બેરિયાટ્રિકસર્જરી પછીની કેર- ભાગ ૩
Big in Nutrition
Small in Calories
બે.પે કરાવેલ વ્યક્તિ એ નોર્મલ….નોર્મલ વ્યક્તિ સમાન નથી હોતો તેથી તે એક વિશેષ વ્યક્તિ બની રહે છે અને આ વિશેષ વ્યક્તિને ધ્યાનમાં રાખવાની વાતો પણ વિશેષ હોય છે. તેથી આગળનાં ચેપ્ટરમાં બેરીયાટ્રિક પેશન્ટને સર્જરી પછી શું શું ધ્યાનમાં રાખવાનું હોય, તેમને માટે પ્રોટીન મુખ્ય ખોરાક હોઇ, કઈ કઈ વસ્તુઓમાંથી તેમને પ્રોટીન મળી શકે છે, ડી-કેફ કોફી અને ટી શા માટે લેવાં જોઈએ અને સર્જરી પછી સીડ્સ સ્પાઇસ અને લીવ્ઝ સ્પાઇસનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ વગેરે વિષે જોયું. બેરિયાટ્રિકની ભાષામાં આ ન લેવાની વસ્તુઓ અને ધ્યાનમાં રાખવાની વાતને “ટ્રિગર પોઈન્ટ” તરીકે ઓળખવાંમાં આવે છે. તેથી આગળ વધતાં હવે આ ત્રીજા ભાગમાં આપણે જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓ સિવાય બે.પે એ વધુ એવાં કેટલાં ટ્રીગર પોઇન્ટ્સ છે જેનાં વિષે બે.પે એ ધ્યાન રાખવાંનું હોય છે. સર્જરી પછી બે.પેનું ફક્ત પેટ નાનું થતું નથી, બલ્કે આખી મેટાબોલિક ( પાચન ) સિસ્ટમ બદલી જાય છે, તેથી બે.પે પોતાનાં ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ કે પેટને અપસેટ કરનારાં કે પેટને ભારે પડનારાં ખોરાકને વોઈડ જ કરવો. પરંતુ આ દરમ્યાન જરૂરી નથી કે જેનું પેટ અપસેટ હોય તેને કેવળ ડાયેરિયાનો સામનો કરવો પડે, પણ આ અપસેટ પેટ દરમ્યાન ચક્કર આવવાં, ઊલટી, ઊબકા આવવાં, ઝાડો ન આવવો વગેરે જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. આથી જરૂરી એ છે કે બે.પે એ પોતાને ઉપયોગમાં આવી શકે તેવી ખાદ્ય વસ્તુઓનું એક લિસ્ટ બનાવી લેવું, અને તેમાં જે ભારે લાગે તેવાં પદાર્થો હોય તો તેવી વસ્તુઓને પોતાનાં લિસ્ટમાંથી કાઢી નાખવી. આવી વસ્તુઓમાં ઘઉં અને ઘઉંમાંથી બનતી વસ્તુઓ, ચોખા અને ચોખામાંથી બનતી આથેલી વસ્તુઓ તો વોઈડ જ કરવાની હોય છે. કારણ કે આ વસ્તુઓ મહત્તમ કેલેરીનું પ્રમાણ ધરાવે છે. સામાન્ય વ્યક્તિ સામાન્ય રીતે ૨૨૦૦ થી ૨૫૦૦ કેલેરી લઈ શકે છે તેની સામે બે.પે ૧૩૦૦ થી ૧૫૦૦ કેલેરી લઈ શકે છે. તેથી હાઇ કેલેરીયુક્ત પદાર્થોને બદલે લો કેલેરી જેમાં રહેલી છે તેવાં અનાજનો ઉપયોગ વધુ સારું રહેશે. જો’કે આ વસ્તુઓનાં ઉપયોગમાં યે ચોકસાઇ તો રાખવી જ કે અતિરેક ન થઈ જાય.
અનાજ સિવાય સામાન્ય રીતે આપણે ત્યાં ફ્રેશ ફ્રૂટ અને શાકભાજીનાં રસો લેવામાં આવે છે પણ આ આ જ્યુસમાં રહેલી કેલેરી નોર્મલ વ્યક્તિ માટે બરાબર હોઇ શકે છે, પણ બે.પે માટે ફ્રેશ ફાઈબરયુક્ત ફળો ખાવાં વધારે યોગ્ય છે. ફળોનાં રસની બાબતમાં એ પણ છે કે સર્જરી પછી અમુક અઠવાડીયા કેવળ પાતળું એવું લિક્વિડ લેવાંનું હોય છે, આ સમયમાં લિક્વિડની અંદર કેલ્શિયમ અને સ્વાદ વગરનું પ્રોટીન પાવડર નાખીને લેવાંનું હોય ત્યારે આ જ્યુસને કારણે બે.પેને બહુ વાંધો નથી આવતો, તેમ છતાં યે આ બાબત પ્રત્યેક બે.પે પર આધાર રાખે છે. પરંતુ ડો. ઇંગ સજેસ્ટ કરે છે કે જે ફ્રૂટ જ્યુસ વધારે ગળ્યા ન હોય તેવા ફ્રૂટ્સ જ્યુસ ઉપર વધારે ભાર મૂકવો જરૂરી છે. કેરી, દ્રાક્ષ, લીલા અંજીર, દાડમ વગેરે ગળપણ ધરાવતાં ફ્રૂટ્સનો રસ લેવાનું ટાળવું જોઈએ કારણકે તેમાં રહેલ નેચરલ સુગરથી પણ પેશન્ટને ડોમ્પિંગ સિન્ડ્રોમ થવાનો ભય રહેલો છે. સુગરનું પ્રમાણ વધી જવાથી ડોમ્પિંગ સિન્ડ્રોમ થાય છે જેમાં ચક્કર આવે છે, આંખો પાસે અંધારું થઈ જાય છે, ઊબકા આવે છે, ઉલ્ટી થાય છે, હાથપગમાંથી અચાનક એનર્જી જતી રહે છે. આથી શુગરી ફ્રૂટ્સનો અને વસ્તુઓનો ઉપયોગ ન કરવો, પરંતુ લાઇટ સુગર ધરાવતાં ફ્રૂટસનો રસ વધુ સારો પડે છે અને તેમાં પણ થોડું પાણી નાખી તેની મીઠાશ ઓછી કરી દેવાથી વધુ ઉત્તમ થઈ જાય છે. આવા લાઇટ ફળોમાં ગ્રેપફ્રૂટ, એપલ, મોસંબી, સંતરા, વોટરમેલન, ક્રેનબેરી, હનીડ્યુમેલન વગેરેનો રસ ઉપયોગમાં લઈ શકાય છે. જ્યારે શાકમાં લીફી (પાંદડાવાળી) ભાજીઓ અને પાણીવાળા શાકભાજી દૂધી, ઝૂકીની ગલકા, કોળું વગેરેનો ઉપયોગ કરી શકાય છે, પણ કાચા શાકભાજીનો ફ્રેશ જ્યુસ પણ બે.પેનાં પેટ માટે ભારી માનવામાં આવ્યો છે, તેથી તે વોઈડ કરવામાં આવે તો વધુ સારું. એમાં યે જ્યારે આ બધાં જ જ્યુસોમાં ઉપરથી મીઠાશ ( ખાંડ ) નાખવાંમાં આવે ત્યારે તે જ્યુસ નુકશાનકારક બની જાય છે. ફ્રૂટ જ્યુસની બાબતમાં બીજી મુખ્ય વાત એ ધ્યાનમાં રાખવી કે બહારથી તૈયાર મળતાં ટેટ્રાપેક જ્યુસ ક્યારેય ન લેવાં. આ જ્યુસ ન લેવાંનાં બે કારણો છે. પહેલું કારણ એ કે આ જ્યુસ લાંબા સમય સુધી સારો રહે તે માટે તેમાં પ્રિઝવેટિવ્ઝ નાખેલાં હોય છે અને બીજું કારણ એ કે આ જ્યુસોમાં સુગર અને કેલેરીની માત્રા હાઇ હોય છે. વળી આ જ્યુસ ક્યાં બન્યાં છે, કેવાં પ્રકારનું પાણી ઉપયોગમાં લેવાયું છે તેનો ખ્યાલ હોતો નથી, અને ઈન્ડિયામાં તો ખાસ. અમેરિકામાં પાણીની બાબતમાં ઘણી જ ચોકસાઇ રાખવાંમાં આવે છે પણ તેમ છતાં યે બે.પે નાં સર્જીકલ ડોકટરો ટેટ્રાપેક કે કેનવાળા પ્રિઝવેટિવ્ઝ નાખેલાં ફૂડનો ઉપયોગ કરવાની સદંતર ના જ કહે છે.
બે.પે માટેનાં આટલાં ટ્રિગર પોઈન્ટ જાણ્યાં બાદ હવે આગળ વધતાં આપણે જોઈએ કે સર્જરી પછી બે.પે એ શું ખોરાક લેવો અને કેટલો ખોરાક લેવો જોઈએ. સર્જરી પછી લગભગ ૮ થી ૧૦ અઠવાડીયા સુધી લગભગ દર ૧/૨ કલાકે ૨ ઔંસ જેટલું લિક્વિડ પીવામાં આવે છે, આ પીણાંઑ અત્યંત ગરમ કે અત્યંત ઠંડા ન હોવા જોઈએ. તદ્પરાંત અન્ય એ વાત પણ ધ્યાનમાં લેવી કે પીણું પણ પીતી વખતે ચમચીનો ઉપયોગ કરવો અને ધીમે ધીમે પીવું જેથી લિક્વિડ પણ ગળામાં ધીને ધીમે ઉતરે અને પીનારને ગળામાં અટવાઈ ન જાય. સર્જરી પછી પેશન્ટનું પેટ નાનું થઈ ગયું હોય ઘણીવાર એવું લાગે છે કે ગળામાં લિક્વિડ ભરાઈ ગયું છે. તેથી ઉતાવળે પીધેલું પીણું પાછું ફરે છે. આ સમયે અલગ અલગ પેશન્ટને અલગ અલગ અનુભવો થાય છે. જેમાં કોઈકને મૂંઝવણનો સામનો કરવો પડે છે તો કોઈવાર, શ્વાસ રોકાઈ જાય છે, કોઈવાર એ રીતે અનઇઝી લાગે છે કે છાતીમાં બળતરાનો અનુભવ થાય છે, આ ઉપરાંત ઊલટી અને ઊબકા તો ખરા જ. આ બધાં જ લક્ષણોથી મુક્તિ મેળવવાનો એક માત્ર ઉપાય એજ છે કે લિક્વિડ ધીરે ધીરે પીવું જોઈએ અને ધીરે ધીરે પીવાની આદત જ પાડવી જોઈએ, કારણ કે ધીરે ધીરે પીવાનું કે ખાવાનું કેવળ એકવાર માટે નથી, બલ્કે આખી જિંદગી માટે છે. ( આ પીણાં સાથે વિટામિન અને કેલ્શિયમ લેવું. )
દા.ખ તરીકે
સર્જરી પછીનો ક્લીયર લિક્વિડ ડાયેટ લેવાનો સમય
સર્જરી પછી લગભગ દર ૧/૨ કલાકે ૨ ઔંસ જેટલું લિક્વિડ પીવામાં આવે છે. જેમાં સવારનાં સમયે
૮:૦૦ વાગે ૨ ઔંસ. ડિ-કેફ ચા અથવા કોફી
૮:૩૦ ૨ ઔંસ. પાણી, ૧ મલ્ટીવિટામિન ( ચાવીને લેવી અથવા ચૂસીને લેવી. )
૯:૦૦ ૨ ઔંસ. નાળિયેરનું પાણી, વિથ ૧ મલ્ટી વિટામિન ( આખા દિવસમાં બે મલ્ટી વિટામિન ગોળી લેવાંમાં આવે છે. )
૯:૩૦ ૨ ઔંસ. આલ્મંડ મિલ્ક વિધાઉટ સુગર વિથ પ્રોટીન પાઉડર
૧૦:૦૦ ૨ ઔંસ. પ્રોટીનવાળું લિક્વિડ ( છાશમાં કે દૂધમાં પ્રોટીન પાઉડર મિકસ કરી ગાળી લેવું. )
૧૦:૩૦ ૨ ઔંસ. દાળનું પાણી વિથ આયર્ન ટેબ્લેટ
૧૧:૦૦ ૨ ઔંસ ક્રિસ્ટલ લાઇટ અથવા ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રોટીન પાઉડર સાથે
૧૧:૩૦ ૨ ઔંસ સોય અથવા પિસ્તા મિલ્ક વિધાઉટ સુગર વિથ કેલ્શિયમ
૧૨:૦૦ ૨ ઔંસ વેજીટેબલ બ્રોથ (ગાળીને) વિથ વિટામિન B 12
આ લેખ તૈયાર કરી વખતે બીજી એ વાત પણ ખ્યાલ આવે છે કે ઈન્ડિયાનાં પેશન્ટ્સ અને યુ એસ એનાં બેરિયાટ્રિક પેશન્ટ્સ વચ્ચેનો લિક્વિડ ડાયેટ ઘણેખરે અંશે જુદો છે. અહીં હું બંને દેશની થોડી રેસિપીઓ આપી રહી છું.
ઈન્ડિયાની રેસીપી
૧) હોમ મેઈડ સોયામિલ્ક.
૧ કપ ડ્રાય સોયા બિન્સને આખી રાત પલાળીને રાખવા. બીજે દિવસે સોયા બિન્સમાંથી પાણીનો ભાગ છૂટો પાડવો પણ તેને ફેંકી ન દેવો કારણ કે છાલનાં અમુક વિટામિન હોય છે જે પાણીમાં આવી ગયા હોય છે. પાણી વગરના સોયા બિન્સને બે હથેળી વચ્ચે નરમ હાથે મસળીને તેની છાલને કાઢી નાખવી. ત્યારબાદ ફરી ( ફ્રેશ )૧ ગ્લાસ પાણી નાખવું જેથી કરીને છાલ ઉપર આવી જશે અને બિન્સ નીચે બેસી જશે. આ છાલ સાથેનું પાણી કાઢી લેવું. ત્યારબાદ મિક્સીમાં બિન્સ નાખવા અને જે પાણીનો ભાગ અલગ રાખ્યો હતો તે પાણીને બિન્સ સાથે મિક્સ કરવા અને ચર્ન કરવું. લિક્વિડ ચર્ન થયાં બાદ સોયાલિક્વિડને કપડાંથી ગાળી લેવું. ગળાયા બાદ તે મિલ્કને ગરમ કરવું. ગરમ કર્યા બાદ પીતી વખતે ફરી એકવાર કપડાથી ગાળવું જેથી કરીને મલાઇનાં ફોર્મમાં આવેલ સોયા બિન્સનો પલ્પ નીકળી જાય. ( આ જ મિલ્કની અંદર ૨ ચમચા પ્રોટીન પાવડર મિક્સ કરી ૧/૨ કલાક સેટ કરવું અને ત્યાર પછી આ મિલ્ક ઉપયોગમાં લેવું ) સોયામિલ્કમાં તો પ્રોટીન રહેલું જ છે પણ રોજનાં ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પહુંચવા માટે ખૂબ ઉપયોગી થાય છે. આ મિલ્કની અંદર સ્વાદ રહે તે માટે ( રુચિ અનુસાર ) શુગર ફ્રી, અથવા Splenda મિક્સ કરી ઉપયોગમાં લેવું. સોયાની જેમ જ પિસ્તા અને આલ્મંડનું મિલ્ક બનાવવામાં આવે છે.
૨) સ્કીમડ્ નટમિલ્ક વિથ પ્રોટીન
૧ ચમચી બદામ પલાળેલ
૧ ચમચી સીંગદાણા પલાળેલ
૧ ચમચી પિસ્તા પલાળેલ
૧/૨ કપ પાણી
૧ ચમચો પ્રોટીન પાઉડર
૧ કપ સ્કીમ કાઉ મિલ્ક
( બને ત્યાં સુધી ગાયનું જ દૂધ લેવું. ગાયનું ન હોય તો બકરી, અથવા અન્ય પ્રાણીઓનાં દૂધ લઈ શકાય પણ ભેંસનું દૂધ બને ત્યાં સુધી void કરવું. )
બદામ, સીંગદાણા અને પિસ્તાને મિલ્ક સાથે બોઈલ કરી લેવા. ત્યારબાદ પાણી નાખી મિક્સીમાં ચર્ન કરવું ત્યાર પછી કપડાથી ગાળી લેવું અને તેમાં પ્રોટીન પાઉડર અને સુગર ફ્રી સ્વાદ અનુસાર નાખી ૧/૨ કલાક સેટ કરવા મૂકવું આ પ્રોટીનયુક્ત નટમિલ્ક રૂમ ટેમ્પરેચરમાં પીવાનાં ઉપયોગમાં લેવું.
૩) પ્રોટીન્ડ બટરમિલ્ક
પાતળી છાશ
પ્રોટીન પાઉડર ૪ ચમચા
મીઠું સ્વાદ અનુસાર
મીઠું ઉપરાંત બ્લેક સોલ્ટ, હિંગાષ્ટક પણ લઈ શકાય. પ્રોટીન પાઉડર અને સોલ્ટ સાથેનાં બટર મિલ્કને ૧ કલાક સેટ કરવો ત્યારપછી તેને ઉપયોગમાં લેવું. છાશ બનાવતી વખતે બને ત્યાં સુધી ખાટું દહી ઉપયોગમાં લેવું જેથી પ્રોટીન સાથે વિટામિન સી પણ મળી શકે.
૪) આખા મગનું પાણી અને મગની દાળનું પાણી
આખા મગને કે મગની દાળ બાફી લઇ કેવળ તેનાં પાણીનો ઉપયોગ કરવો. આજ રીતે આખા મસૂર કે આખા ચણાનું પાણી પણ લઈ શકાય છે.
૫) કેવળ ગાયનું દૂધ અને પ્રોટીન પાઉડર …..No sugar……
ઉપરોક્ત બધી જ રેસીપીઓ ઈન્ડિયાનાં ડાયેટીશ્યન જે બે.સર્જરી પછી આપે છે તે છે. હવે પછીનાં ચોથા ભાગમાં સર્જરી પછી અમેરિકન રેસિપીઓ જોઈશું. જે ઈન્ડિયાની રેસિપીઓથી તદ્દન ભિન્ન છે.
નોંધ: બેરિયાટ્રીક સર્જરીનાં પેશન્ટસ માટે પ્રોટીન એ મુખ્ય ખોરાક છે તે વાતને હંમેશા ધ્યાનમાં લેવી. તેથી રોજે ૮૦ થી ૧૦૦ ગ્રામ પ્રોટીનનાં ગોલને પૂરો કરવા કોશિશ કરવી.
નોંધ:- આ લેખ તૈયાર કરવા માટે બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે.
© પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
રીબ્લોગ કરશું
બેરિયાટ્રિક સર્જન ડો. રિચર્ડ ઇંગની મદદથી સુ શ્રી પૂર્વી મોદી મલકાણ તૈયાર કરેલ આ અભ્યાસપૂર્ણ્
લેખ ની પ્રીંટ કાઢી જેમને રસ હોય તેવાને આપી
LikeLiked by 1 person