પ્રભાતનો બાળસૂરજ ક્ષિતિજ ઉપર કિરણની ઝીણી કીલકારીઓ કરી રહ્યો હતો. બારી પરનો પરદો હવાથી ડોલતો હતો, જાણે તડકાને અંદર આવવા દઉં – ન આવવા દઉં કર્યા કરતો હતો. ફળિયામાં ફૂલો આળસ મરડી રહ્યાં હતાં. વાતાવરણ આમ તો રોજ જેવું જ હતું, કંઈ ફેરફાર લાગતો નહોતો. સવાર ખુશનુમા હતી.
પ્રતીક્ષા રસોડામાં રોટલી બનાવતી હતી. ત્યાં સુદર્શનના રડવાનો અવાજ આવ્યો. રોટલી એમ જ ગેસ પર મૂકીને તે ઘોડિયા પાસે દોડી અને ઘોડિયા ઉપર લટકતો ઘૂઘરો ખખડાવવા લાગી. ઘૂઘરાનો અવાજ સાંભળી ધીમેધીમે તેની આંખ બીડાવા લાગી. જાણે એ રણકારમાં માનું વહાલ ઢોળાઈ રહ્યું હતું. એની આંખમાં એક નચિંતપણું અંજાઈ ગયું અને તે બાળસહજ સ્વપ્નમાં સરી પડ્યો. નાનકડા સુદર્શનને ઘૂઘરો બહુ ગમતો. રામ જાણે એને આ ઘૂઘરાના સંગીત સાથે એવો તે શું લગાવ હતો કે એનો અવાજ સાંભળતાની સાથે જ તે ગેલમાં આવી જતો. ક્યારેક કીલકારીઓ કરવા લાગતો. તેને રડતો છાનો રાખવામાં આ ઘૂઘરો જાણે જાદુઈ છડી સમાન હતો. સાંભળતા સાંભળતા ક્યારે ઊંઘી જતો, ખબર પણ ન પડતી. ઘૂઘરો નહીં જાણે હાલરડું!
સુદર્શન ઊંઘી ગયો. તે ઝટપટ રસોડામાં પહોંચી, પણ ત્યાં સુધીમાં રોટલીની એક બાજુ બળી ગઈ હતી. તેના મોંમાંથી કારણ વગર સિસકારો નીકળી ગયો… ‘સીસસસસ…. આજે ફરી બળી ગઈ….’ તે ફરી રોટલી બનાવવામાં ગૂંથાઈ ગઈ. તેના મનના ચૂલે પણ સ્મરણોની રોટલીઓ શેકાઈ રહી હતી.
અવિનાશે એને ફોન અચંબામાં નાખી દીધેલી. ‘પ્રતીક્ષા, હું નહીં આવી શકું, રજા મળી શકે તેમ નથી.’ આવું સાંભળતાની સાથે તેની છાતીમાં ફાળ પડી. ‘આ વખતે પણ…’ અવિનાશ કંઈ વધારે બોલવા જાય તે પહેલાં જ તેણે ફોન મૂકી દીધો. છેલ્લાં કેટલાય દિવસથી આવું આવું કરતો અવિનાશ આ વખતે પણ આવી શકે તેમ નહોતો. તેની આંખમાં છલકાયેલું પાણી છેવટ ઢોળાઈ ગયું.
ઘરની ડોરબેલ વાગી. તેણે દુપટ્ટાથી આંખના ખૂણા લૂછ્યાં. અવિનાશ નહીં આવવાના સમાચારથી રડમસ થયેલા ચહેરાને તેણે સ્વસ્થ કર્યો. પણ ઉદાસી કેમેય છુપાતી નહોતી. બારણા પાસે ઘડી વાર થોભી, આંખો બરાબર સાફ કરી અને ચહેરો પ્રસન્ન કરવાના પ્રયાસ સાથે દરવાજા ખોલ્યો. તેની આંખો પહોળી થઈ ગઈ, સામે જ અવિનાશ સામે જ ઊભો હતો!
આંખો છલકાઈ ગઈ, પણ આ વખતે તેમાં ઉદાસી નહોતી, પ્રસન્નતા હતી, નરી પ્રસન્નતા. એ અવિનાશને વળગી પડી, ‘કેમ આવું કર્યું, ફોન કરીને ના કેમ પાડી. તમને ખબર છે તમે ના પાડી તો મારો જીવ નીકળી ગયો ’તો. કેટલી રાહ જાઉં છું તમારી…’ રડતાં રડતાં તેણે બોલ્યે રાખ્યું.
‘હા, હા, મને ખબર છે, આ તો મને થયું કે લાવ થોડી તને પરેશાન કરી લઉં.’ અવિનાશે હસતા હસતા જવાબ આપ્યો.
‘હવે પછી આવી રીતે ક્યારેય પરેશાન ન કરતા પ્લીજ! અહીં એકલી રહીને પરેશાન ઓછી છું તે તમે વધારે કરો છો?’
‘પપ્પા..’. અંદરથી દર્શન દોડતો દોડતો આવ્યો… તેના આનંદનો પાર નહોતો. મોટે મોટેથી ગીત ગાતો હોય એમ તે બોલવા લાગ્યો હતો… ‘પાપા આવ્યા… પાપા આવ્યા… પાપા આવ્યા… પાપા આવ્યા…’
‘અરે કહું છું… ધીમે બૂમ પાડ સુદ જાગી જશે.’ પ્રતીક્ષાએ ધમકાવતા સ્વરે કહ્યું, પણ ત્યાં તો અવિનાશે દર્શનને વહાલથી ઊંચકી લીધો. દર્શન રાજીનો રેડ થઈ ગયો.
‘હવે બારણાં બહાર જ રાખીશ કે અંદર આવવા દઈશ?’ ત્રણે અંદર આવ્યા. ઘરમાં બધું સુંદર રીતે ગોઠવેલું હતું. અવિનાશની ગેરહાજરીમાં પણ તે ઘરને એકદમ ચીવટાઈથી રાખતી હતી. આમ પણ એકલા ઘરની સાફસફાઈ રાખવા સિવાય તેને વિશેષ કામ નહોતું.
દર્શને પપ્પાની બેગ ફેંદવાનું ચાલું કરી દીધું. તેને જાતા જ પ્રતીક્ષા બોલી ઊઠી, ‘દરશુ, તું પપ્પાની બેગ ફેંદવાનું રહેવા દે. હું તને ખોલી આપીશ…’ તોય દર્શને ફેંદવાનું ચાલુ રાખ્યું. ‘તને ના પાડું છું ને…’ દર્શને અંદરથી એક ઘૂઘરો કાઢ્યો.
‘એ… પપ્પા મારી માટે લાવ્યા છે.’
‘ના તું હવે મોટો થઈ ગયો છે. એ તો નાના ભાઈ માટે છે. તારા માટે બીજાં રમકડાં હશે.’
‘ના મારે જાઈએ છે, મારો છે આ…’
‘ભલેને રમતો રમવા દે ને.’ અવિનાશે કહ્યું.
‘ત્રણ સાડા ત્રણ વરસનો થયો, હવે આમ ક્યાં સુધી ઘૂઘરો ખખડાવતો રહેશે?’
‘એને ગમે છે તો રમવા દેને… અને આ જો.’ તેની સામે એક સરસ સોનાની બુટ્ટી ચમકી રહી હતી. ‘બધું મૂકીને તું આમ આવ…’ કહી અવિનાશે પ્રતીક્ષાને પોતાની પાસે ખેંચી લીધી.
‘જુઓ તો ખરા છોકરો અહીં જ છે.’
‘હા, તે આ જ રીતે એ અહીં આવ્યો છે ને…’
‘જાવને, તમને તો શરમ જ નથી.’
‘એક મિનિટ… એક મિનિટ… ઊભી તો રહે…’
‘શું કરો છો તમે?’
અવિનાશ તેની જૂની બુટ્ટી કાઢવા લાગ્યો. પ્રતીક્ષા એ પ્રેમાળ સ્પર્શને અનુભવતી રહી. ‘જો આ કેવી લાગે છે?’
‘સારું, એ બધું પછી કરીશું તમે શું જમશો?’
‘લે, તું તો ક્યારની કહેતી ’તી રાહ જોઈ જોઈને થાકી ગઈ… અને આવ્યો ત્યારે હવે ખાવાની વાત કરે છે. થોડી વાત કર, ઘડીક પાસે બેસ.’
કશું બોલ્યા વિના મોં મચકોડી તે રસોડામાં ચાલી ગઈ.
આમ ને આમ, અવિનાશ આવ્યો તો એ આખો મહિનો જાણે એણે અદભૂત આનંદમાં વિતાવ્યો. વર્ષના એક આખા બોક્ષમાંથી અમુક દિવસોના બોક્સમાં જ આવો સ્નેહાળ પ્રેમ હોય છે. આટલા દિવસમાં એ આખા વર્ષનું જીવી લેતી. પરિવાર સાથે આનંદમેળામાં, પાર્ટીમાં, ગાર્ડનમાં, નાના-મોટા સામાજિક પ્રસંગોમાં, ખરીદી કરવા, ફિલ્મ જોવા અને બીજા અનેક નાનાં-મોટાં કામોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન રહી.
રજા પૂરી થતા અવિનાશ ચાલ્યો ગયો. અવિનાશ વિનાનું ઘર પણ ત્રણ મહિનાનું થઈ ગયું.
અવિનાશ સાથે લગ્ન કરીને તે ખૂબ સુખી હતી. તેના મનમાં પહેલી મુલાકાત તાજી થઈ ગઈ. અવિનાશ તેને જોવા આવ્યો ત્યારે કેવી વાતો થઈ હતી. ઝીણી આંખો, કસાયેલું આર્મીમેન જેવું શરીર, જિન્સ પેન્ટ અને ટીશર્ટમાં શોભતો અવિનાશનો ઘઉંવર્ણો છતાં ઘાટીલો ચહેરો એની આંખ સામે આવવા લાગ્યો.
ચાની ડીશ લઈને આવેલી તેની પગલીઓમાં ઝાંઝરીની ઘૂઘરીઓ ધીમું ધીમું શરમાળ સ્મિત કરી રહી હતી. હળવી હસીમજાકમાં એકમેકના પરિવારને જાણવાના પ્રયત્નો થઈ રહ્યા હતા.
‘આપણા વખતે તો આવું જોવા-બોવાનું હતું જ ક્યાં!’
‘હા, બાપાએ રૂપિયો નક્કી કરી નાખ્યો એટલે પત્યું, કોઈ પણ વિરોધ કે વાંધાવચકા વિના બેસી જવાનું પૈણવા!’
‘લગન થિયા પછી ખબર પડે કે આપણા ભાગમાં શું છે!’ વાતારણમાં હળવું હાસ્ય ગૂંજી રહ્યું હતું. હળવાશભર્યાં
વાક્યો જાણે હવામાં ભવિષ્યમાં ગૂંજનારી શરણાઈના સ્વરોના મૌન પડઘા પાડી રહ્યાં હતાં. પરસ્પરની વાતોનું તોરણ ગૂંથાઈ રહ્યું હતું.
‘છેવટે જીવન તો એમણે જ સાથે વિતાવવાનું છે, આજકાલ તો છોકરા-છોકરીઓ બધી સ્પષ્ટતા કર્યા વિના વિના પૈણતા જ નથી ને!’
‘હા, હા, છોકરા-છોકરીને વાત કરાવી દઈએ, પછી તો જે ભાગ્યમાં લખ્યું હોય ઈ થાય બીજું શું?’
બંનેને વાતચીત માટે એકાંત આપવામાં આવ્યું.
‘તમારું નામ શું છે?’
‘પ્રતીક્ષા’
‘અને તમારું?’
‘અવિનાશ.’
‘કેટલું ભણેલા?’
‘બી.એ. તમે?’
‘બી.કોમ.’
આવી નાની-નાની પ્રાથમિક વાતોથી લઈને ઘર, પરિવાર, શોખ, શું ગમે – શું ન ગમે? શું ભાવે – શું ન ભાવે, ફરવાનું ગમે કે નહીં? ક્યાં ફરેલાં, કેટલું ફરેલાં, ફેવરેટ મૂવિ કયું? ગીતો સાંભળવાં ગમે કે નહીં? વાંચવાનું ગમે ખરું? મિત્રો કેટલા? – કેવા? જેવી અનેક અને અઢળક વાતો થઈ. તેમને પોતાને પણ ખબર ન રહી કે આટલા ઓછા સમયમાં તેમણે કેટલી બધી વાતો કરી લીધી.
‘હું તો સાવ ગામડાનો માણસ છું. ખેતરમાં કામે જાવું પડે, ગારમાટીના લીંપણ પણ કરવા પડે, ફાવશે આ બધું?’
એ સાવ મૂંગી હતી, તેણે જીવનમાં ક્યારેય આવું કર્યું નહોતું, શું જવાબ આપવો તે તેને સૂજતું નહોતું. તેણે અવિનાશ સામે જોઈને હળવું સ્મિત કર્યું.
લગ્ન થઈ ગયાં. બધું સારી રીતે પતી ગયું. અવિનાશને નોકરી પણ મળી ગઈ મિલેટ્રીમાં. એ પછી તો ભગવાને તેમને બે દીકરા પણ આપ્યા. બંનેનાં નામ પણ એવાં રાખ્યાં, મોટાનું નામ દર્શન અને નાનાનું સુદર્શન. હવે પ્રતીક્ષાએ ગામડાનું કામ પણ ન કરવું પડતું. તેઓ શહેરમાં રહેવા આવી ગયાં હતાં. ખેતરનાં કામો અને ગારમાટીનાં લીંપણોમાંથી તો એ છૂટી, પણ અહીં શહેરમાં પોતાની એકલતાની ભીંત પર ખરી પડેલાં પોપડાં પર લીંપણ કર્યા કરતી. અવિનાશને બહુ રજાઓ ન મળતીને એટલે! વારે તહેવારે માંડ તે આવી શકતો. એક રીતે જોઈએ તો તેણે પોતાનું નામ સાર્થક કર્યું હતું. કેમકે લગ્ન પછી તેણે હંમેશાં અવિનાશની પ્રતીક્ષા જ કરવાની રહેતી!
સુદર્શનના રડવાનો અવાજ આવ્યો ને ભૂતકાળની સ્મૃતિઓમાંથી તે બહાર આવી. લોટવાળા હાથે એ ફરી હીંચકા તરફ ગઈ, ત્યાં બહારથી દર્શનની બૂમ સંભળાઈ…. ‘મમ્મી…’
‘એ… બૂમ ન પાડીશ… સુદ જાગી જશે.’
‘મને ભૂખ લાગી છે.’ ત્યાં વળી સુદર્શનનો રડવાનો અવાજ આવ્યો.
‘મારા હાથ ખરાબ છે, તું આને હીંચકો નાખ અને ઘૂઘરો વગાડ પછી તને આપું ખાવાનું.’
‘ઘૂઘરો વગાડું એટલે સુદ છાનો રહી જશે, મમ્મી?’
‘હા.’
‘તો, મમ્મી ઘૂઘરો વગાડું એટલે રડવાનું જતું રહે?’
‘હા, બાપા કીધું તો ખરું…’ રોટલી વણતા વણતા પ્રતીક્ષાએ છણકો કર્યો.
‘તો હું રોઉં તો તું મને ઘૂઘરો વગાડીને છાનો રાખીશ ને?’
‘હા….’
‘તો સામેવાલો રાજુ રડે તો એને ય ઘૂઘરો વગાડીને શાંત રાખવાનો?’ વળી સુદર્શનનો રડવાનો અવાજ વધ્યો.
‘હા… હવે, તું વગાડને છાનોમાનો… તને ભૂખ લાગી છે ને?’
‘હા, મને ભૂખ લાગી છે.’
‘ચલ તો ઘૂઘરો વગાડ હું જમવાનું બનાવી નાખું, સુદ છાનો રહી જાય પછી તને આપું.’
દર્શન ઘૂઘરો વગાડવા લાગ્યો. સુદ થોડીવારમાં શાંત થઈ ઊંઘી ગયો.
સાંજ પડી ગઈ હતી. બિલ્લીપગે પ્રવેશેલી રાત આકાશમાં મુઠ્ઠીઓ ભરીને અંધારું વેરી રહી હતી. અને એ રીતે સૂરજને ઢાંકવાના પ્રયાસો કરી રહી હતી. સવારે બાળક જેવો લાગતો સૂરજ સાંજે ઘરડો થઈને ઝાંખા અજવાળાની લાકડીને ટેકે ક્ષિતિજનો ઢાળ ઊતરી ચૂક્યો હતો. અંધારું ચારે પા પથરાઈ ચૂક્યું હતું.
રોજની જેમ જમીને તે અગાસીમાં આવી. ‘દર્શન, ચાંદો ક્યાં છે જાયો?’
‘આમ ર્યો…’ કહીને દર્શને આંગળી લાંબી કરી.
નાનકડા સુદર્શનને પણ તે ચાંદો બતાવવા પ્રયાસ કરતી હતી.
ધીમોધીમો શીતળ પવન વાઈ રહ્યો હતો. સોસાયટીના લોકો ઘરમાં પારિવારિક સિરિયલ્સ જોવા ટીવી સામે ગોઠવાઈ ગયાં હતાં. ત્યારે આકાશમાં સેંકડો તારાઓ હોવા છતાં ચંદ્ર એકલો હતો! થોડી વાર થઈ એટલે ત્રણે નીચે આવીને ઊંઘી ગયા. બસ આ તેનો નિત્યક્રમ હતો. આમાં ભાગ્યે જ કશું પરિવર્તન થતું. અવિનાશ હવાની જેમ આવતો અને આવીને જતો રહેતો. આમ જ જીવન ચાલ્યા કરતું.
ચોમાસાનો સમય હતો. બપોર થઈ ગઈ હતી, પણ મુશળધાર વરસાદમાં સૂરજ ઓગળીને વહી ગયો હતો. ચીડાયેલો ઈશ્વર જાણે આકાશની પીઠ પર વીજળીના ચાબુક ફટકારી રહ્યો હતો. ચાબુકના સોળ પોતાની પીઠ પર ઝીલતાં વાદળો ભેંકાર ગર્જનારૂપી ચીસો પાડી રહ્યાં હતાં. વરસાદનાં ટીપાંઓ બારી પર માથાં પછાડી રહ્યાં હતાં. તે રસોડામાં રોટલી બનાવતી હતી. બાજુમાં દર્શન અવિનાશે લાવેલા ઘૂઘરાથી રમતો હતો. સુદર્શનનો તો આ ઊંઘવાનો સમય હતો.
ફોનની રિંગ રણકી. જોયું તો અવિનાશનો જ કોલ હતો. તેના ચહેરા પર ફરી સ્મિત આવ્યું. ‘આ વખત તો એ મને સરપ્રાઇઝ આપે તે પહેલાં હું જ તેમને આપી દઉં.’ એવા વિચાર સાથે તે ગેસ પરની રોટલી એમનેમ મૂકીને ઝપાટાભેર બારણાં તરફ દોડી. બારણું ખૂલતા વરસાદની વાછટ અંદર ધસી આવી. મુશળધાર વરસાદ, પવનના સુસવાટા સિવાય કશું હતું નહીં. તે ભોંઠી પડી. ફોનની રિંગ હજી રણકી રહી હતી. એ પૂરી થાય તે પહેલાં દોડીને તેણે ફોન ઉપાડી લીધો,
‘આ વખત ખરેખર ના આવ્યા તો?’ સામેથી કોઈ પ્રતિભાવ ન આવ્યો. ‘વાંધો નહીં, પણ હવે કંઈક બોલો તો ખરા… હવે ક્યારે આવવાના છો?’
‘ભાભી હું… સુલતાન બોલું છું…’
‘એ ક્યાં છે? એમના ફોનમાંથી તમે…?’
સુલતાન ઘડીક મૂંગો રહ્યો. તોતડાતા અવાજે અવાજે બોલ્યો, ‘ભાભી… અઅ.. અઅ.. અવિનાશ નથી રહ્યો હવે.’ કહેતા કહેતા સુલતાનની જીભના લોચા વળવા લાગ્યા. ‘એ સરહદ પર લડતા લડતા શહીદ થઈ ગયો… એના ફોનમાંથી જ મેં તમને ફોન…’ સુલતાનની પૂરી વાત કાને પડે એ પહેલાં પ્રતીક્ષાના હાથમાંથી ફોન પડી ગયો. તે પૂતળાની જેમ સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખે અંધારા આવવા લાગ્યા અને ત્યાં જ ધબ્બ દઈને નીચે પડી. બહાર જેમ તેની આંખના વાદળે પણ વરસવા માંડ્યું. તેણે પોક મૂકી. મમ્મીના રડવાનો અવાજ સાંભળીને રસોડામાં રમતો દર્શન દોડાદોડ બહાર આવ્યો. શું થયું એ તેને સમજાયું નહીં. એ તો હજી એની રમતમાં મશગુલ હતો. મમ્મીને રડતી જોઈને એ થોડો ગભરાયો. પણ ખબર નથી તેને શું સૂઝ્યું કે હાથમાં રહેલો ઘૂઘરો લઈને જોરજોરથી વગાડવા લાગ્યો. ત્યાં રસોડામાં ચૂલા પર રહેલી રોટલી આ વખત બંને તરફ બળી ચૂકી હતી.
શ્રી અનિલ ચાવડાની વાર્તા બળેલી રોટલી હ્રુદયસ્પર્શી વાર્તા.
બળેલી રોટલી અને ઘુઘરા રુપકે શરૂ થયેલ વાર્તા…
ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈંજનિયાં ..
કિલકિ કિલકિ ઉઠત ધાય ગિરત ભૂમિ લટપટાય . ..રામચંદ્ર જેવા પણ બાળપણમા ઘુઘરા રમતા ગિરત
‘જેમ આ વાર્તાના અંતમા ‘ હાથમાં રહેલો ઘૂઘરો લઈને જોરજોરથી વગાડવા લાગ્યો. ત્યાં રસોડામાં ચૂલા પર રહેલી રોટલી આ વખત બંને તરફ બળી ચૂકી હતી…
સરહદ પર લડતા લડતા શહીદ વાતે કરુણ રસ વિગલીત કર્યો…
LikeLiked by 1 person
“મુશળધાર વરસાદમાં સૂરજ ઓગળીને વહી ગયો હતો. ચીડાયેલો ઈશ્વર જાણે આકાશની પીઠ પર વીજળીના ચાબુક ફટકારી રહ્યો હતો. ચાબુકના સોળ પોતાની પીઠ પર ઝીલતાં વાદળો ભેંકાર ગર્જનારૂપી ચીસો પાડી રહ્યાં હતાં. વરસાદનાં ટીપાંઓ બારી પર માથાં પછાડી રહ્યાં હતાં.”
અનિલભાઈની કવિત્વ ભરેલી વાર્તા પણ એક કવિતા કે ગઝલના આરોહ અવરોહ જેવી લાગે છે. એક સૈનિકન જીવન સાથે જોડાયેલું કટુંબ, પ્રતિક્ષાના મનના ભાવો, દર્શનનો ઘુઘરો વગાડી કોઈપણ રડતી વ્યક્તિને શાંત કરી શકાય એ બાળ સહજ લાગણી અને બન્ને બાજુથી બળેલી રોટલીનો વિરોધાભાસ એક કરૂણ દ્રષ્ય ઉભું કરે છે.
અનિલભાઈની ગઝલ હોય કે વાર્તા, માનવિય સંબંધો અને ધરતીની સોડમથી રંગાયેલા હોય છે.
LikeLiked by 1 person
વાર્તા એક સૈનીકની, પણ,બહુ કરૂણ વાર્તા..
LikeLike