ગુજરાતી નિપાતો
ગુજરાતીમાં નિપાતો વિશે પણ ઘણી ગેરસમજ પ્રવર્તે છે. ભાષાશાસ્ત્રના વિવિધ શબ્દકોષો નિપાતો નક્કી કરવા માટેના ત્રણ માપદંડો આપે છે: (અ) નિપાતો હંમેશાં અવિકારી હોવા જોઈએ, (બ) નિપાત તરીકે વપરાતો શબ્દ બીજી કોઈ વ્યાકરણમૂલક કોટિનો ન હોવો જોઈએ, અને (ક) નિપાતોનું ચોક્કસ એવો વ્યાકરણમૂલક (grammatical) કે વ્યવહારમૂલક (pragmatics) અર્થ હોવો જોઈએ.
આ ત્રણ માપદંડો પ્રમાણે જઈએ તો આપણા વ્યાકરણશાસ્ત્રીઓએ જેમને નિપાત તરીકે ઓળખાવ્યા છે એમાંના કેટલાકની આપણે બાદબાકી કરવી પડે. દાખલા તરીકે (૧) ‘રમેશ આવ્યો ખરો’, (૨) ‘રમા આવી ખરી’ અને (૩) ‘લીલાએ મહેશને કાગળ લખ્યો ખરો’માં આવતા ‘ખરો’ અને ‘ખરી’ શબ્દો લો. એમાં મૂળ શબ્દ છે ‘ખરું’. એ અવિકારી નહીં પણ વિકારી છે. એનાં લિંગ અને વચન ક્રિયાપદ જેનાં લિંગ અને વચન સ્વીકારે છે એ પ્રમાણે બદલાય છે. જેમ કે, (૧) અને (૨)માં ક્રિયાપદ કર્તાનાં લિંગ અને વચન લે છે. એટલે ‘ખરું’ પણ એ રીતે બદલાય છે. એ જ રીતે, (૩)માં ક્રિયાપદ કર્મનાં લિંગ અને વચન લે છે. એથી ‘ખરું’ પણ એ રીતે બદલાય છે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે જો નિપાતો વિકારી હોય તો એમનું સ્વરૂપ બદલાયા કરે. અને એ પણ બીજા વ્યાકરણમૂલક શબ્દના આધારે. એમ હોવાથી નિપાતનું સ્વરૂપ બીજા શબ્દોના સ્વરૂપ પર આધાર રાખતું થઈ જાય. જો એમ હોય તો એને નિપાત ન કહેવાય.
હવે નિપાત નક્કી કરવાની બીજી શરત જુઓ. એ પ્રમાણ઼ે નિપાત તરીકે વપરાતો શબ્દ બીજી કોઈ વ્યાકરણમૂલક કોટિનો ન હોવો જોઈએ. ઉપર (૧)થી (૩) વાક્યોમાં વપરાયેલો ‘ખરું’ શબ્દ આમ તો વિશેષણની કોટિનો છે. એમ હોવાથી પણ એને નિપાત ન કહી શકાય. આપણા કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ ‘પણ’ને ‘ય’ની સમાન્તરે ભારવાચક નિપાત ગણે છે. કેમ કે આપણે ‘ય’ અને ‘પણ’ મોટે ભાગે વિકલ્પે વાપરી શકીએ છીએ. જેમ કે, (૪) ‘લીલાએ ય કાગળ કાપ્યો’ અને (૫) ‘લીલાએ પણ કાગળ કાપ્યો’. એમ છતાં આપણે ‘પણ’ને નિપાત ન કહી શકીએ. કેમ કે ‘પણ’ની પોતાની વ્યાકરણમૂલક કોટિ છે. ગુજરાતીમાં ‘પણ’ અવ્યય ગણાય છે.
નિપાતો નક્કી કરવાના ત્રીજા માપદંડ પ્રમાણે કોઈ પણ નિપાતનો ચોક્કસ એવો વ્યાકરણમૂલક કે વ્યવહારમૂલક અર્થ હોવો જોઈએ. ઉપર આપેલાં (૧) થી (૫) વાક્યોમાં વપરાયેલા ‘ખરું’, ‘ય’ અને ‘પણ’ બધાં જ આ શરત પ્રમાણે નિપાત કહી શકાય. મને લાગે છે કે આપણા વ્યાકરણશાસ્ત્રીઓ જાણ્યેઅજાણ્યે આ શરતથી લલચાઈ ગયા હશે. પણ, આ એક માત્ર શરતનું પાલન કરવાથી કોઈ પણ શબ્દ નિપાત ન બની શકે. એણે બાકીની બે શરતોનું પણ પાલન કરવું પડે.
નિપાતોની વાત કરતી વખતે એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ: જે તે નિપાત વાક્યના સ્તરે વપરાય છે કે discourseના સ્તરે? કેટલાક નિપાતો વાક્યના સ્તરે વપરાતા હોય છે. જેમ કે, (૬) ‘રમા જ મારા ઘેર આવશે’માં આવતો ‘જ’ નિપાત. આ નિપાત અહીં વાક્યના સ્તરે વપરાયો છે. એ જ રીતે, (૭) ‘તો તમે શું કહેવા માગો છો આ બાબતે?’માં આવતો ‘તો’ વાક્યના સ્તર પર નહીં પણ discourseના સ્તર પર વપરાયો છે. અહીં ‘તો’ વાક્ય take off કરવાના એક ભાગ રૂપે વપરાયો છે. જો કે, ગુજરાતીમાં આ વિષય પર ઝાઝું કામ નથી થયું. ‘તો’ના ઘણા ઉલ્લેખો અને ઘણી ચર્ચા પણ મળી આવે પણ વાક્યતંત્ર અને discourseનાં સ્તર જુદાં પાડ્યા વગર.
ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં ચાર પ્રકારના નિપાતોની વાત કરી છે: (ક) ભારવાચક, (ખ) સીમાવાચક, (ગ) વિનયવાચક અને (ઘ) વાક્યનાં લટકણિયાં. સીમાવાચક નિપાતોમાં એ ‘ફક્ત’, ‘માત્ર’, તદ્દન’ ‘છેક’, ‘બિલકુલ’ વગેરેને મૂકે છે. આ શબ્દો આપણે ઉપર આપેલાં નિપાતોનાં ત્રણ માપદંડોમાંથી હેમખેમ પસાર થાય છે કે નહીં એ નક્કી કરવાનું કામ હું વાચકો પર છોડું છું. હું પણ આ બાબતે જરા ગૂંચવાયેલો છું. જ્યારે આ લેખોનું પુસ્તક કરીશ ત્યારે કદાચ હું આ બાબતે વધારે સ્પષ્ટ હોઈશ.
ગુજરાતીમાં ‘ય’ અને ‘જ’ એમ બે ભારવાચક નિપાતો છે. ઊર્મિબેને ‘પણ’ અને ‘સુધ્ધાં’ને પણ ભારવાચક નિપાતોમાં સમાવ્યા છે. મારી દૃષ્ટિએ આ બન્ને શબ્દો નિપાતની પરીક્ષામાંથી પસાર થાય એમ નથી. ‘ય’ અને ‘જ’માંનો ‘ય’ સમાવેશી ભારવાચક છે જ્યારે ‘જ’ અસમાવેશી છે.
સમાવેશી ભારવાચક ય-ને સમજવા માટે નીચેનાં વાક્યો વિશે વિચારો:
(૮) ‘રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં’.
(૯) ‘રમેશે ય દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં’.
(૧૦) ‘રમેશે દુકાનમાંથી ય ચાર પુસ્તકો ખરીદ્યાં’.
(૧૧) ‘રમેશે દુકાનમાંથી ચારે ય પુસ્તકો ખરીદ્યાં’.
(૧૨) ‘રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો ય ખરીદ્યાં’.
(૧૩) ‘રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં ય.’
અહીં આપણે (૮)માં ક્યાંય પણ ભારવાચક ‘ય’ વાપર્યો નથી. પણ, (૯)નો અર્થ થાય: બીજા લોકોની જેમ રમેશે પણ પુસ્તકો ખરીદ્યાં. એ જ રીતે, (૧૦)નો અર્થ થાય: રમેશે બીજેથી પુસ્તકો ખરીદ્યાં હતાં પણ પાછાં દુકાનમાંથી પણ ખરીદેલાં. (૧૧)નો અર્થ થાય રમેશે ચારે ચાર પુસ્તકો દુકાનમાંથી ખરીદેલાં. (૧૨)નો અર્થ થાય: રમેશે દુકાનમાંથી કેટલીક વસ્તુઓ ઉપરાંત પુસ્તકો પણ ખરીદેલાં. અને (૧૩)નો અર્થ થાય બીજા બધા કામ ઉપરાંત રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદવાનું પણ કરેલું.
હવે અસમાવેશી ‘જ’નાં આ ઉદાહરણો વિશે વિચારો:
(૧૩) ‘રમેશે જ દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં’.
(૧૪) ‘રમેશે દુકાનમાંથી જ ચાર પુસ્તકો ખરીદ્યાં’.
(૧૫) ‘રમેશે દુકાનમાંથી ચાર જ પુસ્તકો ખરીદ્યાં’.
(૧૬) ‘રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો જ ખરીદ્યાં’.
(૧૭) ‘રમેશે દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં જ’.
ઉપરનાં (૧૩)થી (૧૬) વાક્યોમાં ‘જ’નું કાર્ય અસમાવેશ પર ભાર મૂકવાનું છે. (૧૩)માં કેવળ રમેશે જ પુસ્તકો ખરીદ્યાં છે. બીજા કોઈએ નહીં. (૧૪)માં રમેશે કેવળ દુકાનમાંથી જ પુસ્તકો ખરીદ્યાં છે. બીજેથી નહીં. (૧૫)માં રમેશે ચાર જ પુસ્તકો ખરીદ્યાં છે. વધારે નહીં. (૧૬)માં રમેશે કેવળ પુસ્તકો જ ખરીદેલાં. બીજું કંઈ નહીં. જ્યારે (૧૭) સૂચવે છે કે રમેશે ના પાડી તો ય દુકાનમાંથી ચાર પુસ્તકો ખરીદ્યાં જ. જો કે, અહીં બીજા પણ અર્થ શક્ય છે. પણ, આપણે એ બધામાં નહીં જઈએ.
આપણા માટે હવે જે પ્રશ્ન થાય છે તે એ કે આ ‘ય’ અને ‘જ’ વાક્યમાં ક્યાં આવી શકે? દેખીતી રીતે જ ‘ય’ અને ‘જ’ કદી પણ વાક્યના આરંભે ન આવી શકે. કેમ કે એમણે કોઈક ચોક્કસ એવી વ્યાકરણમૂલક કોટી પર ભાર મૂકવાનું કામ કરવાનું છે અને ગુજરાતીમાં એ કોટી એમની પહેલાં આવવી જોઈએ. બીજી ભાષાઓમાં કદાચ પરિસ્થિતિ જુદા પ્રકારની હોઈ શકે. પણ, યાદ રાખો કે આ ‘ય’ અને ‘જ’ સપાટી પરથી સરખાં લાગતાં વાક્યોમાં પણ ક્યારેક એકસરખું વર્તન ન કરે. દાખલા તરીકે, (૧૮) ‘આ શર્ટ મારું જ છે’માં ‘મારું’ પછી ‘જ’ આવી શકે. પણ, (૧૯) ‘આ શર્ટ મારું ય છે’માં ‘મારું’ પછી કદાચ ‘ય’ નહીં આવે. જો કે, (૨૦) ‘આ ગામ મારું જ છે’માં ‘જ’ અને ‘ય’ બન્ને આવી શકે. એટલે કે આપણે (૨૧) ‘આ ગામ મારું ય છે’ એમ કહી શકીએ. એ જ રીતે, (૨૨) ‘આ સ્ત્રી મારી જ પત્ની છે’માં ‘જ’ની જગ્યાએ ‘ય’ મૂકવાનું કામ જરા અઘરું બની જાય. એનો અર્થ એ થયો કે આ જ-ભાઈ અને ય-ભાઈ ભાષાનાં બીજાં ઘટકો સાથે પણ કોઈક ચોક્કસ એવો વ્યવહાર કરે છે. એ વ્યવહાર સમજવા માટે આપણે તર્કશાસ્ત્ર અને વ્યવહારમૂલક ભાષાશાસ્ત્રની મદદ લેવી પડે.
એ જ રીતે, ‘જ’ અને ‘ય’ વાક્યમાં ક્યાંય પણ ન આવી શકે. દાખલા તરીકે આ વાક્ય લો: (૨૩) ‘દિલ્હી સરકારે કોરોનાને મહામારી જાહેર કરી.’ આ વાક્યમાં ‘દિલ્હી’ પછી ‘જ’ કે ‘ય’ નહીં મૂકી શકાય. આપણે (૨૪) ‘દિલ્હી જ સરકારે કોરોનાને મહામારી જાહેર કરી’ એમ નહીં કહી શકીએ. તમે નહીં માનો પણ ગુજરાતી વાક્યરચનાઓ પર કામ કરરતા વિદ્વાનો માટે આ ‘જ’ અને ‘ય’ સાચે જ આશીર્વાદ સમા છે. જ્યારે પણ વાક્યને પદમાં (phrases) વિભાજિત કરવાનું હોય ત્યારે આ જ-ભાઈ અને ય-ભાઈ કામ લાગે. અહીં ‘દિલ્હી’ અને ‘સરકાર’ની વચ્ચે ‘ય’ કે ‘જ’ ન આવી શકે એનો અર્થ એ થયો કે ‘દિલ્હી સરકાર’ એક પદ છે અને ‘જ’ અને ‘ય’ પદ પછી જ આવી શકે. હવે (૨૫) ‘રમેશનો છોકરો’ જેવાં પદ લો. આપણે (૨૬) ‘રમેશનો જ છોકરો’ કહી શકીએ. એનો અર્થ એ થયો કે ‘રમેશનો’ એક પદ છે. પણ, આપણી પરંપરાગત માન્યતા જરા જુદી છે. જો કે, જનરેટીવ વ્યાકરણશાસ્ત્રીઓ તો વરસોથી ‘રમેશનો’ જેવાને એક સ્વતંત્ર પદ ગણે છે. એ જ રીતે, આ વાક્ય લો: (૨૭) ‘૧૫ ફેબ્રુઆરી બાદ ચીન, ઈરાન, ઈટલી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવશે’. અહીં ‘ચીન’, ‘ઈરાન’, ‘ઈટલી’, ‘દક્ષિણ કોરિયા’, ‘ફ્રાન્સ’, ‘સ્પેન’ અને ‘અને’ પછી ‘જ’ કે ‘ય’ ન મૂકી શકાય. આપણે (૨૮) ‘૧૫ ફેબ્રુઆરી બાદ ચીન જ, ઈરાન, ઈટલી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવશે’ એમ ન કહી શકીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘ય’ અને ‘જ’ વાક્યપદ પછી જ વાપરી શકાય. એને કારણે આ ‘ય’ અને ‘જ’ વાક્યપદ નક્કી કરવામાં કામ લાગે.
છેલ્લે, ‘જ’ અને ‘ય’ કદી પણ સાથે ન વાપરી શકાય. આપણે (૨૯) ‘રમેશ જ ય આવશે’ એમ ન કહી શકીએ. આપણે (૩૦) ‘લાલ અને લીલું શર્ટ એમ કહી શકીએ’. એટલે કે બે વિશેષણોને ‘અને’થી જોડી શકીએ પણ આ બે નિપાતને ન જોડી શકીએ. બેઉંને બાપે માર્યાં વેર. પણ ભાષાના લાભાર્થે.
હવે કેમ છે તમારી તબિયત સાહેબ ?
LikeLike
મા .બાબુ સુથારનો ‘ગુજરાતી નિપાતો’ અંગે સ રસ અભ્યાસુ લેખ
.
‘૧૫ ફેબ્રુઆરી બાદ ચીન જ, ઈરાન, ઈટલી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવશે’ એમ ન કહી શકીએ. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘ય’ અને ‘જ’ વાક્યપદ પછી જ વાપરી શકાય. એને કારણે આ ‘ય’ અને ‘જ’ વાક્યપદ નક્કી કરવામાં કામ લાગે.
‘જ’ અને ‘ય’ કદી પણ સાથે ન વાપરી શકાય. એટલે કે બે વિશેષણોને ‘અને’થી જોડી શકીએ પણ આ બે નિપાતને ન જોડી શકીએ. બેઉંને બાપે માર્યાં વેર. પણ ભાષાના લાભાર્થે.
.
સ રસ દ્રુષ્ટાંત
LikeLike