કેફિયત – ૨
અમે લગ્ન પછી સાત વર્ષ સુધી ભારતમાં રહ્યા. મોટા ઘરે જગ્યાનો અભાવ હોવાથી બધા જ ભાઈઓ માટે લગ્ન પછી અલગ ઘર લઈને રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મને હંમેશા મોટું ભર્યું-ભાદર્યું ઘર અને બહોળા કુટુંબ માટે એક નોસ્ટલેજીયા હતો અને આજે પણ છે. અમે સાઉથ મુંબઈમાં પેડર રોડ પર ફ્લેટ લઈને અમારા લગ્નજીવનની શરૂઆત કરી હતી. એમને મા માટે અને એમના નાના ભાઈઓ અને નાની બહેન માટે વિશેષ અને અનહદ પ્રેમ હતો પણ કોણ જાણે કેમ, કદીયે એ લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નહોતા. એમની ઓછું બોલવાની ટેવ એમનું આભૂષણ પણ હતું તે સાથે અમુક સંજોગોમાં, કૌટુંબિક, સામાજિક અને પ્રોફેશનલ દુનિયામાં આ જ ટેવ એમની મર્યાદા પણ બની જતી હતી. આ જ મર્યાદાને જ કારણે વિનુ પ્રોફેશનલ દુનિયામાં આવડત હોવા છતાં વિકાસ ધીરે પામતા પણ એમને જે ક્લાયન્ટસ મળતાં તે કદી એમને છોડીને જતાં નહીં, જેથી એમને દરેક પરિસ્થિતિમાં સતત પોતાને સાબિત નહોતા કરવા પડતા. એનો આ એક રીતે ફાયદો પણ હતો. એમના મોઢા પર હંમેશાં એક નિરાંત હતી, કારણ, ન તો એમને કદી પોતાને માટે કે ન તો અન્ય કોઈ માટે કશું જ સાબિત કરવાનું નહોતું. એમને ક્યાંય પહોંચવું નહોતું કે ક્યાંય કોઈ “ટારગેટ્સ” પાર કરવા નહોતા. બસ, પોતાનું કામ ખંતથી અને સચ્ચાઈથી કરવું એ એમનો જીવનમંત્ર હતો. વિનુને મેં કદી આત્મા પર કોઈ જ બોજો લઈ જીવતા જોયા ન હતાં. વિનુ સ્વયંની સાથે એક અદભૂત શાંતિ સાધી શક્યા હતા અને આ શાંતિને લીધે એ સદૈવ માનસિક તણાવથી દૂર હતા. એમને કશુંયે ખોઈ દેવાની બીક કદી નહોતી જેથી, કડવું સત્ય કોઈ પણ સમજાવટ વિના સ્વીકારી શકતા અને ડર્યા વિના કહી પણ શકતા. ક્યારેક હું એમની આ આદતને લીધે કહેતી કે, “ભલે લોકો તો પૂછે, આપણે કડવું સત્ય કહેવાની જરૂર શી?” તો વિનુ હસીને કહેતા, “હું ક્યાં કહું છું કે મારું કહ્યું માનો? જો મને પૂછે છે કે હું શું માનું છું તો પછી મારે તો જે મને સાચું લાગતું હોય એ જ કહેવાનું હોય ને?” અમારે દર વરસે બે-ત્રણ વાર તો આ બાબતમાં દલીલ થતી જ રહેતી હતી, પરંતુ છેવટ સુધી આ મતભેદનું નિરાકરણ કદીયે ન થયું.
વિનુ કદીયે એમની પસંદગી અને એમના ગમા-અણગમા એ જમાનામાં પણ મારા પર ઠોકી બેસાડતા નહોતા. અમે બેઉ સાવ અલગ-અલગ, તીવ્ર પસંદ અને નાપસંદ ધરવતા હતાં છતાં પણ એકમેકના આ ગમા-અણગમાનું માન પણ રાખતા. વિનુને મારા મિત્રો કે મારી રીત ન ગમતા કે ગમતી હોય કે મને એમના દોસ્ત કે એમના અભિપ્રાય માટે અણગમો હોય તોયે અમારી વચ્ચે અણકથિત ને વણબોલ્યા કરાર હતા કે જે અમે માનતા હોઈએ એ કહી નાખતા પણ પોતાની સમજ એકબીજા પર કદી ન લાદતાં. એક બીજાને સંપૂર્ણ છૂટ હતી પોતાની રીતે, પોતાના નિર્ણયો લેવાની. અમે બેઉ આ નિર્ણયોનો પૂરી રીતે આદર પણ કરતા. અમે સંમતિ નહોતા લેતા પણ એકમેકને અણગમતા વ્યક્તિ કે રીત કે વ્યવહાર માટે સહમતિ જરૂર લેતા. એનો અર્થ એ પણ નહોતો કે અમારી વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદો ન હતા. ઘણીવાર, વિનુ પોતાની સ્પષ્ટ બોલવાની રીતને લીધે, બધાની વચ્ચે મને થોડા વસમા ને આકરા બોલ બોલી જતાં. એ સમયે મને ખરાબ લાગતું અને થતું કે સ્ત્રી પુરુષની સમાનતામાં માનનારો માણસ આટલું કડવું કઈ રીતે બોલી શકે? પાછળથી મને સોરી પણ કહેતા પણ અમે બેઉ સમજતાં કે આ મતભેદ છે, મનભેદ નથી. અમે પણ અન્ય દંપતીઓની જેમ ઘણી વાર લડતા હતાં ને ઘણી વાર અબોલા પણ થતાં હતાં. પણ એમના મનની વાત, પાયાના મુદ્દે હું એમના કહ્યા વિના સમજી જતી, એ એમને ગમતું હતું. એમણે મારા પર કદીયે પોતાની વાતો કે વિચારોને સ્વીકારવા માટે ક્યારેય દબાણ કર્યું નહોતું કે મને ક્યારેય મારી રસોઈ કરવાની અનઆવડત માટે ઓછાપણું આવવા નહોતું દીધું. હું અમારા મા અને એમના ભાઈ-બહેનો સહિત ઘરનાં સર્વ નાનાં-મોટાને સ્નેહથી મારા પોતાના જ માનતી હતી (અને આજે પણ માનું છું) વિનુ એનો ખૂબ આદર કરતા હતા. કારણ વિના વિરોધાભાસી મત પાડીને જરૂર વિનાની તકલીફ ઊભી કરવી કે વગર કારણે ખોટી દલીલબાજીમાં ઊતરવું મને ગમતું નહોતું (કોઈ પણ પ્રકારનું કનફ્રન્ટેશન મને આજે પણ નથી ગમતું) અને આથી જ્યાં કોઈનેય નુકસાન ન પહોંચે એવી અન્યની વાતો હું સાંભળી લેતી, અને, એમ કરતાં, કોઈ કશું અણગમતું ને પર્સનલ એટેક કરતું કહી જાય તો ગમ ખાઈ જવાનું મને સહજ હતું. આને જ કારણે, ઘણી વાર હું વિના કારણ અનેક વિપરીત ને વિરોધાભાસી સંજોગોમાં અમસ્તી જ સંડોવાઈ જતી. ત્યારે વિનુ કહેતા, “તું કોઈનીયે ખોટી વાત સાંભળવા બેસે છે જ કેમ? મારી જેમ રાખ કે લેવાદેવા વગરની વાતોમાં કોઈના પરોક્ષ સાક્ષી પણ નહીં બનવું ને એને માટે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે, ડર્યા વિના બોલ ને પછી એના પર સુગર કોટિંગ કર્યા વિના બોલ. એક બે વાર ખોટું લાગશે લોકોને!” કાશ, વિનુ, તમારી હાજરીમાં સ્ફટિક જેટલી પારદર્શકતાથી મનની વાત રજુ કરતાં, અને એ પણ ડર્યા વિના કહેતાં હું શીખી શકી હોત!
હું મુંબઈના પરામાં જરા પણ સંકડાશ વિનાની જગામાં અને ખુલ્લી આબોહવામાં મોટી થયેલી ને લગ્ન પછી તરત જ ૫૦૦ સ્કેવર ફૂટના નાના, ગ્રાઉન્ડ ફ્લોરના બંધિયાર ફ્લેટમાં રહેવા આવ્યા. અમારી આ નાની દુનિયાની નાની ખુશીઓમાં “અમે” અનેક અભાવોમાં પણ આનંદમાં રહેતા હતા. આ “અમે” ના વ્યાપમાં હતાં, અમે બે, અમારા બે સંતાનો, અમારા મા (સાસુમા), અને એમનું બહોળા કુટુંબના વડિલો, મારા દિયેરો, સૌથી નાની નણંદ અને એમના બધાના મિત્રો સાથે મારા અને વિનુના મિત્રો, અમારા વ્યવસાય સાથે સંકળાયેલાં સંબંધો ને આડોશી-પાડોશી- એ સૌનો સમાવેશ હતો. અમારા ઘરમાં એટલી અવરજવર કોઈ પણ સમયે અને કોઈ પણ દિવસે સતત રહેતી, પણ, મને યાદ નથી કે અતિથીઓ કે સ્વજનોની આગતા-સ્વાગતામાં એમણે કદીયે મને એકલી પાડી નાખી હોય. એ હાથોહાથ, નાના-મોટા દરેક કામ મને કરવતા. ઘણીવાર એવું પણ થતું કે કામ કરતાં કે બાળકોને જમાડતી કે સુવડવતી વખતે, હું કવિતાઓ લખતી કાગળની ચબરખીઓ પર કે કોઈ વાર છૂટાછવાયા પાના પર અને વિનુના હાથમાં એ કાગળ આવે ત્યારે એને સાચવીને એક ફાઈલમાં મૂકતાં. રાત્રે અમે જ્યારે બાળકોની સાથે એમની બુક વાંચવા બેસતાં ત્યારે મને કહેતા, “આજે જે કવિતા લખી છે તે સારી છે. થોડી મઠારીને મોકલજે” અથવા તો, “આ કવિતા નબળી છે પણ ફેંકી ન દેતી. મેં ફાઈલમાં મૂકી છે ને ફાઈલમાં જ રહેવા દેજે.” જ્યારે બાળકો નાના હતા ત્યારે એ એટલું અવશ્ય કરતાં કે મને વાંચવા માટે કે લખવા માટે, રોજ મને મારો પોતાનો એક કલાક તો મળે જ. શનિવારે એમની ઓફિસ અડધો દિવસ ખુલ્લી રહેતી. દર શનિવારે એ ઘરે બપોરના બે કે અઢી વાગ્યાની વચ્ચે આવી જતાં અને બાળકોની સાથે કે ઘરમાં પરિવારજનો સાથે સમય વ્યતીત કરતાં અને મને કહેતાં કે “તારે કઈં વાંચવું હોય કે લખવું હોય ઘરમાં કે પછી લાયબ્રેરીમાં જવું હોય તો સમયની ચિંતા કર્યા વિના કે સાંજની રસોઈ, બજાર શેનીયે તાણ રાખ્યા વિના જા અને જે પણ આખા અઠવાડિયામાં સમયને હિસાબે ન કરી શકી હોય ને તે કર. તારા મિત્રોને મળી આવવું હોય તે કર. મુવી કે નાટક જોવા જવું હોય તો ફ્રેન્ડ્સની સાથે જઈ આવ” એમનો એ માટે એક તકિયા કલામ હતોઃ “take a break. I am here.” અને આ બે કે ત્રણ કલાકનો મારો વખત મને સાચે જ નવી ઊર્જા આપી દેતો. હું ઘરે પાછી આવતી ત્યારે તો બધું કામ- કૂકર મુકવાનું, શાક સમારવાનું કે લઈ આવવાનું, લોટ બાંધી મૂકવાનો થી માંડી બાળકોને બહાર રમાડવા લઈ જવાના સઘળા કામો પણ સમયસર પૂરા કરી પણ લેતા. અમારા સંતાનો વચ્ચે માત્ર ૧૮ મહિનાનો ફરક હતો જેને લીધે બાળકોના ઉછેરમાં સમય પણ ઘણો આપવો પડતો. ઘરમાં મદદ માટે નોકર-ચાકર હતાં તોયે જ્યારે પણ વખત મળતો ત્યારે વિનુ અમારા સંતાનોને જમાડવામાં, રમાડવામાં, પુસ્તકો વાંચવામાં, નવડાવવામાં ને એમને સૂવડાવવામાં કોઈ પણ છોછ વિના, જે પણ કામ હોય તે ચૂપચાપ કરી લેતાં.
વિનુ માત્ર અમે જુદા રહેતા થયા પછી જ ઘરકામમાં મદદ કરતાં એવું નહોતું. ભારતમાં સ્ત્રીઓ પર ઘરકામનો બોજ ખૂબ જ રહેતો હોય છે અને ભારતીય પતિઓ એ બાબત માટે જેટલા સજાગ અને સંભૂતિપૂર્ણ હોવા જોઈએ એટલા નથી એવી વિનુની સજ્જડ માન્યતા હતી અને એમને ઘરની વહુઓ-બહેનો ને દિકરીઓ માટે પક્ષપાત હતો. મારા વડિલ, જેઠાણીએ એકવાર કહ્યું હતું, જે મને હજી યાદ છે. મારા જેઠાણીએ કહ્યું હતું, “હું જ્યારે ગર્ભાવસ્થામાં, છેલ્લા મહિનામાં હતી ત્યારે લાંબો સમય ઊભા નહોતું રહેવાતું કે નહોતું લાંબો સમય બેસી શકાતું. વિનુભાઈ એ વખતે સી.એ.ની પરીક્ષાનું વાંચવા કામ પરથી રજા લઈને ઘરે રહેતા હતા. એ સમયે, સવારના સમયે, નવ વાગ્યા પછી ઘરમાં ફક્ત હું, મા અને વિનુભાઈ રહેતા. મને રોટલીઓ કે પૂરી બનાવવામાં, નીચે બેસીને કે ઊભા રહીને, તકલીફ પડતી. એ સમયે વિનુભાઈ મારી વ્હારે આવતા ને કહેતા કે ભાભી, તમને બેસીને કે ઊભા રહીને, જે અનુકૂળ પડે તે રીતે રોટલી કે પૂરી વણો. હું શેકી આપીશ કે તળી આપીશ.” એકાદ બે વાર તો મને યાદ છે ત્યાં સુધી મા પણ કહેતા કે, “ક્યારેક એવું પણ થતું કે કામવાળા ન આવ્યા હોય ને ઘઉં દળાવવાના હોય તો સુટ પહેરીને, ઓફિસે જતી વખતે વિનુ મૂકી આવતો અને પાછા વળતાં સાંજના લઈ પણ આવતો. હું આ કોલેજ જતાં છોકરાંવને કહું તો હા-ના કરવામાં કલાકો જતા રહેતા ત્યારે વિનુ મને કહેતો, કે જે કામ હોય તે કહે મને, ને એ ચૂપચાપ કરી આવતો. ૧૮-૧૯ વરસનો થયો ને આર્ટિકલશીપ કરતો થયો ત્યારથી વિનુ મારી પાસેથી કે તારા ભાઈ પાસેથી ક્યારેય કઈં માગતો નહીં. હું એકલી એની ફિકર કર્યા કરતી કે આ છોકરો કઈં બોલતો નથી તે એનું શું થશે! ઘણીવાર આટલા મોટા કુટુંબમાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તો ઘરમાંથી તરત જ વિનુ ગુસ્સામાં, કોઈનેય કશું કહ્યા વિના, બહાર જતો રહેતો ત્યારે હું મનમાં એની ફિકર કર્યા કરતી!” અમારા લગ્ન પછી મેં આ વાતો મા પાસેથી સાંભળી હતી અને મેં જ્યારે એમને આ વિષે પૂછ્યું હતું તો મને કહે, “કોઈનેય જ્ઞાન નથી સાંભળવું. બધા જ મોટા થઈ ગયા છે અને પરિપક્વ પણ! ઉમરલાયક થવા પછી પણ ઉમરને લાયક કોઈ કશુંક ન કરતા હોય, તો મારું ભાષણન સાંભળીને ક્યાં કરવાના?” બસ, એમના જવાબો આવા મુદ્દાસરના જ રહેતા.
(વધુ આવતી કાલે)
.
સોણલો મારો સાહેબો – પાર્ટ ૨ – સુ શ્રી જયશ્રી મરચંટના મધુરા મધુરા નોસ્ટેલજીક અનુભવો માણવાની મઝા આવી ધન્યવાદ
LikeLike
આમ તો વિનુભાઈને ઓળખું છું પણ હવે તારા લેખનથી હું એમને જાણતી થઇ અમે કદી મળ્યા નથી પણ પરોક્ષ રીતે ઓળખતી થઇ. તું કહે છે કે એમને મારી ગઝલ ગમતી, તો આ ગઝલ તમને બંનેના પ્રેમને અર્પણ મંદ મઘમઘતો પવન, તારા જ સ્મરણો લાવશે,
આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
ચાંદની આ રાત ભીંજાતા, તડપતા એ ચકોર,
નીર સાગરના ગહન, તારા જ સ્મરણો લાવશે.
સાંજનાં આછાં ગુલાબી રંગ, વરસે આગ પણ
રાતનું શ્યામલ ગગન, તારા જ સ્મરણો લાવશે.
ગુંજતો પંખી તણો કલરવ ચમન માં ઓ પ્રિતમ,
સૂર સરગમના કવન, તારા જ સ્મરણો લાવશે
રેતનાં પગલાં સ્મરણ ને હચમચાવી નાખશે,
નામ તારું ઓ સજન, તારા જ સ્મરણો લાવશે.
આંખ જો મારી મળે, ક્ષણભર હવે તો પ્રિયતમ,
આજ ‘સપના’ નાં નયન, તારા જ સ્મરણો લાવશે.
સપના વિજાપુરા
LikeLiked by 1 person
હું વીનુઅંકલને કદી મળી નથી અને જોયા પણ નથી! પણ એમની કલ્પના કરી શકું છું, અને એમનાથી વધારે પરિચિત થતી જાઉં છું. ખૂબ સરસ આંટી. 🙂 3જા એપિસોડની રાહ જોઇશ
LikeLike