(કમ્પ્યુટર ગ્લીચને કારણે માનનીય પૂર્વીબેન મોદી મલકાણની “રણને પાણીની ઝંખના” નો ૧૩મો એપિસોડ તા. ૩/૩૧/૨૦૨૦ ને રોજ પબ્લીશ ન થઈ શક્યો એ બદલ પૂર્વીબહેનની અને અમારા વાચકવર્ગની ક્ષમા પ્રાર્થી છું. આ તેરમા અને આખરી એપિસોડ સાથે બહેન પૂર્વીની આ ખૂબ વંચાયેલી અને વખણાયેલી સીરીઝ “રણને પાણીની ઝંખના” અહીં સમાપ્ત થાય છે. પૂર્વીબહેન પાસેથી ખૂબ જલદી આવી જ રસભરી અને સંવેદનાસભર નવી કોલમ જલદીથી મળે એવી આશા સાથે વિરમું છું.)
“મનેય કોઈ મળવા આવ્યું છે!”
શું સંવેદનાઓમાં કોઈ ફર્ક હોય છે? કદાચ નહીં…પણ જેનું સમાજમાં કોઈ માન ન હોય, જેની તરફ કોઈ સારી દૃષ્ટિ તરીકે પણ ન જોતું હોય તેવી વ્યક્તિની સંવેદનાઓની વાત આવે ત્યારે આપણે શું કરીશું? કદાચ તેની તરફ તિરસ્કાર ભરી નજર કરીશું કે, દયા કરીશું પણ આપણી સંવેદનાઓ તેની સાથે શેર નહીં કરીએ. આપણે પ્રાણીઓ તરફ સંવેદનાઓ રાખીશું પણ એ સ્ત્રીઓ…..જેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી તેની સંવેદનાઓની આપણે પરવા કરતાં નથી. પરંતુ બેબેટાની વાત અલગ છે. બેબેટા…. લંડનથી નેધરલેન્ડ જતી યુરોસ્ટારમાં અમને એ મળેલી. વિવિધ સ્ટેશને ચડતાં ઉતરતા એ યાત્રીઓની વચ્ચે અચાનક એ અમારી સામેની સીટમાં આવીને બેસેલી. જેમ જેમ અમારી બેબેટા સાથેની ઓળખાણ વધતી ગઈ તેમ તેમ અમારી વાતોમાં વેધર, સંસ્કૃતિ, દેશ, ફૂડ, પ્રવાસ, સિટી વગેરે વણાવવા લાગ્યાં. વાતચીત કરતાં કરતાં મે બેબેટાને પૂછ્યું કે…. શું તું નેધરલેન્ડમાં કામ કરે છે?
તે કહે; હા કામ કરું છુ……. પણ એવું કામ…..કહી તે ચૂપ થઈ ગઈ અને બીજી દિશામાં મો ફેરવી….ધીરા શબ્દોમાં કશુંક બબડી ગઈ…… બેબેટાનાં તે અધૂરા, ન સમજાયેલા વાક્યને સમજવા હું પ્રયત્ન કરવા લાગી…પણ સમજણ ન પડતાં ચૂપ રહી. સામેની બાજુએ બેબેટા પણ થોડીવાર ચૂપ રહ્યા પછી કહે;
તમે એમ્સર્ડમ ફરવા જાવ છો ને….તો હું જ્યાં કામ કરું છું ત્યાં તમે આવશો?
તેની આ વાતથી અમને આશ્ચર્ય થયું તેથી પૂછ્યું તારા વર્ક કરવાની જગ્યા એ અમે કેવી રીતે આવીએ?
તે કહે ખાસ આવવાની જરૂર નથી, પણ જો અમારી સ્ટ્રીટમાંથી નીકળવાનું થાય તો તમે ચોક્કસ આવજો મને ખુશી થશે.
બેબેટાની એ વાત સાંભળી અમને આશ્ચર્ય થયું પણ આછા હાસ્ય સાથે શ્યોર કહી અમે ચૂપ થઈ ગયાં. એમ્સર્ડમ આવતાં જ તેણે અમને પોતાની સ્ટ્રીટનું એડ્રેસ આપ્યું ને અમે છૂટા પડ્યાં. હોટલમાં પહોંચીને અમે બેબેટાએ આપેલા એડ્રેસ ઉપર સર્ચ કર્યું ત્યારે જાણ થઈ કે એ એડ્રેસ “રેડલાઇટ” એરિયાનું હતું. આ એડ્રેસ જોતાં જ બેબેટાનું કામ શું હતું તેનો અમને આછો અણસાર આવી ગયો હતો. અમે વિચાર કર્યો કે એ એરિયા તરફ ન જવું આપણે બસ અહીં તહી ફરીએ. અમે ત્રણ દિવસ તો એ નક્કી કર્યા પ્રમાણે ફરતાં રહ્યાં…..પણ ચોથે દિવસે સાંજનાં સમયે વેન-ગોહ આર્ટ મ્યુઝિયમ જોઈ પાછા ફરતાં અમે માર્ગ ભૂલી ગયાં, જેથી કરીને એમ્સર્ડમની ગલીઓમાં અમે અટવાઈ ગયાં.
તે દિવસે રાઇટ-લેફટ કરતાં કરતાં અમે રસ્તો શોધવા માટે સતત ચાલતાં રહ્યાં……. આ સમયે અમે એ ન ચાહેલી દિશામાં જઈ પડ્યાં જ્યાં જવું ન હતું. તેથી આમતેમ જોતાં જોતાં અમે આગળ વધતાં હતાં ત્યાં જ એક ઇરોટીક શો કેસ માંથી એક હાથ ખુશી સાથે હલવા લાગ્યો.
એ હલતા હાથ તરફ અમારી નજર પડી…પહેલા લાગ્યું કે એમ જ કોઈ તરફ ફરી રહ્યો છે પણ ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે તે બેબેટા હતી….તેણે અમને જોઈ દરવાજા તરફ ઈશારો કર્યો ને પોતે પણ તે તરફ ચાલી નીકળી…..તે શો-રૂમ તરફથી અમારી તરફ આગળ વધેલી બેબેટાને જોતાં હું અને મી. મલકાણ પરસ્પરને જોઇ વિચારવા લાગ્યાં કે …લે આણે તો આપણને જોઈ લીધા હવે આને જવાબ શું આપીશું? કેવી રીતે અહીંથી ભાગી જવું? ચાલ એ દરવાજાની બહાર નીકળે તે જ પહેલાં આપણે આગળ નીકળી જઈએ……આમ વિચારી અમે અમારા પગ ઉપાડ્યાં જ હતાં ત્યાં જ એ દરવાજામાંથી બહાર આવી મને ભેંટી પડી પછી કહે….. થેન્ક યુ….થેન્ક યુ……મિસીસ માલખાન……હું બહુ જ ખુશ છું કે તમે મને મળવા માટે આવ્યાં છો….પછી આજુબાજુ જોઈને કહે; આ સ્થળ બહુ બદનામ છે ને અમે પણ…. તેથી અહીં કોઈ અમને મળવા માટે નથી આવતું. હા અમને ખરીદવા ચોક્કસ આવે છે પણ કોઈપણ પ્રકારનાં સ્વાર્થ વગર તમે મને મળવા આવ્યાં તે મારે માટે આશ્ચર્ય છે, આટલું બોલી તે બે પગલાં પાછળ ખસી ને આજુબાજુનાં શો રૂમમાં ઊભેલી તેની સખીઓને બોલાવી કહે આ….મી. એન્ડ મિસીસ માલખાન….મારી સાથે ટ્રેઇનમાં હતાં, આજે તેઓ અહીં આવ્યાં છે આપણને મળવા….કહેતાં તેનું મુખ મોટું થઈ ગયું ને અમને જોયા- મળ્યાંનો આનંદ તેનાં મુખમાં કેક નો ટુકડો બની સમાઈ ગયો.
થોડીવાર વાત કર્યા પછી તેની સખીઓ પોતાનાં શો રૂમમાં જતી રહી પછી બેબેટા કહે; તમે અંદર આવોને……હું તમને અમારી જગ્યા બતાવું. તેનો ઉત્સાહ અમારી નર્વસનેસને બરાબર સમજી રહ્યો હતો તેથી તે કહે; તમે અંદર આવશો તો કોઈને ય અસર નહીં પડે….કારણ કે બધાં જ લોકો આજ બધુ જોવા માટે આવે છે અને અત્યારે તેમની નજરમાં તમે એના જેવા જ છો, માટે અંદર આવો…… થોડીવાર રહેજો મારી સાથે, પછી તમારા રસ્તે ચાલી નીકળજો કારણ કે આપણાં માર્ગ આમેય જુદા છે….આ તો બસ મારી પાસે એક યાદ રહેશે કે “કોઈ મને ય મળવા માટે આવેલું….” કહેતાં તેની આંખોમાં પાણી ઝળહળી ઉઠ્યું. તેની આંખો અને તેનાં એ વાક્ય સાથે અમારા મનની સંવેદનાઓ બોલવા લાગી…ઘણું ખરાબ લાગવા છતાં યે અમે તેને કહ્યું….આ કામ સારું નથી તું એને કેમ છોડી દેતી નથી? તે કહે; મારું નાનપણ અને મારી યુવાની આજ એરિયામાં ગઇ છે. એક સમય હતો કે હું પણ આ જ યુવતીઓ જેવુ કાર્ય કરતી હતી. પણ આજે સમય જુદો છે. એક તમારા જેવી વ્યક્તિ થકી જ એક સંસ્થાનો પરિચય થયો. આ સંસ્થા આવીને મને ભણાવી તો ગઈ પણ મને આ સંસારમાંથી બહાર ન લાવી શકી…..આજુબાજુ જોતાં તે બોલી……. આજે આ જ સંસ્થા સાથે મળીને હું અહીં કામ કરતી બીજી યુવતીઓને એઇડ્સ અને બીજા રોગો સામે જાગૃત કરવાનું કામ કરું છું. એટલું જ નહીં આ અમારી આ જાગૃતિ તરફ બીજા લોકોનું ધ્યાન દોરવા માટે અમે અહીં મ્યુઝિયમ પણ બનાવ્યું છે. જેમાં અમારા કાર્યનાં પૂર્ણ ઇતિહાસ સાથે અમને ભોગવવા પડતાં રોગોની અને અમારી પરેશાનીઓને, અમારી મુશ્કેલીઓને, મજબૂરીઓને, અમારી ભૂલોને, અમારી સ્થિતિઓને અને અમારા સંજોગોને અમે પ્રસ્તુત કર્યા છે.
થોડીવાર બેબેટા સાથે વાતચીત કર્યા પછી અને તેનું મ્યુઝિયમ જોયા પછી અમે તેનાં ગૃહ કમ ઓફિસમાંથી બહાર નીકળ્યાં ત્યારે બેબેટા કહે….. અમે બદનામ સ્ત્રીઓ છીએ પણ તેમ છતાં યે અમારા હૃદયમાં યે એક ઈશ્વર વસે છે તે વાત લોકો ભૂલી જાય છે. આજે તમે મને બદનામ સ્ત્રી ને નહીં પણ ઈશ્વર ગણી ને મને મળવા આવ્યાં તે બદલ ખૂબ ખૂબ આભાર. બેબેટાનાં એ શબ્દો સાંભળી હું સ્તબ્ધ થઈ વિચારવા લાગી કે આને કેમ કરીને કહું કે બીજા લોકોની જેમ અમે પણ તારી સંવેદનાઓ સમજી ન હતી…કારણ કે અમારે માટે…ય….પણ મારુ વિચારવાનું પૂરું થાય તે પહેલા જ બેબેટાનો સ્વર ફરી સંભળાયો….”મે ગોડ બ્લેસ યુ… મી.એન્ડ મિસીસ માલખાન” આપણે અહીંથી હંમેશા ને માટે છૂટા પડીએ છીએ. તે શબ્દ સાથે તે અંદર ચાલી ગઈ અને તે જગ્યાનો દરવાજો બંધ થઈ ગયો. બંધ થયેલા તે દરવાજાની પાછળ રહેલી સંવેદનાઓ વિષે વિચારતાં અમે ધીરા કદમે પગથિયાં ઉતરી…..બેબેટા, તેની તેની એ બદનામ છાપ અને તે બદનામ સ્ટ્રીટ છોડી ફરી અમારા ખરા માર્ગને શોધવા ચાલી નીકળ્યાં ત્યારે બેબેટાની બે પાણીવાળી આંખો ઇરોટીક શો-રૂમનાં કાચમાંથી અમને જોઈ રહી હતી.
નોંધ:-
આ લેખ અંગે મારે એટલું કહેવાનું કે જીવનમાં થતાં કેટલાક અનુભવો પાઠ શીખવાડી જાય છે અને આ પ્રસંગ પણ મારે માટે એક શિક્ષા સમાન અને ખૂબ જ સંવેદનશીલ રહ્યો.આ બનાવ પછી પણ બીજા દિવસે અમે બેબેટાને મળેલા. અમે પ્રાગ જઈ રહેલા ત્યારે તે અમને રેલ્વે સ્ટેશન પર મળવા આવેલી. તે દિવસે રેલ્વે સ્ટેશન પર અમે કોફી સાથે પીધેલી.તેનો ફોટો લેવા મે માટે કોશિશ કરેલી. ત્યારે તેણે “નાં” કહેતાં કહેલું કે “મિસીસ માલખાન મારી યાદને હાર્ટમાં રાખજો.”
પહેલા દિવસે અમે ટ્રેઇનમાં જે બેબેટાને મળેલા તે અમારી જેમ ટુરિસ્ટ હતી, તે સાંજે અમે જ્યારે મળેલા ત્યારે તે રેડલાઇટ એરિયાની સોશિયલ વર્કર હતી અને ત્રીજીવાર જે બેબેટાને મળ્યાં એક સહેલી હતી. આ ત્રીજી મુલાકાતનાં સમયે તેણે અમને ફરીથી એજ કહ્યું જે તેણે અમને આગલી સાંજે કહેલું. (મી.એન્ડ મિસીસ માલખાન” આપણે અહીંથી હંમેશા ને માટે છૂટા પડીએ છીએ. આજ પછી હું આપને ક્યારેય નહીં મળું, ને કદાચ મળીશ તો આપને ઓળખીશ નહીં. કારણ કે તમારો અને મારો રોડ અલગ છે.) અમને લાગે છે કદાચ આ પ્રસંગ ન બન્યો હોત તો અમારા જીવનનો એક ખૂણો ચોક્કસ ખાલી રહી જાત.
© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
પૂર્વીબેનની સરસ વાત અને સુંદર રજુઆત…વાંચી આનંદને અહોભાવ થયો.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
સુ શ્રી પૂર્વી મલકાણની ઘણી અનુભવાની વાતો અમારા પણ અનુભવાઇ છે !તેમની આ વાત ‘અમે બદનામ સ્ત્રીઓ છીએ પણ તેમ છતાં યે અમારા હૃદયમાં યે એક ઈશ્વર વસે છે તે વાત લોકો ભૂલી જાય છે. આજે તમે મને બદનામ સ્ત્રી ને નહીં પણ ઈશ્વર ગણી ને મને મળવા આવ્યાં તે બદલ ખૂબ ખૂબ આભાર. ‘ ત્યારે અમને તરત સંવેદનાઓ સમજી ન હતી…પણ પછી આવા કામ માટે ઘણા માનના અધિકારી લાગ્યા સાથે અમારા પૂ મોટાના આશ્રમમા બનેલી ઘટના યાદ આવી.તેમના પ્રવચન સાંભળવા રેડ લાઇટ એરીઆની બહેનો આવતી જેનો મહાજનન એ વિરોધ કરતા કહ્યું કે આ લોકો આવે તો અમે નહીં આવીએ…ત્યારે પૂ મૉટાએ કહ્યું કે-‘ તમારી ઇચ્છા’
સાથે યાદ આવે -વૈશાલી નગરીની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના અને ગણિકા આમ્રપાલીના નિવાસસ્થાને ભગવાન બુદ્ધ સ્વયં પધાર્યા હતા એ વાત…
LikeLiked by 1 person
કેટલી સંવેદનાપૂર્ણ વાત!
બેબેટાની વાત વાંચવાની રહી ગઈ હોત તો સાચે જ સંવેદનાનો એક ખૂણો કોરો જ રહી જાત.
સુંદર રજૂઆત.
LikeLiked by 2 people