ગુજરાતીમાં વાક્ય–લટકણિયાં
બાબુ સુથાર
ગુજરાતી ભાષાની વ્યાકરણમૂલક કોટિઓ વિશે વિચારતાં બે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પહેલી મુશ્કેલી તે સંસ્કૃત ભાષાના વ્યાકરણની. ગુજરાતી ભાષાના ઘણા વ્યાકરણશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષાની ‘દીકરી’ હોવાથી એના પર સંસ્કૃત ભાષાના, અથવા તો એમ કહો કે, પિયરના નિયમો લાદી દીધા છે. એ જ રીતે, બીજી મુશ્કેલી તે કેટલાક ખ્રિસ્તી પાદરીઓએ લખેલાં ગુજરાતી ભાષાનાં વ્યાકરણોની. એ પાદરીઓએ મુખ્યત્વે લેટિન ભાષાના વ્યાકરણને ધ્યાનમાં રાખીને ગુજરાતી ભાષાના શબ્દોનું વ્યાકરણમૂલક વર્ગીકરણ કર્યું છે. એને કારણે પણ ગુજરાતી ભાષાના વ્યાકરણને સમજવામાં ઘણી અડચણો ઊભી થઈ છે. હરિવલ્લભ ભાયાણીએ એમના ૧૯૬૯માં પ્રગટ થયેલા ‘થોડોક વ્યાકરણ વિચાર’માં આ મર્યાદાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો છે. એમાં એ કેટલા સફળ રહ્યા છે એ એક તપાસનો વિષય છે. પણ, એમણે ગુજરાતી ભાષાના વ્યાકરણને સંસ્કૃત ભાષાના વ્યાકરણનો વિસ્તાર બનાવી દેવાની સામે અને એ જ રીતે, ગુજરાતી ભાષાના વ્યાકરણને લેટિન ભાષામાં ઢાળવાની સામે જે લાલબત્તી ધરેલી આજે પણ એટલી જ અગત્યની છે. અને જ્યારે પણ આપણે ગુજરાતી ભાષાનાં વાક્યનાં લટકણિયાંની ચર્ચા કરવા બેસીએ ત્યારે આપણે એમની એ લાલબત્તી યાદ રાખવી પડે.
ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષામાં વપરાતાં વાકયનાં લટકણિયાં (હવે પછી ‘લટકણિયાં) પણ ઊંડાણથી કામ કર્યું નથી. મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓએ એ પ્રકારનાં લટકણિયાંની ઉદાહરણસહ યાદી આપીને સંતોષ માન્યો છે. પણ, હું માનું છું કે આ લટકણિયાં આપણને લાગે છે એટલાં સરળ નથી. કેટલાંક લટકણિયાં તો ભાષાશાસ્ત્રના કેટલાક ખૂબ જાણીતા સિદ્ધાન્તોને પડકારે એવાં છે. જેમ કે, (૧) ‘રમેશ આવ્યો ખરો’ અને (૨) ‘રમેશે કેરી કાપી ખરી’ જેવાં વાક્યો લો. આમાં આવતા ‘ખરો અને ‘ખરી’ લટકણિયાં લાગે છે. આપણે જાણીએ છીએ એમ ‘ખરું’ તો વિશેષણ છે. એટલે, છેલ્લા લેખમાં આપણે જોયું એમ એને નિપાત તો ન જ કહી શકાય. બીજું, અહીં વપરાયેલા ‘ખરો’/‘ખરી’ આપણે જાણીએ છીએ એમ વિશેષણ તરીકે નથી વપરાયા. અર્થાત્, અહીં એમનું કાર્યુ જુદા પ્રકારનું છે. એથી એમને વિશેષણ પણ ન કરી શકાય. પણ, એ વિશેષણના એક વર્ગની જેમ વિકારી છે. અર્થાત્, એનાં લિંગ અને વચન બદલાયા કરે છે. વાક્ય (૧)માં કર્તા પુલ્લિંગ અને એકવચન હોવાથી ‘ખરો’ પણ પુલ્લિંગ અને એકવચન છે. એ જ રીતે, વાક્ય (૨)માં ‘કેરી’ એકવચન સ્ત્રીલિંગ હોવાથી ‘ખરી’ પણ એકવચન સ્ત્રીલિંગ છે. હવે આ વાક્ય જુઓ: (૩) ‘રમેશ કેરી કાપતો હતો ખરો’. અહીં પણ ‘રમેશ’ એકવચન પુલ્લિંગ હોવાથી ‘ખરો’ પણ એકવચન પુલ્લિંગ છે. આપણે એમ કહી શકીએ કે ગુજરાતીમાં ક્રિયાપદ જેની સાથે લિંગ અને વચનમાં સંમત થાય એની સાથે ‘ખરું’ પણ જે તે લિંગ અને વચનમાં સંમત થાય. આના પરથી આપણે એમ કહી શકીએ કે ‘ખરું’ને ક્રિયાપદ સાથે સંબંધ છે. ક્રિયાપદ નક્કી કરે છે કે એણે કયા નામનાં લિંગ અને વચન લેવાં. ‘ખરું’નું આ એક માત્ર લક્ષણ એને વિશેષણની નજીક લઈ જાય છે. પણ સાથે સાથે આ લક્ષણ એને ક્રિયાપદની પાસે પણ લઈ જાય છે. તો આપણે આ ‘ખરું’ને વિશેષણ કહીશું કે લટકણિયું? આવો એક પ્રશ્ન આપણને થાય. આ પ્રશ્નનો જવાબ આપણને ‘ખરું’નો અર્થ નક્કી કરવાથી મળી શકે. જ્યારે આપણે કોઈને કહીએ કે (૪) ‘તારો દાખલો ખરો છે’ ત્યારે ‘ખરો’નો એક ચોક્કસ એવો અર્થ હોય છે અને એ અર્થ આપણે શબ્દકોશમાં જોઈ શકીએ. પણ, લટકણિયા તરીકે વપરાતા ‘ખરું’નો નિશ્ચિત કહી શકાય એવો કોઈ અર્થ હોતો નથી. એથી શબ્દકોશમાં બહુ બહુ તો આપણે એનું કાર્ય નોંધી શકીએ અને કહી શકીએ કે ‘ખરું’ વાક્યના લટકણિયા તરીકે પણ વપરાય છે. એનો અર્થ એ થયો કે લટકણિયા તરીકે વપરાતો ‘ખરું’ શબ્દ grammaticism ની કોઈક પ્રક્રિયામાંથી પસાર થઈને બન્યો હશે. ક્યારે બન્યો હશે અને કઈ રીતે એ તપાસનો વિષય છે.
એજ રીતે, કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ ‘કે’ને પણ લટકણિયું ગણે છે. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં ‘કે’ના ઉદાહરણ તરીકે આ વાક્ય આપ્યું છે: (૫) ‘અંદર આવું કે?’ પણ જો તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે અહીં વપરાયેલો ‘કે’ લટકણિયું નથી. વાક્ય (૫) હકીકતમાં તો (૬) ‘હું અંદર આવું કે ન આવું’નું ઊક્તિસ્વરૂપ છે. આ પ્રકારનાં પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે એનો બીજો ભાગ લોપ કરીએ તો ચાલે. એથી આપણે કહી શકીએ કે આ ‘કે’ લટકણિયું નથી.
આવો જ પ્રશ્ન ‘એમ’ અને ‘એમ કે’ માટે પણ થાય. (૭) ‘તું આવવાનો એમ? અને (૮) ‘તું આવવાનો એમ કે?’ જેવાં વાક્યો લો. અહીં બે પ્રશ્નો ઊભા થાય. એક તો ‘એમ’ની વ્યાકરણમૂલક કોટિ અંગેનો અને બીજો ‘એમ કે’ના સ્વરૂપ અંગેનો. સાર્થ જોડણીકોશ ‘એમ’ને અવ્યય કહે છે. પણ, એને તો એ શબ્દની રૂપઘટના સાથે સંબંધ છે. જે બદલાય નહીં તે અવ્યય – એ રીતે જઈએ તો. જો કે, આ સમજૂતીને જરા જુદી રીતે જોવાની છે. એનો અર્થ એ થયા કે ‘એમ’નું સ્વરૂપ વાક્યોનાં બીજાં ઘટકો પર આધાર રાખતું નથી. જો કે, અહીં પણ આપણે ‘એમ’ના શબ્દકોશગત અર્થ પ્રમાણે જઈ શકીએ. જ્યારે આપણે કોઈને કહીએ કે ‘એમ કર’ ત્યારે આપણે ‘એમ’ કોઈક ચોક્કસ એવા અર્થમાં વાપરતા હોઈએ છીએ. પણ, જ્યારે આપણે કહીએ કે (૯) ‘તું આવવાનો એમ’ ત્યારે આપણે કોઈ શબ્દકોશગત અર્થ પ્રગટ નથી કરતા. જો કે, આપણે એ પણ જોવું જોઈએ કે આપણે કયા પ્રકારનાં વાક્યોમાં ‘એમ’ લટકણિયા તરીકે વાપરી શકીએ. (૧૦) ‘તું આવવાનો એમ’ને ત્રણ રીતે વાપરી શકાય. એક તો વિધાન તરીકે. બીજું, પ્રશ્નાર્થ તરીકે અને ત્રીજું ઉદગારવાચક વાક્ય તરીકે. પણ, પ્રશ્નાર્થ વાક્યોમાં પણ કેટલીક મર્યાદાઓ છે. એ કેવળ જેનો જવાબ હા-નામાં શક્ય હોય એવા પ્રશ્નાર્થ વાક્યો સાથે જ વાપરી શકાય. જેમકે, (૧૧) ‘તમે શા માટે મારા ઘેર આવ્યા એમ?’ જેવાં વાક્યો આપણે ન બનાવી શકીએ. ‘એમ કે’ પણ કેટલાક પ્રશ્નો ઊભા કરે. એમાંનો એક પ્રશ્ન તે એના શબ્દસ્વરૂપ સાથે સંકળાયેલો. ‘એમકે’ એક શબ્દ છે કે બે? પદ છે કે સમાસ? આ પ્રકારના પ્રશ્નોને ભાષાની લેખનવ્યવસ્થા સાથે ઘણો સંબંધ છે. જેમ કે, આપણે ‘એમ કે’ લખવું કે ‘એમકે’? એ પ્રશ્નનો જવાબ ‘એમ કે’ના વ્યાકરણમૂલક status સાથે સંકળાયેલો છે.
એ જ રીતે આપણે ‘ને’ વિશે પણ કેટલાક પ્રશ્નો પૂછી શકીએ. ‘ને’ પણ વાક્યના લટકણિયા તરીકે વપરાય છે. હું સમજું છું ત્યાં સુધી આ ‘ને’ બીજા કોઈ શબ્દમાંથી સિદ્ધ કરેલો નથી. જો કે, આ એક અટકળ અથવા તો પૂર્વધારણા જ છે. એ ખોટી પણ હોઈ શકે. પણ, (૧૨) ‘તમે આ પુસ્તક વાંચશોને?’ જેવાં વાક્યોમાં આવતું ‘ને’ લટકણિયું ખરેખર રસ પડે એવું છે. એક તો આ ‘ને’ પણ જવાબ હા કે ના હોય એવા પ્રશ્નાર્થ વાક્યમાં જ વાપરી શકાય. ઉદાહરણ તરીકે ફરી એક વાર વાક્ય (૧૨) જુઓ. આપણે (૧૩) ‘તમે કેરી કેમ લાવ્યાને?’ જેવાં વાક્યો નહીં બોલીએ. કેમ કે એ પ્રકારનાં વાક્યોમાં ‘ને’ સ્વીકારાતો નથી. આ ‘ને’ પણ ત્રણ પ્રકારનાં વાક્યોમાં વપરાય છે. એક તો statement માં. જેમ કે, (૧૪) ‘તમે તો કેરીઓ લાવ્યા ને’. બીજું, આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવા. જેમ કે, (૧૫) ‘તમે કેરીઓ લાવ્યા ને!’ ત્રીજું, પ્રશ્નાર્થનો ભાવ વ્યક્ત કરવા. ઉદાહરણ: (૧૬) ‘તમે કેરીઓ લાવ્યા ને?’
આટલી ચર્ચા પછી આપણે એમ કહી શકીએ કે ગુજરાતીમાં વિકારી અને અવિકારી એમ બે પ્રકારનાં લટકણિયાં છે અને વિકારી લટકણિયાં બીજી વ્યાકરણમૂલક કોટિમાંથી વિકસેલાં છે. જેમ કે, ‘ખરું’. આપણે એમ પણ કહી શકીએ કે કેટલાંક લટકણિયાં સાદાં વાક્યોમાં વપરાય છે, કેટલાંક આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરતાં વાક્યોમાં તો કેટલાંક પ્રશ્નાર્થ વાક્યોમાં. છેલ્લે, આપણે એમ પણ કહી શકીએ કે પ્રશ્નાર્થ વાક્યોમાં પણ લટકણિયાં જે પ્રશ્નોનો જવાબ હા કે ના હોય એવાં વાક્યોમાં જ વાપરી શકાતાં હોય છે. જો કે, આ લટકણિયાં, આપણે આગળ નોંધ્યું છે એમ, કોઈ ચોક્કસ એવો એટલે કે શબ્દકોશગત્ અર્થ વ્યક્ત કરતાં નથી. એને કારણે આપણે એમના અર્થ અથવા તો એમના વપરાશને સમજવા માટે Pragmatics ની મદદ લેવી જોઈએ. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આપણને ગુજરાતી લટકણિયાંનું pragmatics સમજાવશે.
.
ગુજરાતીમાં વાક્ય–લટકણિયાં અંગે મા બાબુ સુથારનો
સ રસ લેખ
અમને લટકણિયું રસ પડે એવું લાગે છે અને ભાવ પણ સરળતાથી સમજાય છે પણ શબ્દકોશગત્ અર્થ વ્યક્ત કરતાં નથી. એને કારણે આપણે એમના અર્થ અથવા તો એમના વપરાશને સમજવા માટે Pragmatics ની મદદ લેવી જોઈએ
LikeLike
બાબુભાઈ વ્યાકરણ વિશે લખે તો પણ પાછળ કવિ તો ડોકિયું કરતો જ હોય !
LikeLike