રસદર્શન- “બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી”
નઝમઃ શાયર કફિલ આઝર
बात निकलेगी तो फिर दूर तलक जायेगी
लोग बेवजह उदासी का सबब पूछेंगे
ये भी पूछेंगे के तुम इतनी परेशान क्यों हो
उंगलियाँ उठेगी सूखे हुए बालों की तरफ
एक नजर देखेंगे गुजरे हुये सालों की तरफ
चूड़ियों पर भी के तंज किये जायेंगे
कापतें हाथों पर भी फिकरे कसे जायेंगे
लोग जालिम हैं हर इक बात का ताना देंगे
बातों बातों में मेरा जिक्र भी ले आयेंगे
उन की बातों का जरा सा भी असर मत लेना
वरना चेहरे के तासुर से समझ जायेंगे
चाहे कुछ भी हो सवालात ना करना उनसे
मेरे बारे में कोई बात ना करना उनसे
शायर – कफ़ील अज़हर
आवाज़ – जगजीत सिंह
રસદર્શન ઃ દેવિકા ધ્રુવ
સંવેદનાઓનું બારીક નક્શીકામ પ્રગટ કરતી આ નઝમ, ઊર્દૂ ભાષાના શાયર શ્રી કફિલ આઝરની કલામ છે. એપ્રિલ ૧૯૪૦માં,અમરોહવીમાં જન્મેલા આ શાયરનો ગઝલ સંગ્રહ ‘ધૂપકા દરિયા’ ખૂબ પ્રસિધ્ધિ પામ્યો છે. તેમને ગાલિબ એકેડેમી,દિલ્હી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિશ્વભરમાં ગવાયેલી તેમની આ જ નઝમથી જગજીત સિંહની કારકિર્દી શરૂ થઈ. ઉદાસીના ભાવથી છલછલ થતી, તેના આરંભની વાર્તા પણ દિલચશ્પ છે.
સીંગાપોરના એક કાર્યક્રમમાં જગજીતસિંહે જણાવ્યા મુજબ કોઈ એક મેગેઝીનમાં પ્રસિધ્ધ થયેલ આ નઝમ વાંચીને તેમને એટલી ગમી ગઈ કે, તરત જ સ્વરબધ્ધ કરી અને ગાવા માટે જાણીતા ગાયક ભૂપેન્દ્ર સિંહને આપી અને કોઈ એક ફિલ્મમાં લેવાનું નક્કી થયું. પરંતુ સંજોગવશાત ન તો ભૂપેન્દ્રસિંહનું આલ્બમ રીલીઝ થયું કે ન તો એ ફિલ્મનું નિર્માણ થયું. તે પછી ૧૯૭૯માં જગજીતસિંહે મખમલી અવાજમાં આ નઝમ ગાઈ અને તેમની ગાયકીનો એક એક શબ્દ શ્રોતાઓના દિલમાં વસી ગયો..
નહિ મળી શકાયેલ માશુકાને સંબોધીને રચાયેલ આ નઝમ શરૂઆતથી જ ‘बात निकलेगी तो फिर दूर तलक जायेगी, लोग बेवजह उदासी का सबब पूछेंगे.ये भी पूछेंगे के तुम इतनी परेशान क्यों हो? લાગણીનું બેનમૂન જતન કરતા હૈયાના ઉદગારોમાંથી વહી છે તેમ લાગ્યા વગર રહેતું નથી. લોકો સામે ઉદાસ ન રહેવા માટે કેટલી મૃદુતાથી સમજાવે છે! પરેશાન ન રહેવા વિનવે છે! કોઈ વ્યક્તિ કોઈની ઉદાસીના કારણને દૂર કરી શકે તેમ તો નથી જ. પછી શા માટે એ ભાવોને છતા થવા દેવા? જરા ઊંડાણથી વિચારીએ તો પોતાના પ્રશ્નો પોતે જ હલ કરવાની અહીં એક ઉંચી ફિલોસોફી પણ છે.
આગળની પંક્તિઓમાં કવિ વેદનાભરી સ્થિતિનું ચિત્ર ઉપસાવે છે. એ કહે છે કે, તારા સૂકા, વિખરાયેલા, વાળ, વીતેલો સમય, હાથની શાંત પડેલી ચૂડીઓ, ધ્રૂજતા હાથ…આ બધા તરફ જોઈ જોઈને લોકો ટોણા મારશે,વ્યંગમાં બોલશે. लोग जालिम हैं हर इक बात का ताना देंगे
बातों बातों में मेरा जिक्र भी ले आयेंगे. લોકો તો મારા વિશે પૂછી પૂછીને તને હેરાન હેરાન કરી મૂકશે
પણ એ બધું તું મન પર ન લઈશ. નહિ તો ચહેરા પરની એવી ભાવયુક્ત રેખાઓને પણ દૂનિયા વાંચી લેશે, સમજી જશે. કંઈક કંઈક સંભળાવશે. પણ કશું જ ન વિચારીશ કે કંઈપણ સવાલ ન કરીશ.ન બોલીશ. चाहे कुछ भी हो सवालात ना करना उनसे..मेरे बारे में कोई बात ना करना उनसे…
ભૂલે ચૂકે પણ મારા વિશે કોઈ વાત ન કરીશ. સ્નેહનું કેવું ઝીણું ઝીણું જતન? કેવી રેશમી સંભાળ? પોતે તો ગમને છૂપાવી જ દેશે. જાણે કે, “સમંદરને અંદર સમાવી દીધો છે ને અંગાર રાખે દબાવી દીધો છે.” પણ પ્રિય પાત્રને પણ ખૂબ નાજુકાઈથી હ્ર્દયસ્પર્શી શબ્દોમાં કહે છે! પરિસ્થિતિ કે પરિણામ જે આવ્યું હોય તે પણ મૂળ સાચી લાગણી અહીં અકબંધ અનુભવાઈ રહી છે.
સરળ શબ્દોમાં ગૂંથાયેલી આ નઝમ એક એવો પણ સંદેશ મૂકી જાય છે કે, માનવીએ પોતાના સંકટોને પોતે જ સહેવાના છે અને પોતે જ અડીખમ રહી આગળ વધવાનું છે.
જનાબ કફિલ આઝરની કલામ અને ગાયક શ્રી જગજીતસિંહના જાદૂઈ અવાજના સુભગ સમન્વયથી આ નઝમને ચાર ચાંદ લાગ્યા છે એમ કહ્યા વગર રહી શકાતું નથી. બંનેની કલાને અદબભરી સલામ.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
“બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી”નઝમઃ શાયર કફિલ આઝરનું સુ શ્રી દેવિકા ધ્રુવ દ્વારા સ રસ રસદર્શન
LikeLiked by 1 person
“માનવીએ પોતાના સંકટોને પોતે જ સહેવાના છે અને પોતે જ અડીખમ રહી આગળ વધવાનું છે.
જનાબ કફિલ આઝરની કલામ અને ગાયક શ્રી જગજીતસિંહના જાદૂઈ અવાજના સુભગ સમન્વયથી આ નઝમને ચાર ચાંદ લાગ્યા છે એમ કહ્યા વગર રહી શકાતું નથી. બંનેની કલાને અદબભરી સલામ”
સાથે દેવિકાબહેન આપના રસદર્શનને આપની કલમને પણ સલામ, જે બારીકાઈથી આ ગઝલનુ પોત આપે વણ્યું છે એ આ ગઝલને ચાર ચાંદ લગાવી દે છે.
LikeLiked by 1 person
દેવિકાબેન નું રસદર્શન ખરેખર હૃદયસ્પર્શી રસિક છે! ભૂપેન્દ્ર શાહ:
LikeLiked by 2 people