શ્રીમદ્ ભાગવત પુરાણની પૃષ્ઠભૂમિ
(શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય પર લખાયેલા બધા જ શ્લોકનો ભાવાનુવાદ અને ભાવાર્થ સાત સપ્તાહ સુધી ચાલશે. આઠમા સપ્તાહથી શ્રીમદ્ ભાગવતની કથાનો સારાંશ / ભાવાર્થઃ સહિત રજુ કરીશ. શ્રીમદ્ ભાગવત-મહાત્મ્ય સમજવું થોડું અઘરૂં પણ લાગે કદાચ, કારણ, આ મહાત્મ્યના ૪૯ શ્લોકોમાં અઢાર પુરાણ, ચાર વેદ અને ૧૩ ઉપનિષદોની ફિલોસોફીનો નિચોડ છે. (ઉપનિષદો અને ‘પેટા’ ઉપનિષદોની ટોટલ સંખ્યા આમ તો ૩૦૦ જેટલી ગણાય છે પણ ૧૩ મુખ્ય છે.) મારી અલ્પ સમજણ પ્રમાણે, સરળતાથી લખવાનો મેં પ્રયાસ કર્યો છે. જે કમી રહી જાય છે તે મારી પોતાની અલ્પમતિને કારણે છે અને એને માટે આગોતરી ક્ષમા માંગી લઉં છું. ભાગવત કથા પૂર્વે સદા આ મહાત્મ્ય વર્ણવવામાં આવે છે જેથી કથાનું હાર્દ–અર્ક સમજવામાં સરળતા રહે. આ કથા વાંચતાં અને લખતાં હું ઈશ્વરની સમીપતાનો, નીડર બનવાનો, સત્યનો સ્વીકાર કરવાનો, પ્રેમ, જ્ઞાન અને ભક્તિનો અનુભવ પળેપળ કરી રહી છું, એટલું નહીં, પણ હજુ તો “Miles to go” – નારાયણને પામવા માટેની લાંબી સફર કાપવાની છે, એની ખબર પણ આત્મસાત થઈ રહી છે. મારી સાથે આપ સહુ આટલા ભાવથી આ સફરમાં જોડાયા છો એ શ્રી કૃષ્ણની પરમ કૃપા વિના સંભવ નથી. આ તો શ્રી હરિનો, નારાયણનો જ મહિમા છે, એમાં મારું કઈં જ નથી. જય શ્રી કૃષ્ણ.)
ચતુઃશ્લોકી ભાગવત પછી શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય સમજાવવામાં વેદવ્યાસજી આ પુરાણના આરંભ પહેલાં સ્કંદપુરાણમાં શ્રી હરિના મુખે બ્રહ્માજીને કહેવાયેલા ૩૧ ગૂઢાર્થવાળા શ્લોકો રજુ કર્યા છે. આ શ્લોકો દ્વારા વ્યાસજી ભાગવત કથાના શ્રવણ અને વાંચન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માગે છે, આથી શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય વધી જાય છે. અહીં માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બેઉના સિધ્ધાંતોને વ્યાસજી આવરી લે છે. જો માતાપિતા કોઈ પણ ઉમરના એમના સંતાનોને સીધેસીધી સલાહો આપે તો એનું મૂલ્ય એટલું નથી રહેતું જેટલું સંતાનોની સમજણનું પ્રમાણ સ્વીકારીને, માતા-પિતા પોતે સહજતાથી સંતાનો સાથે ભાગીદારી (Involvement) અને પ્રવૃત્ત (engaged) થઈને પરિસ્થિતિને સમજે, સ્વીકારે અને પછી સંતાનોને ઠાલી સલાહ ન આપતાં, એમાંથી સાંગોપાંગ પાર ઊતરવાનો રસ્તો બતાવે તો સંતાનોનું ધ્યાન બંધાય છે. એની સાથોસાથ ક્યારેક થોડું ભાષણ ને થોડી ધીરજ પણ માતા-પિતાને બંધાવવી પડે છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં નારદજી, વ્યાસજી, શુકદેવજી સૂતજી, શૌનકજી જેવા ઋષિગણ અને સંતજનોનો હોત્રા અને વક્તા તરીકે ઉલ્લેખ આવે છે, જેમને માટે શ્રોતા, પાઠકો અને ભક્તો એમના સંતાનો સમાન છે. જે રીતે કોઈ દંપતિને એકથી વધુ બાળકો હોય ને બધાં જ બાળકોનો ઉછેર સમાન રીતે થયો હોય, પણ, દરેક બાળકની ક્ષમતા, સમતા અને સમજ એક સમાન નથી હોતા. બરબર એ જ રીતે શ્રોતા, પાઠકો અને ભક્તો શ્રોતા, પાઠકો અને ભક્તો શ્રોતા, પાઠકો અને ભક્તોની સમજશક્તિ, ગ્રહણ શક્તિ અને ક્ષમતા સમાન નથી હોતા. આથી પ્રત્યેક ભાવક, ભક્ત, શ્રોતા અને વાચક સુધી પહોંચવા માટે એમની રોજિંદી પરિસ્થિતિના સંદર્ભને ધ્યાનમાં લઈને અને એમાં સૈધ્ધાંતિક રીતે પ્રવૃત્ત થઈને તથા એના ઉદાહરણો આપીને આ ઋષિગણો ઈશ્વરના યશોગાનની આ ભાગવત કથાનું નિરૂપણ કરે છે.
ભગવાન વેદવ્યાસજી આ શ્રીમદ્ ભાગવત પુરાણની કથાનો પ્રારંભ કરતા પહેલાં કહે છે કે આ મહાત્મ્ય ખુદ શ્રી હરી બ્રહ્માજીને વિસ્તારથી સમજાવે છે. આ કહેવાની જરૂર એટલે પડી કે જેથી આ ગ્રંથની એક વિશ્વસનીયતા, ખરાપણું સાબિત થાય. આ શ્રીમદ્ ભાગવત પુરાણની મહત્તાને ભગવાન સ્વયં, સ્વમુખે સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં માર્ગશીર્ષ મહાત્મ્યમાં (અધ્યાય ૧૬) બ્રહ્માજીને કહે છે. વિચારો, શ્રીમદ્ ભાગવત પુરાણ જેવા માતબર ગ્રંથની મહત્તાને સ્કંદપુરાણમાં પણ વિગતવાર શ્રી હરિ પોતે વર્ણવે છે તો ભાગવત કથાનો રસ કેટલો અમૃતમય હશે! હવે આગળ વધતાં પહેલાં, સ્કંદપુરાણ શું છે એની ટૂંકાણમાં વાત કરીએ. અઢાર પુરાણોમાંનું સ્કંદપુરાણ નામનું એક પુરાણ છે. આ પુરાણમાં સ્કંદ શ્રોતા છે અને મહાદેવ વકતા છે. સ્કંદપુરાણમાં માહેશ્વર, વૈષ્ણવ, બ્રાહ્મ, કાશી, અવંતિકા, નાગર, અને પ્રભાસ એમ સાત ખંડોમાં મળીને એક્યાશી હજાર એકસો શ્લોક છે. સ્કંદપુરાણ આમ તો શૈવપુરાણ હોવા છતાં એમાં વૈષ્ણવખંડને વિસ્તારથી સ્થાન અપાયું છે. આ જ વસ્તુ પુરાણોમાં આલેખાયેલી બિનસાંપ્રદાયિકતા સૂચવે છે. ભાગવતપુરાણમાં વિષ્ણુપુરાણની કથાઓનો જ વિસ્તાર થયો છે. “સ્કંદપુરાણ”ના વૈષ્ણવખંડ અંતર્ગત વૈષ્ણવ ધર્મના વિભિન્ન અંગોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં વૈષણવ ધર્મનું સ્વરૂપ, વિષ્ણુનું સ્વરૂપ અને એનું મહાત્મ્ય, વૈષ્ણવોના લક્ષણો, વૈષ્ણવ ધર્મનું મૂળ અચ્યુત એટલે કે વિષ્ણુ, અને વૈષ્ણવોના ચિન્હો જેવા અગત્ય અંગોની વિગતવાર માહિતી આપી છે. આ જ વૈષ્ણવ ધર્મનું ઉદ્ભવ સ્થાન છે, પણ સાથે એ પણ સમજાય છે કે વૈષ્ણવ ધર્મ સહિષ્ણુતાનો પંથ છે.
સ્કંદપુરાણના માર્ગશીર્ષ મહાત્મ્યના ૧૬માં અધ્યાયમાં બ્રહ્માજીને શ્રી હરિ પોતે શ્રીમદ્ ભાગવતની મહત્તાની સમજણ આપીને આડકતરી રીતે સર્વ પંથના લોકોને આ વિષય -વસ્તુમાં રસ લેતાં કરે છે. આ જાણીને સામાન્ય માણસોને પણ ઉત્સુકતા થાય કે શ્રી હરિ અને બ્રહ્માજી જેવા બેઉ દૈવી તત્વો વચ્ચેની આ વિચારોની અને પ્રશ્નોની આપ-લે કેવી હશે! અને સ્વાભાવિક ઉત્સુકતાથી સંસારમાં રચ્યા-પચ્યા રહેતાં લોકોને પણ આ ભાગવત પુરાણને સાંભળવાનું કે વાંચવાનું મન થાય છે. ભાગવત પુરાણના મહાત્મ્યની વાત વાંચીને જ્ઞાન, પ્રેમ અને ભક્તિના ઉજ્વળ માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે.
અહીં શ્રી હરિ કહે છે કે,
યઃ પઠેત્ પ્રયત્તો નિત્યં સ્લોકં ભાગવતં સુત !
અષ્ટાદશ્પુરાણાનાં ફલમાપ્નોતિ માનવઃ !!
અર્થાત્ઃ હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય અઢાર પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે.
શ્રીમદ્ ભાગવતના પઠનથી થતા ફાયદાઓમાં અઢાર પુરાણોના પાઠનું ફળ દેખીતી રીતે તો સ્થૂળ લાગે છે. પણ, ઊંડાણથી વિચારતાં સમજાશે કે આપણા પુરાણો માત્ર વિજ્ઞાનના જ અધિકૃત ગ્રંથો નથી, એમાંથી ક્યાંક ને ક્યાંક આધુનિક ઈકોનોમીક્સ, બિઝનેસ અને માર્કેટિંગ, માનસવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા સાહિત્યના લેખનના વિવિધ પ્રકારો જેવા કે કાવ્ય, નાટકો-(ડ્રામા), વિવેચન-(ક્રીટીક્સ) અને વ્યંગ પણ શીખવા મળે છે. આટલા અગાધ જ્ઞાન તરફ સીધી સલાહ કે સૂચનથી માણસને વાળવો મુશ્કેલ છે. આથી, ભગવાન એ સમયમાં આજની આધુનિક માર્કેટિંગ ટેકનીકનો ઉપયોગ કરે છે, જેના વિષે રસપ્રદ વિગતવાર વાત ચોથા હપ્તામાં કરીશું.
(વધુ આવતા બુધવાર અંકે)
.
જયશ્રી વિનુ મરચંટ, શ્રીમદ ભાગવત પુરાણમા શ્રીમદ્ ભાગવત પુરાણની પૃષ્ઠભૂમિ અગે સરસ સમજુતી
‘આપણા પુરાણો માત્ર વિજ્ઞાનના જ અધિકૃત ગ્રંથો નથી, એમાંથી ક્યાંક ને ક્યાંક આધુનિક ઈકોનોમીક્સ, બિઝનેસ અને માર્કેટિંગ, માનસવિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા સાહિત્યના લેખનના વિવિધ પ્રકારો જેવા કે કાવ્ય, નાટકો-(ડ્રામા), વિવેચન-(ક્રીટીક્સ) અને વ્યંગ પણ શીખવા મળે છે.’ખૂબ રસપ્રદ અને પ્રેદરણાદાયી વાત
.
ધન્યવાદ
LikeLiked by 1 person
સવારનો એક સારો વિચાર દિવસ સુધારે અને દરેક સારો દિવસ મળીને જીવન સુધારે.
ભાગવત કથાઓ નાનપણમાં વાંચેલી જેનો ભાવાર્થ ઉંમર સાથે સમજાય.
“જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય અઢાર પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે”
LikeLiked by 2 people
I remember reading Bhagvad To my father when he was very old and can’t see very well. Thank you for sharing and giving me an opportunity to read this and understand again. Om Namo Bhagvate Vashudevya!🙏
LikeLiked by 1 person
“ધર્મનું જરાક સરખું આચરણ માનવીને મોટા ભયથી બચાવે છે “-એને ભાગવતના એક શ્લોકનું પઠન અઢાર પુરાણોના પઠન સમકક્ષ ફળ અપાવેછે .બંન્ને એક બીજાને પુષ્ટી આપે છે.
LikeLiked by 1 person
જયશ્રીબેન,
ખૂબ જ સરસ વિષય છે વાંચવાની મઝા આવે છે. તમે શ્રીમદ્દ ભાગવત
શું છે , શા માટે અને કેમ એનું મહત્વ છે તે સરળ રીતે સરસ સમજાવ્યું છે.
આપણે ત્યાં જીવન દરમ્યાન શ્રીમદ્દ ભાગવત કથા સાંભળવાં માટે ખૂબ જ ભાર આપ્યો છે, અને તેથી ગામમાં મોટા ઉત્સાહ થી ડોંગરે મહારાજ જેવા જ્ઞાનીઓ ની કથા થતી હોય છે. તમારો આ લેખો એ મારા માટે “કથા સ્વરૂપ” ખુબ જ્ઞાન મેળવાનું બની રહેશે. આવતાં લેખ ની ઉત્સુકતા પૂર્વ રાહ……
LikeLiked by 1 person
પુરાણો માં સૌથી શ્રેષ્ટ પુરાણ ગણાતા શ્રીમદ ભાગવત ઉપર ગુજરાતી માં મહાત્મય સાથે અંક 1, 2 અને 3 માં ભાવાર્થ અને સારાંશ સાથે લેખો લખીને શ્રીમતિ જયશ્રીબેન મર્ચન્ટ એમની ગુજરાતિ ભાષા ની વિદ્વતા અને સાથે સાથે નમ્રતા નો અદ્ભૂત પૂરાવો મારાજેવા અનેક વાચકોને પિરસ્યો છે.
પ્રખ્યાત ગુજરાતી સંતો અને કથાકારો શ્રી ડોંગરેમહારાજ , શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી, ભાઈ શ્રી રમેશ ઓઝા જેવા અનેક બીજા શાસ્ત્રીઓ એ શ્રીમદ ભાગવત નો ભક્તિ અને પ્રેમસ્વરૂપ નો સ્વાદ કરાવ્યો છે. પરંતુ શ્રી જયશ્રીબેન નો આ નવલો પ્રયાસ શ્રીમદ ભાગવત ના મુખ્ય પાત્રો એનો ઇતિહાશ, વાર્તાલાપ ને આધ્યામિક , માનસીક અને સામાજીક શાસ્ત્રને ધ્યાનમાં રાખી ગુજરાતી સાક્ષરતા બતાવી નીતર્યું તથ્ય અને તત્વ જ પીરસ્યું છે. આ નવા પ્રયાસ માટે તેઓ ને અમારા હાર્દિક અભિનંદન અને આભાર
ભુપેન્દ્ર શાહ
LikeLiked by 1 person