નીરજા ને લાગ્યું આજનો દિવસ જ જાણે બરાબર ઊગ્યો નથી. સવારે એલાર્મ ના વાગ્યું ને ઊઠવામાં મોડું થઇ ગયું.
પછી ટોસ્ટર બગડી ગયું એટલે ક્રિશનો નાસ્તો બનાવવામાં મોડું થઇ ગયું, અને આખરે એને સ્કૂલે મૂકવા જવામાં….
ક્રિશને બાય કરીને પાર્કિંગ લોટ તરફ ગઈ ત્યાં ક્રિશના ક્લાસમાં ભણતી રિયાની મમ્મી નેહાએ પાછળથી ટહુકો કર્યો…
“નીરજા, કેમ આજે ટ્રૅક સૂટમાં? ઓફિસ નથી જવાનું કે?”
“ના, આજે ઘરેથી નીકળવામાં મોડું થઇ ગયુ એટલે કપડાં બદલવાનો સમય ના મળ્યો, અને મને જોબ છોડી દીધાને છ મહિના થઇ ગયા. હું ઘરે જ છું હવે, અને ઘર અને ક્રિશને સંભાળું છું.”
નેહાના ચહેરા પર જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એવા ભાવ આવી ગયા…!.”તું વર્ક પર નથી જતી? અમેરિકામાં રહી ને પણ? અને ઘરને સાંભળવું એ કંઈ કામ કહેવાય?”
હવે મને જાણે મેં સાચે જ ગુનો કર્યો હોય એવી લાગણી થઇ આવી. મેં સમસમીને “બાય” કહ્યું ને કાર સ્ટાર્ટ કરીને ઘરે આવી. ઘરે આવ્યા પછી કામમાં મારું મન લાગ્યું નહીં અને નીરજાની વાત મારા મનમાં પડઘાયા કરી.
પણ ઘરની મોરગેજનો ચેક બેન્કમાં જમા કરવાનો છે અને એકાઉન્ટમાં થોડા ફેરફારો કરવાના છે એ યાદ આવતા જ તૈયાર થઇ બેન્કમાં ગઈ.
નંબર આવતા હું ક્લાર્ક પાસે ગઈ. એકાઉન્ટમાં થોડા ફેરફારો કરવાના હતા. ક્લાર્કે જરૂરી ફોર્મ કાઢ્યું અને વિગતો ભરવા મંડી. જોબનું ખાનું આવતા મને પૂછ્યું, “તમે શું અને ક્યાં કામ કરો છો?”
મેં કહ્યું, “હાઉસ વાઈફ છું।“
એણે સહેજ નીરસતાથી મારી સામે જોયું અને વિગતો ભરવા માંડ્યો.
બેન્કમાંથી ઘરે આવતા થયું કે લાવ અમિત માટે રેસ્ટોરન્ટમાંથી સમોસા લેતી જાઉં. સાંજે આવીને એને ચા સાથે ચાલશે.
લંચનો ટાઈમ હતો. રેસ્ટોરન્ટ ફુલ હતી. ત્યાં વેઇટિંગમાં અમિતનો જૂનો દોસ્ત મનીષ મળ્યો. થોડી ઔપચારિક વાત પછી મને પૂછ્યું, “તો, ભાભી કેવું ચાલે છે વર્ક?”
મેં કહ્યું “હું હમણાં ઘરે જ છું.” તો મનીષના મોઢા પર સાક્ષાત આશ્ચર્યચિન્હ આવીને અટક્યું, ”અચ્છા? તો ભાભી, પછી તમારો ટાઈમ કેવી રીતે પસાર થાય છે?” મારા મોઢે પ્રતિપ્રશ્ન આવતા અટકી ગયો કે ટાઈમ પાસ કરવા માટે જોબ કરવાની? પણ મેં ટાળ્યું અને બાય કહીને નીકળી ગઈ.
આજે મન ખરેખર ખાટું થઇ ગયું…..કારણ વગર કદાચ?
ઘરે જઈને ઘરના કામ પડ્યા હતા. કપડાંની ગડી વાળવા બેડરૂમમાં ગઈ. .ત્યાં મારી નજર આયના પર પડી. એકદમ મારાથી એની સામે ઊભું રહી જવાયું. આયનામાં દેખાતા મારા પ્રતિબિંબ સામે હું જોઈ રહી અને સ્વગત બોલી ઊઠી: ‘કોણ છું હું?’ ત્યાં જાણે પ્રતિબિંબે પણ તુચ્છકારભર્યું હસીને કહ્યું: ‘તું એક સામાન્ય ગૃહિણી છે જેની કોઈ ઓળખ નથી.’ એ ઘા જાણે મારા આત્મવિશ્વાસ પર જ હતો. એ તૂટેલા આત્મવિશ્વાસના ટૂકડા ભેગા કરીને હું રસોઈ કરવા ગઈ પણ રસોઈમાં મન જ ના લાગ્યું.
મને થયું, આ ઘર આજે ખાવા ધાય છે. નહીં રહેવાય અત્યારે અહીં અને હું કાર લઇને નીકળી પડી. કાર ક્રિશની સ્કૂલ સામે આવેલા બગીચામાં પાર્ક કરીને હું એક બેન્ચ પર બેઠી। ત્યાં આજે નેહા સાથેની, મનીષ સાથેની અને મારી જાત સાથેની વાત યાદ આવતા રીતસરની રડી પડી.
ત્યાં પાછળથી અવાજ આવ્યો, “Can I sit here?”
મેં પાછળ ફરી ને જોયું તો એક આધેડ વયના અમેરિકન ભાઈ નમ્રતાથી પૂછી રહ્યા હતા. મેં સહેજ ખચકાટથી હા પાડી.
અને, સહેજ આડી ફરીને ઝડપથી મારા આંસુને લૂછી નાખ્યા. થોડી પળો વીતી અને એ ભાઈએ એક આછા સ્મિત સાથે પૂછ્યું, “એકલાં એકલાં રડવાની મજા આવે છે? મેં ઓછપાઈને કહ્યું: “Pardon me?”
એમણે તરત કહ્યું, “મારું નામ જ્હોન. હું પાર્કમાં ચાલવા માટે નીકળ્યો હતો અને તમને રડતાં જોયા એટલે થયું કે તમારી સાથે વાત કરું. I hope everything is ok?”
મને કહેવાનું મન તો થયું કે, ‘No, it is not ok. I am not in my elements. Can you please leave me alone?’
પણ હું કહી ના શકી અને માત્ર સ્માઈલ આપ્યું, અને કહ્યું, “મારું નામ નીરજા અને મારો દીકરો આ સ્કૂલમાં ભણે છે.”
“I see.” જ્હોને કહ્યું, અને આગળ ઉમેર્યું, “તમારી આંખો બહુ સુંદર છે અને એ રડવા માટે નથી. તમે કેમ રડતાં હતાં?” જ્હોને જેવું પૂછ્યું તેવા જ મારી આંખમાં ફરી આંસુ આવી ગયા. ‘એ બસ એમ જ!’ એમ કહેવાનું મન થયું પણ ના બોલાયું.
જોહને કહ્યું, “કોઈ જોડે વાત કરવાથી દુઃખ હલકું થાય છે. તમારે વાત કરવી હોય તો કરી શકો છો.” ફરી આંખમાં તગતગતાં આંસુ સાથે મેં કહ્યું, “બસ આજે worthless ફીલ થાય છે. જોબ છોડ્યા પછી કોઈ કામની નથી રહી એવું લાગે છે. અહીં, આ દેશમાં શું તમારી ઓળખ તમે કઈ કંપનીમાં શું કામ કરો છો એના પરથી નક્કી થાય છે? અને જો ક્યાંય કોઈ કંપનીમાં કામ ન કરતા હો તો તમારી કોઈ ઓળખ જ નથી રહેતી? શું ઘરનું કામ અને બાળક ઉછેરવાનું કામ તે કઈ કામ કઈં જ ગણતરીમાં નથી? હા, હવે હું ફક્ત એક સામાન્ય ગૃહિણી છું, જેની પોતાની બહારનું કામ છોડ્યા પછીની કોઈ identity જ રહેતી નથી.”
જ્હોન ધ્યાનથી મારી વાત સાંભળી રહ્યો અને અનુકંપા ભરી નજરે મને જોઈ ને કહે, “હું તમને એક વાત કહું?
મારી પત્ની મેરી અને હું બને કામ કરતાં હતાં. મેરીની જોબ મારા કરતા હંમેશા સારી અને વધારે પગારવાળી। પછી લગ્નના થોડા વર્ષો બાદ અમને દીકરી આવી. દીકરી ડે કેરમાં ખૂબ બિમાર રહેતી હતી. આથી અમે નક્કી કર્યું કે બેમાંથી એકે નોકરી નહીં કરવી અને મેં નક્કી કર્યું કે હું જોબ નહીં કરું અને દીકરી અને ઘરની સંભાળ રાખીશ।
થોડો વખત માં ઘરના કામ કરતા મને થયું કે આ કેટલું અઘરૂં કામ છે. પણ, પછી વિચારતો કે કોઈકે તો એ બધા કામ કરવા જ પડે ને? તો હું કેમ નહીં? રાંધવાનું, લોન્ડ્રી, વેક્યુમ, દીકરીને જમાડવાની, તૈયાર કરવાની એને સ્કૂલમાં મૂકવા જવાની અને ગ્રોસરી કરવાની! આ બધા કામ કરતાં બહાર નોકરી કરવી વધારે સારી, ક્યારેક મને એવું પણ લાગતું. પણ હું સ્કૂલે જેવો દીકરીને લેવા જતો કે એના મોઢા પરનું સ્મિત જોઈને મારો બધો થાક ઊતરી જતો. દીકરી મારા હાથનું બનાવેલું ખાવાનું ખાઈને જયારે વખાણ કરતી ત્યારે મને સ્વર્ગનો આનંદ મળતો। એમ કરતા મને ઘરનાં કામની ફાવટ આવતી ગઈ અને દીકરી મોટી થતી ગઈ. આજે મેરી એક સિનિયર પોસ્ટ પર કામ કરે છે અને દીકરી સારી કૉલેજમાં ભણી રહી છે અને એ બંનેની ખુશી એ જ મારું સૌથી મોટું સુખ અને એ જ મારી સાચી ઓળખ છે.”
જ્હોન ની વાત સાંભળી ને મારી આંખમાં ચમક આવી ગઈ. મારો ચૂરચૂર થયેલો આત્મવિશ્વાસ જાણે પાછો આવ્યો।
એ નવા આત્મવિશ્વાસ સાથે મેં જ્હોન સામે સ્મિત કર્યું અને થેન્ક યુ કહ્યું।
એણે સામે હેન્ડ શેક કરવા હાથ લંબાવીને કહ્યું, “ગુડ લક સુપર વુમન…!”
અને હું ટટ્ટાર ઊભી થઈ અને મક્કમ પગલે ક્રિશને લેવા એની સ્કૂલ વળી.
(નોંધઃ મેં થોડા વર્ષો પહેલાં, આજ થીમ પર એક અછાન્દસ લખેલું. ઘણાંને એ નેગેટિવ લાગેલું તો ઘણાએ એની સાથે તાદાત્મ્ય અનુભવેલું.
એ અછાન્દસ કાવ્ય મેં વાસ્તવિક જિંદગીમાં ઘટેલા સંવાદો પરથી લખ્યું હતું. આજે એને મેં વાર્તાનું સ્વરૂપ આપીને એક અલગ અંત આપ્યો છે કારણ કે આજે મારી સમજણ અલગ છે અને સમજણ સમયાનુસાર બદલાતી રહે એ જિંદગીના ઘડતરની નિશાની છે.)
હું કોણ છું?
હું છું એક અમેરિકન ગૃહિણી,
હું બેંકમાં ગઈ,
ક્લાર્કે પૂછ્યું ‘તમે શું કરો છો?’
મેં કહ્યું ‘હું હાઉસ વાઈફ છું,’
એણે નીરસતા થી કહ્યું ‘અચ્છા’….
રસ્તા માં એક જૂની બહેનપણી મળી ગઈ,
એણે પૂછ્યું ‘આજકાલ શું કરે છે?’
મેં કહ્યું ‘ઘર સંભાળું છું ….’
એણે સહેજ અકળામણથી કહ્યું, ‘એ કામ ના કહેવાય….!’.
વીકએન્ડમાં હસબંડના મિત્રો મળી ગયા,
એમણે પૂછ્યું, ‘શું કરે છે આજકાલ?’
મેં કહ્યું ‘ફુલ ટાઇમ ઘર સંભાળું છું…..’
એમણે કહ્યું ‘તો તારો સમય કેવી રીતે પસાર થાય છે?’
ઘરે જઈ ને મેં આયના માં દેખાતા પ્રતિબિંબ ને પૂછ્યું: ‘હું કોણ છું?’
એણે પણ તુચ્છકારભર્યું હસીને કહ્યું,
તું એક સામાન્ય અમેરિકન ગૃહિણી છે જેની કોઈ ઓળખ નથી…..
અને હું, ફરી એક વખત તૂટેલા આત્મવિશ્વાસ ના ટુકડા ભેગા કરીને રસોઈ કરવા માં લાગી ગઈ.”
– શીવાની દેસાઈ
Very well expressed!
LikeLike
ખૂબ સરસ અબિવ્યક્તી
આપણા દેશમાં મોટાભાગની હાઉસ વાઈફ પોતે એવું માને છેકે તે જે જવાબદારી નિભાવે છે તે નાનું કામ છે.જે સ્ત્રી ઘરની ચાર દિવાલોની બહાર નિકળી કામ કરે તેને મોટું કામ માનવામાં આવે છે.સમાજમાં આ પ્રકારની માનસિકતા છે તેથી હાઉસ વાઈફ લઘુતાગ્રંથીથી પીડાય તે સ્વાભાવિક છે મહિલાઓ કારકિર્દી સાથે સમાધાન કરીને હાઉસ વાઈફ બને છે તો,પુરુષો નોકરી છોડી ને કેમ નથી બનતા હાઉસ હસબેન્ડ.યાદ આવે કાવ્ય
હસબંડ આખો દિવસ ઑફિસમાં વ્યસ્ત.
કંપની મોટી
એટલે
કામ પણ મોટું.
ઑફિસ અવર્સ પછી
બિઝનેસ મિટિંગ્સ, બિઝનેસ પાર્ટીઝ ને ક્યારેક બિઝનેસ ટ્રિપ્સ…
છોકરાને શું કહેવું ?
એ કૉલેજમાં વ્યસ્ત… કૉલેજ પછી મિત્રોમાં…બાકી એની જાતમાં…
રસોઈ કૂક બનાવી જાય.
કચરા-પોતાં, વાસણ-કપડાં લક્ષ્મીબાઈ કરી જાય.
એની છોકરી વળી
સાંજે આખા શરીરને મસાજ પણ કરી જાય.
શરીર દબાય ત્યારે ખૂબ સારું લાગે છે.
દર્દ ભાગી જાય છે.
પણ એ મસાજ કાયમ અધૂરો લાગે છે…
બધું કેમ દબાવી-ભગાવી નથી શકાતું ?
આખો દિવસ
ઇન્ટરનેટ લઈને ખાલી ખાલી બેસી રહું છું
પણ ખાલીપાના વાસણમાં
થીજી ગયેલા સમયને
ચોસલાં પાડી
નેટ-મિત્રો, ચૅટ-મિત્રોમાં વહેંચી
કેમે પૂરો કરી શકાતો નથી.
અને
કમ્પ્યૂટર પર બેઠી હોઉં તો પણ
પીઠ પાછળ
દીવાલોના બનેલા ખાલી ઓરડામાં
ફૂલ વૉલ્યુમ પર ટીવી સતત ચાલુ જ રાખું છું.
-વિવેક મનહર ટેલર
LikeLike