હજી તો માંડ મુગ્ધાવસ્થા મૂકીને યૌવનમાં પ્રવેશ કર્યો હોય એવી એ ’મુગ્ધા-તરુણી’ હતી. કવિ કલાપીએ ’બાલક કવિ’નું : ’તારી દીસે ચપળ નેત્રની જ્યોતિ બાપુ; કીકી ભરી રમતિયાળ હજાર ભાવે.’ એ શબ્દોમાં કરેલું વર્ણન, આ તરુણીને માટે ખૂબ યોગ્ય છે, એમ મને સહજ લાગ્યું. એ છોકરી અત્યંત રૂપાળી હતી, એમ હું નહી કહું. પણ એની આંખોમાં જે નિરાગસતા હતી, એના સ્મિતમાં જે સ્નિગ્ધતા હતી, એના હાસ્યમાં જે આવતી કાલ માટેની આશાનો ઉલ્લાસ હતો, એના અંગેઅંગમાં જીવન માટે જે થનગનાટ હતો; એ બધાના પરિણામે એ એકદમ જ નોખી તરી આવે એવી હતી. શૈલા અને હું પેરુ દેશના લીમા શહેરમાં આવેલ ’કેનેડી પાર્ક’માં એક સામાન્ય રેસ્ટોરાંમાં ’સૂપ અને સૅન્ડવીચ’નું સાદું ભોજન લેતા બેઠા હતા. અમારા ટેબલથી થોડે દૂરના ટેબલ પર આ તરુણી બેઠી હતી. કહેવાની જરૂર નથી કે એની સાથે એક એવો જ કામણગારો યુવાન બેઠો હતો. ટી-શર્ટ માંથી ડોકિયું કરતા એના પહોળા ખભા અને હાથના સ્નાયુ એના કસાયેલ શરીર સૌષ્ઠવની સાક્ષી પુરતા હતા. એની ચામડીનો ચળકતો ઘઉંવર્ણો રંગ, પેલી તરુણીના શ્યામ રંગની સરખામણીમાં ઘણો ઉજળો લાગતો ‘તો. બંને ખૂબ મુક્ત મને, ઉલ્લાસથી વાતો કરતા હતા. અમારા અને એમના ટેબલ વચ્ચે અંતર હતું. એમની વાતનો એક પણ શબ્દ અમારા કાન સુધી પહોંચી શકે એવી કોઇ શક્યતા ન હતી. એમની વચ્ચેની વાતચીત અને પ્રણય-ગોષ્ઠિ અમારે માત્ર અંદાજથી જ સમજવાની હતી અને એનો અર્થ તારવવાનો હતો. પણ એ બંનેની બોલકણી આંખો, ચહેરા પરના સૂચક હાવભાવ, અચાનક જ એમના મોં પર ખીલી ઊઠતું સ્મિત, તો ક્યારેક છલકાઇ જતું મુક્ત-હાસ્ય, અને આ બધાથી સાકાર થતી એમની દેહ-વાણી (BODY LENGUAGE) અમારાથી કશું પણ છાનું રહેવા દે એમ ન હતું. અમે જાણે એમની બધી જ વાતો કાનોકાન સાંભળતા હોઇએ એવું અનુભવી રહ્યા ’તા. એમના હાવભાવથી ઘડીક એમ લાગતું કે તેઓની આ પહેલી જ મુલાકાત છે અને પેલો ફૂટડો જુવાનિયો આ તરુણી પર છાપ પાડવા માટે અવનવી વાતો કરે છે. તો બીજી ક્ષણે લાગતું કે બંને એકમેકથી પૂર્ણ પરિચિત છે, નજીકના ભવિષ્યમાં જ ઘર માંડવાના છે અને પેલી મુગ્ધા આ જુવાનિયાને પોતાના સપનાં સમજાવી રહી છે. ક્યારેક બંને પરસ્પરની આંખમાં આંખ પરોવીને અનિમેષ થતા ’તા, તો વળી બીજી જ પળે ક્યાંક દૂરનું સ્વપ્ન જોતા હોય એમ ખામોશ થઇ જતા ’તા. એમની વાતોના આરોહ-અવરોહ અને વિષયની ગહનતા અને સરળતા, એમના ઘડીમાં તંગ થતા અને બીજી જ ઘડીએ કોમળ બની જતા ચહેરાના ભાવમાં દેખાઈ આવતી ‘તી. મારા ધ્યાનમાં આવ્યું કે તરુણી લગભગ બધી જ વાત એના સાથીની આંખમાં આંખ પરોવીને કહેતી ’તી. એ પળે એની સમગ્ર વાગીશ્વરી એની આંખોમાં આવી વસતી ’તી. એ વાતો કરતી હોય ત્યારે જાણે સતત સપનાં જોતી હોય એવો ભાસ થતો ‘તો. જુવાનિયો, ક્યારેક ક્ષિતિજ પર, ક્યારેક તરુણીના કાળા ભમ્મર વાળ પર, તો ક્યારેક વળી એનાં ભરાવદાર મોહક અંગો પર આંખ ઠેરવીને બોલતો હતો. એના બોલવામાં આત્મવિશ્વાસ દેખાતો હતો. તરુણીની આંખો સતત જાણે એના સાથીને પકડી રાખવા મથતી હતી. જુવાનિયાનો થનગનાટ પુરા પવનમાં ભર દોરે આસમાને ચડેલા પતંગની યાદ આપતો ‘તો. ખ્રિસ્તીઓના ’જુના કરાર’ માં આવતા ઈવ-આદમ યુગલની યાદ તાજી કરાવે એવું એ સર્વાંગ-સુંદર જોડું સદેહે અમારી સામે બેઠું હતું.
પણ ત્યાં કેવળ એ બે જ ન હતા. સાથે એક ત્રીજો પણ હતો. એ ત્રીજા વડીલની ઉંમર, પેલા તરુણ-તરુણીની ઉંમરનો સરવાળો કરીએ તો એનાથી પણ દોઢી હશે, એમ સ્પષ્ટ દેખાતું હતું. પહેલી નજરે તો એમ જ થાય કે આવા યુગલની વચ્ચે બેસીને આમ ’કબાબમાં હડ્ડી’ બનવાનું એ વડીલને માટે બિલકુલ યોગ્ય નથી. પણ એ વડીલ ત્યાં હતા, પેલા યુગલની વાતોમાં ભાગ પણ લેતા’તા, અને છતાં એ તદ્દન નિર્લેપ અને તટસ્થ હતા. ધોળા પણ વાંકડિયા વાળથી મઢાયેલું એમનું મસ્તિષ્ક, નાજુક સોનેરી ફ્રેમના ચશ્માં પાછળ રહેલી એમની ઠરેલ આંખો, હોઠ પરના સ્મિત સાથે અસ્પષ્ટ હલચલ કરતી એમની સુઘડ કાપેલી મૂછ, આ બધું એમના વ્યક્તિત્વને ’આદરણીય’ બનાવતા ’તા. એ ત્રણમાંથી કોઈના પણ ચહેરા પર ’એ વડીલની હાજરી ત્યાં બિનજરૂરી છે’ એવો જરાપણ અણસાર ન હતો. એમની વાતો ચાલુ જ હતી અને વચ્ચે રેસ્ટોરાંની છોકરી આવી હસીને, લળીને એમનો ઑર્ડર લેવા લાગી. બધું બોલવાનું પેલા જુવાનીયાએ જ કર્યું. પરિસ્થિતિનો દોર પોતાના હાથમાં લઇ લેવાનું જાણે એના લોહીમાં જ હતું. ઑર્ડર આપતી વખતે તરુણીને કશું પણ પૂછવાની એને જરૂર જ ન લાગી. તરુણી પણ કાંઇપણ બોલ્યા વગર એના શબ્દેશબ્દમાં માત્ર એક મોહક સ્મિત સાથે સંમત થયા કરતી’તી. ઑર્ડર આપવાનું પુરું થયું પછી પેલા વડીલે રેસ્ટોરાંની છોકરીને ધીમા સ્વરમાં કશીક સૂચના આપી. મોટેભાગે તો એમણે, “બિલ હું ચૂકવીશ” એવી મતલબનું જ કશુંક કહ્યું હશે; અથવા તો “મારા ખાવામાં ખાંડ બિલકુલ ન નાખતી” એમ કહ્યું હશે. જે હોય તે, પેલી છોકરી હસીને હકારાર્થે ડોકું ધૂણાવીને ગઈ. આ ત્રણેની –ગુફતેગો કહી શકાય એવી- વાતો આગળ ચાલી. અત્યાર સુધી ખૂબ થોડું બોલેલા વડીલ અચાનક જ બોલવા માંડ્યા. એમની વાત પેલું યુગલ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતું હતું. વચ્ચે જ બંને હસીને એકમેક તરફ જોઇ લેતા ’તા, વચ્ચે જ ગંભીર બની જતા ‘તા, અને વચ્ચે જ જાણે એ વડીલની હાજરી વીસરી ગયા હોય એમ એકમેકનો હાથ પકડી હસી લેતા ’તા. વડીલની વાત લાંબી ચાલી. તરુણીએ કંટાળીને નહીં પણ અવધાન ન રહેતા, જુવાનિયાને ખભે માથું ઢાળ્યું. હવે એમનું ખાવાનું પણ પુરું થયું હોય એમ લાગતું ‘તુ. વડીલ ટેબલ તરફ જોઇને થોડા શબ્દો બોલ્યા અને પછી માથું ઊંચકી, સીધું પેલા બંનેની સામે જોઇને બે-ચાર લાંબા-લાંબા વાક્ય બોલી ગયા. યુગલની એમની વાત સાંભળવાની ઉત્કંઠા હવે એકદમ વધી ગઇ. તરુણીએ જુવાનિયાના ખભા પર ઢાળેલું માથું લગભગ ઝાટકો દઇને ઊંચુ કર્યું. એણે અને જુવાનીયાએ એકમેક સામે જોયું. પછી બંને વડીલની વાત એકચિત્તે સાંભળવા માંડ્યા. આમ છતાં, ત્રણમાંથી કોઇનાયે મોં પર ચિંતાના ચિહ્નો ન હતા. જુવાનિયો તો ઘડીભર હસ્યો પણ ખરો, અને તરુણીના માથા અને વાળ પર હાથ પસવારીને કશુંક બોલ્યો. ત્રણેનું આ સંભાષણ થોડી વાર સુધી ચાલ્યા કર્યું. પછી તરુણ-તરુણી ઊભા થયા, બંનેએ એ વડીલની સાથે હસ્તધૂનન કર્યું, અને રેસ્ટોરાંનું બિલ ચૂકવવાની કશી પણ ફિકર કર્યા વગર જ ચાલવા માંડ્યા. તરુણીનો જમણો હાથ જુવાનિયાના જમણા ખભા સુધી પહોંચવા મથી રહ્યો હતો. જુવાનીયાએ એની સ્વભાવગત નફકરાઇથી પોતાનો ડાબો હાથ તરુણીની કમર ફરતો વીંટી લીધો હતો.
પેલા બંને ગયા. વડીલ ત્યાં જ બેસી રહ્યા. આશરે અડધો કલાક ચાલેલા આ પ્રસંગ પરથી હું અનુમાન પર આવતો હતો કે એ વડીલની હાજરી ત્યાં સાર્થ હતી. એમની હાજરી આપદા ન હતી, સ્વસ્થ હૂંફ હતી. અડચણ નહીં આધાર હતો. આ ત્રણે વચ્ચેની ઉંમરની વિષમતા જેટલી સ્પષ્ટ હતી એટલા જ એમના પરસ્પરના સંબંધો ધૂંધળા હતા. તરુણ-તરુણી વચ્ચેનો પ્રણય આબેહૂબ હતો પણ એમાં પેલા વડીલને શું ભાગ ભજવવાનો હતો એ મારા મનમાં હજી કોયડો જ હતો.
હું આવી ગૂંચવણ અનુભવતો હતો ત્યાં જ પેલી તરુણી ઉતાવળે પગલે, હસતી-હસતી પાછી આવી. વડીલ પાસે ગઈ અને એમને એક ઘટ્ટ આલિંગન આપી ભેટી પડી. વડીલ તો પોતાની ખુરશીમાં જ બેસી રહ્યા હતા. તરુણીએ એમના સોનેરી ચશ્મા હળવેથી જરા દૂર કર્યા અને એમના કપાળ પર એક પ્રેમ અને આદરની મિશ્ર લાગણીથી સભર દીર્ઘ ચુંબન ચોડી દીધું. એમના ખભા એકવાર જોરથી હલાવી, જેમ આવી હતી એમ જ હસતી-હસતી, ઉતાવળે પગલે દોડીને બારણામાં ઊભેલા એના સાથીના બાહુપાશમાં સમાઇ ગઈ.
હું જોઈ રહ્યો. ’ચૌદહવીકા ચાંદ’ સમી એક યૌવના જીવનની સંધ્યા વટાવી રહેલા વૃદ્ધનો, એક શબ્દ પણ બોલ્યા વગર આદર કરી રહી હતી. અત્યાર સુધી જે કોયડો હતો એનો જાણે મને અચાનક ઉકેલ મળતો હતો. નિખાલસ આદર માત્ર હૃદયની ભાષાથી જ વ્યક્ત થઈ શકે છે. એની અભિવ્યક્તિ માટે સમર્થ શબ્દ શોધવાનું સામર્થ્ય પેલી તરુણીમાં ન હતું. જે કાંઈ એને કહેવું હતું એ એણે BODY LENGUAGE દ્વારા જ કહી દીધું. મને એ ત્રણે વચ્ચેનો સંબંધ પૂર્ણપણે વિધાયક અને કશી ઊણપ કે ન્યૂનતા રહિત દેખાયો. મને કવિ કૃષ્ણાલાલ શ્રીધરાણીની કાવ્ય પંક્તિ યાદ આવી : ’ત્રણે હતા છતાં બે-ના-બે મેડીએ, ને વધતું જતું’તુ એકાંત.’
માત્ર ત્રણ પૅરેગ્રાફમાં સમાયેલી આ વાર્તા અત્યંત મોહક છે. અમારા ગોહિલવાડના બે મહાન કવિઓ – કવિ કલાપિ અને ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીનો ઉલ્લેખ કરીને લેખકે વતનની યાદ તાજી કરાવી. ધન્યવાદ!
LikeLiked by 1 person
અશોક ગોપાળરાવ વિદ્વાંસ સામર્થ્યવાન સર્જક અને ગુજરાતી અને મરાઠી બંને ભાષાસાહિત્યમાં સર્જનપ્રદાન કરતા અમેરિકાના ગુજરાતી જનસમૂહ અને ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજ, વિબુધ સાહિત્યસેવી, સૂક્ષ્મગ્રાહી અને કુશળનિરૂપક ની બોડી લેંગ્વેજ સુંદર વાર્તા
તેનો અંત-‘’ નિખાલસ આદર માત્ર હૃદયની ભાષાથી જ વ્યક્ત થઈ શકે છે. એની અભિવ્યક્તિ માટે સમર્થ શબ્દ શોધવાનું સામર્થ્ય પેલી તરુણીમાં ન હતું. જે કાંઈ એને કહેવું હતું એ એણે BODY LENGUAGE દ્વારા જ કહી દીધું’ આવા અફલાતુન વાતે અભિવ્યક્તિ માટે સમર્થ શબ્દ શોધવાનું સામર્થ્ય નથી
તેમની વાર્તાનુ તેઓ પઠન કરી રસદર્શન કરાવે તે માણવાની મઝા કાંઇ ઔર !
LikeLike
સુંદર વાર્તા
LikeLike