ગુજરાતીમાં વિકલ્પવાચક સંયોજકો
બાબુ સુથાર
ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે વિકલ્પવાચક સંયોજકો છે. જો કે, એ ઉપરાંત પણ ‘યા’ જેવાં વિકલ્પવાચક સંયોજકો મળી આવે છે ખરાં. કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ ઘણા બધા વિકલ્પવાચક સંયોજકોની યાદી આપે છે. જેમ કે ઊર્મિ દેસાઈ. એમણે એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં વિકલ્પવાચક સંયોજકોમાં ‘અથવા’, ‘કે’, ‘યા’ ‘અગર’, ‘અગર તો’, ‘યા તો’, ‘કાં તો’, ‘વા’ અને ‘કિંવા’ શબ્દોનો સમાવેશ કર્યો છે. જો અર્થ પ્રમાણે જઈએ તો આ યાદી ખોટી નથી. પણ, જ્યારે પણ આપણે વ્યાકરણમૂલક કોટિઓની વાત કરીએ ત્યારે અર્થ પર બહુ મદાર રાખવો નહીં.
મને લાગે છે કે જો આપણે તર્કશાસ્ત્ર પ્રમાણે જઈએ તો આપણને ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે જ વિકલ્પવાચક સંયોજકો છે એવું લાગશે. બાકીના વિકલ્પવાચક સંયોજકોમાંના કેટલાક ‘અથવા’ જેવું કામ કરે છે. એટલે કે એમનું વ્યાકરણમૂલક વર્તન ‘અથવા’ જેવું જ છે. જેમ કે, ‘મારી સાથે રમેશ આવશે અથવા મહેશ આવશે’ જેવાં વાક્યો લો. આ પ્રકારનાં વાક્યોમાં આપણે ‘અથવા’ની જગ્યાએ ‘યા’ વાપરી શકીએ. જો કે, ‘યા તો’ જેવા સંયોજકો આપણા માટે મુશ્કેલી ઊભી કરે. કેમ કે એ પ્રકારનાં સંયોજકો વાક્યના કે અર્થના સ્તરે નહીં prgamaticsના સ્તરે કામ કરતા હોય છે. મેં અવારનવાર કહ્યું છે એમ Pragmatics ભાષાવિજ્ઞાનની એક શાખા છે અને એ શાખાના ઉપક્રમે ભાષાશાસ્ત્રીઓ ભાષા કઈ રીતે વપરાય છે એની વાત કરતા હોય છે. ‘વા’ અને ‘કિંવા’ મૂળે તો તત્સમ શબ્દો છે. એમનો વપરાશ ઘણો ઓછો છે. એ સાહિત્યની ભાષામાં વધારે જોવા મળે છે. એ જ રીતે ‘કાં તો’ લો. એ વિકલ્પનો અર્થ પ્રગટ કરે છે એ વાત સાચી પણ વાક્યતંત્રના સ્તરે એનું વર્તન વિકલ્પવાચક સંયોજક કરતાં જુદા પ્રકારનું છે.
મને લાગે છે કે આ બધા સંયોજકો આપણી ભાષામાં કઈ રીતે કામ કરે છે એનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યા વિના આપણે એમના વ્યાકરણમૂલક, અર્થમૂલક અને વ્યવહારમૂલક વર્તનને સમજી બરાબર સમજી શકીશું નહીં. આપણે એ માટે પણ રાહ જોવાની રહી. એમ છતાં આ લેખમાં હું કેવળ ‘કે’ અને ‘અથવા’ ગુજરાતી ભાષામાં કઈ રીતે કામ કરે છે એની થોડીક વાત કરીશ.
તર્કશાસ્ત્ર, ગણિત અને હવે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ બે પ્રકારના ‘or’ની વાત કરવામાં આવે છે. એક તે inclusive અને બીજો તે exclusive. કેટલીક ભાષાઓમાં આ બન્ને અર્થો પ્રગટ કરવા માટે કેવળ એક જ સંયોજક વપરાય છે. જેમ કે, અંગ્રેજી ભાષા. આપણે જાણીએ છીએ એમ અંગ્રેજીમાં ‘કે’ અને ‘અથવા’ માટે કેવલ ‘or’ શબ્દ જ છે. તો એની સામે છેડે કેટલીક ભાષાઓમાં આ બન્ને અર્થ પ્રગટ કરવા બે કે એથી વધારે શબ્દો છે. જેમ કે ગુજરાતી ભાષા લો. ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે સંયોજકો છે. આમાંના inclusiveનો અર્થ થાય either …or અથવા તો બન્ને. જ્યારે આપણે એમ કહીએ કે ‘રમેશ કે મહેશ આવશે…’ ત્યારે કાં તો રમેશ આવે, કાં તો મહેશ આવે, કાં તો બન્ને આવે, કાં તો બન્નેમાંથી કોઈ પણ ન આવે, કાં તો બન્નેને બાદ કરતાં ત્રીજું કોઈક આવે. આપણે આ પાંચેય શક્યતાઓનો સ્વીકાર કરતા હોઈએ છીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતી ‘કે’ આ અર્થમાં inclusive છે. એ કોઈને exclude કરતો નથી. પણ, જો આપણે એમ કહીએ કે ‘મારી સાથે રમેશ આવે અથવા મહેશ આવે’ ત્યારે આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે બોલનારની સાથે કાં તો રમેશ જાય, કાં તો મહેશ. બન્નેમાંથી કોઈ એક જ. બન્ને સિવાયનું ત્રીજું પણ કોઈ નહીં. અહીં આ વાક્યનો બોલનાર સાંભળનારની પસંદગી નિયંત્રિત કરી નાખે છે. સાંભળનાર એમ નહીં કહી શકે કે ‘સારું, મોહન આવશે’. તર્કશાસ્ત્ર, ગણિત અને હવે કૉમ્પ્યુટર વિજ્ઞાનમાં પણ આ બન્ને માટે જુદાં પ્રતીકો છે. એ લોકો inclusive માટે v પ્રતીક વાપરે છે. જેમ કે, p v q. અને exclusive માટે v પ્રતીક વાપરે છે. જેમ કે, p v q. એનો અર્થ એ થયો કે ગુજરાતી ‘કે’નો તાર્કીક અર્થ v થાય છે અને ‘અથવા’નો તાર્કીક અર્થ v થાય છે.
‘કે’ અને ‘અથવા’ની વચ્ચે વાક્યતંત્રના સ્તરે પણ કેટલાક ભેદ છે. જેમ કે, આપણે કદી પણ ‘અથવા’વાળું વાક્ય પ્રશ્ન પૂછવા માટે નહીં વાપરીએ. આપણે એમ નહીં કહીએ કે ‘રમેશ આવશે અથવા મહેશ આવશે?’ અથવા, ‘કોણ આવશે? રમેશ અથવા મહેશ.’ મેં ‘અથવા’ વાળાં પ્રશ્નાર્થ વાક્યો શોધવાનો બહુ પ્રયાસ કર્યો છે પણ મને મળ્યાં નથી. જો કોઈ વાચક મિત્રને એવાં વાક્યો મળે તો મારી સાથે share કરવા વિનંતી. ‘અથવા’નો ઉપયોગ પસંદગી પર નિયંત્રણો લાદતો હોવાથી કદાચ એનો પ્રશ્નાર્થ વાક્યોમાં ઉપયોગ નહીં થતો હોય.
જો કે, ‘કે’ના ઉપયોગમાં એવું નથી. આપણે પૂછી શકીએ કે ‘મારી સાથે કોણ આવશે? રમેશ કે મહેશ’. અથવા તો, ‘મારી સાથે રમેશ આવશે કે મહેશ?’ એટલું જ નહીં, હા-ના પ્રશ્નોમાં પણ ‘કે’નો વિશિષ્ટ ઉપયોગ થતો હોય છે. આપણે એમ કહીએ જે ‘તમે ખાધું કે?’ ત્યારે આ વાક્ય હકીકતમાં તો ‘તમે ખાધું કે (તમે) નથી ખાધું’ વાક્યનું જ એક સ્વરૂપ છે. આપણે ‘તમે ખાધું અથવા?’ જેવો પ્રશ્ન ન પૂછી શકીએ.
ટૂંકામાં, આપણે એમ કહી શકીએ કે ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે વિકલ્પવાચક સંયોજકો છે અને ‘કે’નો અર્થ ‘either or’ અને ‘કદાચ બન્ને’ અથવા ‘ત્રીજું કોઈ/કશું’ એવો થતો ન હોય છે જ્યારે ‘અથવા’નો અર્થ ‘either or પણ બન્ને કે ત્રીજું કોઈ/કશું નહીં’ એવો થતો હોય છે.
ગુજરાતીમાં વિકલ્પવાચક સંયોજકો- ગુજરાતીમાં ‘કે’ અને ‘અથવા’ એમ બે વિકલ્પવાચક સંયોજકો છે
મા. બાબુ સુથારનો સ રસ લેખ
LikeLike