નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ
કદીક હોઠ પર ગીત હોય ને કદીક રમે છે છંદ
બારી ખુલ્લી, દરવાજા ખુલ્લા
ખુલ્લું છે આકાશ,
ધરા-ગગનનો મળે ક્ષિતિજે
કોઈ અવનવો પ્રાસ.
હાશ! મને છે અહો એટલીઃ હું નહીં મારામાં બંધ
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ
જ્યાં જાઉં ને જોઉં ત્યાં તો
મળે શુભ ને લાભ,
સરવરજળમાં અહો! અવતરે
મેઘધનુષી આભ.
એક એક આ વૃક્ષને મળતો પવનનો પ્હોળો સ્કંધ.
નથી નથીનો નથી વસવસોઃ છે એનો આનંદ
– સુરેશ દલાલ
કવિ સુરેશ દલાલની સમગ્ર કવિતાનો સંપુટ ‘કાવ્યવૃષ્ટિ’ 2014માં પ્રગટ થયેલો. 3 ભાગ, 50 કાવ્યસંગ્રહ, 2028 પાનાં, 3652 કાવ્યો ધરાવતા આ દળદાર સંપુટમાંથી એક કવિતાની ઝરમર માણીએ. જિંદગીભર જેમણે સેંકડો કવિઓના કાવ્યોનો આસ્વાદ કરાવ્યો છે એ કવિના કલામને આસ્વાદની તક મળે એ પણ એક ગમતો ઋણાનુબંધ છે.
કવિએ આપણી માનસિકતાને આબાદ ઝીલી છે. માણસની લાલસાને કોઈ થોભ નથી હોતો. ભૂખ અને તરસની કક્ષાએ એ આવી ગઈ છે. સંતોષવી જ પડે, છીપાવવી જ પડે. લાલસા માણસનો જન્મજાત ગુણ છે. બાળપણમાં રમકડા, લખોટી, ટિકિટ વગેરે ભેગા કરવાની નિર્દોષ લાલસા આજીવન માફ છે. એમાં સમજ નથી હોતી, એમાં આનંદ હોય છે. ભણીગણીને ઠરીઠામ થવાની દોડ શરૂ થાય ત્યાંથી લાલચટાક લાલસા અંતિમ શ્વાસ સુધી લંબાય છે. જે અલગારી છે એ લોકો અધવચ્ચે અટકી જવામાં માને છે. જે સ્વર્ગમાં પણ પોતાની પિગી બૅન્ક લઈ જવાની અભિપ્સા રાખે છે તેની કડાકૂટ ચાલુ જ રહે છે.
આપણને બધું જ મળે એ જરૂરી નથી. જે જરૂરી છે એ પણ મોટા ભાગના લોકોને નથી મળતું. એક વર્ગ એવો છે જે ઉપર આભ ને નીચે ધરતીની મૂડીના સહારે જીવતો હોય છે. ના ઘર હોય, ના અવસર હોય. લાખો લોકો ઝુંપડપટ્ટીઓમાં જિંદગી વ્યતિત કરે છે. ઘણી વાર વિચાર થાય કે વિધાતાએ પણ કેવી રચના કરી છે! એકની એક સ્થિતિમાં કોઈ માણસની આખી જિંદગી વીતી જાય. જાણે પૃથ્વી પર સજા કાપવા આવ્યો હોય એ રીતે શ્વાસો ખૂટે.
પૈસા અને ફ્લેટ આ બે એવા આકર્ષણો છે જે દરેકની જિંદગીમાં સુપરસ્ટારનું સ્ટેટસ ભોગવે છે. વન રુમ કિચનને ઝંખના હોય વન બીએચકેમાં જવાની. વનવાળો ટુ બીએચકે, ટુવાળો થ્રી બીએચકે… એમ ઝંખના વિસ્તરતી જાય. 3000 સ્કવેર ફીટના ઘરમાં રાત્રે 2800 સ્કેવર ફીટ તો ખાલી જ પડ્યા હોય, છતાં રમણા હોય વિસ્તરવાની. જે છે એનો આનંદ માણવાને બદલે, જે વધારાનું છે એને નભાવવામાં જિંદગી ખર્ચાતી જાય.
સંતોષ નામનું સ્પીડબ્રેકર દરેકે જાતે જ બનાવવાનું હોય. પરસેવો સીંચીને બધું ઊભું કર્યું હોય ને ભોગવવા જ ન મળે એ નિષ્ફળ વેપાર ગણાય. મારુતિમાંથી હોન્ડા સિટી ને હોન્ડા સિટીમાંથી મર્સિડિઝના વિચારો કર્યા કરતી જિંદગી જે છે એનેય ઉજવી નથી શકતી. ઈશ્વરે દરેકને જાતજાતના દુઃખની સાથે ખપ પૂરતું સુખ આપ્યું છે, પણ ખપ પૂરતો સંતોષ કેળવવાનું કામ આપણા પર જ છોડ્યું છે.
હકારાત્મક અભિગમ ધરાવતી આંખો ઉપર ચશ્મા ભલે હોય, પણ એ દૂરનું જોઈ શકે છે. ઈશ્વરે આપણને સૃષ્ટિ જાણવા ને માણવા મોકલ્યા છે. જે નથી એનો વસવસો કરવામાં, જે છે એનો આનંદ અળપાઈ જાય છે. હાયહાયમાં હોશ ભૂલાઈ જાય અને હોંશિયારીમાં હાશ ગુમાઈ જાય. કમળાવાળી આંખો લઈને ફરતા આપણે કૌતુક ગુમાવી બેઠા છીએ. જેને સમજાય એ દિવાના ગણાશે, નહીં સમજાય એ સમજદાર. બોલો, તમારે લાંબું વિચારવું છે કે ઊંચું વિચારવું છે?
***
ખૂબ જ સરસ
LikeLike
કવિ શ્રી સુરેશ દલાલની સુંદર રચનાનો શ્રી હિતેન આનંદપરા દ્વારા સ રસ આસ્વાદ
LikeLike
Hiten, remembered Sureshbhai. His positivism always reflected in his writing and in his persona. Sureshbhai, Pannaben and I always had a nice time whenever he would be visiting. Miss him.
LikeLike