આત્મહંસ
આત્મ-હંસની અનેરી આ ઉન્નત ઊડાન,
ના સત્ય કે અસત્ય, આપ આનંદ ઉજાસ.
શુભ્ર માનસમાં છાયે પેલું નીલું આકાશ,
હું જાણું, મનઃશાંતિ મારા અંતરની પાસ.
દેવ સૂરજને અણસારે જાગૃત સભાન,
શ્વેત હંસ ધીરે ફફડાવે, વિસ્તારે પાંખ.
શ્રધ્ધાથી ફાળ, થનક નર્તન ને ગાન,
તેજ આશા કિરણ રેખ આંજે રે આંખ.
અલ અનેરી અદાથી હંસ અર્પે છે શ્લોક,
એની પાંખો ફેલાવી આલિંગે અવલોક.
પ્રાર્થના સમર્પણ કૃપા શક્તિનો કોષ,
ના સમય તણી રેખા, અલૌકિક આગોશ.
આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ,
ના ભૂત કે ભવિષ્ય, આ પળ અનંતકાળ.
——- સરયૂ પરીખ – “મંત્ર” કાવ્યસંગ્રહ.
સરયૂબેનના કાવ્ય, “આત્મહંસ” નો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ
આ કવિતામાં કવયિત્રી આપણા “આત્મહંસ” ના દ્વાર પર ટકોરા મારીને એક આત્મવિશ્વાસથી આવે છે, નવી જ પરિકલ્પના લઈને. કવયિત્રી પહેલેથી જ ચોખવટ કરી લે છે કે આત્મહંસની આ ઊંચી ઉડાનમાં એની ઊર્ધ્વ ગતિ તો નક્કી જ છે કારણ કે દરેક જીવને અંતે તો શિવમય થવાનું છે જ. આપણને તારવાની આખીને આખી જવાબદારી પ્રભુ પર જ નાંખી દઈને આપણે કર્મ કરતાં રહીએ એવું જ તો શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે ને? તો પછી માણસની જવાબદારી કઈ અને કેટલી? શ્રી ગુણવંતભાઈ શાહ કહે છે તેમ, “અજવાળવું એટલે ઘસીને ઉજળું કરવું. અજવાળવું એટલે અજવાળું કરવું. માણસ જેમ વાસણો ઘસીને, માંજીમાંજીને ચક્ચકતાં કરે છે, લગભગ એ રીતે જ કર્મોને ઊજળાં બનાવી શકે છે.” કર્મોને ઊજળાં બનાવવું એટલે અસત્ય અને અંધારામાંથી બહાર નીકળવું, સત્યમયતાથી અંતરના પ્રકાશને પ્રગટાવીને સઘળા લૌકિક કર્મો કરવા. બસ. આટલું જો કર્યું હોય તો પછી પરમ પિતાને નમન કરીને અને ઉન્નત મસ્તક રાખીને કહી શકાય ‘હવે શેનીયે ખેવના નથી.’ કારણ? નિર્ભયતાથી, સત્ય અને ધર્મ થકી આ ઈહલોકની બધી જ ફરજ અને કર્તવ્યો નિભાવ્યા પછી કોઈ બીક રહેતી નથી. કવયિત્રી શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દે છે કે એને શેનીયે ખેવના નથી પણ એના આત્મહંસને એ અંતિમ ઉડાનની લગન છે. પરમ પિતા પાસે હકથી જ માંગણી કરી શકાય. એ કહે છે કે હવે તો એક એવા આનંદનું અજવાળું પ્રભુ આપે જેથી આકાશમાં સળગતા સૂર્યદેવનો તાપ પણ મારી અંતરની શાંતિની શીતળતાને સ્પર્શી ન શકે. સત્ય અને ધર્મથી આચરેલાં ઊજળાં કર્મો થકી ચોખ્ખા ચણાક એના મનમાં તો એ અફાટ આકાશમાં સ્વૈરવિહાર કરતાં કરતાં ઊડવાની એના આત્માના હંસને લગની લાગી છે. આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થવાની તાલાવેલીમાં હોય ત્યારે ન ગરમી, ન ઠંડી, ન વાયુ, ન વરસાદ, કશું જ એને સ્પર્શી શકતું નથી, એની ઊડવાની આરતને રોકી શકતું નથી. આત્મા અને પ્રાણ બેઉને એક શ્રદ્ધા છે, પરમ પ્રભુમાં વિલય થવાની આશામાં હરણ ફાળથી દોટ તો મૂકી છે પણ એ દોડ ન રહેતાં, એક થાપ અને તાલ પર કોઈ દિવ્ય ગાન પર જાણે નર્તન ન થતું હોય એવું બની જાય છે. આ આત્મહંસને માત્ર જે જોઈએ છે તે પંચતત્વોમાંથી જ નીપજેલો આનંદનો અજવાસ, આકાશની અસીમતા અને અગ્નિદેવના પ્રતીક એવા સૂર્યદેવનો ઝળહળ પ્રકાશ…! કોઈ ઐહિક એષણા નથી. છતાં, આ બધું મળે કે ન મળે એનો Honors – સન્માન તો શ્રી હરિ પર મૂકી જ દીધેલું છે. એનો આત્મહંસ તો એની પોતાની જ ખુમારીમાં જીવનભરના સત્કર્મો થકી પોતાની ઊજળી થયેલી કાયાના સફેદ પંખોને ફેલાવીને જાણે દેવલોકને આલિંગન આપે છે. આખી કવિતાની પરિકલ્પનાની અહીં પરાકાષ્ઠા છે.
“અલ અનેરી અદાથી હંસ અર્પે છે શ્લોક,
એની પાંખો ફેલાવી આલિંગે અવલોક.
પ્રાર્થના સમર્પણ કૃપા શક્તિનો કોષ,
ના સમય તણી રેખા, અલૌકિક આગોશ”.
એના પછીની છેલ્લી બે પંક્તિમાં એક સાવ સાદી છતાં વાચકને વિચાર કરતાં મૂકી જાય એવી આ બે પંક્તિઓમાં આખી કવિતાને એક અજબ આત્મવિશ્વાસની ખુમારીથી કવયિત્રી conclude – સમાપન કરતાં કહે છે કે,
“આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ,
ના ભૂત કે ભવિષ્ય, આ પળ અનંતકાળ” આ Juncture – સમયબિંદુ પર કવયિત્રી કહે છે કે ઈશ્વર પાસે જઈશ કે નહીં, ખબર નથી મારો આત્મા, જીવ શિવમય થશે કે નહીં ખબર નથી પણ આ અનંતકાળની યાત્રાનો જે પથ છે તેની સચ્ચાઈ જ જીવનનું અને મરણનું સત્ય છે. આખી કવિતાનું ભાવવિશ્વ અહીં એક Resilience – ઉલ્લાસિતતાની સકારાત્મક અને સ્વયંભૂ શક્તિના પ્રપાતમાં ભીંજાય છે, અવિરત. કવિતાની આ ચરમ સીમા છે અને કવયિત્રીના અ-ક્ષરોની આ સિદ્ધિ છે. લય, ભાવ, તાલ અને સૂરમાં ડૂબેલા શબ્દો આપણને અનંતની સફર કરાવે છે. આટલું સુંદર કાવ્ય આપવા માટે સરયૂબેનને ખૂબ ખૂબ અભિનંદન.
ક્લોઝ-અપઃ
“ન દિન હૈ, ન દુઃખ હૈ, ન સુખ હૈ, ન દુનિયા
સિર્ફ મૈં હું, સિર્ફ મૈં, સિર્ફ મૈં!”
– વિજય આનંદ – “ગાઈડ” મુવી
સરસ aasvadv
LikeLike
“આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ,
ના ભૂત કે ભવિષ્ય, આ પળ અનંતકાળ.”
સરયૂબહેનનુ કાવ્ય આત્મહંસની આ પંક્તિઓ ખાસ તો આજની પરિસ્થિતિમાં જીવવાનુ એક બળ આપે છે. ના ભૂત કે ભવિષ્ય, આ પળ અનંતકાળ. કાળ કોને ભરખી જશે એ કોઈને ખબર નથી.
જયશ્રીબહેને આ કાવ્યનો આસ્વાદ સરળ સહજ ભાવે કરાવ્યો છે.
LikeLike
.
આત્મહંસ –સુ શ્રી સરયૂબેન પરીખ સુંદર રચનાનો
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટા દ્વારા નો સ રસ આસ્વાદ
આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ,
ના ભૂત કે ભવિષ્ય, આ પળ અનંતકાળ.
વાહ
ક્ષણમાં જીવો છો ? તો તમને જિંદગીની ખબર છે.
જિંદગી જીવો છો તો તમને ક્ષણની ખબર છે.
જીવનના હકારની કવિતા
LikeLike
ખૂબજ સુંદર વાર્તા.અભિનંદન
Sent from my iPhone
>
LikeLiked by 1 person