જીવંત યાદ ……
જીવનમાંથી આપણી પાસેથી પસાર થયેલા કેટલાક ચહેરાઓ શું ભૂલી શકાય છે? કદાચ ના…ને કદાચ હા…. કારણ કે સમય સાથે સ્મૃતિમાં રહેલાં તે ચહેરાની આકૃતિ ઝાંખી પડતી જાય છે; પણ તે ચહેરાઓનો અહેસાસ ક્યારેય દૂર જતો નથી. મારી સાથે પણ કંઈક એવું જ બનેલું. તે મોડી સવારની વાત પણ કંઈક અલગ જ હતી…..
મારી સામેથી એક માણસ લોહીલુહાણ થઈ, ચીસો પાડતો દોડી રહ્યો હતો, ને હું સ્તબ્ધ થઈ તેને રસ્તાની કોરેથી જોઈ રહી હતી. પળ –બે પળ વીતી ત્યાં પાછળથી આવતાં કોલાહલે મારૂ ધ્યાન તે અવાજની દિશા તરફ ખેંચાયું. એક ટોળું તલવાર, ધારિયા અને પાઇપ સાથે દોડી રહ્યું કદાચ કદાચ તેઓ તે જ માણસની પાછળ દોડી રહ્યાં હતાં જેને મે થોડીવાર પહેલાં લોહીથી ખરડાયેલો જોયો હતો……પણ હું …..હું હજી યે સ્તબ્ધ જ હતી. તે સ્તબ્ધતાની વચ્ચે મુખ્ય વાત એ હતી કે હું એકલી ન હતી, મારી સાથે હતો મારો સાડા ત્રણ વર્ષનો દીકરો બિટ્ટુ.
૧૯૯૩……ની એ મોડી સવાર…..
શહેરમાં સન્નાટો છવાઈ ગયો હતો, મુંબઈનાં મુખ્ય સબબનો (ચર્ચગેટ, મરીનડ્રાઈવ વગેરે) ડર સાઈડ સબબમાં (ઘાટકોપર, પરેલ, થાણા વગેરે) પણ ડોકિયું તાણી રહ્યો હતો, તેથી ચાલતા જનારા લોકોની સંખ્યા નહીંવત્ હતી. રસ્તા પરથી એકલ દોકલ રિક્ષા બસ એમ જ દોડી રહી હતી ને મહાકાય બસ ક્યાંક કોઈ ડેપોમાં ટૂંટિયુંવાળીને બેસી ગઈ હતી. પણ મુંબઈનાં બીજા સબબની સરખામણીમાં વિક્રોલી સબબ થોડું વધુ જીવંત હતું. અહીં માણસોની અવર જવર ચાલું હતી. વિક્રોલી વેસ્ટમાં રહેલી ગોદરેજ કંપનીનાં ગેઇટ વારંવાર ખોલબંધ થયાં કરતાં હતાં.
એ થોડીઘણી ચહેલપહેલ તો મુખ્ય રસ્તા પર હતી, પણ તે દિવસે કોલોની મુખ્ય મુંબઈમાં થયેલાં તે બોમ્બિંગને કારણે શાંત હતી. કોલોની……ગોદરેજ કોલોની…..વિક્રોલી વેસ્ટમાં ગોદરેજ કોલોની આવી હતી, જ્યાં હું રહેતી હતી હતી. આમ તો વિક્રોલીનું પરુ મુંબઈનું એક સબબ જ ગણાય છે, પણ આ કોલોનીની અંદરનો ભાગ જોતાં જાણે કોઈ હિલસ્ટેશનમાં રહેતાં હોવાનો ભાસ થતો હતો. આજુબાજુ ખૂબ ગ્રીનરી, ઊંચા વૃક્ષો, ને ઉપર ને ઉપર ચડતી જતી કેડી. અહીં ગોદરેજમાં કામ કરનારા રહેતાં હતાં. કોલોનીનાં મુખ્ય દ્વારે હંમેશા ચેકિંગ થતું રહેતું તેથી બહારનાં લોકો, ફેરિયાઑ કોલોનીમાં આવી શકતાં ન હતાં. તેથી અંદરનું વાતાવરણ સલામત હતું…..પણ બહાર શું થાય છે તેની જાણ વિશેષ ન હતી. તે દિવસે જ્યારે બોમ્બિંગનાં અવાજોથી મુંબઈ ધણહણી ઉઠ્યું ત્યારે સાંજ પડી ગઈ…..ને અમે ટ્રેનમાં હતાં તેથી વધુ ખબર ન રહી. બીજે દિવસે જ્યારે અમે મુંબઈ પહોંચ્યાં ત્યારે વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું.
અમે ઘરે પહોંચ્યાં પછી મલકાણ કહે ઓફિસ સામે જ છે કેવળ રસ્તો ક્રોસ કરવાનો છે, તું ચિંતા ન કર કહી તૈયાર થઈ ઓફિસે નીકળી પડ્યાં. પણ મારા મન ને શાંતિ ન હતી તેથી હું પણ બિટ્ટુ સાથે ગેઇટ સુધી જવા નીકળી પડી. તેઓ રસ્તો ક્રોસ કરી કંપનીનાં ગેઇટની અંદર દાખલ થયાં પછી હું મારા ઘેર પાછી ફરી. તે દિવસે પાડોશીઑ પાસેથી થોડું દૂધ અને થોડીઘણી ગ્રોસરી લઈ ઘર ચાલાવ્યું. પણ બીજા પાસેથી ક્યાં સુધી માંગવુ? તેથી વિચાર કર્યો કે આવતીકાલે સવારે જ સ્ટેશન જઈ થોડીઘણી ગ્રોસરી લઈ આવીશ જેથી કરીને બાળક સાથે સારું પડે.
બીજા દિવસની સવારે પણ વાતાવરણ હજુ યે થોડું ભારે જ હતું, પણ કોલોની હજુ યે શાંત હતી. આજે તે દિવસને યાદ કરું છુ ત્યારે લાગે છે કે તે દિવસે મારે ઘરમાં જ રહેવાની જરૂર હતી કારણ કે મોટાભાગનાં લોકો ઘરમાં હતાં. પણ હું તે દિવસે ઘરમાં ન હતી. મારે સમયને ઓળખવાની જરૂર હતી, પણ તે દિવસે મલકાણનાં ઓફિસ ગયાં બાદ બિટ્ટુ સાથે સ્ટેશન જવા નીકળી ગઈ. કોલોનીથી સ્ટેશન જવા સુધી મને એકપણ રિક્ષા કે બસ ન જોવા મળી જેથી કરીને હું ચાલતી ચાલતી સ્ટેશન ગઈ. સ્ટેશનનો ટર્ન લઇને આજુબાજુ જોતાં જોતાં હું આગળ વધી રહી હતી. મારી નજર કેવળ કોઈ ગ્રોસરી સ્ટોર ખુલ્લો છે કે નહીં તે જોવામાં મગ્ન હતી. ત્યાં જ મારી નજર અમુક ગ્રોસરી સ્ટોર પર પડી જે ખુલ્લા હોઈ થોડી શાંતિ લાગી અને હું તે સ્ટોર તરફ હજુ હું ચાલી જ રહી હતી ત્યાંજ ઉપરોક્ત માણસ મારી આંખ પાસેથી ધડધડાટ કરતો પસાર થઈ ગયો. જેને કારણે આજુબાજુ નાસભાગ થવા લાગી. થોડી જ પળોમાં રસ્તામાં માણસો તીતરબીતર થઈ સંતાઈ ગયાં, આખોયે રસ્તો અચાનક સૂમસાન થઈ ગયો ને દુકાનોનાં શટર ધડાધડ પડવા લાગ્યાં.
હું સ્પર્શી શકું તેટલી નજીકથી પસાર થયેલાં તે માણસની સ્થિતિ જોઈ હું ડરી ગઈ હતી, ને એમાં યે પાછળથી આવેલ તે ટોળાંએ મને પૂતળું બનાવી નાખી હતી. મારી આંખ આગળથી દોડી ગયેલ તે માણસ ઘવાયેલી હાલતમાં વધુ દોડી ન શક્યો. તેની પાછળ પડેલ તે ટોળાંએ તેને થોડી જ ક્ષણોમાં આંતરી લીધો ને તેની ઉપર તલવાર, પાઇપ સાથે તૂટી પડ્યાં હતાં. આ બિહામણું દૃશ્ય મારી સામે જ ભજવાઈ રહ્યું હતું તેમ છતાં યે હું ત્યાંથી ભાગી જવાને બદલે હજીયે ત્યાંજ સ્તબ્ધ બની ઊભી હતી. તે માણસની મરણચીસો મારા કાનમાં ગુંજી રહી હતી, આંખ સામે તેનાં હાથ-પગ તરફડિયાં મારી રહ્યા, રસ્તો લોહીથી નહાઈ રહ્યો હતો, ક્યાંકથી કોઈક છૂપી નજર આ રાક્ષસી કૃત્યને જોઈ રહ્યા હતાં, પણ બધાં જ મારી જેમ સ્તબ્ધ હતાં તેથી એકાદ પક્ષીનાં અવાજ (રૂદન) સિવાય ત્યાં કોઈ અવાજ ન હતો. આ અમાનવીય કૃત્ય બદલ તે ટોળાને પરવા ન હતી તેથી તેમનાં મુખમાંથી પાગલપનયુક્ત હર્ષોલ્લાસ ભર્યા ઉદ્ગારો નીકળી રહ્યાં હતાં. અચાનક તે ટોળાંમાંથી કોઈકનો સ્વર નીકળી પડ્યો……અરે અભી તો સાલે એક કો હી ખતમ કીયા હૈ….અગર દૂસરા હોતા તો ઔર મઝા આ જાતા……અબે દૂસરા નહીં તો દૂસરી તો હૈ વોહ ભી બચ્ચે કે સાથ ચાલો આજ ઉસકી ભી……. કર ડાલતે હૈ ફિર સાલી કુછ બોલેગી હી નહીં……..આજે હું જાણું છું કે તે દિવસે ટોળાંમાં થયેલી આ વાતચીત મારે માટે હતી. બસ હવે થોડી જ પળો હતી….કારણ કે તે ટોળુ પાછળ રહેલી તે ઔરતની તરફ ફરે એટલી જ વાર હતી પણ કહે છે ને કે રામ રાખે તેને કોણ ચાખે? પણ રામની એ લીલા હજુ મને સમજવામાં વાર લાગે તેમ હતી. ને હું એટ્લે કે મારી તેથી હજુ ક્યાં જાઉં તે વિષે વિચારું કે પગલું લઉં તે પહેલાં તો મારી પાછળથી ચાર હાથ લાંબા થયાં, જેમાંથી એક હાથે મારું મોઢું દાબી દીધું ને બીજાએ બિટ્ટુનું મોઢું દાબી તેને ઉઠાવી લીધો. અચાનક આવેલી આ સ્થિતિ એ મારા હોશ ઉડાવી દીધા હું મારા દીકરાને બચાવવા માટે હું ઝાંયા નાખવા લાગી ( પ્રયત્ન કરવા લાગી ), પણ મારી પાછળથી આવેલા એ હાથ ખૂબ મજબૂત હતાં…..તેણે મારો બીજો હાથ પકડી લીધો ને મને અને મારા દીકરાને……આ પરિસ્થિતીથી સખત ડરી ગયેલી એવી હું લગભગ બેભાન થવાની અણી પર જ હતી પણ……..બે પળમાં અમે ખેંચાયા અને ત્રીજી પળનાં ધક્કાએ અમને દુકાનની અંદર ધકેલ્યાં…….પછી પોતે ય દુકાનમાં આવી ગયાં અને નજીવા અવાજ સાથે દુકાનનું શટર પાડી દીધું.
એક મિનિટ એ હતી જ્યાં કોઈ મને મારવાની વાત કરી રહ્યું હતું, બીજી મિનિટ એ હતી જ્યાં અમે કોઈના હાથમાં અને ત્રીજી મિનિટ એ હતી કે અમે દુકાનની અંદર બંધ હતાં……ટૂંકમાં કહું તો થોડા સમયમાં જ થયેલ આ પરિસ્થિતીને કારણે મારી આંખ પાસે અંધારું છવાવા લાગ્યું હતું, શરીર ગારા જેવુ થવા લાગ્યું હતું. પણ મને મારો દીકરો પાછો જોઈતો હતો તેથી મારા દીકરાને લેવા માટે હાથ લાંબો કર્યો, તે સાથે બીજા અજાણ્યાં બે હાથે મારા હાથમાં મારા દીકરાને સોંપી દીધો, પણ નીચે બેસી મારા મો પાસે આવી ચૂપ રહેવાં ઈશારો કર્યો. પછી બંને જણાં ફરી દુકાનનું શટર થોડું ઊંચું કરી જમીન પર લાંબા થઈ જોવાં લાગ્યાં; ત્યારે બહાર થતાં તે ટોળાંનાં અવાજનાં પડઘા મારા અમારા કાને આવી પાછા ફરી રહ્યાં હતાં. કત્લે આમ કરી, કોઈ વ્યક્તિનાં નિર્દોષ લોહીમાં પોતાનાં જિગરને ડૂબાવી દઈ તે ટોળું પાછું ફરવા લાગ્યું, ત્યાં ટોળાંમાંથી કોઈએ કહ્યું…એ અભી યહાં ઈક ઔરત થી નાં?
કૌન થી હિન્દુ યા મુસલમાન ?
પતા નહીં, પર થી મૈને દેખા થા,
અગર દેખા થા તો ઇતની દેર મેં કહાં ગઈ? દેખ આસપાસ દીખ રહી હૈ?
એ બંને વચ્ચેનો સંવાદ સાંભળી કોઈ ત્રીજાનો સૂર ઉમેરાયો… કહાં હૈ ? તું હી કહે રહા હૈ કી યહાં કોઈ ઔરત હૈ તો હૈ કીધર ?
કોઈ નહીં હૈ યહાં પર……
પર અભી તો યહી ચ દેખા થા…. ભાગ ગઈ હોગી…. બચ્ચા ભી થા …મેરે ખ્યાલ સે …પતા નહીં મેરે કો…..દેખના ઇધર ચ હોગી…..
અરે, હોતી તો એક લાશ યહાં ઔર નહીં હોતી, ક્યા… નહીં હૈ ઇસી લિયે તો પૂછા…કહી તે હસ્યો..
આવા સમયે તેનું હાસ્ય, તે સંવાદો અમને બીભત્સ લાગ્યાં, વિકરાળ લાગ્યાં…પણ કોઈ શું વિચારે છેતેની પરવા કર્યા વગર તે ઊંચા સ્વર સાથે હસ્યો. પછી બોલ્યો
અબ બતા ક્યા કરના હૈ યહી ચ રહેના હૈ કી જાના હૈ?
યહાં રહે કે ક્યા કરના હૈ ચલો ઈસ્ટ મેં જાયે…….ને થોડીવારમાં એ ટોળું ને એ સ્વર વિખેરાઈ ગયાં.
ટોળાંનાં વિખેરાયા બાદ તે ઊભો થયો, ને મને કહે ……..મૈડમ આપકા દિમાગ ખરાબ હુઆ હૈ ઇતને સે માસૂમ બચ્ચે કે સાથ ઘર સે કાય કો નિકલી? અક્કલ નહીં ચલાની આતી ? ક્યા સોચ કે બહાર નિકલી થી ? તેરે ઘરવાલે ને તેરે કુ નાં ય નહીં બોલા?
તેનાં સવાલ અનેક હતાં પણ હું ચૂપ હતી….કેવળ ચૂપ….કારણ કે હજીયે થોડીવાર પહેલાં ખેલાયેલું બિહામણું દૃશ્ય મારી આંખ સામે તાંડવ બની નાચી રહ્યું હતું.
સવાલ પૂછનારની પાછળ રહેલ તે વ્યક્તિ આગળ આવ્યો અને મને સવાલ પૂછનારનાં ખભે હાથ મૂકી તેને પાછળ કર્યો ને પછી મારી પાસે બેસી બોલ્યો……..શાયદ કુછ જરૂરત હોગા ઇસી લિયે આયી હોગી; હૈ ના ! પર આપકો બચ્ચે કો ઘર છોડ કે નિકલના ચાહીએ થાના. દેખો આપ કે સાથ બચ્ચા ભી ડેંજર મેં ફસ ગયા ના ઇસી લીયે કહા; કહી તે ઊભો થયો અને ખૂણામાં પડેલા માટલાંમાથી પાણી ભરીને લાવ્યો. મારી સામે પાણીનો ગ્લાસ ધરીને બોલ્યો મૈડમ થોડી દેર બૈઠો, બહાર થોડી દેર બાદ ઠીક હો જાયેગા ઉસકે બાદ મૈ હી આપકો ઘર છોડ દૈગા તે બોલ્યો.
જ્યારે વાતાવરણ શાંત થવા લાગ્યું હતું, પોલીસની સાઇરન બહાર સંભળાવા લાગી, ત્યારે તેણે દુકાન ખોલી. આજુબાજુની દુકાનોનાં શટર પણ અડધા ખૂલ્યાં….તે જોઈ તે બોલ્યો…. મૈડમ આપકો ક્યા ક્યા ચહીયે વો કહિયે મૈ લે આતા હું……પછી એ દુકાનની બહાર નીકળ્યો અને સામે રહેલાં કોન્સ્ટેબલ સામે જઈ કહે સાબ સબ ઠીક હૈ ? હમ બાહર નિકલ શકતેં હૈ? જ્યારે કોન્સ્ટેબલની હા આવી પછી એ સામે રહેલાં અધખુલ્લા ગ્રોસરી સ્ટોરમાં ગયો અને મારી ગ્રોસરી લઈને આવ્યો.
લગભગ દોઢ –બે કલાકને અંતે તે મને કોલોનીનાં દરવાજા સુધી મૂકી ગયો, કારણ કે દરવાજાની અંદર આવવાની એને રજા ન હતી.
આ ઘટના પછી થોડો સમય મને મનથી ઠીક થવામાં થોડો સમય લાગ્યો, કારણ કે મારી આંખ સામે થયેલા ખૂનને કારણે હું ઘણી પરેશાન હતી. ( આ ઘટના ભલે જૂની થઈ ગઈ હોય પણ તેની અસર આજે ય છે. આજે ય હું લોહી જોઈ શકતી નથી. મારી આજુબાજુ રહેલ કોઈ વ્યક્તિને વાગી જાય છે ત્યારે હું આજુબાજુ રહેલ વ્યક્તિને સોંપી ત્યાંથી ભાગી જાઉં છું. ઉપરોક્ત બાબતમાં મારા બચ્ચાઓ પણ શામિલ છે. બચ્ચાઓને જ્યારે લાગી જતું ને લોહી નીકળતું ત્યારે મલકાણ તેમને સંભાળતાં. ) સ્ટેશન આવતાં જતાં હું કવચિત તેમને મળવા જતી, ત્યારે તે મારા દીકરાનાં માથા પર હાથ ફેરવતાં કહેતાં……ક્યાં છોટે રાજા ઠીક હો ના…..સ્કૂલ બૂલ જાતા હૈ કી નહીં? દેખો સ્કૂલ જાને કા……ઔર હાં…..ખૂબ પઢાઈ કરને કા………
વ્યથિત કરી દેનારી ઘટનાને હવે ઘણાં વર્ષો વીતી ગયાં છે; પણ તેમ છતાં યે એ દિવસ મનમાંથી ગયો નથી તેથી જ્યારે જ્યારે આ પ્રસંગનો ઉલ્લેખ થાય છે ત્યારે મને જીવનદાન આપનાર તે બંને માણસનો મનથી આભાર માની લઉં છું……હા અગાઉ કહ્યું તેમ તેમનાં ચહેરાઓની સ્મૃતિ ઝાંખી પડી ગઈ છે પણ તેમનાં કર્મોની નહીં. તેમણે બચાવેલી બે જિંદગીઓ આજે પણ તેમને એટલાં જ માનથી યાદ કરે છે…….
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com
પૂર્વીબેનના અનુભવની સરસ રીતે લખાયેલ ભયગાથા…
સરયૂ પરીખ
LikeLiked by 1 person
સુ શ્રી પૂર્વી મોદી ની સ્વાનુભૂતિની અદભુત વાત.
અમે મુંબાઇ હતા ત્યારે કોમ્યુનલ રાયેટ વખતે આવો નજરે જોયલો પ્રસંગ યાદ આવ્યો
કરુણતા વિગલીત થઇ આનંદની અનુભિતી કરાવતો લેખ !
LikeLike