પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું બહામા
જીવનની એકધારી ઘરેડ કે પરેડથી થાકીને માણસ ક્યાં જાય? પ્રકૃતિના ખોળે ? એ પછી ધરતીનો કોઇપણ પટ કેમ ના હોય ? કોતરો કે કંદરાઓ , ઉંચા ઉત્તુંગ પહાડો કે ઉંડી નીલવર્ણી અથાગ અને અફાટ જળરાશી? દરેકને પોતાની મનગમતી પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલી જગ્યાઓનુ ખેંચાણ રહ્યા જ કરે છે. આવુ જ એક નિલવર્ણી અફાટ જળરાશીથી ભરપૂર અને પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ નામ છે બહામા.
આટલાંટિક ઓશન ,કેરેબિયન સમુદ્ર અને ૭૦૦થી વધુ દ્વીપથી ઘેરાયેલો ફ્લોરિડાથી ૫૦ માઇલ દુર ઉષ્ણ હવામાન ધરાવતો , લગભગ ૭૬૦ માઇલ ( ૧,૨૨૩ કિલોમીટર ) ફેલાયેલો બહામા ટાપુ બીચ પ્રેમીઓ માટેનો એકદમ યોગ્ય બીચ છે. બહામાની રાજધાની નસાઉ ઉપરાંત ગ્રાન્ડ બહામા , એન્ડ્રોસ , કેટ આઇ લેન્ડ તેમજ સાલ્વાડોર જેવી માનવ વસ્તીથી ભરપૂર જાણીતી જગ્યા ઉપરાંત લગભગ બીજા એવા ૩૦ ટાપુઓ છે જ્યાં માનવ વસ્તીની શક્યતા નહીવત છે. સૌથી મઝાની વાત તો એ છે કે બહામામાં પ્રાકૃતિક સૌંદર્યને એમ જ યથાવત રાખવામાં આવ્યુ છે. જ્યાં માનવ સર્જીત મહાલયો હોય તો તમે એની મુલાકાત એક વાર લઈ શકો જ્યારે નિસર્ગની એક ખુબી છે કે એ દર વખતે નવા જ નઝારા સર્જી શકે છે એટલે અહીં આવનાર મુલાકાતી પ્રથમ વાર આવે કે વારંવાર દર વખતે બહામા સૌને એટલી જ તાજગી બક્ષે છે. બીચ પરથી હો કે ક્રુઝના અપર ડેક પર હો ઉગતા સૂરજની સોનેરી લાલિમા અને આથમતા સૂરજની એ નિલવર્ણા જળમાં ઢળતી ભળતી નારંગી રતાશ અને આસપાસ રચાતી રંગોની આભા મંત્રમુગ્ધ કરી દેનારી હોય છે.
૧૨ ઓક્ટોબર ૧૪૯૨માં કોલંબસે બહામાના સાન સાલ્વાડોર ટાપુ પર પદાર્પણ કર્યુ એ પછી ૧૭મી સદીથી બ્રિટિશ સલ્તનતે માનવ વસાહત માટેની દિશા વિક્સાવી પરંતુ ૧૮મી સદી સુધી તો આ અજાણી જગ્યા પર જાણે દરિયાઇ લુટારાનુ સામ્રાજ્ય હતુ, ૧૭૧૭ થી રાજ્ય અનુશાસિત બહામા ૧૦ જુલાઇ ૧૯૭૩થી સ્વતંત્ર બન્યુ.
એક સમયે દરિયાયી ચાંચિયા માટે સ્વર્ગ મનાતો બહામા આજકાલ પ્રવાસીઓની મનગમતી જગ્યા બની ગઈ છે જ્યાં ફિશિંગ , બોટિંગ ,સ્નોર્કલિંગ , સ્કુબા ડાઇવીંગ ,વોટર સ્કુટર રાઇડિંગ , પેરાસેઇલિંગ કરવાવાળા અને બેફિકર થઈને ગોરી ત્વચાને તામ્રવ્રર્ણી કરવા સૂર્ય સ્નાન કરના લોકોનો ધસારો વધવા માંડ્યો છે.
બહામાની રાજધાની નાસાઉ પ્રવાસીઓ માટેની સૌથી વધુ આકર્ષણ ધરાવતી જગ્યા છે. અને જેમ પ્રવાસીઓ વધે તેમ પ્રવાસધામ પણ વિકસતા જાય એવી રીતે આ નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા સ્થાનોનો ઝગમગાટ વધતો જાય. મન મોહી લે એવા રિસોર્ટ, શોપિંગ સેન્ટર , રેસ્ટોરન્ટ ઉપરાંત મનોરંજન માટેના અવનવા આકર્ષણો ઉમેરાતા જાય. નસાઉના આટ્લાંટીસ ઉપરાંત કેબેજ બીચ, ગ્રાન્ડ બહામા, એન્ડ્રોઝ હાર્બર આઇલેન્ડ, બ્લુ લગૂન આઇ લેન્ડ, બિમિનિ, લ્યુસ્યન નેશનલ પાર્ક જેવા આકર્ષણ પણ છે જ્યાં પ્રવાસીઓ મન મુકીને વેકેશન માણી શકે છે.
નાસાઉ
પ્રવાસીઓ માટે નાસાઉ એક એવી વિશાળ જગ્યા છે જ્યાં સમય પસાર કરવા માટે દિવસે સૂર્યના કિરણોમાં ચમકતી સુંવાળી રેતથી છાવાયેલો બીચ છે અને રાત્રે અનેકગણા પ્રકાશથી ઝળહળતી નાઇટ લાઇફ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સોદાગરો માટે નાસાઉ વિશ્વવ્યાપી બીઝનેસ સેન્ટર છે.
નાસાઉનો એટ્લાંટિસ રિસોર્ટ માત્ર કહી જોવા જ નહી પણ જાણવા માણવા લાયક રિસોર્ટ કહી શકાય. આટ્લાંટિસ રિસોર્ટ એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યો છે જ્યાં દરિયાઇ વનસ્પતિ તેમજ જળચરનો પણ સમાવેશ થઈ શકે. આટલાંટિસની ટુર દરમ્યાન અન્ડર ગ્રાઉન્ડ એક્વેરિયમમાં અવનવા અગમ્ય જળચરની ઓળખ આપવામાં આવે છે એ નાના બાળકો જ નહી પણ મોટેરાઓ માટે પણ રસપ્રદ બની રહે છે અને આટ્લાંટિસના લગૂનમાં મસ્ત રંગબેરંગી નાની મોટી માછલીઓ સાથે સ્નોર્ક્લીંગ કરવાની મઝા તો જે માણે એ જ જાણે. વાયકા એવી છે કે આટ્લાંટીસમાં વોટરફોલ, વૉટર પાર્ક એરિયામાં મયાન ટેમ્પલ વૉટર સ્લાઇડ સાથે આટ્લાંટીસના ધ્વસ્ત થયેલા અવશેષો પણ છે . ટુર લઈને બહાર આવો ત્યાં તમારા માટે તૈયાર છે એક સાવ જ જુદુ આકર્ષણ . કુદરત સર્જીત દુનિયાથી અલગ માનવ સર્જીત માયાજાળ કેસિનો. અઠંગ ખેલાડીઓ તેમજ કિસ્મતને અજમાવી જોવા કે બસ જરા એમ જ શોખ ખાતર રમી લેનારાઓની અહીં ખોટ નથી.
આટ્લાંટીસ રિસોર્ટથી બહાર આવીને ચાલીને જ પહોંચી શકાય એટલો નજીક બીચ છે. યુ.એસમાં ચોગમ ફેલાયેલી બર્ફીલી વર્ષાને લીધે શીતાગાર બની ચુકેલા દરેક સ્ટેટમાંથી આવનારા મુલાકાતીઓને તો આ સાચા અર્થમાં સ્વર્ગ લાગે .ખુલ્લા લાંબા પથરાયેલા બીચ ,ઉષ્ણ હવામાન અને દરિયાના મોજા સાથે ઉઠતી તરંગો પર લહેરાવાની લિજ્જત અનેરો લ્હાવો જ બની જાય ને? અને એમાં ય આ લહેરો પર વૉટર સ્કુટર રાઇડની મઝા તો જો તમે ન માણો તો તમે ચોક્કસ કઈક નવો અનુભવ ગુમાવો છો. નાસાઉ આટ્લાંટિસનુ બીજુ અને મુખ્ય આકર્ષણ છે ડૉલ્ફિન સાથે રમત. સરસ રીતે ટ્રેઇન થયેલી ડૉલ્ફિન સાથે નાના બાળકોની નજદીકી ઓળખ , સુંવાળી ત્વચા ધરાવતી ડૉલ્ફિનનો સ્પર્શ અને એથી ય આગળ વધીને ડૉલ્ફિન ચુંબન. હા ! શરત એ કે નાના બાળકો સાથે એમના એક પેરન્ટની હાજરી તો હોવી જ જોઇએ.
આટ્લાંટિસ રિસોર્ટમાં પા માઇલની લેઝી રિવર રાઇડ છે જેમાં સર્પાકારે ટ્યુબીંગની મઝા માણી શકો છો. એ સિવાય લીપ ઓફ ફેઇથ સ્લાઇડ, સર્પન્ટ સ્લાઇડ જેવી અનેક મોજ મસ્તી પણ મોજૂદ જ છે.
નાસાઉના ઇતિહાસમાં રસ હોય તો ઐતિહાસિક ગઢની મુલાકાત લઈ શકાય. ક્યાંય પણ જઈએ તો ત્યાંની યાદગીરી સાથે લાવવી હોય તો નાસાઉ એના લિકર, પરફ્યુમ , જ્વેલરી માટે જાણીતુ છે. ડ્યુટી ફ્રી શોપીંગ ઉપરાંત અહી એક એવુ માર્કેટ પણ છે જ્યાં બિન-ધાસ્ત બાર્ગેનિંગ પણ ચાલે છે. કોણે કીધુ કે ઇન્ડીયામાં જ બાર્ગેન થાય છે? અહીં સ્ટ્રો માર્કેટમાં જાવ તમને ગમતી વસ્તુ માટે રકઝક કરી શકાય જ છે અને આ જાણ અહીંના ટેક્સીવાળા જ આપી રાખે છે. નાસાઉમાં સ્થાનિક ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રાફ્ટ ,પરંપરાગત હાથ બનાવટની ચીજ વસ્તુ મળી રહે છે.
નાસાઉમાં ફરવા માટે શટલ જેવી ટેક્સી જે લિમો તરિકે ઓળખાય છે ,એ સિવાય સાઈકલ ,સ્કુટર ઉપલબ્ધ્ધ છે.
બહામા પાંચ વર્ષથી માંડીને ફરી શકવાની તાકાત હોય તો ૬૫ વર્ષની ઉમરે પણ જઈ શકાય એવી જગ્યા છે. બહામા જવા માટે સામાન્ય રીતે કોઇપણ ઋતુમાં જઈ શકાય કારણ એનુ ખુશમિજાજ હવામાન .બહામા જવા માટે સૌની સૌથી પહેલી પસંદ ક્રુઝ છે. ક્રુઝ પાંચ દિવસથી માંડીને એક સપ્તાહ સુધીની લઈ શકાય છે. ક્રુઝ પર સૌથી મઝાની વાત એ છે કે અહીં કલ્પના કરો એનાથી અનેક ગણો ખાવા-પીવાનો વૈભવ માણવા મળે. વહેલી સવારથી માંડીને મોડી રાત સુધી અહીં અનેક સવલિયત ઉપલબ્ધ હોય છે. બાળકો માટે અનેક જાતના કેમ્પ જ્યાં આર્ટ- ક્રાફ્ટ, ડાન્સ, મ્યૂઝિક જેવી પ્રવૃતિ કરાવવામાં આવે છે તો વયસ્ક માટે પણ કેસિનો , મ્યુઝીકલ કે કોમેડી નાઈટ શૉ તો હોવાના જ અને સ્વિમિંગ તો સૌ માટે છે જ. સાંજ પડે લાઈવ બેન્ડ સાથે ઝુમી પણ શકાય.
કાર્નિવલ ક્રુઝ લાઇન , ડિઝની ક્રુઝ લાઇન, નોર્વેજિયન ક્રુઝ લાઇન પ્રિન્સેસ ક્રુઝ લાઇન, રોયલ કેરેબિયન ઇન્ટ્રનેશનલ જેવી ક્રુઝમાં બે દિવસથી માંડીને બાર દિવસ સુધીની ડીલ મળી રહે છે.યુ.એસે ના કોઇપણ શહેરથી હવાઇ માર્ગે અથવા ડ્રાઇવ કરીને ફ્લોરિડા , લ્યુસિયાના , મેરીલેન્ડ , ન્યુજર્સી, ન્યુયોર્ક , સાઉથ કેરોલીના, ટેક્સાસ સ્ટેટે સુધી પહોંચી આ ક્રુઝ લઈ શકાય. નિર્ધારીત જગ્યાથી શરૂ થયેલી એ ક્રુઝ ત્યાંજ પાછા લાવે પણ ત્યાં સુધીનુ એ આવાગમન જીવનભરની યાદગીરી બની રહે.
.
સુ શ્રી રાજુલ કૌશિક એ પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતું બહામા
.
,નાસાઉનો તે ઇતિહાસના અને માણવા જેવી જગ્યાની .
.
વિગતવાર માહિતી બદલ ધન્યવાદ
LikeLike
રાજુલબેને સરસ વર્ણન કર્યું છે. જવાનું મન થઈ જાય તેવું.
સરયૂ પરીખ
LikeLike