સોનાની કટકી
– અનિલ ચાવડા
મનિયાના મનમાં આજે કંઈક વધારે ફફડાટ જેવું લાગતું હતું. ત્રણત્રણ દિવસ પછી માંડ વરસાદે ખમૈયા કર્યા હતા. લગભગ છેલ્લા ત્રીસ વર્ષમાં ગામમાં આવો વરસાદ પડ્યો નહોતો. વરસાદે આખા પંથકમાં હાહાકાર મચાવી દીધો હતો.
મનિયાનું ખેતર ગામથી સાવ નજીક. પંદર મિનિટમાં તો છેક ખેતર પહોંચી જવાય એટલું પાસે. એના ખેતરની બરાબર ડાબી બાજુ એક વોંકળો પસાર થતો હતો. વોંકળાને લઈને સતત તેના મનમાં ઉચાટ રહ્યા કરતો હતો. વિચારોમાં અટવાતો અટવાતો ખભે કોદાળી નાખી તે ઘરેથી ખેતર જવા નીકળ્યો.
જળબંબાકર વરસાદને લીધે ગામની બહાર પણ નીકળી શકાય એમ નહોતું. પણ આજે એણે ખેતરે જવા માટે મનમાં ગાંઠ વાળી લીધી હતી. વોંકળાને કાંઠે આવીને શાંત ચિત્તે ઊભો રહ્યો. વોંકળામાં પાણીની સપાટી કંઈક વધારે જ હતી. છતાં મનિયાની ખેતરપ્રીતિએ એનામાં એક પ્રકારનું જામ ઉમેર્યું. એણે વોંકળાના પાણીમાં ઉતરવાનું શરૂ કર્યું. જરાક આઘો ગયો ત્યાં તો પાણી છેક છાતી સમાણું થઈ ગયું. એણે કોદાળી સહિત પોતોના બંને હાથ ઊંચા કરી લીધા.
પાણીમાં ઉતરતા મનિયાને જોઈને કાંઠે ઊભેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી. બધાને લાગ્યું કે હવે એ પાણીમાંથી પાછો નહીં ફરી શકે. લોકો એને પાછો બોલાવવા બૂમબરાડા કરવા લાગ્યા. પણ મનિયાને ખેતર સિવાય કંઈ જ દેખાતું નહોતું. એ વધારે અંદર ગયો. આગળ જતા એને લાગ્યું કે પાણીનું જોર ધાર્યા કરતા કંઈક વધારે જ છે. એણે પાછીપાની કરી. માંડમાંડ એ અર્ધા જીવે વોંકળામાંથી બહાર આવ્યો. કાંઠા પરના લોકો એને ઠપકો આપવા લાગ્યા.
ખભે કોદાળી નાખી એ ગામ તરફ ચાલવા લાગ્યો. પણ ઘરે ન ગયો. તળાવની પાળ પર ઊભો ઊભો ઝીણી આંખે પોતાના ખેતરની દિશામાં જોઈ રહ્યો. ત્રણ-ત્રણ દિવસ સુધી વોંકળાએ મનિયાના ખેતરની બરાબરની મહેમાનગતિ માણી હોય એવું દેખાઈ રહ્યું હતું. વોંકળાનો પ્રવાહ કયો ને મનિયાનું ખેતર કયું એ સ્પષ્ટ વરતાતું નહોતું. એનો જીવ વધારે ઉચાટે ચડ્યો. પોતાના ખેતરની દશા જોઈ એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આંખ સામે એનું દશ વીઘાનું રળિયામણું ખેતર ઊપસી આવ્યું, જે એણે પોતાના જીવનભરની કમાણી નાખીને આજથી લગભગ છએક વર્ષ પહેલાં ખરીદ્યું હતું. બે જ વર્ષમાં તો સખત મહેતનત મજૂરી કરીને ખેતરમાંથી સારો એવો પાક લીધેલો અને એ વખતે તે ગામમાં કેવો વટથી ચાલતો. એના પગ જમીનથી બે ઇંચ ઊંચા રહેતા. થોડાં વર્ષો પહેલાં જે લોકો મનિયો કહીને પણ નહોતા બોલાવતા એ બધા મનજીભાઈ માંડેલા. મનિયામાંથી મનજીભાઈ થવાનું એને પણ ગમતું. બે જ વર્ષમાં ગામની પડતર ગણાતી જમીન આકરી મહેનતથી ફળદ્રુપ બનાવી દીધી. લોકો મજાકમાં કહેતા કે, એમાં પાક નહીં પણ સોનું ઊગે છે સોનું! અને ઊગે કેમ નહીં? મનિયાએ આ પડતર જમીન પાછળ પોતાનો જીવ રેડ્યો હતો. એક નાનકડા કટકા જેવડા ખેતરમાંથી પણ મનિયો મોટાં ખેતર જેટલો પાક લેતો. લોકોએ ખેતરનું નામ સોનાની કટકી પાડી દીધેલું. પણ આ વખતના વરસાદે તો જાણે મનિયાનું બધું જ સોનું ધોવાઈ ગયું. એના મોભામાં પણ વોંકળા જેવો મોટો ખાડો પડી ગયો. મનજીભાઈમાંથી એ પાછો મનિયો થઈ ગયો હોય એવું એને લાગ્યું.
શરૂઆતનાં ત્રણ વર્ષ સારો પાક લીધો. પછીનાં બીજા બે વર્ષમાં પણ વધારે પડતા વરસાદને કારણે થોડુંઘણું નુકશાન વેઠવું પડેલું, પણ આ વખતના વરસાદે તો જાણે એને મૂળ સોતો ઊખાડી જ નાખ્યો. વળી આગળના વર્ષોમાં થયેલું નુકશાન પણ ચૂકવવાનું હતું. માથે વધી રહેલા દેવાનો ભાર પણ હળવો કરવાનો હતો. આ બધામાં એકમાત્ર આધાર આ ખેતર હતું. પાળ પર ઊભો ઊભો આંખ પર છાજલી કરીને એ ધોવાઈ રહેલા ખેતરને દૂરથી જોઈ રહ્યો હતો.
તેને લાગ્યું કે એનો દીકરો પૂરમાં તણાય છે. આટલાં જતનથી બાળક ઉછેર્યું એને પૂરમાં તણાવા દેવાય? એણે ફરી ખભે કોદાળી નાખી ને સીધી વોંકળા તરફ દોટ મૂકી. એ સહેજ પણ વિચારવા જ નહોતો માંગતો. એણે વોંકળામાં ઉતરવા માંડ્યું અને થોડીવારમાં તો એ વોંકળાના પાણીમાં ક્યાંય આગળ વધી ગયો. કાંઠે ઊભેલા લોકોએ ફરી એને જોયો. પણ આ વખત તો એના ચહેરા પર કંઈક વધારે પડતું જ ખુન્નસ સવાર હોય એવું લાગતું હતું. બધાને લાગ્યું કે મનિયો ગાંડો થઈ ગયો કે શું? કાંઠા પરના લોકોમાં બૂમાબૂમ થવા લાગી. તે છેક ગળા સમાણાં પાણીમાં અંદર પહોંચી ગયો હતો. વોંકળાના પાણીમાં જાણે એ પોતાનામાંથી તણાઈ જતા મનજીભાઈને પકડવા મથતો હોય એમ ફાંફાં મારતો હતો.
જ્યારે તેની આંખો ખુલી ત્યારે એ પોતાના ઘરે એક ખોયા જેવા ખાટલામાં પડ્યો હતો. એણે પથારીમાંથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ માથું ખૂબ ભારે ભારે લાગ્યું. શરીર તાવથી તપતું હતું. આંખ ખૂલતાની સાથે તેણે પત્નીને પૂછ્યું, ‘સોનલની મા, આપણી સોનાની કટકી…’ જશીએ એ બાજુ જોયા વિના જ ઉત્તર આપ્યો. ‘હવે મૂઈ સોનાની કટકી, ભગવાન બધું સારું કરી દેશે. તમે સાજા ના થાવ તાં હુધી ખેતર જાવાનું નામ-બામ ના લેતા તમને કાંઈક થઈ જાય તો અમારું કુણ?’ ને જશીએ રોવાનું ચાલું કર્યું.
‘મારી સોનાની કટકી વગર હવે મારું કુણ?’ મનિયો મનમાં ને મનમાં બબડ્યો.
આ ઘટના પછી લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું હતું. ખેતરની આડે આવતા વોંકળાનું પાણી પણ ઊતરી ગયું હતું ને ખેતરે જવાય એવું પણ થઈ ગયું હતું, પણ જશીએ મનિયાને ખેતર જવા ન દીધો. જશી અને એની દીકરી જ ખેતરે આંટો મારવા જતાં. જશી અને સોનલ ખેતરેથી પાછા આવે ત્યારે તે છાત્રાલયમાં ભણવા મૂકેલા છોકરાની તબિયત વિશે મા પૂછે એમ મનિયો ખેતર વિશે પૂછતો. જશી મનિયાના હૃદયને બરાબર ઓળખતી. એટલે એ પણ સારી સારી વાતો કરતી. ‘બધું ઠીક થઈ ગયું છે. તાવ ઊતરે પછી જ ખેતરે જાવાનું સેં સમજ્યા?’ આવું બોલતામાં તરત જ એ કહેતો, ‘‘જાં હુદી તું મને ખેતરે નૈં જાવા દે તાં હુદી મને તાવ નહીં મટે, મારી દવા આ તાવની ટીકડિયું નૈ પણ મારી સોનાની કટકી સે સોનલની મા…’’ પણ જશી એનું કહ્યું સાંભળતી જ નહીં.
ચિડાયેલા સૂરજે જાણે વાદળને હાથ વડે આઘાં કરીને સીધો પ્રકાશ ધરતી પર ફેંકવા માંડ્યો હતો. બપોર પડવા આવી હતી. ડૂસકાંઓને વાટતી હોય એમ જશી એક પાણા પર લસણ ડૂંગણીનો મસાલો વાટી રહી હતી. એની આંખમાંથી વહી રહેલાં આંસુ લસોટાઈ રહેલાં લસણ-ડૂંગળીને લીધે હતાં કે પછી બીજા કોઈ કારણથી એ કળી શકાતું નહોતું. અચાનક સાઇકલની ઘંટડી વાગી અને ‘મનજીભાઈ તમારો કાગળ સે…’ એટલું કહીને ચાલુ સાઇકલે જ ઇસ્માઇલિયાએ કાગળિયાનો ઘરમાં ઘા કર્યો. ખોડિયારમાનું નામ લઈને મનિયો ખટલામાંથી ઊભો થયો અને કાગળ હાથમાં લેતોક બોલ્યો, ‘આ મારો હાહરો ઇસલો ના સુધર્યો તે ના જ સુધર્યો, શાંતિથી ઊભો રહીને કાગળ હાથમાં આલીને જાતો હોય તો ઇના બાપનું શું જાય છે!’
‘હશે હવે કોઈના વિશે એવું નો કે’વાય.’ જશીએ વાતને વાળી.
મનિયો ચાર ચોપડી ભણેલો એટલે જેવું તેવું વાંચતા-લખતા આવડતું. કાગળનું કવર ખોલ્યુ તો એનો જીવ અદ્ધર થઈ ગયો.
‘કુનો કાગળ સે?’ જશીએ પૂછ્યું.
મનિયાએ જાણે જશીનો અવાજ સાંભળ્યો જ નતો. એ ધારી ધારીને કાગળ જોતો રહ્યો. જશીએ ફરીથી મોટા અવાજે કહ્યું ત્યારે ‘હં.. હં.. શું કે છે?’ ત્યારે એ ભાનમાં આવ્યો. ‘જો મહિનામાં દેવું નહી ભરો તો ખેતર જપ્તે કરી લેવામાં આવશે’ જાણે મનિયાના વિચારોને જ કોઈકે જપ્ત કરી દીધા હોય એવું એને લાગવા માંડ્યું. તેનાથી હવે ન રહેવાયું.
માટલાને ફોડી નાખે એટલા જોરથી માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી એકાદ બે ઘૂંટા ભર્યા ન ભર્યાને ઘરની બહાર નીકળી ગયો.
‘ક્યાં જાવ છો ?’ જશીએ ઊતાવળે ઉતાવળે જતા મનજીની પાછળ બૂમ મારી. પણ એણે ન તો પાછળ જોયું કે ન તો કંઈ જવાબ આપ્યો. “એ… ખેતર ના જાતા કૌ છું તમને… બધું સારું જ છે ખેતરમાં…” પણ મનિયો સાંભળે તો ને..
લસણ-ડૂંગળીવાળા હાથ ધોયા ન ધોયા ને જશી મનયાની પાછળ દોડી. એ શેરી વટાવીને તળાવની પાળ પાસે પહોંચવા આવ્યો હતો ત્યાં જ જશી એની સાથે થઈ ગઈ. ‘ક્યાં જાવ છો બોલો તો ખરા…’
મનિયો તળાવની પાળ પર ઊભો રહીને આંખ પર છાજલી ધરીને પોતાની વહાલસોયી દીકરી જેવી સોનાની કટકી તરફ જોઈ રહ્યો. એને ખબર હતી કે જશી એને ખોટા ખોટા દિલાસા આપે છે. એની કટકી જપ્ત થઈ જવાના વિચારથી જ મનિયાના મનમાં એક પ્રકારનો ધ્રાસકો પડ્યો હતો. કદાચ પાછળ જશી ન આવી હોત તો મનિયો જરૂર ખેતરમાં પહોંચી ગયો હોત. જશી સમજાવી મનાવી મહામહેનતે એને ઘરે લાવી.
મનિયાને હવે ગામની શેરીમાંથી કે ગામની ગલીઓમાંથી નીકળવાનું ગમતું નહોતું. દુકાનોમાં નામુ વધી ગયું હતું. જેસંગના પૈસા પણ બાર મહિનાથી અપાયા નહોતા, એનો ત્રાસ પણ સતત ચાલતો. એની મૂડી તો ઠીક પણ વ્યાજ ભરી શકાય એટલા વેતમાં પણ મનજી નહોતો. ખેતરને વધારે સુધારવા માટે લીધેલા પૈસા વરસાદ તાણી જશે એવી ખબર થોડી જ હોય?
ઘરે આવીને તે ખાટલે બેઠો અને કાનમાં ભરાવેલી બીડી હોઠ પર આવી. જશી બપોરનું રાંધવામાં પડી. આખો દિવસ વાદળને આઘાં કરીને તડકો વેર્યા પછી સૂરજ થાકીને રાતો પડી ગયો હતો. સમગ્ર સૃષ્ટિ પર કોઈ મુઠ્ઠી વડે જાણે ધીમેધીમે અંધારું ભભરાવી રહ્યું હોય એમ લાગતું હતું.
સવાર પડી. સૂરજ દાતણ પાણી કરી પૂર્વમાં આવીને નાના બાળક જેમ કેડ પર હાથ રાખીને ઊભો હોય એમ લાગતો હતો. જશી સોનલની સાથે ખેતરે જવાની તૈયારી કરી રહી હતી. મનિયો ચાપાણી કરીને ખેતરે જતા લોકોને ઈર્ષાથી જાઈ રહ્યો હતો. ખેતરે જતી વખતે જશી મનિયાને કહેતી ગયેલી કે ‘ટેમસર દવા લઈ લેજો અને ખાવાનું ખાઈ લેજો, કંઈ ચંત્યા ના કરતા, હવે તમને સારું થઈ જ્યું સે એટલે કાલથી ખેતરે આવો તો વાંધો નહિ.’ મનિયો માથે દાતરડામાં વીંટેલી પછેડી ઉપાડીને ખેતર તરફ જઈ રહેલી જશીને જોઈ રહ્યો. ઘરમાં પડ્યો પડ્યો ખેતરની દવા, કોદાળી-પાવડા વગરે તે આઘાપાછા કર્યા કરતો.
‘એય… રઘા બારો નીકળ્ય…’ અવાજ સાંભળતા જ મનિયો ફફડી ઊઠ્યો.
‘આજ તો પૈસા લઇને જઈશ કાં તો તારો જીવ લઈને… જો ભરવાનો વેતા નતો તો જખ મારવા રૂપિયા લીધા ‘તા…’ હવે જેસંગ મનિયાથી કંટાળી ગયો હતો. ‘પૈસા ના હોય તો ઘરેણાં કાઢી આપ… હાંભળે છે કે નહીં… બારો નીકળ્ય…’
જેસંગ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. આ કાયમની રામાયણ હતી. વારંવારની ઊઘરાણી. સારું થયું કે જશી ખેતરે ગઈ તરત મનિયો ઘરને વાસીને ઘરમાં બેઠો હતો. આમ તો છેલ્લા ઘણા દિવસોથી એકલો એકલો ગુમસુમ બેસી રહેતો. એકલો એકલો સતત વિચાર્યા કરતો, પણ કાંઈ સૂજતું નહીં. બેઠોબેઠો એક કાગળ હાથમાં લઈને એની સામે જોયા કરતો. જેસંગની આ રોજરોજની બબાલથી એને પણ કંટાળો આવતો હતો. આજે એની બૂમ સાંભળી એ થથરી ઊઠ્યો… એની છાતીમાં ફાળ પડી. આ ઊઘરાણીએ જાણે એનું લોહી પણ નીચોવી લીધું હતું… વ્યાજ વધતું જતું હતું… વળી ખેતરનાં બિયારણ, મજૂરી, ખાતર, દવા વગેરેમાં પણ ઘણો ખર્ચો થઈ ગયો હતો. સામે પક્ષે ત્રણત્રણ વર્ષથી ખેતરમાં ધોવાણ થવાને કારણે કશી ઉપજ પણ નહોતી થતી. એની પાસે આપવા માટે કાંઈ જ બચ્યું નહોતું, આબરુ પણ નહીં… હવે ગામના કોઈ વ્યક્ત પાસે પૈસા માગતા પણ શરમ આવતી હતી. પત્ની અને પુત્રીનાં ઘરેણાં પણ દેવામાં જ ચાલ્યા ગયાં હતાં, એમને મોઢું બતાવવામાં પણ મનિયાને ખૂબ સંકોચ થતો હતો.
બહારથી જેસંગના બરાડા અગ્નિની જ્વાળા જેમ અંદર આવી રહ્યા હતા. મનિયાએ અંદરથી કમાડને સાંકળ મારી દીધી હતી. પણ કાન અને હૈયા પર સાંકળ ક્યાંથી મારે…? બારીબારણાં બંધ કરી દેવાને કારણે અંધકાર ઓઢીને બેઠો હોય એમ એક ખૂણામાં લપાઈ બેઠો હતો.
એને થતું કે આટલું દેવું હવે કેમનું પૂરાશે? એક આધાર હતો એ પણ પડી ભાંગ્યો… જીવનભર આમનું દેવું જ ભર્યા કરવાનું? ગામને આવું દયામણું મોઢું બતાવીને જ ગરીબડાં થઈને જીવ્યા કરવવાનું? બિચારા-બાપડા થઈ જીવવું એ મરવા બરોબર હતું. એના મનમાં રતન માએ એક દાડો કીધેલી વાત બાજની જેમ ચકરાવા લેવા લાગી, ‘કરજ અને કારજમાં જાજા ફેર નથ મનિયા…’ એનું મન જાણે ઘંટીની જેમ સેંકડો વિચારોને દળી રહ્યું હતું. માથા પર બોઝ ઉપાડ્યો હોય એવું લાગતું હતું. ભીંત પર જશી અને સોનલની પાસે તસવીરમાં મનિયો ઊભો હતો. એણે તસવીર પર બાઝી ગયેલી રજ ખંખેરી, હળવા હાથે એને ઉતારી અને જૂના જર્જરિત ફોટાને છાતીએ ચાંપી બાળકની જેમ પોક મૂકીને રડવાની ઇચ્છા થઈ ગઈ. પણ અત્યારે ઊંચા અવાજે રડવું પણ પોષાય તેમ નહોતું. બહાર જેસંગ એનો અવાજ સાંભળી જાય તો બારણા તોડીને ઘરમાં આવે એ હદે ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો. આજે એને એક સાથે બે વિરોધાભાસી મનિયા જોવા મળ્યા. એક ફોટામાં ઊભો ઊભો સપરિવાર હળવું સ્મિત વેરી રહ્યો હતો, બીજો ફોટાને છાતીએ ચાંપી મૂંગું મૂંગુ રડી રહ્યો હતો. ફોટા પાસે પોતાના કોઈ ગુનાની માફી માગતો હોય એમ બોલ્યા કરતો હતો. “મને માફ કરી દેજે સોનલની મા, મને માફ કરી દેજે…” એના પરિવારે એના દેવાનો ભોગ બનવું પડશે એ વિચારે એનો જીવ અદ્ધર થઈ જતો હતો. વળી સોનલ પણ દિવસે દિવસે યુવાન થતી જતી હતી. આવા દેવાદાર બાપની દીકરી સાથે લગ્ન પણ કોણ કરે? સમાજમાં મારી આબરૂનું શું? બધું જ તણાઈ ગયું છે તો મને શું કામ બાકી રાખ્યો? મનિયાના મનમાં રતનમાંનું વાક્ય ફરી સમડીની જેમ ચકરાવા લેવા લાગ્યું, ‘‘કરજ અને કારજમાં જાજા ફેર નથ મનિયા….’’
જેસંગ બહાર બૂમો પાડી પાડીને કંટાળી ગયો હતો, એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જો અત્યારે મનિયો એને મળ્યો હોત તો એણે એનો ટોટો જ પીસી નાખ્યો હોત. કાનના પડદા ટૂટી જાય એવી ગાળો બોલીને છેવટે એ ચાલ્યો ગયો.
સૂરજ પર કપાસ પર છાટવાની દવાનો ફૂવારો પડી ગયો હોય એમ ઝાંખો પડી ગયો હતો. વાદળાંઓ કોઈના બેસણામાં બેઠાં હોય એમ ક્ષિતિજને એક ખૂણે શાંત થઈ પડ્યાં હતાં. બધા લોકો ખેતર તરફથી ઘર તરફ પોતપોતાનો થાક લઈને પાછા ફરી રહ્યા હતા. જશી વિચારતી હતી કે હજી થોડા દિવસ એમને ખેતર ન આવવા દેવામાં જ ભલાઈ છે, એ મનિયાનું મન સારી પેઠે ઓળખતી હતી. કોકે તેને કીધું કે અલી બાઈ, હવે તો ખેતરની લોન સરકાર માફ કરી દેવાની છે. આટલા વરસાદમાં દેવું વધી ગિયું હોય એમને સરકાર રાહત આલે સે. ફોરમ ભરી દેજો તમે. ખેતરેથી ઘરે આવતા જશી પંચાયતમાં જઈને ફોર્મ પણ લેતી આવેલી. તેને થયું કે આ ફોરમ જોઈને એમને ટાઢક થશે. કાલથી એમને ય ખેતર હારે લઈ જઈશું. વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઘર આવી ગયું એની એને ખબર જ ન રહી. સોનલ બેનપણીઓ સાથે પાછળ રહી ગઈ હતી. જશીએ રોજની જેમ આવીને થાકનો હાશકારો ખાતાં બારણું ખોલ્યું તો એની આંખો આકાશ જેટલી પહોળી થઈ ગઈ. ઝાડા ઊલટીમાં ફીણફીણ થઈને નિર્જિવ મનિયો ઘરની વચોવચ પડ્યો હતો. બાજુમાં કપાસ પર છાંટવાની દવાની શીશી પડી હતી!
શ્રી અનિલ ચાવડાએ ‘સોનાની કટકી’- સાંપ્રત સમયે છાશવારે થતા ખેડૂતોના આપઘાતના પ્રશ્ને જનજાગરણનો સારો પ્રયાસ કર્યો.આવા બનાવો રાજકારણનો મુદ્દો બની રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટીકા કરતા કહ્યું-મનની વાતો નહીં હવે દિલની વાત કરવાની જરૃર છે. કારણકે મનની વાત સાંભળી ખેડૂતો થાકી ગયા છે અને આપઘાત કરી રહ્યા છે.ખેડૂતો વિરોધી નીતિઓના કારણે ખેડૂત દિન-પ્રતિદિન પાયમાલ થયો છે. એમાં સરકાર તરફથી કોઈ મદદ ન થાય અને સહાય ન મળે એટલા માટે ખેડૂતો પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
સામાન્ય સમજની વાત છે- ખેડૂત નો સામાજિક પ્રશ્ન હોય, વ્યક્તિગત પ્રશ્ન હોય, એના કોઈ બીજા આર્થિક કારણો હોય, તેની કોઈ લોન પાકી ન હોય. બેંકમાં તેના ખાતામાં સારી એવી રકમ જમા હોય છે અને ઘર સુખી હોય છે છતાં ખેડૂતે આપઘાત કર્યો હોય ! આજે દેશમાં ખેતી ક્ષેત્રે અન્ન ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ, દૂઘ ઉત્પાદનમાં શ્વેતક્રાંતિ, તેલીબિયામાં પીળી ક્રાંતિ અને ફળ ઉત્પાદનમાં સોનેરી ક્રાંતિ દ્ધારા સીમાચિન્હ્ પ્રગતિ થઇ છે. કૃષિ આર્થિક અને માનવીય આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલ છે તેથી યોગ્ય કેળવણી દ્વારા આવા પ્રશ્નો ઉકેલાય છે. કેટલાક સામાજિક અને આર્થિક અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા, માનવીય દુરાચારનો ચોતરફ માહોલ આ બધામાંથી નવજાગૃતિ અને સંઘર્ષ જ દલિતોની આવનારી પેઢીઓને બચાવી શકશે જેનું આહ્વાન કવિ નીચેની પંક્તિઓમાં કરે છે.
‘ઊઠો દલિતો પીડિતો ઊઠો, કમર કસો લલકાર કરો,
વિરાટ હે વિરાટ ઉર મમ શક્તિનો સંચાર કરો,
કલમ મોરી અંગાર ઝરો.’
LikeLiked by 1 person
આજ્ના ભારતના ખેડુતોની હાલતનો જાણે આંખે દેખ્યો અહેવાલ… બહુ કરૂણ પણ સત્ય પણ ખરી…
LikeLiked by 1 person