“ઓ, હર્ષ, પ્લીઝ સ્લો ડાઉન મને બીક લાગે છે.”
“અરે હું છું ને? ગાંડી ડરે છે શું કામ?”
“આછું અંધારૂં પણ થયું છે, ક્યાંક પડીશું પ્લીઝ. તને ખબર છે ને? મને બે મહીના થવા આવ્યા છે. “
“ફાસ્ટ ડ્રાઈવીંગની મઝા જ કંઈ ઓર છે શીના, તે પણ તારા સંગમાં! માય ગો… ડ.”
અમે ખેડા નજીકનાં એક ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યાં હતાં. મને પણ હર્ષ સાથે બાઈક પર ફરવાનું બહુ ગમતું. અમે બન્ને ખુશખુશાલ થઈને જાણે ઊડી રહ્યાં હતાં. અને.. અને.. બાઈક સાથે કશુંક…
“એય મેડમ આંખો ખોલો.”
કોઈ મારા ચહેરા પર પાણી છાંટી રહ્યું હતું. કદાચ એના લીધે મારી આંખો ખુલી. સામે નાનકડું ટોળું ઊભેલું હતું. હું કંઈ પણ સમજું તે પહેલાં..
“આ પડી છે તે બાઈક અને થેલો તમારો છે? બાઈક કોણ તમે ચલાવતાં હતાં?”
મેં ચીસ પાડી, ‘હર્ષ, હર્ષ‘
સામે ઉભેલા પોલીસને જોઈ હું ડરી ગઈ. ‘હર્ષ ક્યાં છે તું?’ મેં ફરી ચીસ પાડી. બે જણે ટેકો આપીને મને બેઠી કરી. મારો જીવ મારા ગર્ભમાં હતો. મેં ત્યાં ધ્યાન કેન્દ્રિત કર્યું. મને એવું ખાસ વાગ્યું નહોતું જેથી ગર્ભને નુકસાન થાય.
“રસ્તાની બાજુએ પડેલા ભાઈની વાત કરો છો તમે?”
હું ધીમેથી ઉઠીને ત્યાં ગઈ. એ હર્ષ જ હતો, તે ભાનમાં નહોતો. તેના કપાળ પર નાનો ઘા હતો તેમાંથી લોહી વહેતું હતું. તેને હોસ્પિટલમાં પહોંચાડવાની જરૂર હતી. તેને પોલીસવાનમાં લીધો. હું ચિંતાની મારી રડતી હતી. એક મોટો થેલો પણ સાથે લીધો હતો તે બતાવીને કહે,
“ઈતના બડા થૈલા લેકે બાઈક સવારી કરોગે તો બેલેન્સ તો જાયેગા હી.”
“ના ભૈયા યે હમારા નહીં હૈ.”
“તો યે કિસ કા લેકે આયે હમ? ક્યા હૈ ઈસ મેં ખોલ કે દેખના પડેગા.”
એટલામાં અમે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં હર્ષને સારવાર મળી. થોડીવારમાં તે ભાનમાં આવ્યો. તરત જ પોલીસે પૂછપરછ શરૂ કરી.
“કૈસે હુઆ યે સબ?”
“સર હલકા સા અંધેરા થા, મૈં થોડી સ્પીડમેં જા રહા થા. સામનેસે ટ્રક આ રહી થી. તો મુઝે બાઈકકો સાઈડમેં લેના પડા. વહીં પે પડા યે થૈલા મૈં નહીં દેખ પાયા. ઔર બેલેન્સ ગયા. તબ તક મૈં હોશમેં થા. પેડસે સર ટકરાને સે શાયદ મૈ બેહોશ હુઆ.”
તેમણે બધાની વચ્ચે થેલો ખોલ્યો, તેમાં કોઈ સામાન નહીં, ટૂંટીયું વાળીને બાંધેલી છોકરીની લાશ હતી. સૌ ફાટી આંખે જોઈ રહ્યાં. તેનો ચહેરો બતાવતાં પુછ્યું, “કૌન હૈ યે લડકી? જાનતે હો?”
અરે બાપ રે, આ તો તે દિવસે રૉ માં હતી! તેનો નંબર ઘણો આગળ હતો એટલે નંબર લાગી ગયો હશે. મેં મનમાં વિચાર્યું પણ કોઈ જવાબ ના આપ્યો. અમે કંઈ જાણતાં નથી તેમ જણાવતાં, પોલિસે અમારા નંબરો અને એડ્રેસ લઈ અમને જવા દીધા. રાત્રે ઘરે પહોંચીને થોડી રાહત થઈ. પણ એ છોકરી મારો પીછો છોડે તો ને? મેં તેને પહેલાં જોઈ હતી. તે મારે હર્ષને કહેવું જોઈએ પણ તેને કહ્યા વગર, તેની સહમતિ લીધા વગર હું ત્યાં ગયેલી એ વાતથી મને સંકોચ થતો હતો. જયારે આવું બન્યું એટલે ડર પણ લાગતો હતો. એ યાદો મને જંપવા નહોતી દેતી.
તે દિવસે અમારા લગ્નની સાતમી એનિવર્સરી હતી. અમે નજીકના મિત્રો અને સગા સંબંધીઓ માટે નાનકડી પાર્ટી યોજી હતી. બધા સમયસર પોતાનાં બાળકો સાથે આવી પહોંચ્યાં હતાં. તેઓના મીઠા કલશોરથી ઘર ગુંજી ઊઠ્યું હતું. સૌની સાથે અમને પણ ખુશી તો થતી જ હતી. પરંતુ… ત્યાં મારી પરમ સખી વિશ્વા આવી. તે જાણે અંતર્યામી હોય તેમ મને કહે,
“શીના, આટલી ખુશીમાં પણ તારા દિલની ગ્લાનિ હું સ્પષ્ટ જોઈ શકું છું. મને ખબર છે ઘણા ડોક્ટરને તમે મળ્યાં છો.”
“હા, મઝાની વાત તો એ છે કે, અમારા બન્નેમાંથી કોઈનામાં ખામી નથી. બસ, નસીબની રાહ જોવાની છે.”
અને તેણે મને સોહમબાબાની વાત કરી. તેમણે આવા અનેક કેસો સોલ્વ કર્યા હોવાનું જણાવ્યું. એકવાર મળી લઈએ કહીને તેણે બીજા દિવસની એપોઇન્ટમેન્ટ લીધી. હું અને વિશ્વા બાબાના આશ્રમ પહોંચ્યાં ત્યારે બહેનોની લાંબી કતાર હતી. ક્યારે નંબર લાગશે તેની ચિંતામાં ઊભા રહેવા સિવાય કોઈ ઉપાય નહોતો. સૌથી આગળ ઊભેલી બહેનોની અમને થોડીક છાની ઈર્ષા પણ થઈ હતી. એવામાં પાંચમા નંબરે ઊભેલી યુવતીએ વિશ્વા તરફ જોઈને હાથ ઉંચો કર્યો. વિશ્વાએ પણ હાથ હલાવી જવાબ આપ્યો.
“જો શીના, એ છોકરીએ જ મને બાબાનો રેફરન્સ આપેલો. અમારી ઓફીસ પાસપાસે હોવાથી ઘણીવાર બ્રેકમા મળી જઈએ.”
અમારો નંબર ઘણો પાછળ હતો અને હર્ષને કહ્યા વિના આવી હતી એટલે તે ઓફીસથી આવે તે પહેલાં મારે ઘેર જવું પડે. મે વિશ્વાને સમજાવ્યું કે આજે મેળ નહીં પડે ફરી આવીશું. અને અમે નંબર આવે તે પહેલાં જ નીકળી ગયાં. બાબાને – પારકા પુરૂષને આવી વાત કેવી રીતે કહેવી? હર્ષને કેવી રીતે સમજાવવું એ બધી મથામણમાં બાબાની એપોઇન્ટમેન્ટ લેવાનું ઠેલાતું જતું હતું. તે સારા માટે જ હતું કારણ કે બીજા મહીને હું ટાઈમમાં ન થઈ અને પ્રેગ્નન્સી ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો. પછી બાબાની વાત જ ઊડી ગઈ. અને મેં હર્ષને પણ કશું કહ્યું નહી.
અકસ્માતમાં તો ભગવાને આડા હાથ દઈને અમને બચાવી લીધાં હતાં. બીજા દિવસે રજા લઈને અમે ઘેર જ રહ્યાં. હું સવારે બ્રેકફાસ્ટની તૈયારી કરતી હતી અને હર્ષ છાપું લઈને બેઠો હતો. તેણે બૂમ પાડી.
“શીના જો પેપરમાં પેલી છોકરીનો ફોટો આવ્યો છે.”
હું ઉતાવળે દોડી. કોણે આવો કાંડ કર્યો હશે તે બાબત અનેક અટકળો પેપરમાં હતી. એક છોકરીનું આવું મોત થાય એટલે તેના સંસ્કાર. ચાલ-ચલગત, રહેણીકરણી અને પોષાક એમ બધી વાતો પર ટિપ્પણી થાય. શંકાની સોય છોકરી તરફ જ તાકવામાં આવે. મારૂં મગજ જુદું જ વિચારવા લાગ્યું. શું તે દિવસે તેનો નંબર લાગ્યો હશે? બાબાએ તેને ઉપાય બતાવ્યો હશે? તેને આવી દુશ્મની કોની સાથે હશે? પ્રશ્નોની હારમાળામાં હું ગૂંચવાયા હતી. એટલામાં ડોરબેલ વાગ્યો. દરવાજો ખોલ્યો તો સામે વિશ્વા ઊભી હતી. અમે આશ્ચર્ય અનુભવ્યું. પણ હજી ઘણાં આશ્ચર્યો અમારી રાહ જોતાં હતાં. તે બિલકુલ સિરિયસ હતી. તેણે મને અને હર્ષને કેટલીક વાતો કહી અને અમારે શું કરવું તે સમજાવી દીધું. હર્ષ તો એમાંનું કશું જ જાણતો નહોતો તે અવાક થઈને વિશ્વાને સાંભળી રહ્યો. છેવટે મેં વિશ્વાને કહ્યું.
“મેં હર્ષને આ વાત કરી જ નથી.” વિશ્વાએ ફોડ પાડ્યો કે, શમા એક મહિલા આયોગની સભ્ય છે. અને વારંવાર બાબા પાસે આવીને તેમનો વિશ્વાસ જીતી લીધો છે. તેમનો ભાંડો ફોડવા પોતાના ચહેરાનું મહોરૂં બનાવી રાખ્યું છે. પછી અમારે શું મદદ કરવાની છે તે સમજાવ્યું. ફોર ગ્રેટર ગુડ ઓફ સોસાયટી અમે પણ એનો સાથ આપવા તૈયાર થયાં. તેની સુચના પ્રમાણે બીજા દિવસે સવારે જ અમારે બાબાને ત્યા જવાનું હતું. હું અને વિશ્વા લાઈનમાં ઊભા રહ્યાં. વહેલા હતાં એટલે થોડીવારમાં જ અમારો નંબર લાગ્યો. અમે બંને સાથે અંદર ગયાં.
“આપ એક એક કર કે નહીં આયે?”
“બાબા યે મેરી ખાસ દોસ્ત હૈ, સાત સાલ હો ગયે શાદીકો, પર બચ્ચા નહી, ઈસ લિયે ડિપ્રેશન મેં રહતી હૈ. આત્મહત્યાકા ભી ડર રહતા હૈ. તો મુઝે સાથ રહના હોગા.”
હું અંદરનાં દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ. વિશાળ આલિશાન રૂમ, દિવાલો જાણે સોનાચાંદીની, સામે ભવ્ય સિંહાસન અને અનોખી અદાથી એના પર બિરાજમાન બાબા. એક વાર તો વિચાર આવી ગયો, આવો દેદિપ્યમાન પુરૂષ! એણે સંસાર કેમ ત્યજી દીધો હશે! પણ થોડી જ વારમાં ત્યજીને ભોગવવાની બાબાની કળાનો પરચો જોવા મળ્યો.
મને બાબાની પાસે બેસાડીને વિશ્વા થોડી દુર ગઈ અને તેણે ત્રણ તાળી પાડી તે સાથે જ સોના ચાંદી જેવી દિવાલ પર દ્રશ્યો દેખાવા લાગ્યાં. કુમળી કળી જેવી રૂપાળી, નાજુક, માસૂમ કન્યાઓ પર બાબાએ કરેલા અત્યાચારોના વિડિયો પ્લે થવા લાગ્યા. મેં મોટેથી ચીસ પાડી અને તે સાથે જ સશસ્ત્ર પોલીસ આવી પહોંચી અને બાબાને તેમજ તેમના ચમચાઓને પકડી લીધા.
હું ક્રમશઃ વધુ ને વધુ આશ્ચર્યમાં ડૂબતી રહી.
હજી વધુ આશ્ચર્ય પણ હોઈ શકે તે વાત માનવા હું બિલકુલ તૈયાર નહોતી. કિંતુ… પરંતુ થોડીવારમાં વિશ્વા મારી સામે હતી અને તેની સાથેની છોકરીને જોતાં જ.. મારૂં મન આશ્ચર્યમાં જાણે ડૂબી ગયું! ‘આ છોકરી…. આ તો કોથળામાં બાંધેલી લાશ હતી કે પછી… તે દિવસે… !’સંપૂર્ણ બેભાનપણે હું બોલી ઊઠી.. “તે રૉ માં હતી!”
રશ્મિજીની વાર્તા સરસ છે પણ અંત ખાસ સમજાયો નહીં. બાબા તેમને વિડિયો શું કામ બતાવે? અને રૉ માં ક્યાંથી પ્રગટ થઈ?
સરયૂ પરીખ
LikeLiked by 1 person
I agree with Saryuben. Some confusion in story.
LikeLiked by 1 person
વાહ
મા.રશ્મિભાભીશ્રીની એક સ્ત્રીની અંત:લાગણીઓ રજૂ કરતી સંવેદનશીલ અને રોમાંચક સત્યઘટના પર આધારિત હ્રદયસ્પર્શી ઘણી સુંદર વાર્તા .
કોઇક વાર્તાઓનાં અંતે ખાધું, પીધું ને રાજ કીધું, જેવી અનુભુતિ, પ્રેમવાર્તાઓ સુખાંત ય હોય, તો કયારેક અંતે અનંત વિરહ, કયારેક અંત ધાર્યા મુજબનો હોય તો કોઇ વાર્તાનો અંત સાવ અણધાર્યો આવે. એવી વાર્તાઓ પણ ખરી જેનો કોઇ સ્પષ્ટ અંત હોય જ નહીં. બસ, એક ધૂંધળું ચિત્ર, મુઠ્ઠીભર વિકલ્પો અને અંતે અંત આપણે નકકી કરવાનો ! …જેવો કે આ વાર્તાનો અંત‘આ છોકરી…. આ તો કોથળામાં બાંધેલી લાશ હતી કે પછી… તે દિવસે… !’સંપૂર્ણ બેભાનપણે હું બોલી ઊઠી.. “તે રૉ માં હતી!”
ખરેખર, જયારે લેખક લખે, ત્યારે તેમના મન માં ઉદ્ભવેલા ભાવો અને એ ભાવો ને રજુ કરવા વપરાયેલા ચોક્કસ શબ્દો ને સમજવા કે રસાસ્વાદ કરાવવા સંપુર્ણ પણે શક્ય નથી.તેમના જ શબ્દોમા કહીએ તો
‘અરે ! આતો મૃત દેહ છે એકનો
કે પછી પુંજ છે અગણ્ય લાશો નો ?
ને ત્યારે અગ્નિદાહની જ્વાળા થકી ,
મનના ઉભરા તણખા બની ઉડવાના !!
મારું અસ્તિત્વ, મારી ચિંતા ને લાગણી ગમે ના ગમે,
નાદાન સ્વજનો નો વિરોધ કદી શમે ના શમે ,
માવડી બની ને છતાં કડવા ઓસડની પ્યાલી મારે ધરવી છે .’
એક આગવો અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય. તેને વર્ણવવા શબ્દો કદાચ વામણા બની રહે!
સમજવાની વાત છે, ના સમજે તો તું જાણે,
અનુભવવાની વાત, ના સમજે તો તું જાણે
LikeLike