મીરાંબાઈના બે પદોનું રસદર્શનઃ
ભારતના સંત સાહિત્યમાં મીરાંબાઈનું સ્થાન અજોડ છે. મધ્યકાલીન ભક્તિયુગનાં આ ઉત્તમ કવયિત્રી ખરેખર તો સર્વકાલીન શ્રેષ્ઠ કવયિત્રીના આસને બિરાજે છે. સમયના ધસમસતા પ્રવાહે તેમની રચનાઓને ક્યાંય ફેંકી દીધી નથી. એટલું જ નહિ વધુ ને વધુ અમર બનાવી છે.
પ્રેમલક્ષણા ભક્તિથી ભરપૂર તેમની પદાવલીઓના ૬ ભાગ પૈકી આજે એક-બે પદોનું રસદર્શન કરીશું.
પાંચમી પદાવલીના ૧૭માં પદમાં મીરાંબાઈ કહે છેઃ
हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय।
सूली ऊपर सेज हमारी सोवण किस विध होय।
गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय।
घायलकी गत घायल जाणै जो कोई घायल होय।
जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय।
दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय।
मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।
પ્રાંરંભની પંક્તિ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। માં જ ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનની કહાની પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાની મિશ્રિત ભાષામાં લખાયેલ આ પદમાં નરી આર્જવતા છે,મૃદુતા છે છતાં યે ભારોભાર પ્રેમની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. એ દિવાની છે,તેનું દર્દ કોઈ ક્યાંથી જાણે? જેની પથારી શૂળી પર થઈ હોય તેને નીંદ ક્યાંથી આવે? सूली ऊपर सेज हमारी सोवण किस विध होय। આકાશના માંડવે પિયુ સૂતો છે મળવાનું કેવી રીતે બને? गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय। પ્રશ્નોત્તરીની આ હારમાળાના મૂળ તેમની બાલ્યાવસ્થાના સંસ્મરણોને કેવી સહજતાથી ઉઘાડી આપે છે? બાળક મીરાં ના રાજમહેલ પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને તેણે મા ને પૂછ્યું કે, ” આ કોણ છે અને ક્યાં જાય છે?” માએ કહ્યું ,” આ તો વર રાજા છે અને પરણવા જાય છે.” અને મીરાં એ સામે પ્રશ્ન કર્યો કે,”,મારો વર કોણ છે?” એટલે મા મીરાના ભોળપણ પર હસી પડી અને ત્વરિત કહ્યું કે, “ આ જ તો છે તારો વર,તારા હાથમાં જ છે કૃષ્ણની મૂર્તિ એ જ તારો વર.” અને બસ! આ શબ્દો મીરાના જીવનના એક અદ્ભુત વળાંક સાબિત થયાં. કૃષ્ણ તરફની દિવાનગી ત્યારથી જ શરુ થઈ. આગળના પદોમાં તે કહે છે કે, घायलकी गत घायल जाणै जो कोई घायल होय।
અગાઉની પંક્તિઓમાં દર્દ શબ્દ પ્રયોજીને હવે ઘાયલ શબ્દપ્રયોગ પણ ક્રમિક રીતે કેટલો યથાર્થ યોજ્યો છે!! વળી એ અર્થને વધુ સ્પષ્ટ કરવા બિલકુલ બરાબર એક રૂપક પણ ધરી દીધું કે, जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय। ભાઈ, ઝવેરી હોય તેને ઝવેરાતની સૂઝ પડે ને?! અહીં જુઓ તો! કેવી મઝાની નાજુક ખુમારીની અદાકારી અનુભવાય છે! તેમના અંતરનું હીર ભાવકને અનુભવાય છે.
હવે પ્રેમમાં ઘાયલ ક્યારે થયા? કેવી રીતે થયા? એ ઘટના પણ તેમના જીવનના અણગમતા પ્રસંગોની યાદ અપાવે છે. રાજરમતના ભાગરૂપે તેમના બાળલગ્ન થયાં કે જ્યારે તેઓ કૃષ્ણની મૂર્તિને લઈને ફર્યા કરતા હતાં. નાનપણમાં વિધવા પણ થયા. સાસરામાં અને સમાજમાં કૃષ્ણ ભક્તિની ઘેલછાને કારણે ઝેરના પ્યાલા પીવા પડ્યા વગેરે જાણીતી ઘટનાઓએ તેમને “ઘાયલની દશા”ની વેદના આપી. અહીં તેમના એકે એક અક્ષર હ્રદયના ઉંડાણમાંથી સર્યાની પ્રતીતિ થયા વગર રહેતી નથી.તેમનું હૈયું બરાબર વલોવાયું છે. दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय।
मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।
દર્દ છે, ઉપચાર શોધે છે, વનેવન ભટકે છે,પણ વૈદ્ય મળતા નથી. કૃષ્ણને આધીન થતા ખુબસૂરત ભાવો વ્યક્ત થાય છે કે મીરાંની પીડા તો ત્યારે જ મટશે જ્યારે “ સાંવલિયો” (શ્યામ)વૈદ્ય થશે. અહીં સાંવલિયો શબ્દ, અંતરના પ્રેમને પખાળતા સાંવરિયા શબ્દ સાથે કેટલો બંધબેસતો પ્રયોજાયો છે ! મીરાબાઈની ભાષામાં હિન્દી અને રાજસ્થાનીનું મિશ્રણ સહજ વરતાય છે.
આમ, આખા યે આ પદમાં વાંચતા વાંચતા જ ગણગણવાનું મન થાય તેવો એક સુમધુર લય સંભળાય છે, મુખ્ય ભાવ ક્રમિક રીતે, લયબધ્ધપણે વહેતો રહ્યો છે. પ્રેમની પીડા છતાં એક અસ્ખલિત, ઉચ્ચ કોટિના અનુરાગના છાંટણા ભીંજવી જાય છે.
આવું જ એક બીજું માધુર્યથી સભર, કોમળ પદઃ
मेरो मनमोहना, आयो नहीं सखी री॥
कैं कहुं काज किया संतन का, कै कहुं गैल भुलावना॥
कहा करूं कित जाऊं मेरी सजनी, लाग्यो है बिरह सतावना॥
मीरा दासी दरसण प्यासी, हरिचरणां चित लावना॥
મીરાંબાઈના પદાવલી ભાગ ૧નું આ ૧૪મું પદ છે.
ખૂબ જ ઋજુતાથી જાણે પોતાની સખીને કહે છે, કે જો ને, કેટલું વીનવું છું પણ મારો મનમોહન આવ્યો નહિ. કેટલા બધા સંતોના કામો કર્યા અને કેટલી ગલીઓમાં ઘૂમી,ભૂલી પડી, સખી, શું કહુ? ક્યાં જાઉં? આ વિરહ સતાવી રહ્યો છે. मीरा दासी दरसण प्यासी આ દાસી, મીરાં તો એના દર્શનની તરસી છે, हरिचरणां चित लावना॥ તેના ચરણોમાં જ મારા ચિત્તને શાંતિ મળશે.
ટૂંકા રચેલા આ પદમાં ગલી ગલીમાં ફરતી, આકુળ વ્યાકુળ થતી વિરહવ્યથાનું કેટલું આબેહૂબ ચિત્ર ઉપસે છે! પોતે ભક્ત હોઈ દર્શન અને શાંતિની મનોવ્યથા ખૂબ જ ઓછા શબ્દોમાં આરપાર ઉતરી જતી વર્ણવી છે.
મીરાં એટલે પ્રેમની તન્મયતા અને સર્વસ્વ ન્યોચ્છાવર કરતી કૃષ્ણભક્તિ. તેમના પવિત્ર અને અલૌકિક પ્રેમની ઉંચાઈ અદ્વિતીય છે. તેમાંથી સર્જાયેલાં કાવ્યો,પદો અને ભજનોએ તેમને ભક્તિ ઉપરાંત સાહિત્યવિશ્વમાં સર્વકાલીન ઉત્તમ સ્થાન આપ્યું છે.
મીરાંબાઈના જુદાં જુદાં પદોને ભેગાં કરીને ફિલ્મી ગીતકારોએ પણ પોતાના તરફથી વધારાનું ઉમેરીને નવા ગીતો બનાવ્યાં છે.
સાચું જ કહેવાયું છે કે, મીરાંના પદોને સમજીએ તો જ અને ત્યારે જ એક ચિર- શાંતિનો દરવાજો ખુલે છે અને આપણે તેના આધ્યાત્મિક મહેલના આંગણે ઉભા રહી શકીએ અને તો જ મીરાંબાઈ જેવા એક સાચા સંતના મનોરાજ્યનું “મોતી” પામી શકીએ.
અસ્તુ.
દેવિકા ધ્રુવ
મીરાંબાઈના બે પદોનું સુ શ્રી દેવિકા ધ્રુવ દ્વારા મધુરું રસદર્શન
LikeLike
મીરાં બાઈ લોક ટીકાથી કેટલી બધી ટીપાઈ હશે ત્યારે! આજના આ સમયે આવી મીરા હોય તો એ લોક ટીકાથી ટીપાઈ ટીપાઈને… તમેજ કલ્પી લોને!
અહિ મૂકાયેલા કેટલાક શબ્દોને મેં હાઈકુમાં ગોઠવ્યા છે અહિ!
દર્દને લીધે
રખડી હું તો બધે;
ના મળ્યો વૈધ્ય!
‘ચમન’
LikeLike