વિભક્તિ અને નામયોગીઓ
નામ અને વિશેષણની ચર્ચા કરતી વખતે આપણે વિભક્તિની ચર્ચા કરી છે. એથી અહીં આપણે એનું પુનરાવર્તન નહીં કરીએ. પણ, નામયોગીઓની વાત અવશ્ય કરીશું.
સંરચનાની દૃષ્ટિએ નામયોગી શબ્દોને આપણે અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં વહેંચી શકીએ. જેમ કે, (૧) ‘રમેશે ચોપડી ટેબલ પર મૂકી’માં આવતો ‘પર’ શબ્દ નામયોગી છે અને એ અવિકારી છે. જ્યારે (૨) ‘તમે રમેશ જેવી કવિતા ન લખી શકો’ અને (૩) ‘તમે રમેશ જેવું નાટક ન લખી શકો’માં આવતા ‘જેવી’/‘જેવું’ શબ્દો નામયોગી છે અને એ વિકારી છે. કેમ કે એમનાં લિંગવચન જે તે નામના લિંગવચન પ્રમાણે બદલાતાં હોય છે.
એ જ રીતે, નામયોગી શબ્દોને આપણે કડી પ્રત્યય લેતાં નામયોગીઓ અને કડી પ્રત્યય ન લેતાં નામયોગીઓમાં પણ વહેંચી શકીએ. દાખલા તરીકે, (૪) ‘પેલા વૃક્ષ પર એક પંખી બેઠું છે’ અને (૫) ‘રમેશના ઘરની પાછળ એક લીમડો છે’ વાક્યો લો. આમાંના વાક્ય (૪)માં ‘વૃક્ષ પર’ને બદલે આપણે ‘વૃક્ષની પર’ નથી કહેતા. એ જ રીતે, (૫)માં ‘ઘરની પાછળ’ને બદલે મોટે ભાગે ‘ઘર પાછળ’ નથી બોલતા. જો કે, કેટલાક લોકો બોલતા હોય છે ખરા. ક્યારેક લોકગીતોમાં પણ ‘ઘર પાછળ’ જેવા પ્રયોગો મળી આવે. પણ, એ હકીકત છે કે કેટલાક નામયોગીઓના વપરાશમાં -ની જેવા કડી પ્રત્યયો વપરાતા હોય છે.
ગુજરાતીમાં ક્યારેક નામયોગીઓને વિભક્તિના પ્રત્યય પણ લાગતા હોય છે. એ હકીકતને પણ આપણે એક માપદંડ તરીકે સ્વીકારીને નામયોગીઓને વિભક્તનો પ્રત્યય લેતા નામયોગીઓ અને વિભક્તિનો પ્રત્યય ન લેતા નામયોગીઓ એમ બે પ્રકારમાં વહેંચી શકીએ. જેમ કે, (૬) ‘પેલા વૃક્ષની નીચે એક ગાય બેઠી છે’માં ‘નીચે’ને વિભક્તિનો -એ પ્રત્યય લાગે છે. આ પ્રત્યય location સૂચવે છે. પણ, (૭) ‘પેલા ઘરની ઉપર એક પક્ષી ઊડી રહ્યું છે’માં ‘ઉપર’ને આપણે વિભક્તિનો પ્રત્યય લગાડતા નથી.
જ્યારે પણ કોઈ ભાષાવૈજ્ઞાનિક સામગ્રીનું એક કરતાં વધારે રીતે વર્ગીકરણ કરી શકાતું હોય ત્યારે સમજવું કે એ સામગ્રી ખૂબ સંકુલ હશે. ગુજરાતી નામયોગીઓનું આપણે જોયું એમ એક કરતાં વધારે રીતે વર્ગીકરણ કરી શકાય છે. એનો અર્થ એ થયો કે આ નામયોગીઓ સાચે જ ખૂબ સંકુલ હશે. પણ ગુજરાતી ભાષકો આ નામયોગીઓ વાપરતી વખતે ભૂલ કરતા નથી. હું હજી એવા એક પણ ગુજરાતીને મળ્યો નથી જે મને એમ કહેતો હોય કે ‘જો પર જો, ત્યાં એક પંખી ઊડી છે’. એ હંમેશાં ‘પર’ને બદલે ‘ઉપર’ જ વાપરતો હોય છે. એટલું જ નહીં, બાળકો પણ, ખાસ કરીને કુટુંબ પાસેથી કે સમાજ પાસેથી ભાષા શીખતાં હોય છે ત્યારે, આવી ભૂલો નથી કરતાં. એનો અર્થ એ થયો કે સપાટી પરથી સંકુલ લાગતા આ નામયોગીઓની પણ કોઈક ચોક્કસ એવી વ્યવસ્થા કામ કરતી હશે. પણ આપણા ભાષાશાસ્ત્રીઓએ હજી એ વ્યવસ્થા શોધવા પર ખાસ ધ્યાન આપ્યું નથી.
જો કે, હું માનું છું કે એ વ્યવસ્થા શોધતાં પહેલાં ભાષાશાસ્ત્રીઓએ ગુજરાતી નામયોગીઓ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે. એમાંનો એક પ્રશ્ન તે વિકારી નામયોગીઓનો. આપણે વિશેષણના વિભાગમાં જોયું છે કે ગુજરાતીમાં વિશેષણો વિકારી અને અવિકારી હોય છે. જો કેટલાક નામયોગીઓ પણ વિકારી હોય તો એનો અર્થ એ થયો કે એમને વિશેષણ સાથે કોઈક સંબંધ હોવો જોઈએ. આપણે જ્યારે કોઈને કહીએ કે (૮) ‘તારું ખમીસ રમેશ જેવું છે’ ત્યારે સૌ પહેલો પ્રશ્ન તો એ પૂછવો પડે કે અહીં ‘જેવું’ સાચેસાચ નામયોગી છે? આપણે જોયું કે ગુજરાતીમાં નામયોગીઓ વાપરીએ ત્યારે ઘણી વાર નામને કડી પ્રત્યય લાગતો હોય છે. શું આપણે અહીં (૯) ‘તારું ખમીસ રમેશની જેવું છે’ એમ કહીશું ખરા? હું નહીં કહું. એ જ રીતે, આપણે એ પણ જોયું કે કેટલાક ગુજરાતી નામયોગીઓને વિભક્તિના પ્રત્યયો લાગે છે. શું અહીં આપણે ‘અહીં’ને શૂન્ય પ્રત્યય લાગેલો છે એમ કહી શકીશું ખરા? જો આપણે ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે ગુજરાતીમાં કેવળ તુલનામૂલક વાક્યોમાં જ આ પ્રકારના, અર્થાત્ વિકારી નામયોગીઓ, વપરાય છે. આપણે એવું કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનામૂલક નામયોગીઓનો એક અલગ વર્ગ છે? એટલું જ નહીં, શું આપણે એમ કહી શકીએ ખરા કે ગુજરાતીમાં તુલનાવાચક શબ્દોનો એક અલગ વર્ગ છે? હરિવલ્લભ ભાયાણી એમના ‘થોડોક વ્યાકરણવિચાર’ પુસ્તકમાં કહે છે કે “પરિભાષાની બાબતમાં કેટલેક અંશે આપણે ત્યાં સંસ્કૃત વ્યાકરણનું અનુસરણ થયું, તો કેટલેક અંશે અંગ્રેજી વ્યાકરણ અનુસાર નવી સંજ્ઞાઓ ઘડી કાઢવામાં આવી, અને આમાં ગુજરાતીની પ્રકૃતિગત વિશિષ્ટતાઓનો અનેક બાબતોમાં અનાદર થયો.” મને લાગે છે કે આપણે હવે ‘ગુજરાતીની પ્રકૃતિગત વિશિષ્ટતાઓને’ આદર આપવો જોઈએ. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક ભાષાશાસ્ત્રી આ વિશે વિચારશે.
હવે બીજો મુદ્દો લો. એ છે કડી પ્રત્યયોનો. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં -ની, -ને અને -ના એમ ત્રણ કડીપ્રત્યયોની વાત કરી છે. દા.ત. (૧૦) ‘ઘોડાની સાથે’માં -ની કડી પ્રત્યય છે. એ જ રીતે, (૧૧) ‘દીકરાના થકી’માં ‘-ના’ અને ‘(૧૨) ‘રામને ખાતર’ જેવાં ઉદાહરણો જુઓ. ઊર્મિબેન જેને કડી પ્રત્યય કહે છે એ હકીકતમાં તો વિભક્તિના પ્રત્યયો છે. એમાંનો -ની પ્રત્યય સૌથી વધારે વપરાય છે. એ ‘-નું’નું જ એક સ્વરૂપ છે. આપણે નામ પરના વિભાગમાં જોયું છે કે ગુજરાતીમાં નામને વિભક્તિના પ્રત્યયો લાગતા હોય છે. અહીં પણ એમ જ થાય છે. પણ, ‘-ની’ પ્રત્યય આપણા માટે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. કેમ કે એ, આમ તો genitive case (વિભક્તિ) છે. આ પ્રત્યય હંમેશાં બે નામને જોડે. જેમ કે, (૧૩) ‘રમેશની ચોપડી’. અહીં ‘રમેશ’ અને ‘ચોપડી’ બન્ને નામ છે અને ‘-ની’ એ બન્નેને જોડે છે. જો આ દલીલ પ્રમાણે જઈએ તો આપણે એમ કહેવું પડે કે ‘ઘોડાની સાથે’માં -ની પણ genitive case છે અને એ case ‘ઘોડો’ (નામ) અને ‘સાથ’ને જોડે છે. તો પછી એમ કહી શકાય ખરું કે ‘સાથ’ એક નામ છે?
કોઈને લાગશે કે ના ના, આવું તો કેમ બને? પણ ફરી એક વાર ગુજરાતીમાં વિભક્તિ કઈ રીતે કામ કરે છે એ જુઓ. વિભક્તિ મોટે ભાગે નામને લાગે. અહીં, ‘ઘોડાની સાથે’માં ‘સાથ’ને -એ લાગ્યો છે. એ locationનો ભાવ વ્યક્ત કરે છે.
જો આમ હોય તો આપણે ‘સાથ’ જેવા નામયોગીઓને નામ તરીકે જ સ્વીકારવા પડે. જો કે, કોઈ માણસ એવો પ્રશ્ન ઊભો કરી શકે કે ‘સાથ’ તો પુલ્લિંગ છે. તો પછી ‘ઘોડાના સાથે’ એમ કેમ ન હોવું જોઈએ? શા માટે આપણે ‘-ના’ને બદલે ‘-ની’ વાપરીએ છીએ? મને લાગે છે કે અહીં આપણને ઐતિહાસિક ભાષાવિજ્ઞાની જ મદદ કરી શકે. પણ, એવી તમામ શક્યતાઓ છે કે કાળક્રમે આ પ્રકારની સંરચનાઓમાં -ની એક પ્રકારનું frozen element બની ગયું હોય.
ઊર્મિબેને નોંધ્યું છે એમ ઘણા ગુજરાતી નામયોગીઓ આપણે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાવિશેષણ કે નિપાતમાંથી સિદ્ધ કર્યા છે. એવી તમામ શક્યતાઓ છે કે આપણે grammaticalizationની પ્રક્રિયા દ્વારા નામ, વિશેષણ વગેરેને નામયોગીઓમાં ફેરવી નાખ્યા હોય. આપણે સંયુક્ત ક્રિયાપદોની ચર્ચા કરતી વખતે જોયું હતું કે grammaticalizationની પ્રક્રિયામાં શબ્દ એનું lexical મૂલ્ય ગૂમાવી દેતો હોય છે અને એના અર્થના કોઈ એક aspectનું મૂલ્ય સાચવતો હોય છે. નામયોગીઓમાં પણ એમ જ બનતું હોય છે. દા.ત. ‘અંગે’ નામયોગી લો. ‘અંગ’ એક lexical item છે. જ્યારે આપણે એને નામયોગી તરીકે ઉપયોગ કરીએ ત્યારે દેખીતી રીતે જ એની કેટલીક શરતોનું આપણે પાલન કરવું પડે. એમાંની એક શરત છે: વિભક્તિનો પ્રત્યય લગાડવો. એથી જ અહીં, ‘અંગ’નું ‘અંગે’ બને છે.
જો કે, ‘નીચે’ જેવા નામયોગી શબ્દોને સમજાવવાનું કામ અઘરું બની જાય. ગુજરાતીમાં ક્યારેક વિશેષણોને વિભક્તિનો પ્રત્યય લાગે પણ એ પ્રક્રિયા યાદૃચ્છિક નથી. દા.ત. આ વાક્ય લો. (૧૪) ‘કયા બળદે રંગ રાખ્યો? ધોળાએ કે કાળાએ?’ અહીં ‘ધોળું’ અને ‘કાળું’ વિશેષણોને -એ પ્રત્યય લાગ્યો છે. પણ, એ બન્નેમાં ‘બળદ’ સંજ્ઞા implied છે. એ ન્યાયે જ્યારે આપણે એમ કહીએ કે (૧૫) ‘ઝાડની નીચે’ ત્યારે ‘નીચે’ને લાગેલો -એ પણ એવું સૂચવે કે ક્યાંક સંજ્ઞા implied હશે. જો ન હોય તો આપણે વિભક્તિના સામાન્ય નિયમોમાં ફેરફાર કરવો પડે.
મને ઘણી વાર લાગે છે કે કદાચ ગુજરાતીમાં સાચુકલા કહી શકાય એવા નામયોગીઓ કદાચ નથી અથવા તો છે તો ખૂબ જ ઓછા છે. આ દાવો કોઈને અંતિમવાદી લાગશે પણ તપાસવા જેવો ખરો. યાદ રાખો કે કોઈ પણ ભાષામાં વિભક્તિના પ્રત્યયો ઘસાય ત્યારે જ નામયોગીઓ વિકસે. આવું અંગ્રેજીમાં બન્યું છે. લેટિનમાં પણ સંસ્કૃત ભાષાની જેમ વિભક્તિની વ્યવસ્થા હતી. એ ઘસાઈ ગઈ. પરિણામે અંગ્રેજીમાં preposition વિકસ્યાં. જો કે, -s પ્રત્યય એમાં બચી ગયો. ગુજરાતીમાં પણ એમ જ થયું છે. મૂળ સંસ્કૃતના વિભક્તિના પ્રત્યયો ઘસાઈને એમનું સ્થાન નામયોગીઓ લે એ પહેલાં ભાષાની ઉત્ક્રાંતિની ઝડપ ઘટી ગઈ અને બન્નેની ઉપસ્થિતિવાળી એક વ્યવસ્થા સ્થિર થઈ ગઈ.
દરેક લેખના અંતે મારે એક જ વાત કહેવાની હોય છે: આ અંગે ભવિષ્યમાં સંશોધન થાય તો જ ખબર પડે. નામયોગીઓના સંદર્ભમાં પણ એમ જ કહેવાનું.
.
.
મા બાબુ સુથારનો વિભક્તિ અને નામયોગીઓ અંગે
સ રસ લેખ
મૂળ સંસ્કૃતના વિભક્તિના પ્રત્યયો ઘસાઈને એમનું સ્થાન નામયોગીઓ લે એ પહેલાં ભાષાની ઉત્ક્રાંતિની ઝડપ ઘટી ગઈ અને બન્નેની ઉપસ્થિતિવાળી એક વ્યવસ્થા સ્થિર થઈ ગઈ!
LikeLike