈ સમજાવી શકતું નથી. તાર્કિક ઉકેલ ન મળતાં તેઓ નાસ્તિકવાદ તરફ સરકી જાય છે. શાસ્ત્રો પર શંકા ન થાય એમ માનનારા લોકો એમને નાસ્તિક અથવા પાપિયા તરીકે ઓળખાવે છે. ચાલો ભાઈ, શાસ્ત્ર પર શંકા ન રાખીએ, પણ જિજ્ઞાસા તો રાખી જ શકાય ને? જિજ્ઞાસા હોવી એ શું પાપ છે? જિજ્ઞાસા પણ ન રાખવાની હોય તો ભગવાને બુદ્ધિ આપી જ શા માટે?
કેલિફોર્નિયાથી એક વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલે કેટલાક પ્રશ્નો કર્યા. વયોવૃદ્ધ એટલા માટે કે તેમની હાલની ઉંમર બ્યાસી વરસની છે અને તેઓ જુના જમાનાના સ્ટ્રકચરલ એન્જિનિયર છે. ખૂબ અભ્યાસી વ્યક્તિ છે અને આ ઉંમરે તેઓ બ્લોગ દ્વારા જ્ઞાન- વિજ્ઞાન પીરસવાનું કામ કરી રહ્યા છે. તેમણે વાંચેલી વાતો મુજબ જ્યોતિશશાસ્ત્રમાં સૂર્યને રાજા અને ચંદ્રને રાણી કહેવામાં આવી છે. એ ચંદ્રે ગુરુની પત્ની તારા જોડે વ્યભિચાર કર્યો હોવાથી ગુરુને અને ચંદ્ર વચ્ચે દુશ્મનાવટ છે. જો ચંદ્ર રાણી હોય તો તે ગુરુની પત્ની જોડે વ્યભિચાર કરીને બુધ નામનો પુત્ર કેવી રીતે પેદા કરી શકે? બે સ્ત્રી વચ્ચેના સંયોગથી પુત્ર પેદા થઈ શકે ખરો?…
હકીકતમાં એ બધા આકાશી પીંડો છે, તેઓ માણસ નથી કે તેઓ નર, નારી, રાજા, રાણી, સેનાપતિ, યુવાન, વૃદ્ધ, મિત્ર કે શત્રુ અથવા શુભ, અશુભ, પાપી, દુષ્ટ કે સીધી, બાડી નજરવાળા હોઈ શકે. વાસ્તવિક દૃષ્ટિએ સાવ હમ્બગ લાગતી આવી વાર્તાઓ જ્યોતિષશાસ્ત્રના નિયમો યાદ રાખવા માટે ખૂબ ઉપયોગી છે. શુષ્ક નિયમો યાદ નથી રહેતા જ્યારે વાર્તા સરળતાથી યાદ રહી જાય છે. જ્યોતિશશાસ્ત્રમાં તો સૂર્યને શનિનો પિતા કહેવામાં આવ્યો છે અને એ બાપ દીકરાને ક્યારેય બનતું નથી એમ કહેવાયું છે. આમ જોવા જઈએ તો સૂર્ય બધા ગ્રહોનો પિતા છે. કારણ કે બિગબેન થિયરી મુજબ સૂર્યમાં વિસ્ફોટ થવાથી આ ગ્રહમાળા સર્જાઈ તેથી બધા જ ગ્રહો તેના સંતાનો ગણાય. સૂર્ય અને શનિ વચ્ચે દુશ્મનાવટ કેમ છે તેને લગતી વળી એક ઓર વાર્તા છે કે શનિ એ છાયાનો પુત્ર છે. છાયા આવી એટલે શનિને માતૃછાયા નડી ગઈ! તે કાળો પડી ગયો. અદ્દલ મા પર ગયો. વિષયને રસપ્રદ બનાવવા માટેની આ તરકીબ છે. આકાશમાંના સૂર્ય અને શનિ ક્યારેય ન લડે, પણ જન્મકુંડળીમાં સૂર્ય શનિ એક જ રાશિમાં આવી ગયા કે શનિથી ત્રીજે, સાતમે, દસમે સ્થાને સૂર્ય આવતો હોય તો જાતકના પિતાને કષ્ટ આપે જ. આવી બધી વાર્તાઓ જે છે તે સામાન્યજનો માટે નથી, પણ તે જ્યોતિશશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેના કોડવર્ડ છે.
રાહુ અને કેતુની વાર્તા લગભગ તમામને ખબર છે. દેવો અને અસુરોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. સમજૂતી પ્રમાણે બંને પક્ષોએ સરખા ભાગે એ વહેંચી લેવાના હતા, પણ દરેક ગઠબંધનના ઘટકો સ્વાર્થી જ હોય છે. ચૌદ પૈકીનું એક રત્ન તે અમૃત. અમૃતપાન કરે તે અમર થઈ જાય અને અમર થવાની અભિલાષા તો સૌને હોય. દેવોનેય અમર થવું છે ને અસુરોએ પણ અમર થવું છે. ગઠબંધનમાં જેમ બધાંને વડાપ્રધાન થવું છે અથવા મહત્વના દફતરો પોતાની પાસે રાખવાનું વલણ હોય છે. અને તે માટે ચાલાકી કરાતી હોય છે. દેવોએ સંપી જઈને નક્કી કર્યું કે અમૃતનું ટીપું સુદ્ધાં અસુરો સુધી પહોંચવું જોઈએ નહિ. અસુરોમાં રાહુ આ વાત જાણી ગયો. એણે કુંભમાંથી અમૃત પીવા ઘુંટ તો ભર્યો પણ દેવોએ કુંભ ઝૂંટવી લીધો. આવું જ થતું આવ્યું છે. એનો શિરચ્છેદ થઈ ગયો. અમૃત ગળામાં જ અટકી ગયું અને કેતુ એટલે કે પૂંછડી અમૃત વગર તરફડતી રહી ગઈ! રાહુ –હેડ તૃપ્ત થઈ ગયો અને – પૂંછડી અતૃપ્ત ! હવે જુઓ કે ગ્રહમાળામાં રાહુ અને કેતુ નામના કોઈ ગ્રહો જ નથી પણ જ્યોતિશશાસ્ત્રમાં એને ગ્રહો ગણવામાં આવે છે, સૂર્ય એ ગ્રહ નથી પણ તારો હોવા છતાં તેને ગ્રહ જ કહેવાય છે. ચંદ્ર ગ્રહ નથી, પણ એ પૃથ્વીનો ઉપગ્રહ હોવા છતાં એને ગ્રહ તરીકે જ ઓળખવામાં આવે છે. રાહુ અને કેતુનું અવકાશી પિંડ તરીકે કોઈ સ્થાન જ નથી. એ તો સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વખતના ક્રાંતિમાર્ગ પરના કાલ્પનિક છેદબિંદુઓ છે છતાં, એનો છાયાગ્રહ તરીકે જ્યોતિશશાસ્ત્રમાં ઉલ્લેખ થાય છે.
વાર્તા સાવ કાલ્પનિક છે, રાહુ, કેતુ પણ કાલ્પનિક બિંદુઓ છે છતાં જોવાની ખૂબી એ છે કે કુંડળીના જે ભાવમાં રાહુ વિદ્યમાન હોય તે ભાવને લગતી બાબતોની તૃપ્તિનો એહસાસ કરાવે છે, કારણ કે અમૃત પીધેલું તે ગળાવાળો ભાગ છે, જ્યારે કેતુ જે ભાવમાં બેઠેલો હોય તે ભાવની સંબંધિત બાબતો મેળવવાનો તલસાટ જાગે છે, પ્રબળ ઝંખના થાય છે, પણ પરિણામ ઝાંઝવાના જળ જેવું હોય છે. કેતુ અતૃપ્તિ આપે છે.
હવે ચંદ્રની વાત કરીએ. પૌરાણિક વાર્તા પ્રમાણે દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ હતી. આ બધી પુત્રીઓ તેમણે સોમ નામના રાજવી સાથે પરણાવેલી. જેમાંની એક કન્યા રોહિણીને તે વધારે ચાહતો હતો. સૌંદર્યને અનુરૂપ સંસ્કાર મળે ત્યારે સૌંદર્ય સોળે કળાએ ખિલી ઊઠતું હોય છે. રોહિણી સૌંદર્યવાન અને સંસ્કારી હતી. અન્ય બહેનોને રોહિણીના સુખની અદેખાઈ આવી તેથી પિતા દક્ષને સોમ વિષે ફરિયાદ કરી કે સોમ અમારી અવગણના કરે છે. દક્ષ પ્રજાપતિએ સોમને વેરોવંચો ન કરવાની ચેતવણી આપી. સોમ પર સસરાના એ અલ્ટિમેટમની કોઈ અસર ના થઈ અને તે રોહિણીને જ વધારે પ્રેમ કરતો રહ્યો. રોહિણીની બહેનો ફરીથી પિતા પાસે ગઈ. આ વખતે દક્ષ ધુંધવાઈ ઊઠ્યો અને સોમને શાપ આપ્યો કે તારું શરીર ઉત્તરોત્તર ક્ષીણ થતું જશે. તને ક્ષય થશે. શાપની અસર વર્તાવા લાગી એટલે સોમ ગભરાયો. તેણે રોહિણી સાથે પ્રભાસપાટણના દરિયાકિનારે શિવજીનું ઘોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે દક્ષના શાપને સાવ નિર્મૂળ તો નહિ કરી શકું, પણ તને વરદાન આપું છું કે આકાશમાં રહેલા આ ચંદ્રના ગોળાની જેમ મહિનાના પંદર દિવસ તારું શરીર ક્રમશ: વધતું જશે અને ત્યાર બાદ પંદર દિવસ ક્રમશ: ક્ષીણ થતું જશે.
ખગોળ સમજાવતી આ રસપ્રદ ઘટના છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે નિરંતર પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહેલો છે. તેના આ ભ્રમણમાર્ગમાં બાર રાશિ ચિહ્નો અને સત્તાવીસ નક્ષત્રો આવેલાં છે. ચંદ્ર એક રાશિમાં લગભગ સવા બે દિવસ રહે છે. પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ચંદ્રને ૨૭. ૩ દિવસો લાગે છે. એટલે કે એક નક્ષત્રમાં ચંદ્ર એક દિવસ રહે છે. વાર્તા મુજબ દરેક પત્નીની સાથે તે એક દિવસ વીતાવે છે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવેલું છે અને વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો બને છે. ચંદ્ર અહીં ખિલેલો જણાય છે અને તેથી તે બળવાન બને છે. વૃષભનો ચંદ્ર જાતકને શુભ ફળ આપે છે. રોહિણી જેવી પ્રિયતમાના ઘરમાં તો એ ફુલ ગુલાબી મુડમાં હોય જ એમાં કોઈ આશ્ચર્ય નથી!
જ્યોતિશશાસ્ત્રમાં ગ્રહોને ઉચ્ચ, નીચ, શુભ, અશુભ, પાપી, ક્રૂર, ઠંડા, ગરમ, ઉગ્ર અને વિવિધ સ્વરૂપના, વિવિધ અવસ્થાના તથા પરસ્પર મિત્રતા, શત્રુતા અને તટસ્થ ભાવ દર્શાવતા બતાવવામાં આવેલા છે. તે માટે જાતજાતની વાર્તાઓ ઘડી કાઢવામાં આવેલી છે. વાસ્તવમાં ગ્રહો તો અવકાશી પીંડો જ છે તેને માણસ જેવા ગણીને બનાવવામાં આવેલી વાર્તાઓ કાલ્પનિક છે, છતાં એ રસપ્રદ હોવાથી યાદ રહી જાય છે અને ફળકથન કરવામાં ઉપયોગી સિદ્ધ થાય છે. આ એની ઉપયોગિતા છે.
મા પરભુભાઈ મિસ્ત્રીનો પૌરાણિક વાર્તાઓ સત્ય કઈ રીતે હોઈ શકે? અભ્યાસુ લેખ
જન્મ સમયે આકાશી મંડળ(તારા, ગ્રહો, સૂર્ય અને ચંદ્ર)ની સ્થિતિ અને તેમની ગતિવિધિઓ તેના જીવન પર ઘણો પ્રભાવ પાડે છે અને તેના આધારે તે વ્યક્તિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે જેને જ્યોતિષશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.
આ શાસ્ત્ર ઠગ જ્યોતિષશાસ્ત્રીઓ અને જેઓનો અભ્યાસ નથી તેવા કહેવાતા બુધ્ધિશાળી વર્ગના તર્કોને લીધે બદનામ છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ લીટી આપણે સતત ગાતા રહ્યા હતા. અહીં અર્થ એવો અભિપ્રેત છે કે ઈશ્વરને પણ ખબર નથી કે સવારે શું થવાનું છે. સંસ્કૃતજ્ઞો આ વાક્યનો જુદો અર્થ સમજાવે છે. ન જાને, જાનકીનાથ, પ્રભાતે કિમ ભવિષ્યતિ ! હે જાનકીનાથ ! હે પ્રભુ, હું જાણતો નથી કે સવારે શું થવાનું છે? અહીં ઈશ્વર તો સર્વજ્ઞ છે, પણ હું સ્વયં અજ્ઞ છું, મને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે.
જો જ્યોતિષ ના મહત્વ ની વાત કરીએ તો આ ભાગ દોડ થી ભરેલી દુનિયા માં દરેક વ્યક્તિ કોઈ ના કોઈ સમસ્યા થી રૂબરૂ થયી રહ્યો છે. કોઈ વ્યક્તિ પોતાની પારિવારિક સમસ્યા થી હેરાન છે તો કોઈક વ્યક્તિ નું પ્રેમ તેના થી નારાજ થયી ગયુ છે. કોઈ જાતક ને નોકરી નથી મળી રહી તો કોઈ જાતક પોતાના વિવાહ માં વિલમ્બ થી હેરાન છે. આવા માં લોકો ની સમસ્ત સમસ્યાઓ નું નિકાલ જ્યોતિષ ના જ્ઞાન થી કરી શકાય છે. જ્યોતિષ વિધાથી ના કેવળ તમને ભવિષ્ય ની માહિતી મળે છે પરંતુ આમાં સમસ્યા ના નિવારણ માટે જોયોતીષીય ઉપાયો પણ જણાવા માં આવે છે. જો તમે આ ઉપાયો ને વિધિ પૂર્વક અપનાવો છો તો તમારી સમસ્યા નું સમાધાન થયી જાય છે. આમ સામાન્ય જનતા ને શ્રધ્ધા છે.
આમા સમન્વયની વાતે રેશનાલીસ્ટ શ્રી ગોએન્કાજી કહે છે તેમ પ્રજ્ઞા એ ચક્ષુ છે અને શ્રદ્ધા એ ચરણ છે. જ્ઞાન હોય, પણા વ્યક્તિને પોતાનામાં શ્રદ્ધા ન હોય, આ કાર્ય કરી શકીશ કે નહીં ? એવી અવઢવમાં રહેતો હોય તો આગળ ન વધી શકે અને ફક્ત કરી શકીશ એવી શ્રદ્ધા હોય અને જ્ઞાન હોય તો કોઈક જુદા રસ્તે જ ફંટાય જાય. જ્ઞાન વગરની શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ કહી શકાય.
આપે આપેલી આ સમજુતી-‘આ શુષ્ક નિયમો યાદ નથી રહેતા જ્યારે વાર્તા સરળતાથી યાદ રહી જાય છે તે જ્યોતિશશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેના કોડવર્ડ છે.’ સાચી વાત છે.
LikeLiked by 1 person