સફરની સ્મૃતિના સથવારે -૮ (રાજુલ કૌશિક)


મોહમયી નગરી: દુબઈ

યુ એ ઇ…યુનાટેડ અરબ એમિરાતનું પાટનગર ભલે અબુધાબી હોય, ક્રિકેટની દુનિયા ભલે શારજાહામાં વિકસી હોય કે વિસ્તરી હોય પરંતુ એમિરાતનું હાર્દ કહો કે હાર્ટ એવા દુબાઇમાં જ જાણે એમિરાતની અમિરાઇ સમાઇ ગઈ હોય એવી સોનાની નગરી , સપનાની નગરી, ઝગમઝ જાહોજલાલી ધરાવતી નગરી જોવા જાણવા માણવા અને મન ધરાઇ જાય તેમ છતાં ન ખુટે એવો શોપિંગનો ખજાનો લઈને બેઠેલી આ નગરીની એકવાર તો મુલાકાત લેવાનું કદાચ સૌ શોખીનોનું સપનું હશે જ. આ વાત માત્ર કહેવા પુરતી જ નથી દુબઇને “પર્લ ઓફ અરેબિયન ગલ્ફ” તરિકે ઓળખવામાં પણ આવે જ છે.

દુબઈને ભલે પર્લ ઓફ અરેબિયન ગલ્ફ કહેવામાં આવે પરંતુ મુળ તો સુકો રણ પ્રદેશ જ ને એટલે દુબઈ ફરવા માટેની ઉત્તમ સીઝન નવેમ્બર-ડિસેમ્બરથી લઈને વધુમાં વધુ ફેબ્રુઆરી-માર્ચ. પરંતુ વર્ષની શરૂઆતમાં “દુબઈ ફેસ્ટીવલ” યોજાતો હોવાથી દેશ-વિદેશના લોકોનો ધસારો આ સમયે વધુ રહે એ સ્વભાવિક જ હોય ને! આ સમયે ગોલ્ડ ફેસ્ટીવલમાં ૫ કિ.મી લાંબી સોનાની ચેઇન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. સોનાના ભાવમાં ઝાઝો ફરક ન હોવા છતાં અહીંના સોનાની શુધ્ધતાને લીધે જ અહીં ખરીદી કરવાનું મન થાય એ સ્વભાવિક છે.

અમદાવાદથી લગભગ અઢી કલાકની સફર પુરી કરીને એમિરાતની ફ્લાઇટ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારથી જ અદ્યતન દુબઇની ઝાંખી થવા માંડી હતી. અત્યંત વિશાળ અને તેમ છતાં અત્યંત વ્યવસ્થિત એરપોર્ટ પર દુનિયાભરની શ્રેષ્ઠ બ્રાન્ડ નેમ ધરાવતી ડ્યુટી ફ્રી શોપ્સ તરત એવી રીતે નજરે પડે કે કશું લેવું હોય કે ન હોય મન અને પગ એકવાર તો એ ભણી ખેંચાય જ. દુનિયાભરના સર્વોત્તમ ઍપ્લાયન્સીસ અને  ઍક્સેસરિસ , પરફ્યુમ્સ , ચોકલેટ્સ , સ્વોરોસ્કી થી માંડીને સુંદર આભુષણ ધરાવતી નાની અમસ્તી નગરી જ જોઇ લો. એરપોર્ટ પર સ્મોક ઝોન પણ છે અને પ્રેયર રૂમ પણ. અદ્યતન આલિશાન એરપોર્ટ પર પગ મુકતાની સાથે જ બપોરની આઝાને અમને આવકાર્યા.

દુબઈ પ્રવાસ માટે સામાન્ય રીતે સૌના મનમાં એમ જ હોય કે અગાઉથી એના માટે વિઝા લેવો પડે અને

ફરવા માટે પણ અગાઉથી પ્લાનિંગ કરવુ જોઇએ પરંતુ સાવ એમ પણ નથી દુબઈ એરપોર્ટ પર ઉતરીને પણ એડવાન્સ પ્લાનિંગ વગર પણ દુબઈ ફરી શકાય છે કારણકે દુબઈની આબાદીમાં ટુરિસ્ટનો પણ ફાળો મહત્વનો છે એટલે ટુરિસ્ટને સાચવાની અને ફરવાની સવલિયત એરપોર્ટ પરથી જ કરી આપવામાં આવે છે. એરપોર્ટ પર ઉતરીને ઓન એરાઇવલ એક દિવસથી લઈને ચાર દિવસના વિઝા, હોટલ એકોમોડેશન અને દુબઈ ટુરની વ્યવસ્થા એરપોર્ટ પરથી જ થઇ જાય છે. ચાર કલાકથી લઈને આઠ કલાકની હોપ એન્ડ હોપ લેવી હોય કે પ્રાઇવેટ ટેક્સી કરીને ફરવું હોય તો એની પણ વ્યવસ્થા એરપોર્ટ પરથી થઈ જાય છે. ડેઝર્ટ સફારી લેવી છે નો પ્રોબ્લેમ .. તમારી અનુકૂળતા અને ઇચ્છા પ્રમાણે ફરવાની સગવડ અહીંથી જ થઈ જાય છે.

વિઝાથીં માંડીને જે ટુર અમારે લેવી હતી એની લગભગ કલાકની પ્રોસિજર પતાવીને બહાર નિકળ્યા ત્યારે અરેબિયન એડવેન્ચરની કાર અમારી રાહ જોતી તૈયાર જ હતી. મઝાની વાત તો એ છે કે દુબઈમાં જેટલું અરેબિક ભાષાનું પ્રભુત્વ હશે એટલું જ હિન્દીનું વર્ચસ્વ છે.

પર્સિયન ગલ્ફના સાઉથ-ઇસ્ટ કિનારે વસેલા દુબઇની દક્ષિણે અબુ ધાબી અને ઉત્તર-પૂર્વિય દિશાએ શારજાહની બોર્ડર પસાર થાય છે.  ૮૦ થી ૧૦૦ કે ૧૨૦ કિ.મી ની સ્પીડે લેફ્ટ હેન્ડ ડ્રાઇવ કાર ચાલતી હોવા છતાં ક્યાંય એની સ્પીડ વર્તાય નહી એટલી સરળતાથી જાણે પાણીના રેલાની જેમ ટ્રાફિક વહે જતો હતો અને સાથે શૉફરની વાણી અસ્ખલિત વહે જતી હતી. જાણે ડ્રાઇવિંગની સાથે ગાઈડની જવાબદારી પણ એને સોંપાઇ હોય એમ રસ્તા પરથી પસાર થતા દરેક એરિયાની ઓળખ અને સમજ આપતા જતા હતા.

બુર્જ ખલિફા

 

 

 

 

 

 

 

 

 

ડેઇરાને ચાતરીને આગળ જતા એક તરફ શારજહા અને બીજી તરફ દુબઈનો રસ્તો જતો હતો.

શરૂઆત થઇ વિશ્વના સૌથી ઊંચા “બુર્જ ખલિફા”થી. દુબઈના મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રીક્ટ નજીકના શેખ ઝાયેદ રોડ પર આવેલી આ ઇમારતનું બાંધકામ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૪ માં શરૂ થયુ અને ૪ જાન્યુઆરી ૨૦૧૦માં એને સત્તાવાર રીતે ખુલ્લી મુકવામાં આવી.  ૮૨૮ મીટર અને ૨૦૦ માળ ધરાવતા આ ટાવરમાં ૫૭ જેટલા એલિવેટર ( લિફ્ટ) છે. આશરે કલાકની ૪૨.૩ કિ.મી ઝડપે ઉપર જતા એલિવેટરમાં જાણે પલક ઝપકે ને ક્યાંથી ક્યાં પહોંચી ગયાની અનુભૂતિ થાય. બુર્જ ખલિફાની મુલાકાત સાંજના સમયે લેવામાં આવે તો ઢળતી સાંજની આથમતી રોશની વચ્ચે ધીમેધીમે ઝળહળ થઇને રોશન થતા દુબઇનો નઝારો જોવાનો બેવડો મોકો મળે. “At the top”ની આ ઍલિવેટર શરૂ થતાની આજુબાજુ મુકેલા સ્ક્રીન પર આ ઇમારતનો ઇતિહાસ દર્શાવાવામાં આવે છે. આશરે ૪૫ સેકન્ડમાં ૧૨૪મા માળની ઑબ્ઝવેટરી ડેક પર પહોંચી જવાનો રોમાંચ કેવો હોઇ શકે? કલ્પના કરી જુવો………

બુર્જ ખલિફા જોઇને આગળ વધીને મરીના ડ્રાઇવ તરફ આગળ વધ્યા. વચ્ચે વચ્ચે આવતા અવનવી ડિઝાઇનના બિલ્ડીંગ પણ એટલા જ રસપ્રદ લાગ્યા. એક આખા સ્કેવર બિલ્ડીંગને તૈયાર કર્યા પછી જાણે મરોડીને ગોળ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો હોય એવી ડીઝાઇન જોઇને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ટેક્નોલૉજીને સલામ કરવાનું મન થઈ ગયું.

મરીના ડ્રાઇવ વોક જોઇને જાણે લંડનના કેનરી વૉફની યાદ આવી ગઈ. જો કે એને કેનેરી વૉફની અતિ મીની આવૃત્તિ જ કહેવાય. આજુબાજુ રેસ્ટોરન્ટ અને વચ્ચે ફેરી લઈને સમય પસાર કરી શકાય એવા આ મરીના ડ્રાઇવની આસપાસના બિલ્ડીંગ પણ એકબીજાની હરિફાઇમાં ઉતર્યા હોય એવા ગગનચુંબી જ હતા.

આવું જ એક ટોર્ચ જેવો દેખાવ ધરાવતા બહુમાળી બિલ્ડીંગ પર નજર ગઈ. સ્વભાવિક જાણવાની ઉત્સુકતા તો થવાની જ. દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતા આ રેસિડેન્શિયલ ટાવરનું નામ પણ “ધ ટોર્ચ” જ છે. કહે છે કે આધુનિકતાનો પાસ ચઢાવેલા ૮૬ માળ ધરાવતા આ  બિલ્ડીંગના અપાર્ટમેન્ટ્સની ડીઝાઇન એવી રીતે કરવામાં આવી છે જ્યાં મોકળાશ , મસ્તી અને મનમાં કલ્પી હોય એવી તમામ માનસિક શારીરિક સુવિધાનો સમન્વય સર્જાયો છે.

એરપોર્ટથી લગભગ ૩૦ મિનિટના ડ્રાઇવે પસાર થતા આવે મદિના જુમૈરાહ રિઝોર્ટ.

દુબઈનો ૫ સ્ટાર લક્ઝુરિયસ રિસોર્ટ. ટ્રેડિશનલ અરેબિયન ટાઉનને મળતી આવતી બાંધણી ધરાવતો આ રિઝોર્ટ એમિરાતનો સૌથી મોટો રિઝોર્ટ ગણાય છે. અલ કેસર અને મીના એ”સલામ નામના બે બુટીક, ૨૯ સમર હાઉસ અને ૪૦ જેટલી રેસ્ટોરન્ટ અને બાર ધરાવતા આ રિઝોર્ટ થી આગળ વધો એટલે નજરે પડે વાઇલ્ડ વડી વોટર પાર્ક.

દુબઈનો આ આઉટ ડોર વાઇલ્ડ વડી વોટર પાર્ક જુમૈરાહ ઇન્ટરનેશનલ દ્વારા સંચાલિત છે. ગરમ-ઠંડા પાણીના આ પુલમાં મલ્ટિપલ વોટર સ્લાઇડ્સની મઝા માણી શકાય છે.

કાર જેમ જેમ આગળ વધતી જાય એમ એમ અજાયબીઓની વણઝાર પણ વધતી જાય. અચાનક કોઇ સરસ મઝા હરિયાળીની બિછાત પાછળની વિશાળ જગ્યા તરફ આંગળી ચીંધતા ડ્રાઇવર બોલે , “આ કિંગ નો પેલેસ” કદાચ ન બોલે અને નજર પડે તોય અમસ્તી મનની કલ્પનામાં કિંગનો પેલેસ ઝબકી તો જાય ય જ.

ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ , એમિરાત ટાવર ,જેડ બ્લુ મેરિયેટ હોટેલ , બુર્જ અલ અરેબિક ટાવર .. કેટ કેટલા નામ ગણાવવા ? ઉચ્ચતાની કહો કે શ્રેષ્ઠતા સાબિત કરવાની  હોડમાં ઉતર્યા હોય એવા એકમેકથી ચઢિયાતા નામ અને બિલ્ડીંગ જ જાણે દુબઈની શાન બની રહ્યા છે અને દુબઈ એમાં દર બે-ચાર વર્ષે અવનવા આકર્ષણ ઉમેરતું જ જાય છે.

૩૯ માળ ધરાવતા, ૧૪૯ મીટર ઉંચા દુબઈ ટ્રેડ સેન્ટરમાં મોટા ભાગે  કમર્શિયલ ઓફીસો જ છે. ફેડરલ એક્સ્પ્રેસ , જનરલ મોટર્સ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન , માસ્ટર કાર્ડ ઇન્ટરનેશનલ, સોનીની ઓફીસ……કેટલા નામ ગણાવવા?

 

 

 

 

 

પામ જુમૈરાહ..

 ઓમાનના અખાત પર પામવૃક્ષના આકારમાં સર્જેલો આ ટાપુ તો જાણે શ્રેષ્ઠ માનવ સર્જન કહી શકાય. દરિયાને પુરીને વિકસાવેલો આ ટાપુ એટલે કે પામ જુમૈરાહની તસ્વીરો તો સૌએ જોઇ જ હશે. ઝાડનું થડ અને એની બંને બાજુ આઠ શાખાઓને એવી અર્ધ ચંદ્રાકારમાં બિછાવી છે જાણે લીલુછમ પામ ટ્રી જ જોઇ લો. આ માનવ સર્જીત ટાપુ પર હોટેલ્સ , રેસિડન્સ , રિસોર્ટાને વિલા છે .પામ જુમૈરાહ ૧૪૦૦ જેટલા વિલા અને ૨૫૦૦થી વધુ એપાર્ટમેન્ટ ધરાવે છે અને કહેવાય છે કે અહીંના દરેક નિવાસને પોતાનો પ્રાઇવેટ બીચ મળે છે. આ ટાપુના એક અંતિમથી બીજા અંતિમ સુધી પહોંચવા માટે મોનોરેઇલની સુવિધા ઉપલબ્ધ છે જે ટ્રેન વિશ્વ વિખ્યાત “આટલાંટીસ હોટલ” સુધી જાય છે.

આ આટલાંટીસ એટલે પામ જુમૈરાહનું એક આગવું આકર્ષણ

આ એક એવું નામ કે જ્યાં નામ દેતાની સાથે જ એક ભવ્યાતિભવ્ય ઇમારતની કલ્પના તરત જ મનમાં ઝબકી જાય. પામ જુમૈરાહની અણી પર આવેલા આ એટ્લાંટિસની સરખામણી સહેજે બહામાઝના એટ્લાંટિસ સાથે થઈ જ જાય કારણકે લગભગ એવી જ સામ્યતા ધરાવતા આ એટ્લાંટિસને પણ આધુનિકતાનો એવો જ પાસ ચઢાવવામાં આવ્યો છે. ફરક એટલો હતો કે બહામાઝના એટલાંટિસમાં કેસિનો જોયો હતો એ અહીં જોવામાં ન આવ્યો. વિશાળ કદના રૂમ જેવી સાઇઝ ધરાવતું એક્વેરિયમ ,૧૨ જેટલી વોટર સ્લાઇડ ધરાવતો વોટર પાર્ક, ડૉલ્ફિન બે, સ્પા- ફિટનેસ સેન્ટર , મીટિંગ રૂમ , કોન્ફરન્સ હોલ , ૨૦ જેટલી રેસ્ટોરન્ટ્સ વચ્ચે  સરસ મઝાના ડેકોરેટીવ પેસેજ ….

આટલું આકર્ષણ ઓછું હોય એમ  પસાર થતા વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને આવકારવા ૩૧ ડીસેમ્બરની મધરાતે અને પહેલી જાન્યુઆરીના આગમન સમયે પામ જુમૈરાહ , આટલાંટિસ ,બુર્જ ખલિફા ,બુર્જ અલ અરબ ખાતે અદ્ભભૂત આતશબાજી યોજીને વધુ ને વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરવામાં આવે છે.

 

બુર્જ અલ અરબ ટાવર

 

 

 

 

 

 

 

 

 

નામ તો એક ઓળખ માટે જ છે. એવું માનનારા લોકોની માન્યતા બદલાઇ જાય એવી શાનો-શૌકત ધરાવતા બુર્જ અલ અરબ ટાવરના નામથી આજે કોણ અજાણ હશે? દુનિયામાં ઊચાઇની દ્રષ્ટીએ ત્રીજુ સ્થાન ધરાવતી સેવન સ્ટાર લક્ઝરી હોટલ જુમૈરાહના માનવ સર્જીત આઇલેન્ડ પર એની બુલંદીની આલબેલ સમી ઉભી છે. દુરથી જોઇએ તો જહાજના વિશાળ સઢ જેવો એનો આકાર છે. કલ્પનાતિત ચાર્જા લેતી આ હોટલમાં એના ક્લાયંટ્સ માટે જાણે દુનિયાભરના એશો-આરામ ઉભા કરવામાં આવ્યા છે.

એરપોર્ટથી નિકળીને દુબઈના આ તમામ સુપ્રસિધ્ધ સ્થળોની મુલાકાત લેવાની શરૂ થાય ત્યારે સૌથી પહેલા તો આવતો હતો દુબઈ મોલ. પરંતુ દિવસ કરતાં રાત્રે વધુ રસપ્રદ હોવાથી આ દુબઈ મોલની મુલાકાત લીધી પ્રવાસના અંતિમ ચરણે. દુબઈ મૉલના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ અને આગળ વધતા રસ્તા સુધી સળંગ પામ ટ્રીને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે જેનાથી આ મૉલનો બાહ્ય દેખાવ પણ ઝગમગ અને ઝળહળ..

મૉલ હવે કોઇ નવી-નવાઇની વાત તો રહી નથી. અદ્યતન અને બ્રાન્ડેડ નામ ધરાવતા શો રૂમ જ્યાં એક જ સ્થળેથી મળી રહે એવું વિચારીએ એટલે નજર અને કલ્પના સામે ભવ્ય મૉલની આપોઆપ ઇમેજ ઉભી થાય તો પછી આ દુબઈ મૉલમાં નવું શું છે?

આમ જોવા જાવ તો કંઇ જ નહીં અને તેમ છતાં અપાર અને અઢળક આઇટમો ધરાવતો આ મૉલ જગતનો સૌથી મોટો મૉલ છે. ફરતા થાકી જવાય અને તેમ છતાં કશુંક તો બાકી રહી જાય એવા આ મૉલમાં ૧૨૦૦ જેટલી શોપ્સ છે. દુનિયાની સૌથી મોટી કેન્ડી શોપ પણ આ મૉલમાં જોવા મળી.

દુનિયાનું સૌથી મોટું સોની બજાર પણ આ મૉલમાં છે. જર-ઝવેરાતનો ખજાનો હોય એવા આ શો રૂમ્સ જ કદાચ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે બાકી બીજા એવા અનેક બ્રાન્ડેડ નામ છે જે દુનિયાના બીજા મૉલમાં પણ મળી જાય. લગભગ ૨૫૦ રૂમ ધરાવતી લક્ઝરી હોટલ, ૧૨૦ રેસ્ટોરન્ટ અને કોફી શોપ્સ ,૨૨ સિનેમા સ્ક્રીન હોવા એ પણ કદાચ સમજી શકાય એવી વાત છે પરંતુ અહીંના એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરે દુબઈ મૉલને અનોખી ઓળખ આપી છે. કહે છે કે આ એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરની મૉલના ઉદઘાટનના પ્રથમ પાંચ દિવસમાં જ લગભગ ૬૦,૦૦૦ ટિકીટ વેચાવાનો રેકોર્ડ ધરાવે છે.

દુબઇ મૉલનું એક્વેરિયમ અને હજારોની સંખ્યામાં રહેલા જળચર પ્રાણીથી ભરેલું અન્ડર વોટર ઝૂ જ જાણે મુલાકાતીઓને અહીં ખેંચી લાવે છે. ૧૦ મિલિયન લિટર પાણીથી ભરેલા આ એક્વેરિયમ અને ૩૩,૦૦૦ જેટલા દરિયાઇ જીવોની તાકાતને ખમી શકે એવા ૭૫૦ એમ.એમ થિકનેસ ધરાવતી એક્રેલિક દિવાલ હોવા છતાં એની પારદર્શકતા એવી છે કે મુલાકાતીઓને એકદમ ક્લિયર વ્યુ મળે છે. એક્વેરિયમની બાજુમાં જ એને લગતા પેકેજ મુકેલા છે. અન્ડર વૉટર ઝૂ ,બોટિંગ કે સ્નોર્કલિંગ કરવું હોય તો એ પ્રમાણે પેકજ લઈ શકાય છે.

આ ઉપરાંત દુબઈ મૉલની આઇસ રિંક પણ સહુને આકર્ષે છે. રણ વચ્ચે વસેલા દુબઈમાં આઇસ રિંક ? યસ, ૧.૫ ઇંચની ઘટ્ટતા ધરાવતી આ આઇસ રિંક રેફ્રિજરેશન પ્લાન્ટ ટેક્નોલૉજીની દેન છે. ૨,૦૦૦ જેટલી વ્યક્તિઓને સમાવી શકે એવી આ આઇસ રિંક્ને ઑલમ્પિક સાઇઝની આઇસ રિંક જ કહી શકાય ને? અહીં કશું  નાનુ છે જ નહી.દરેક વાતમાં “સૌથી મોટુ” એ જ અહીંની સાચી ઓળખ છે.

અહીં  જાણે સૌથી મોટાથી ઓછું કશું ખપતું જ નથી  “ દુનિયાનો સૌથી મોટું” નામ ધરાવતા મૉલની અંદર ફરી લો ત્યાં બહાર પણ તમારા માટે “દુનિયાનો સૌથી મોટો” દુબઈ ફાઉન્ટન શૉ શરૂ થવાની તૈયારીમાં જ હોય. દર અડધા કલાકે શરૂ થતો આ મ્યૂઝિકલ ફાઉન્ટન શો ઊંચાઇની દ્રષ્ટીએ ૧૫૦ મીટરની ઊંચાઇને આંબે ત્યારે ૬,૦૦૦ જેટલી પાવરફુલ લાઇટ્સ અને ૫૦ જેટલા કલર એને ઉજ્જ્વલિત કરતા હોય એ જોવા તો નાના ભુલકાથી માંડીને વયસ્ક લોકો પણ થંભી જતા હોય છે.

ખજૂર અહીંની મુખ્ય પેદાશ છે એટલે એરપોર્ટની માંડીને મૉલમાં પણ એની અનેક વિવિધતા જોવા મળી. ખજૂર ઉપરાંત બકલાવા નામથી ઓળખાતી સાઉદીની મિઠાઇ પણ માણવા જેવી ખરી. નેચરલ મિઠાશમાં મધનો ઉપયોગ કરીને બનાવેલ બકલાવા તો વાહ વાહ!

દુબઈમાં ફરવા માટે હોપ એન્ડ હોપ , પ્રાઇવેટ ટેક્સી અને મેટ્રો ટ્રેનની સગવડ છે ઇન્ટરનેનલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવની ફાવટ હોય તો સેલ્ફ ડ્રીવન કાર પણ કરી શકાય. લાંબુ રોકાણ હોય તો બસ , ટ્રેન ના અલગ અલગ અને સંયુક્ત વન-ડે , સેવન ડે પાસ પણ કઢાવી શકાય.

દુબઈમાં દિરહામનું ચલણ છે. એક દિરહામ એટલે ભારતિય ૧૬ રૂપિયા.

સાઉદી અરેબિયા રૂઢીચુસ્ત દેશ છે. જદ્દાહ રિયાધ કે બીજા શહેરોમાં સ્રીઓ માટે અબાયો ( બુરખો) ફરજીયાત હશે પરંતુ અહીં દુબઈમાં પુરૂષોને એમના પરંપરાગત આખુ શરીર ઢંકાય એવા સફેદ ઝભ્ભામાં જોયા પરંતુ અહીંના સ્થાયી સ્ત્રીઓને એવા કોઇ અબાયા ( બુરખા)માં જોઇ નહીં . દુનિયાભરના લોકો અહીં પ્રવાસે આવતા હોવાથી અદ્યતન ફેશનના લિબાસમાં રૂપકડી લલનાઓને જોઇ ત્યારે તો સાચે એમ લાગ્યું કે દુબઈને ભૌતિક રીતે જ માત્ર અદ્યતન કહેવા કરતા વિચારો કે પરંપરાથી પણ અદ્યતન કહી શકાય

આ તો હતો માત્ર મોહમયી અને ભવ્ય નગરી દુબઈનો એક દિવસનો અનુભવ અને આ અનુભવ પણ અનેરો જ હતો.

 Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

 

 

3 thoughts on “સફરની સ્મૃતિના સથવારે -૮ (રાજુલ કૌશિક)

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s