જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા.. નરસિંહ મહેતા.
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણાં દહીંથરાં ઘી તણાં ઘેબરાં,
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે,
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
રસદર્શનઃ
આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” એ પ્રભાતિયાથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણાં જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન.
નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હ્રદયમાં પ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલું નહોતું રહેતું. એ તો બસ શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતાં. તેમની વાણી અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.
આ ભજનમાં ખુદ ઇશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દિકરાને પ્રેમથી ઊઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે એ કલ્પના જ કેટલી કાવ્યમય છે ! પણ ખરેખર યશોદા મા કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે ? ના; ઇશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે, માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યાં છે. “ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા” એટલે કે ૩૬૦ દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્ત્વવજ્ઞાન એ છુપાયેલું છે કે, ૩૬૦ ગોવાળિયા દ્વારા શરીરના ૩૬૦ સાંધા કે નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે વેઠ્યો છે અને કાળી નાગને જેણે નાથ્યો છે; એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં અને કઢિયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે. આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે.
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમને હાજરાહજૂર હતાં. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારું જગતમાં અનેક વખત તેમની હૂંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે. “જમૂનાને તીર ગૌધણ ચરાવતાં…પંક્તિમાં તે કહે છે કે, જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે; તો જ આટીઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહિ તો ‘બૂડતા બાંયડી કોણ સાધશે ?” દુઃખને સમયે કોણ ઉગારશે ? કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે ? ઇશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખુબ આશા આપી દીધી છે. “ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે”…સંપૂર્ણ સ્વૈછિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज નો જ જાણે પડઘો.
જેના રોમેરોમમાં ભક્તિ છે એવા આ નરસિંહ મહેતા આર્ષ કવિ હતાં તેમણે દૂરનું જોયું છે, અતિ ઝીણવટથી જોયું છે અને અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે ૬ એક દાયકા પછી પણ તેમના પ્રભાતિયાઓ અને ભજનો ગુજરાતીઓના હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેરઘેર નહિ, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રીંગટોનમાં આ પદ માનીતુ થઈ પડ્યું છે કે “જાગને જાદવા,કૃષ્ણ ગોવાળિયા”….શબ્દેશબ્દમાં લાલિત્ય છે,અર્થનું ગાંભીર્ય છે અને તાત્ત્વિક ઊંડાણ છે.
નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતાં.પણ પ્રકૃતિની પરમ શકિત વિષેની શ્રધ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત-કવિ બનાવ્યાં,તેમના પદોને અમર બનાવ્યાં.
સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો ‘’જાગને જાદવા” બરાબર સમજે તો…
અસ્તુ.
Devika Dhruva.
જાગોને સૌ ગુજરાતી લેખકો, તમારા સિવાય કોણ આ રસપાન વાંચી બે શબ્દો લખશે? પ્રતિસાદમાં ‘લાઈક’ ન કરતાં કોણ બે શબ્દો ટપકવવા સમય લેશે? રસપાન કરાવનાર્ ને આંગણાને ક્યારે બિરદાવશે? જાગોને જનસમુહ કોણ પહેલ કરશે? એ…….!!!!
LikeLike
સુ શ્રી દેવિકા ધ્રુવનો સ રસ આસ્વાદ
.
ધન્યવાદ
LikeLike