પ્રકરણ ૨ઃ શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિશ્વધર્મ સુધીનો વ્યાપ
શ્રીમદ્ ભાગવત પુરાણનું વાંચન અને કથા શ્રવણ સ્ત્રી, પુરુષ, બાળક કે પછી, અમીર, ગરીબ, વિદ્વાન કે સામાન્ય માણસ બધાંને માટે જ્ઞાન અને ભક્તિ થકી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખોલે છે અને સાથેસાથે એ પણ સમજાવે છે કે ઈશ્વર જ ધર્મ છે અને ઈશ્વર જ પ્રત્યેક જીવને એના ધર્મો અને કર્મોથી અવગત કરાવવા માટે જવાબદારી લે છે. પણ, દરેક જીવે પરમાત્મામાં ભક્તિભાવે વિશ્વાસ મૂકવો જોઈએ તો જ એના કર્મ અને ધર્મ, એ જીવને મોક્ષના માર્ગે લઈ જાય છે.
શ્રીમદ્ ભગવત પુરાણ મહાભારતના યુદ્ધ પછી વ્યાસજીએ રચ્યું હતું, જેની વિગતવાર વાત તો આગળ કરીશું, પણ, શ્રીમદ્ ભાગવત પુરાણની આ જ વાતને જો સહેજ પાછળ, મહાભારતના સમયના સંદર્ભમાં લઈને જોઈએ તો ભગવતગીતાનું સ્મરણ અનાયસે થઈ જાય છે.
ભગવતગીતાના આ શ્લોકમાં પણ આજ વાત જુદા અંદાજમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે,
“સર્વ ધર્માન્ પરિત્યજ્ય, મામેકં શરણં વ્રજ !
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ!”
(શ્લોક ૬૬, અઢારમો અધ્યાય, “મોક્ષ સંન્યાસયોગ”, શ્રીમદ્ ભગવદ્ ગીતા)
ભાવાર્થઃ સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને, તું માત્ર મારા એકલાને શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. આ વાતની ખાતરી હું આપું છું, તું જરા પણ શોક ન કર, સંદેહ ન કર.”
શ્રી કૃષ્ણ જ્યારે કહે છે કે બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું મારા એકના શરણે આવ તો અહીં ધર્મને સ્થૂળ અર્થમાં નથી લેવાનો. અહીં ધર્મનું અનુસંધાન કર્તવ્ય, ફરજ અને કર્મ સાથે છે. શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં કહે છે કે તું તારી ભવાટવીમાં જેટલા કર્મોને બાંધીને જીવી રહ્યો છે, એ કર્મોના બંધન તોડવાના છે. કર્મોના બંધન તો જ તૂટે છે જો કર્મોના ફળની ઈચ્છા કે આશા રહેતી નથી. સત્ય, કર્મ અને કર્તવ્યના શિસ્તબધ્ધ પાલનની વ્યાખ્યા દરેક ધર્મના મૂળમાં રહેલી છે અને દરેક ધર્મના સંસ્થાપકોને સાધના અને જ્ઞાનપ્રાપ્તિ પછી, યોગ્ય સમય પાકતાં સત્ય, કર્મ, કર્તવ્ય અને એના અનુશાસન અને પરિભાષાનું આત્મજ્ઞાન લાધ્યું છે. એ જુદી વાત છે કે દરેક ધર્મ સ્થાપકોના ગયા પછી જે સમય આવ્યો, એ સમયમાં એ ધર્મોના ઉપદેશકો, અનુયાયીઓ અને પ્રચારકો એમના સમયની માંગ અને દેશકાળની પરિસ્થિતિ અનુસાર એમાં અર્થઘટનોના ઉમેરાઓ, સુધારાઓ અથવા ક્રિયાકાંડો કરતાં રહ્યાં. છતાં પણ, કોઈ પણ ધર્મનું મૂળ, સેંકડો કે હજારો વર્ષોના વહાણા વાયા પછી પણ કદી બદલાયું નથી. હા, એ ધર્મના અનુયાયીયો એમાંથી નવા નવા અર્થઘટનો દેશકાળને અને અનેકવાર પોતાની સમજ તથા સ્વાર્થને અનુરૂપ કરતાં રહ્યાં છે. આ જ કારણોસર અને આથી જ કોઈ પણ ધર્મના આદિ સ્વરૂપને જાણવા એ ધર્મોના અધિકૃત મૂળ ગ્રંથોને એના મૂળ સ્વરૂપે વાંચવા ને સમજવા આવશ્યક છે. આપણા અઢાર પુરાણો અને ચાર વેદ હિંદુ ધર્મની કરોડરજ્જુ છે. એ વાત પણ એટલી જ સાચી છે કે સામન્યતઃ આ બધા જ વેદો અને પુરાણોને વાંચવાનો કે સાંભળવાનો સમય આજની દોડતી જિંદગીમાં કે ગત સમયમાં કોઈ પણ સંસારીને આ બધા જ ગ્રંથોનું અધ્યયન કરવાનો સમય ન હોય તો એક એવો ગ્રંથ વેદવ્યાસજીએ રચ્યો છે જેમાંથી ચારેય વેદ અને અઢાર પુરાણોનો નિચોડ મળે છે અને એ અદભૂત ગ્રંથ છે શ્રીમદ્ ભાગવત પુરાણ. આ પુરાણને વાંચીને કે સાંભળીને સમજવાથી ધર્મપાલનનું જ્ઞાન સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપે થાય છે, અને ઈશ્વરની સમીપે જીવતેજીવ રહેવાનો અને પહોંચવાનો માર્ગ મળે છે.
ગીતામાં, જ્યારે સ્વયં પરમાત્મા ધર્મની વાત કરે તો તે કદી કોઈ પણ ધર્મના સીમાડામાં સિમીત ન જ હોય. શ્રી કૃષ્ણ ગીતામાં સૂક્ષ્મ સ્વરૂપે, વૈશ્વિક સ્તર પર ધર્મની વાત કરે છે, જે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ કે જૈન કે બૌધ, સર્વ ધર્મને લાગુ પડે છે. ટૂંકાણમાં કહીએ તો, શ્રી હરિ વિશ્વધર્મની વાત કરે છે. દરેકે દરેક ધર્મમાં પરમ તત્વની વાત સદા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સંકળાયેલી છે. આ શ્રદ્ધા અને ભરોસો દરેક ધર્મમાં હરીફરીને એક જ રસ્તો બતાવે છે અને એ છે, પ્રેમનો, સત્યનો, અહિંસાનો, સહિષ્ણુતાનો, પરમ તત્વની ભક્તિનો તથા એની આરાધનાનો. આ રસ્તે એકવાર નીકળી પડેલા જીવના બધા જ કર્મો સમજણ, પ્રેમ તથા ભક્તિભાવથી ઈશ્વરને આપોઆપ સમર્પિત થઈ જાય છે, કોઈ પણ કર્મફળની આશા વિના. એના પછી ભક્તોના યોગક્ષેમની ચિંતા, દરેક ધર્મમાં, પરમાત્મા કે “સુપર પાવર” પોતે જ કરે છે.
શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રત્યેક અધ્યાયમાં વેદવ્યાસજી પણ એક જ વાત ફરી ફરી કહેતા રહે છે અને એને પ્રતિપાદિત કરતા રહે છે કે ઈશ્વરના- પરમતત્વના શરણમાં એકવાર પ્રેમ અને ભક્તિભાવથી મસ્તક મૂકશો તો પછી અંતરમાં અનંત શાંતિ અનુભવાશે. અહીં એક એવો મત પણ છે કે મહાભારતની રચનામાં ભગવદ્ ગીતાના સમાવેશ કર્યા પછી, એનું જ વિસ્તરણ વ્યાસજીએ રચેલા શ્રીમદ ભાગવત પુરાણમાં અનેક જગાએ મળે છે. ફરક એટલો જ છે કે ગીતા શ્રી કૃષ્ણના સ્વમુખે અર્જુનને કહેવાઈ છે, જ્યારે, વ્યાસજીએ મહાભારતના સંહારકારી મહાયુદ્ધ પછી મહાભારતની રચના કરી પણ એમના વ્યથિત મનને ક્યાંય શાંતિ જડી નહીં. આ જ વાત એમણે નારદજીને કહી. નારદજીએ વ્યાસજીને કહ્યું કે આ સંતાપ અને વ્યથામાંથી ઉગરવાનો એક જ માર્ગ છે અને તે છે નારાયણની પ્રેમલક્ષણા ભક્તિનો. આમ નારદજીના અનુરોધથી, પોતાના અંતરમનની પરમ શાંતિ માટે, પ્રેમ અને ભક્તિથી પ્રભુનું યશગાન કરવા શ્રીમદ ભાગવત પુરાણ રચ્યું. શ્રી કૃષ્ણએ ગીતાનો બોધ સીધેસીધો અર્જુનને કર્યો છે. કહેનાર જો શ્રી કૃષ્ણ હોય અને સાંભળનાર અર્જુન હોય તો ભગવત ગીતામાં ગૂઢાર્થો હોય એ પણ સ્વાભાવિક હોય. શ્રીમદ્ ભાગવત પુરાણમાં, શ્રી વેદવ્યાસજીએ, પ્રભુના ગુણ ગાવા માટે, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે, સ્વમુખે, અર્જુનને આપેલા ગીતાના જ્ઞાન રૂપે કહેલી સર્વ વાતોનો સાર સરળ રીતે, કથા કે ઉદાહરણો સ્વરૂપે મૂક્યો છે. મહાભારતના યુદ્ધ પછીનો વિષાદ શ્રી વ્યાસજીના અંતરને કોરી ખાતો તો હતો જ અને આથી જ કદાચ, અનાયસે પણ ભગવત ગીતાની વાતોનો સમાવેશ થયો હોય, જેથી સાધારણ માણસો પણ શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા જ્ઞાન અને ભક્તિનું અમૃતપાન સરળતાથી કરી શકે. ભગવત ગીતા મહાભારતના યુદ્ધ સમયે, એક આથમતા યુગમાં કહેવાઈ હતી પણ ભાગવત પુરાણ કલિયુગના આરંભ સમયે રચાયું. બે યુગોને જોડતો સંધિકાળ એની પોતાની વ્યથા, વેદના અને વિપદા સાથે લઈને આવે છે. સંધિકાળની આ જ વિટંબણાના ઉકેલ રૂપે વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત પુરાણ રચ્યું હતું, જે દેશ અને કાળથી પરે છે, આથી જ કર્મો અને ધર્મોના સીમાડાઓ પણ આ પુરાણને નડતા નથી, એટલું જ નહીં પણ કોઈ એક ધર્મ વિશેષ સુધી આ પુરાણ સિમીત નથી, પણ વિશ્વ ધર્મ સુધી વિસ્તરે છે. આ કારણોસર શ્રીમદ ભાગવત્ પુરાણનું મહત્વ અતિશય વધી જાય છે.
(વધુ આવતા બુધવાર અંકે)
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ પ્રકરણ ૨ઃ શ્રીમદ્ ભાગવત પુરાણ અને વિશ્વધર્મ સુધીનો વ્યાપમા સામાન્ય માણસ બધાંને માટે જ્ઞાન અને ભક્તિ થકી ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ ખોલે અંગે સરળ સમજુતી અને ખૂબ અગત્યની વાત ‘શ્રીમદ્ ભાગવત પુરાણ રચ્યું હતું, જે દેશ અને કાળથી પરે છે, આથી જ કર્મો અને ધર્મોના સીમાડાઓ પણ આ પુરાણને નડતા નથી, એટલું જ નહીં પણ કોઈ એક ધર્મ વિશેષ સુધી આ પુરાણ સિમીત નથી, પણ વિશ્વ ધર્મ સુધી વિસ્તરે છે.’ કહેવાતા બુધ્ધિવાદીઓએ પણ સમજે તેવી આશા
LikeLiked by 3 people
“તું મારા એકના શરણે આવ તો અહીં ધર્મને સ્થૂળ અર્થમાં નથી લેવાનો. અહીં ધર્મનું અનુસંધાન કર્તવ્ય, ફરજ અને કર્મ સાથે છે.” આ સમજ આવતા જીવનમાં સર્વ ધર્મનું સન્માન કરવાની ક્ષમતા આવે છે.
LikeLiked by 2 people