સંયોજકો: સમુચ્ચયવાચક
બાબુ સુથાર
સંયોજકો સમાન શબ્દોને, સમાન પદોને, સમાન ઉપવાક્યોને કે સમાન વાક્યોને જોડવાનું કામ કરતા હોય છે. દાખલા તરીકે ‘અને’ લો. ‘અને’ બે સમાન શબ્દોને જોડે. જેમ કે, ‘રમેશ અને મીના’. આમાં બન્ને નામ છે. પણ આપણે ‘રમેશ અને સફેદ’ એમ ન કહી શકીએ. કેમ કે, ‘રમેશ’ નામ છે જ્યારે ‘સફેદ’ વિશેષણ છે. એ જ રીતે, આપણે ‘હોંશિયાર રમેશ અને ડફોળ મહેશ’ એમ કહી શકીએ. કેમ કે બન્ને એકસમાન પદો છે. આ બન્ને નામપદો છે. આપણે ‘હોંશિયાર રમેશ અને ધીમે ધીમે આવે છે’ ન કહી શકીએ. કેમ કે, અહીં જોડવામાં આવેલાં બન્ને પદો એક જ વર્ગનાં નથી. એક નામપદ છે તો બીજું ક્રિયા-પદ છે. બરાબર એ જ રીતે આપણે ‘રમેશ આવ્યો અને મહેશ ગયો’ કહી શકીએ. અહીં બન્ને વાક્યો છે. જો કે, આ માટે બન્ને વાક્યોના કાળ એકસમાન જ હોવા જોઈએ એવું જરૂરી નથી. દાખલા તરીકે, આપણે ‘રમેશ આવ્યો અને મહેશ હવે આવશે’ એમ કહી શકીએ. આ રીતે કયા શબ્દો, કયાં પદો અને કયાં વાક્યો ‘અને’ વડે જોડી શકાય એ એક તપાસનો વિષય છે. ઘણા ભાષાશાસ્ત્રીઓએ કેવળ ‘અને’ પર જ એમના શોધનિબંધો લખ્યા છે. જો કે, ગુજરાતી ‘અને’ને હજી એવું નસીબ પ્રાપ્ત થયું નથી.
આપણા માટે પ્રશ્ન એ છે કે ગુજરાતીમાં ‘સંયોજકો’ તરીકે કામ કરતા કયા કયા શબ્દો છે? ગુજરાતી વ્યાકરણનાં કેટલાંક પુસ્તકો ‘અને’, ‘ને’, ‘તથા’, ‘તેમ જ’, ‘ઉપરાંત’, ‘તદ્ઉપરાંત’ અને ‘વળી’ જેવા શબ્દો કે શબ્દસમૂહોને ‘સંયોજક’ તરીકે ઓળખાવે છે. મને ઘણી વાર લાગે છે કે આપણા વ્યાકરણશાસ્ત્રીઓ કેટલીક બાબતોમાં જરા વધારે પડતા ઉદાર છે. સમુચ્ચયમૂલક સંયોજકોના સંદર્ભમાં પણ એવું જ બન્યું છે. જ્યારે પણ આપણે કોઈ એક જ વર્ગમાં આવતા શબ્દોની યાદી બનાવીએ ત્યારે આપણે બે બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. સૌ પહેલાં તો જે તે શબ્દની આંતરિક સંરચના પર. આપણા કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ શબ્દ અને પદની વચ્ચે ગોટાળો કરી નાખતા હોય છે. શબ્દ એક પદ હોઈ શકે. જેમ કે, ‘છોકરો આવ્યો’માં ‘છોકરો’ નામ પણ છે અને નામપદ પણ છે. પણ, દરેક પદ શબ્દ ન પણ હોઈ શકે. જેમ કે, ‘પેલો ઊંચો છોકરો રમેશ છે’ વાક્યમાં ‘પેલો ઊંચો છોકરો’ એક પદ છે. પણ એ એક કરતાં વધારે પદનું બનેલું છે. પરંપરાગત, પરિભાષા પ્રમાણે આપણે એમ કહી શકીએ કે એમાં ત્રણ શબ્દો છે. એમ હોવાથી, ‘તેમ જ’ ને આપણે શબ્દ ન કહી શકીએ. આ પદ બે શબ્દો, બે પદો કે બે વાક્યોને જોડવાનું કામ કરે છે પણ એનું વર્તન ‘અને’ જેવું તો નથી જ. દાખલા તરીકે, આપણે ‘રમેશ આવ્યો તેમ જ મીના જશે’ જેવું વાક્ય નહીં સ્વીકારીએ. એમ હોવાથી ‘તેમ જ’ પદને આપણે હમણાં બાજુ પર મૂકવું પડશે. કદાચ એનું કાર્ય જુદું પણ હોય. એ તો પ્રત્યક્ષ તપાસ કર્યા પછી જ સમજાય. એ જ રીતે, ‘ઉપરાંત’ કે ‘તદઉપરાંત’ લો. આપણે ‘રમેશ અને મીના આવ્યાં’ એમ કહીશું. ‘રમેશ’ પુલ્લિંગ છે, ‘મીના’ સ્ત્રીલિંગ છે. બન્નેનાં લિંગ અસમાન હોવાથી ‘રમેશ અને મીના’ પદનું લિંગ નાન્યતર બહુવચન બનશે. પરિણામે ક્રિયાપદ પણ નાન્યતર બહુવચન લેશે. એથી જ તો આપણે ‘આવ્યાં’ ક્રિયાપદ બનાવ્યું છે. હવે આ વાક્ય લો: ‘રમેશ ઉપરાંત મીના આવી’. અહીં કદાચ મારી intuition કદાચ તમારી intuition કરતાં જુદી પણ હોય. હું ‘રમેશ ઉપરાંત મીના આવ્યાં’ નહીં કહું. જો કે, ક્યારેક ‘મીના’ માનવાચક તરીકે વપરાતું હોવાથી આ વાક્ય ઘણાને નહીં ખટકે. પણ આપણે એક બીજું વાક્ય બનાવીએ: ‘મીના ઉપરાંત રમેશ આવ્યો’. હું નથી માનતો કે આપણે ‘મીના ઉપરાંત રમેશ આવ્યાં’ કહેતા હોઈએ. એનો અર્થ એ થયો કે ‘ઉપરાંત’ કે ‘તદઉપરાંત’ નું વર્તન ‘અને’ કરતાં જુદા પ્રકારનું છે. એ ‘અને’ જેવા સમુચ્ચયમૂલક સંયોજકો નથી. એ જ રીતે, ‘વળી’ લો. આપણે ‘રમેશ વળી મહેશ આવ્યો’ એમ કહીશું? એ જ રીતે, ‘ઊંચો વળી જાડો છોકરો’ એમ પણ કહીશું ખરા? વિચાર કરવા જેવો છે. હા, હું ‘રમેશ આવ્યો. વળી મહેશ પણ આવ્યો’ એમ કહીશ ખરો. એ જ રીતે, ‘ઊંચો છોકરો વળી જાડો પણ’ એમ પણ કહીશ. એનો અર્થ એ થયો કે ‘વળી’ પણ ચુસ્ત અર્થમાં સમુચ્ચયમૂલક સંયોજક નથી.
હવે આપણી પાસે ત્રણ ઉમેદવાર રહ્યા: ‘અને’, ‘ને’ અને ‘તથા’. ઘણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘ને’ ને ‘અને’ નું સંક્ષિપ્ત રૂપ માને છે. જો એમ હોય તો જ્યાં પણ આપણે ‘અને’ વાપરીએ છીએ ત્યાં આપણે ‘ને’ પણ વાપરી શકીએ. આ ‘ને’ વિભક્તિના પ્રત્યય જેવો તો નથી જ. જો એમ હોત તો ‘છોકરો ને છોકરી’ એમ કહેતી વખતે ‘છોકરો’ નું ‘છોકરા’ થયું હોત. હવે આ વાક્ય લો: ‘રમેશભાઈ ને મહેશભાઈ આવ્યા’. કેવું લાગે છે આ વાક્ય? હું અહીં ‘ને’ નહીં વાપરું. એ જ રીતે, ‘લીલાબેન ને મીનાબેન આવ્યાં’ વાક્ય લો. આ વાક્ય પણ મને તો સ્વીકાર્ય નથી લાગતું. એ વાત સાચી છે કે ‘ને’ સમૂચ્ચયવાચક સંયોજક છે પણ આપણે જ્યાં પણ ‘અને’ વાપરીએ છીએ એ બધી જ જગ્યાએ ‘ને’ નથી વાપરી શકતા. અને જો વાપરીએ તો ક્યાંક કયાંક ગેરસમજ થઈ શકે. એવું ક્યારેક બે વાક્યોને જોડવાથી પણ બને. જેમ કે, ‘મીના આવીને લીલા ગઈ’ માં આપણને કોઈ મુશ્કેલી નથી પડતી. પણ, ‘મીના આવી ને લીલા ઊંઘી ગઈ’ માં ‘ને’ નો અર્થ CAUSE પણ થઈ શકે! ટૂંકામાં, સંયોજક ‘ને’ ગુજરાતીમાં કઈ રીતે કામ કરે છે એ પણ એક પ્રત્યક્ષ તપાસનો વિષય છે.
હવે રહ્યો ‘તથા’. જ્યારે પણ હું ‘તથા’ની વાત કરું ત્યારે મને મારું નાનપણ યાદ આવી જાય છે. ત્યારે ગામમાં ભણેલા બહુ ઓછા હતા. એટલે કોઈને કાગળ લખવાનો હોય તો મને બોલાવે. પછી કાગળ લખાવનાર કહે: ‘લખ, સ્વસ્તિ શ્રી ગામ ફલાણા મધ્યે રહેનાર મગનભાઈ તથા મણીબેન તથા લતાબેન તથા કિશોરકાકા તથા…’ જો હું ‘તથા’ની જગ્યાએ ‘અને’ મૂકવાની વાત કરું તો પત્ર લખાવનાર તરત જ કહે, ‘હું કહું છું એમ લખ. ‘તથા’ લખ.’ એનો અર્થ એ થયો કે પત્ર લખાવનાર નિરક્ષર હોવા છતાં ત્યાં ‘તથા’ની જગ્યાએ ‘અને’ નહીં વપરાય એ બરાબર જાણતો હતો. આજે આટલાં વરસો પછી હું ‘અને’ અને ‘તથા’ વિશે વિચારું છું ત્યારે મને થાય છે કે આ બન્નેની વચ્ચે કોઈક ભેદ છે એ હકીકત છે પણ ક્યાં ભેદ છે એ આપણે શોધવું પડે. અત્યારે તો મને એવું લાગે છે કે ‘અને’ જેને જોડે છે એ એક સમૂહ બની જાય છે જ્યારે ‘તથા’ જેને જોડે છે એ બધાં તત્વો સમૂહ નથી બનતાં. એક collective બને છે, બીજું distributive. જો કે, બન્નેનું વ્યાકરણ એકસરખું હોય એમ લાગે છે. આપણે ‘રમેશ અને મીના એકબીજાને પરણ્યાં છે’ એમ કહી શકીએ. પણ, ‘રમેશ તથા મીના એકબીજાને પરણ્યાં છે’ એવું ભાગ્યે જ કહીશું. એ જ રીતે, ‘ચારમાંથી બે જણ ઘેર આવ્યાં અને બાકીનાં બે જણ ત્યાં જ રહી ગયાં’ માં આપણે ‘અને’ની જગ્યાએ ‘તથા’ નહીં વાપરી શકીએ. આપણે એમ નહીં કહીએ કે ‘ચારમાંથી બે જણ ઘેર આવ્યાં તથા બાકીનાં બે જણ ત્યાં જ રહી ગયાં.’ તમે પણ વિચારજો. દરેક ભાષાશાસ્ત્રીએ આવાં ઉદાહરણો પર એની પોતાની mental laboratory માં કામ કરવું પડતું હોય છે. પછી એ જે નિષ્કર્ષ પર આવે એ સાચું છે કે નહીં એની તપાસ કરવા પાછું ભાષકો પાસે જવું પડતું હોય છે. એ ન્યાયે હું પણ તમને પૂછી રહ્યો છું કે અહીં તમે ‘તથા’ વાપરશો? હું નહીં વાપરું.
મા બાબુ સુથારનો સંયોજકો: સમુચ્ચયવાચક
જે નિષ્કર્ષ પર આવે એ સાચું છે કે નહીં એની તપાસ કરવા પાછું ભાષકો પાસે જવું પડતું હોય છે. એ ન્યાયે હું પણ તમને પૂછી રહ્યો છું કે અહીં તમે ‘તથા’ વાપરશો? હું નહીં વાપરું.
હું પણ્ નહીં વાપરું…
LikeLike