“મોજાંથી પર એવી સમુદ્રતાઃ એટલે ગુણાતીત થવું એટલે દ્વંદ્વાતીત થવું!”
– સંકલિતઃ શ્રી ગુણવંત શાહનું પુસ્તક, “કૃષ્ણનું જીવનસંગીત” માંથી સાભાર
“જીવનમાં ડૂબકી મારનારે મોજાંની માયા છોડવી પડે છે. ગુણાતીતનું અનુસંધાન સમુદ્રતા (Sea-ness) સાથે છે. મોજાં અંગે એ સાવ ઉદાસીન હોય છે. મોજાંનો સ્વભાવ જ ઊંચે લઈ જઈ નીચે પછાડવાનો હોય છે. જીવનમાં આવી ઊંચીનીચી તો ચાલ્યા જ કરે છે. ચગડોળમાં કોઈ કાયમ ઊંચે કે કાયમ નીચે રહેતું નથી. ચગડોળની વચલી ધરી ઊંચાનીચીથી પર હોય છે. ગુણાતીત તે, જે જીવનની ધરીને, જીવનના અર્થને અને જીવનના કેન્દ્રને સમજ્યો છે. એ જાણે છે કે આ બધો ત્રણ ગુણોનો ખેલ છે. જીવનની લીલાને લીલા તરીકે જવી એ ખરી સિદ્ધિ છે. ઉદાસીન (ઊંચે આસને બેઠેલો) હોય તે જ એ લીલાને સાક્ષીભાવે નિહાળી શકે. નાટકમાં નાયકનું ખૂન થાય ત્યારે દિગ્દર્શક રડવા માંડતો નથી. પ્રેક્ષકો રડે છે કારણ કે તેઓ નાટકને નાટક ગણવાને બદલે તેની સાથે ઓતપ્રોત થાય છે. નાટકની અવાસ્તવિકતા (Un-reality) જ્યારે પ્રેક્ષકને મન વાસ્તવિકતા (Reality) બને ત્યારે જ હરખશોકનો પ્રશ્ન ઊભો થાય છે.
જે પ્રેક્ષક નાટક સાથે એકરૂપ થયા વગર તટસ્થતાપૂર્વક રંગમંચ પરની લીલા નિહાળે છે તે “स्वस्थ” છે. ગુણાતીત થયા વગર “स्वस्थ” થવાનું શક્ય નથી. “स्वस्थता” નો સંબંધ સમુદ્રતા સાથે છે, મોજાં સાથે નહીં. આવો સ્વસ્થ કે ગુણાતીત માણસ સુખ-દુઃખ, પ્રિય-અપ્રિય, નિંદા-વખાણ, માન-અપમાન અને શત્રુ-મિત્ર એવાં સાંસારિક દ્વંદ્વોથી પર રહી શકે છે. આમ જે ગુણાતીત છે તે આપોઆપ દ્વંદ્વાતીત હોય જ છે.”
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટની અંતરની ઓળખમા –“મોજાંથી પર એવી સમુદ્રતાઃ એટલે ગુણાતીત થવું એટલે દ્વંદ્વાતીત થવું!” પ્રેરણાદાયી સંકલન
LikeLiked by 1 person