(યુવાન, દમદાર અને આધુનિક ગુજરાતી ગઝલોના ‘ગાલિબ’ કવિશ્રી અનિલ ચાવડાનું ‘દાવડાનું આંગણું’માં એક સિદ્ધહસ્ત વાર્તાકાર તરીકે સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું. આપ સહુ વાચકોને એમની આ વાર્તા એમની ગઝલો સમી જ સ્પર્શી જશે.)
બસસ્ટેન્ડથી ઊતરીને હું ઘર તરફ ચાલવા લાગ્યો. ઘણા સમયે ગામમાં આવી રહ્યો હતો, વિચારોએ મારી જડતી લીધી, બહુ દિવસે! યાદ છેને એક સમયે આ જ રસ્તા ઉપર મૂળ ચડ્ડી ઓળખાય નહિ એટલાં થિંગડાવાળું ચીંથરું પહેરીને દોડ્યા કરતો હતો. નાકમાંથી સેડા કાઢવાનો વેંત પણ નતો. હા પણ હવે હું પ્રોફેસર થઈ ગયો છું. મારું મન બોલી ઊઠ્યું.
ત્યાં જ વચ્ચે શાળા આવી. મારું બાળપણ શાળાના લીંમડે ઝૂલવા લાગ્યું. સ્કૂલના મેદાનમાં આવેલી ગોરસઆંબલીના કાતરા ખાઈને ઘેલું બાળપણ દોડતું દોડતું નિશાળ પાછળના વડ પર ચડી ગયું. પણ બીજી જ પળે ભફાંગ કરતું નીચે પછડાયું. એ ઝાડ સાથે જોડાયેલો એક પ્રસંગ કાચની કણીની જેમ મારી છાતીમાં ભોંકાયો.
વર્ષો પહેલાં શાળાએથી છૂટ્યા પછી આ જ ઝાડ પર બધા છોકરા રમતા. એક દિવસ બધા છોકરા રમીને ઘરે જતા રહ્યા, છેલ્લે હું અને નારણ બે જ બચ્યા. નારણ અમારા ગામના બ્રાહ્મણ જટાશંકરનો છોકરો. એ પાંચમું ભણતો, ને હું સાતમું. એને ઝાડ પર ચડવાની બહુ પ્રેક્ટિસ નહીં, ને હું ફટોફટ ચડીઊતરી જતો. અમે આમ પણ રખડેલ. નારણ સીધી લીટીનો. કાયમ કપાળે સાચા મોતી જેવું તીલક શોભતું હોય. જાણે જન્મતાની સાથે મળ્યું હોય! કોઈ હતું નહીં, અમે બેયે આંબલીપીપળી રમવાનું નક્કી કર્યું. વડ નીચે કુંડાળું કર્યું, અંદર લાકડું મૂક્યું અને હું દોડીને ચડી ગયો. નારણનો દાવ હતો. બાપડો ઝાડ ઉપર માંડમાંડ ચડ્યો, પણ હું પહોંચવા દઉં? એ આ બાજુ આવે તો હું કૂદીને બીજી ડાળીએ જતો રઉં, એ પાછો ફરીને બીજી ડાળી પર આવે ત્યાં હું ત્રીજીએ પહોંચી જઉં. નારણે ય મને પકડવા ઝડપ વધારી. હું વધારે ને વધારે ઊંચે ચડતો જતો. નારણે મને અડકવા રીતસર ડાઈ મારી અને બાપડો ધડામ કરતો નીચે પટકાયો. મારો જીવ અધ્ધર થઈ ગયો. હું ફટોફટ નીચે ઊતર્યો. નારણ ઊંધો પડ્યો હતો. મને થયું મરી ગયો કે શું? મેં ખભા પકડીને તેને ધધડાવ્યો. નાઈણ્યા, એ નાઇણ્યા… પોટલું ઊંચકતો હોય એમ એણે પાંપણ ઊંચકી. પાછી બંધ કરી દીધી. તેની કોણીઓ અને ઢીંચણ છોલાઈ ગયા હતા. કપાળે પણ ઘસરકા પડ્યા હતા. મને દોડીને જતા રહેવાની ઇચ્છા થઈ, પણ પછી નારણનું કોણ? ભગવાનનું નામ લઈને મેં તેને માંડમાંડ ઊંભો કર્યો. બપોર થઈ ગઈ હતી. આખું ગામ જાણે ખેતરભેગું થઈ ગયું હતું. તેનું ઘર નજીકમાં જ હતું. જેમ તેડાય એમ તેડીને હું તેના ઘરે લઈ ગ્યો.
બારણે પહોંચ્યો ત્યારે રસોડામાં કોઈ ખાંડણીના તાલે ગીત ગાઈ રહ્યું હતું… નારણ લાંબા શ્વાસ લેતો હતો. મેં બારણું ખખડાવ્યું… અંદરથી ખાંડણીનું ગીત બંધ થયું. બારણું ખૂલ્યું… બારણું ખોલનાર બાઈ હેબતાઈ ગઈ, હાયહાય મારા નારણિયા… આ શું થઈ ગિયું… એણે રીતસર પોક મૂકી. એણે ઝડપથી નારણને બાથમાં લઈ લીધો… નારણ બા-બા-બા કરવા લાગ્યો. નારણ અને એની બા વચ્ચે જાણે રડવાની સ્પર્ધા થઈ… બા હું રમતા રમતા પડી જ્યો… નારણે વળી જોરથી ભેંકડો તાણ્યો… ના બટી ના, રોવાય નહીં… તેની બાએ તેને વહાલથી હાથ ફેરવ્યો… પછી મારી સામે જોઈ કહ્યું, આય બટા આય… ઘરમા આય જલદી… તેમણે મનેય અંદર બોલાયો… હારું કઈરું તું ઈને ઘરે લઈ આયો…
બટા હવે બંધ થઈ જા… મારા દીકરા… કહીને એની બા પાછી એને શાંત કરવા લાગી. મારા નારુને વહુ વાઈગું… કરીને એની આંખમાંથી પણ ગંગાજળ વહેવા લાગ્યું. નારણને ખોળામાં લઈને તે ઓસરીમાં બેસી ગયા… બટા જલદી આયાંય, જો ત્યાં રહોડામાં હળદરનો ડબો સે જલદી લાય, નારણને લગાવી દઉં… હું હળદરનો ડબો લઈ આયો..
“પાણી લાય બટા…” હું માટલામાંથી પાણી ભરી આવ્યો.
તેમણે નારણને પાણી પાયું…
“ભગવાન તારું ભલું કરે દીકરા, કુનો સોકરો સો?” તેમણે પૂછ્યું.
મેં કહ્યું, “ધનાભૈનો.”
“ધનાભૈ?” તેમણે પ્રશ્ન કર્યો.
મેં ક્યારેય નારણની માને જોઈ નહોતી. એ કદાચ બહુ બહાર નહોતી નીકળતી. અને અમારે આ બ્રાહ્મણોના વાસ બાજુ ખાસ આવવાનું પણ થતું નહીં કે તેમને જોઉં. તેમણે પણ કદાચ મને ન’તો જોયો.
મેં કહ્યું, “હું ઓલા વાસમાં રૌ સુ.”
“કયા વાસમાં…”
“ઓલા ટેકરાની વાંહે સે ઈ….”
“હેં… તું ઓલા હરિજન ધનિયાનો સોકરો સો…”. એની માના માથે જાણે આભ તૂટી પડ્યું. એણે રીતસર નારણને ખોળામાંથી હડસેલ્યો. ઊભી થઈ. મને જોરથી ધક્કો માર્યો… “મારા હાહરા વહવાયા… પુસ્યા-ગાસ્યા વના ઘરમાં ગરી જ્યો… મારું આખું ઘર અભડાવી માર્યું… ઓ બાપરે આ સું થઈ જ્યું…” કહીને એ માથું કૂટવા લાગી. મને પણ સમજાતું નહોતું કે અચાનક શું થઈ ગયું? બીજી બાજુ નારણ પડ્યો પડ્યો કણસતો હતો, “ઓ બા, ઓ મા, કહીને એ વધારે રડવા લાગ્યો…” હું ધક્કાથી નીચે પડી ગયો હતો. જેવો ઊભો થયો કે સટાક દઈને જોરથી મને એની માએ લાફો ઝીંકી દીધો… મારી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. “પણ મેં હું કઈરું… હું તો તમારા સોકરાને ઘરે લાયો…” ત્યાં સટાક કરતો બીજો લાફો ઝીંક્યો…
“બા… પાણી પીવું સે…” કરતો નારણ બબડ્યો.
“મૂંગો મર મારા રોયા…” બરાડીને બા ઘરમાં જતી રહી.
“સુરા પાણી આપ…” નારણે કણસતા કહ્યું.
હું ફરી ઊભો થઈને નારણને પાણી આપવા ગયો. મને પાણીના માટલા પાસે જોઈ તેની મા વીફરી. તેના હાથમાં સોટી આવી ગઈ અને મને બરોબરનો ઠમઠોર્યો. હું અધમૂઓ થઈ ગયો. હુંય મોટેમોટેથી રડવા લાગ્યો. પછી મારી અને નારણ વચ્ચે રોવાની સ્પર્ધા ચાલી. નારણ જીત્યો. મને એની બાએ ધક્કા મારીમારીને ઘરમાંથી કાઢી મૂક્યો. નારણ ઓસરીમાં પડ્યો હતો, તેની પર ધ્યાન દીધા વિના એની મા કંઈ ને કંઈ બબડતી રહી. માટલાનું બધું પાણી ઢોળી નાખ્યું. આખી ઓસરી અને ફળિયું ધોઈને સાફ કર્યું. હું રોતોરોતો ઘરે જતો રહ્યો.
મેં ઘરે જઈને કોઈને આ પ્રસંગની વાત ન કરી. મને બીક હતી કે બાપા ઉપરથી મારશે કે શું કાંદા લેવા કોઈના ઘરમાં જવું જોઈએ?
નારણની બાએ પાણીથી સાફ કરેલું ઘર પછી ચોખ્ખું થયું કે નહીં એની ખબર નથી, પણ એ પ્રસંગ મારા મનમાંથી ક્યારેય સાફ ન થઈ શક્યો. આજે પણ એ ઝાડ પર ચડેલું મારું બાળપણ મને ઢસડીને છેક નારણના ઘરે લઈ ગયું અને પાછો માર ખવડાવ્યો.
એની સ્મૃતિના મારની કળ હજી વળી નહોતી ત્યાં નારણ સામો મળ્યો… હું બીજી દિશામાં જોઈ ગયો. નારણે બૂમ પાડી. “સુરેશ, એ સૂરિયા…” મારા મનમાં વર્ષો પહેલાનું ઝેર ઊકળવા લાગ્યું. થોડી વારમાં તો એ છેક પાસે આવી ગયો, કહે, “સુરેશ, હવે તો તું બહુ મોટો સાયબ થઈ ગ્યો સે. મારે તને એક વાત કેવી સે.”
“હા, બોલને ભૈ.” મેં પરાણે મોઢું હસતું રાખી કહ્યું.
“મારા મનમાં વર્ષોથી એક ડંખ રઈ જિયો સે ભૈલુ… મારી માએ તારી હારે સારું ન’તું કઈરું. આજ પણ ઈ ઘટના યાદ આવે તો મારી આંઈખમાં આંહુડાં આવી જાય સે… હું તને જોઉં સું ને મને ઈ હાંભરી જાય સે.”
“એ ડંખ તો હુંય નહીં ભૂલી શકું નારણ…” હું મનોમન બોલ્યો.
“મારી એક વિનતી ધેનમાં લઈશ ભૈલુ?”
“શું?”
“તું મારા ઘરે આય, મારા જ રહોડામાં બૈસ, મારી હારે ખા અને મારે ત્યાં જ રોકા. આટલી મેરબાની કઈર ભૈલા, તો મારા મનનો ઈ ડંખ ભૂંસાય…”
હું વિચારમાં પડી ગયો, નારણ આ શું બોલી રહ્યો છે! મેં કહ્યું, “એ વાતને તો વર્ષો વીતી ગયાં, હવે એને ઉખાડવાનો શો મતલબ?…”
“ના ભૈ ના, હજી ગઈ કાલે જ બની હોય એમ મારા મનમાં ચેટલીય વાર તાજી થઈ જાય છે…”
“પણ નારણ, તું મને લઈ જઈશ તો ય એનાથી તારા મનનો ડંખ ભુંસાસે, મારા મનનો નહીં.”
“હું હમજું સું ભૈ, ઈની હાટું તો હું રોજ મનથી ભગવાનને હાથ જોડીન માફી માગતો રિયો સું. ઈ એક ઘટના પછી તો મને ઘણી વાર થઈ જતું કે આટલા હજાર વરસથી અમે ઉચ્ચ વરણના લોકોએ તમારી પર સું સું નઈ વિતાવી હોય.. હું આભ હામે આંગળી ચીંધીન્ ભગવાનનના સોગન ખઈને કઉ સુ, જાણે પણ હું કોઈ હરિજન, કે નીચલી વરણને જોતો તાણે મનોમન બે હાથ જોડીને એમની માફી માગી લેતો… તારી હારે મારી માયે કઈરું ઈનો પસ્તાવોય કરતો. આટલાં વરસોમાં તમારી હારે જે થિયું ઈ તો માપબારનું હૈસે ભૈ, પણ હું તારા પગે પડું સું, તું મારો ડંખ ભૂંઈસ… હું રાઈતે હરખો સૂઈ પણ નથી હકતો…”
મને એમ હતું કે મને એકલાને જ આ ડંખ પજવતો. તેની વાત સાંભળી મારું હૃદય પીગળ્યું. નારણનું હૃદય પણ વર્ષોના પસ્તાવાથી ભાંગીને ચૂરચૂર થઈ ગયું હતું. તેની વાણીમાંથી પશ્ચાતાપનું પવિત્ર ઝરણું વહી રહ્યું હતું. મને થયું એમાં નાહી લેવામાં વાંધો નથી. છતાં ખાતરી કરવા પૂછ્યું, “જો નારણ, તું મને લઈ જઈશ, એમાં કંઈ મોટી વાત નથી. હવે હું તો કોલેજમાં પ્રોફેસર થઈ ગયો છું. શહેરમાં રહું છું. મારા અનેક મિત્રો બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા અને પટેલો છે. બધાની મારા ઘરે ઊઠકબેઠક છે, પણ ગામડાની વાત જુદી છે. તું મને લઈ જઈને રાખીશ, ખવડાવીશ તો એનાથી કંઈ તારો ડંખ ઓછો થઈ જશે એવું મને નથી લાગતું. આ તો ગામડાવાળાને એમ થશે કે પ્રોફેસરને ઘરે બોલાયો, કંઈક કામ હશે. ગામ તને થોડું વગોવશે પણ ખરું, પણ વાત તરત પતી જશે. તને ખરેખર પસ્તાવો જ થતો હોય તો તું આપણા ગામના પેલા નીચલી વરણના નટિયાને ઘરે બોલાય, જે ઘરેઘરે વાળુ માંગીને ખાય છે. આપણે ત્રૈણેય હારે રાંધીને ખઈએ.”
“ભૈલુ, ભૈલું, સું વાત કરશ તું… આ તો તેં મારી ઉપર બહુ મોટો ઉપકાર કરી નાખ્યો… જો ઈમ કરતાય ડંખ જાતો હોય તો ભગવાનનો બહુ મોટો પાડ માનીશ. હાલ તારે અતારે જ નટિયાને કઈ આવીએ. એક કરતા બે ભલા. વાતુ કરવાની મજા આવશે.”
મારી વાત એણે આટલા હરખથી સ્વીકારી લીધી એનાથી મને સુખદ આશ્ચર્ય થયું. થયું આ સાત ચોપડી ભણેલા બ્રાહ્મણને આટલું મોટું જ્ઞાન ક્યાંથી લાદ્યું હશે? મને હજુ એક વાર તાવી જોવાની ઇચ્છા થઈ. મેં કહ્યું, “નારણ, આવું કરવાથી તને તારા સમાજના નાતબાર મૂકશે તો? શું કરીશ તું?”
“એક માણહ બીજા માણસને પ્રેમથી જમાડે એ ઘટના જે સમાજમાં ગુનો ગણાય એ સમાજથી બારા જ સારા… હાલ હવે વધુ કંઈ ના પૂછીશ…” મને એક ક્ષણ થયું કે આ તો સંકેતની ભાષા બોલે છે, પણ નારાણનો નિર્મળ ભાવ જોઈને હું ગદગદ થઈ ગયો.
અમે નટિયાને જઈને કહી આવ્યા. નટિયાને પણ આશ્ચર્ય થયું. તેણે શરૂઆતમાં આવવા આનાકાની કરી, પણ મેં સમજાવ્યો તો તે માની ગયો. સાંજે નારણના ઘરે જમવાનું નક્કી થયું.
મને હજી પણ ઊંડે ઊંડે કશીક આશંકા થઈ રહી હતી. મને થયું નારણના મનમાં કંઈક બીજો પ્લાન તો નથી રમી રહ્યોને? બાકી આવું કોઈએ આજ સુધી કર્યું હોય એવું જાણ્યું નથી. ગામમાં તો ઠીક, શહેરમાં ય આવું નથી થતું. શું નારણને સાચે જ અફસોસ થયો હશે? આની પાછળ એ કોઈ ગેમ તો નથી રમી રહ્યો ને? ના, ના, નારણનું વ્યક્તિત્વ ગેમ રમે એવું છે તો નહીં… તો પછી ખરેખર? જે હોય તે, જોયું જશે. એ બહાને ગામમાં સારો દાખલો તો બેસશે. આવું વિચારીને અમે નારણને ઘરે જવા તૈયાર થયા. ઘરે ગયા ત્યારે તે બારણે જ ઊભો હતો. અમે જેવા ફળિયામાં પ્રવેશ્યા કે તરત ઢોલ વાગવાનો શરૂ થયો. નારણના બે છોકરા અમારી પર ફૂલ ઉડાડવા લાગ્યા. મેં હસીને નારણને પૂછ્યું કે, “આ શું છે નારણ?”
નારણ કહે, “અતારે કંઈ ના બોલશો ભૈલુ.” એ સંસ્કૃતમાં શ્લોક બોલવા લાગ્યો. એની પત્ની થાળીમાં દીવો અને કંકુચોખા લઈ આવી. તેણે અમારા કપાળે કંકુચોખા ચોડ્યા. અમારા ઓવારણાં લીધાં. આજુબાજુવાળા જોવા ભેગા થઈ ગયા. એમને તો સમજાતું નતું કે આ બધું શું થઈ રહ્યું છે. ફળિયામાંથી અમે ઘરમાં પ્રવેશ્યા ત્યારે નારણ અને એનો આખો પરિવાર અમારા પગે પડ્યો. હું ભડક્યો, “અરે અરે નારણ…”
“ભૈલુ મને રોકશો નહિ…” એની આંખમાં ચોધાર આંસુ હતાં. મને એનું વ્યક્તિત્વ સમજાતું નહોતું. શું કોઈ આ હદે પસ્તાવો કરી શકે? એક બામણ હરિજન અને નીચલા વરણને ઘરે બોલાવીને સ્વાગત કરે? આરતી ઉતારે? પગે પડીને પસ્તાવો કરે? મારાથી રહેવાયું નહીં, મેં એને બે હાથે પકડીને ઊભો કર્યો. “નારણ, નારણ, શું થયું છે તને? આ બધું શું માંડ્યું છે? આપણે આવું તો નક્કી નતું કર્યું. આવીને ખાલી સાથે જમવાનું…”
“મેરબાની કરીને બોલશો નહીં… આ તો હજારો વરસનો પસ્તાવો સે ભૈ… તને નહીં હમજાય… જીમ હું પસાત હોવાની આભડસેટની હડધૂત થાવાની પીડા નથી સમજી હકતો એમ તું મારા પસ્તાવાનું દખ નહીં હમજી હકે. હું ભણ્યો ઓછું, પણ ગણ્યો ઘણું. મારો પરિવાર ચુસ્ત બામણવાદી હતો, પણ મેં બામણગ્રંથોની હારે દલિતો પર થતા અત્યાચારોના ગ્રંથોય વાંચ્યા. જાતે જોયું, જાણ્યું અનુભવ્યું અને મારી વ્યથાનો પાર ન રહ્યો. મને વારંવાર મારી માએ તને મારીને કાઢી મૂક્યો તો ઈ જ યાદ આયા કરતું હતું. મને થયું કે ઉપકાર કરવા સતાય અમે આવું કરીએ છીએ. તો વાંકમાં હોય તારે હું નઈ કરતા હોય… મને આ બધું સમજાયું ત્યારના હું અંદરથી સોરવાઉં છું. મારાથી કંઈ અટકવાનું તો નથી, પણ જેની હારે મારા લીધે અન્યાય થયો એને તો હું મનમાંથી ભૂંસું. મારા જેવા ગરીબ માણસથી બીજું શું થઈ શકે… કોકે તો શરૂઆત કરવી પડશેને? મારા આવા વરતનથી ગામના એકાદ માણાંમાંય જો સારો ભાવ જાગતો હોય તો ઈનાથી રૂડું બીજું શું?”
તેની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. નટિયાને તો હજી પણ શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું.
એ મને ઘરમાં લઈ ગયો. ઘરના ખાટલામાં એક માણસ બેઠો હતો, એને જોઈને મારી આંખો ફાટી રહી ગઈ. એ મારો બ્રાહ્મણમિત્ર સંકેત હતો. મેં ઘણી વાર તેની સાથે આ પ્રસંગની ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે આ ડંખ મારા મનમાંથી ક્યારેય જશે નહીં. નારણની મા વતી એ મારી માફી માગતો. એણે ક્યારેય કહ્યું નહીં કે હું નારણને સારી રીતે ઓળખું છું, સીધો જ અહીં મળ્યો, આ સ્વરૂપમાં! નારણને આ બોધપાઠ આપનાર વ્યક્તિ એ જ હતો.
હું કંઈ બોલવા જાઉં એ પહેલાં નારણ મને કહે, આવ ભૈ તને ઓળખાણ કરાવું. આ મારો માસીનો સોકરો- સંકેત. આજે ચેવો સાયેબ જેવો દેખાય સેને? એય તારી જેમ પ્રોફેસર થઈ જ્યો સે, પણ એક સમયે તો સાવ ઢીલા ગારા જેવો હતો. અરે, જોયું હોય તો એના મોઢા ઉપરથી માખ ન ઊડે…” સંકેત મારી સામે મરકમરક હસી રહ્યો હતો. એ દિવસે એણે એક નહીં, બે વ્યક્તિના ડંખ દૂર કર્યા હતા.
ખૂબ જ સરસ વાર્તા. સમાજમાં સમજણથી જ ભાવનિક ક્રાંતિ થશે.
LikeLiked by 1 person
ઓહ, અનિલભાઈ! ગઝલ સમ્રાટ તરીકે તો ઓળખતો હતો, આજે સફળ વાર્તાકાર તરીકેની નવી ઓળખાણ થઈ! દલિત સાહિત્ય તો ઘણું વાંચ્યું, પણ આ વાર્તા તો કથાવસ્તુ સંદર્ભે તો સાવ ‘ડંખ’ વગરની પુરવાર થઈ. ધન્યવાદ આપું તેટલા ઓછા છે.
LikeLiked by 2 people
.
દલિતો પર સાંપ્રતસમયે અન્યાય થાય તે વાતે આશ્ચર્ય થાય ! ‘દલિત’નો અર્થ છે: “કચડાયેલો, દબાયેલો” તો ક્યાંક “દલિત શબ્દને આ રૂપ મળ્યું છે “દત્. + ક્ત અર્થાત … “અસ્પૃશ્ય. જાતિ’, “હરિજન”, “અપવિત્ર’, “અંત્યજ’, ‘ચંડાલ”, “ભંગી” તેમજ “દલિત વર્ગ ઇત્યાદિ શબ્દ પછી યોજાવા લાગ્યા. … પછાત લોકસમૂહ, જેમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ જેવી લઘુમતી તેમજ ગુજરાતમાં બક્ષીપંચ તથા રાષ્ટ્રિય સ્તરે. મંડલપંચ … પીડિત, શોષિત જનસમુદાયની યાતના છે, વેદના છે, વ્યથા છે, સંઘર્ષ છે, આક્રોશ છે, વિદ્રોહ છે અને સામાજિક. ઉત્કર્ષન …
.
તે અન્યાયના ડ્ંખને અંતે’ એ દિવસે એણે એક નહીં, બે વ્યક્તિના ડંખ દૂર કર્યા હતા.’
.
સુંદર વાર્તા
ધન્યવાદ
LikeLiked by 2 people
વાહ અનિલભાઈ ખૂબ મજા આવી.
LikeLiked by 1 person
ખુબ જ હ્રદય સ્પર્શી વાર્તા લાગી
LikeLiked by 1 person
આ રીતે પણ આપ તમારી લાગણી અમારા સુધી પહોંચાડી તે જોઇ ખૂબ મજા આવી ને હું પણ સમજી શકું છું હજુ પણ કેટલાંય લોકો ને ઘણા આવા વળાંકો થી પસાર થવું પડે છે.
LikeLiked by 1 person
આ રીતે પણ આપ તમારી લાગણી અમારા સુધી પહોંચાડી તે જોઇ ખૂબ મજા આવી ને હું પણ સમજી શકું છું હજુ પણ કેટલાંય લોકો ને ઘણા આવા વળાંકો થી પસાર થવું પડે છે.
LikeLiked by 1 person
વાહ વાહ જેવી ગઝલમાં માસ્ટરી એવીજ વાર્તા માં પણ બતાવી. આ નાતિભેદ નો ડંખ પહેલાં હતો. આ નાતિભેદ હવેના અમારાં બાળકોને ખબર પણ નથી.
LikeLiked by 1 person
અનિલભાઈ, તમારી ગઝલ અને કવિતા જેવીજ હ્રદયસ્પર્શી વાર્તા ….
LikeLiked by 1 person
વાહ! આખી વાતના સ્વરૂપને સાવ અલગ અભિકોણથી રજૂ કર્યો છે જે આજ પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી.
LikeLiked by 1 person
વાહ!
LikeLiked by 1 person
અનિલભાઈ, આપની ગઝલમાં ઘણીવાર ગામ કે ગામડાંની ગરિમા છલકતી હોય છે, પણ વાર્તા “ડંખ” એક નવી જ વાત, સમાજના સહુથી મોટા દુષણનો ડંખ લઈને આવી. ફક્ત ગઝલ પર આપની કલમનો જવાબ ,એમજ વાર્તાકાર તરીકે પણ આપ અનુપમ લેખક છો.
LikeLiked by 1 person
ખુબ જ હ્રદય સ્પર્શી વાર્તા ….
LikeLike