નવી ક્ષિતિજનું દર્પણ-
ઈન્ડિયા છોડી યુ એસ માં અમે અમારી નવી ક્ષિતિજ વસાવી આ સમય દરમ્યાન જે અનુભવો થયાં તેનું આ દર્પણ છે જેને હું વાંચક મિત્રો સાથે શેર કરી રહી છું.
એક સ્વસ્તિક ને કારણે
શુભ પ્રસંગોમાં સ્વસ્તિક અને રંગોળી હંમેશાથી હિન્દુ ધર્મનાં પ્રતિક અને પૂરક રહ્યાં છે. પરંતુ ઘર આંગણામાં માંગલ્યતા અને પવિત્રતાની આગેવાની લઈ એક સાથે ઉતરી આવતાં હિન્દુ ધર્મનાં પાયારૂપ આ પ્રતીકો શું ક્યારેય કોઈ મુશ્કેલી સર્જી શકે છે? જવાબ છે હા કારણ કે 1997 નાં વર્ષમાં સ્વસ્તિક અને રંગોળીને કારણે મારા ઘરે પોલીસ ધમધમતી થઈ ગઈ જેને કારણે મારે આપણાં આ પ્રતીકો સાથેનો સંબંધ છોડવો પડ્યો.
બોસ્ટનમાં ટાઉન હાઉસમાં અમે લગભગ દોઢ વર્ષનાં વસવાટ દરમ્યાન હું એકલી હતી ને બાળકો નાના હતાં જેને સંભાળવા કોઈ જ વડીલો ન હતાં તેથી મારા મનનો થાક દૂર કરવા માટે હું થોડો સમય રંગોળી કરતી જેથી અવનવા રંગોમાં ખોવાઈને મારુ મન ફરી પાછું ફ્રેશ બની જાય. આજ કારણસર મે રંગોળીને મારા રોજિંદા કાર્યનાં એક ભાગરૂપ બનાવી દીધેલ જેનો પેન્સીલવેનિયામાં મૂવ થયાં બાદ અંત આવ્યો.
1997 ઓગસ્ટમાં અમે બોસ્ટન છોડીને ફિલાડેલ્ફિયામાં “એપલ ડ્રાઈવ”નાં અપાર્ટમેંન્ટમાં રહેવા આવ્યાં. જેમાં ૪ ફ્લેટ અને એક કોમન વરંડા હતો. આ વરંડામાં હું રોજ સવારે રંગોળી અને સ્વસ્તિક કરતી, પરંતુ જ્યારે બહાર અવરજવર થતી ત્યારે હું જોતી કે રંગોળી અને સ્વસ્તિક ખરાબ થઈ ગયાં છે તેથી હું વિચારતી રહેતી કે આજુબાજુનાં અપાર્ટમેંન્ટમાં કોઈને ત્યાં પેટ્સ હશે જે બહાર રમતાં હશે જેને કારણે રંગોળી ખરાબ થઈ જાય છે. આમ વિચારી વારંવાર ખરાબ થતી મારી રંગોળી હું વારંવાર સરખી કરતી. બોસ્ટનમાં દિવસમાં એકવાર થતી મારી આ પ્રવૃતિ મારા આ નવા ઘરમાં વારંવાર થતી ત્યારે મને શંકા જતી કે મારી રંગોળીને કોઈ પેટ્સ દ્વારા નહીં પણ કોઈ વ્યક્તિ દ્વારા ખરાબ થાય છે, પરંતુ કહેવું કોને? સામાન્ય રીતે અમેરિકન લોકો કોઇનાં કાર્યમાં ખલેલ કરતાં નથી પરંતુ અહીં એવું કોઇ છે જેને મારી રંગોળી ગમતી નથી તેથી તે ખરાબ કરી નાખે છે, પરંતુ અપાર્ટમેંન્ટમાં મારા સિવાય બીજા ૩ ઘર છે અને તેમને પૂછવા થોડી જવાય કે કોણ મારી રંગોળી ખરાબ કરે છે… અને કોઈ તથ્ય પર ન આવતાં હું બસ ચૂપ રહી જતી.
રોજ ભૂંસાતી અને રોજ સરખી થતી મારી રંગોળીનાં આ ક્રમને એક દિવસ બ્રેક લાગી ગઈ. હું રંગોળી પૂરી કરી મારા રોજિંદા કામમાં પરોવાઈ જ હતી, ત્યાં જ બે પોલીસ ઓફિસર ઘરે આવ્યાં.તેમણે આવતાંની સાથે જ મને પૂછ્યું “r u a nazi?” (બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન હિટલરની નાઝીવાદ તરીકે ઓળખાતી વિચારધારાએ લાખો યહુદીઓની હત્યા કરેલી. આજે વિશ્વનાં લગભગ બધાં જ દેશોમાં અને ખાસ કરીને યુરોપીય દેશોમાં નાઝીવાદને સંપૂર્ણ રીતે બહિષ્કૃત કરવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન હીટલરનું પ્રતીક ઊંધો સ્વસ્તિક હતો આ પ્રસંગ બન્યા બાદ મે નાઝીઓનાં ઇતિહાસ વિષે વધુ જાણેલું) પરંતુ પ્રથમવાર પોલીસ ઘરે આવી ત્યારે “નાઝી” શબ્દ મારે માટે નવો હતો, તેથી મારાથી બોલાઈ ગયું…… nazi….? What nazi…? મારા એ સવાલથી ચોંકવાનો વારો હવે તેમનો હતો. તેમને કદાચ જાણ થઈ ગઈ હતી કે nazi એ શબ્દ મારે માટે નવો છે તેથી તેમણે મને ફરી પૂછ્યું r u from Germany..? મે કહ્યું નો સર આઇ એમ ફ્રોમ ઈન્ડિયા. તેમણે મને કહ્યું તમે અહીં સ્વસ્તિક કર્યો છે તેનો મીનિંગ છે કે તમે નાઝી છો તો ખોટું શા માટે કહો છો? મે કહ્યું કે ઓફિસર આપની પાસે ખોટું બોલવાનો કોઈ અર્થ નથી, અમે ઈન્ડિયાથી છીએ અને આ સ્વસ્તિક અમારા હિન્દુ ધર્મનું પ્રતિક છે, તદ્પરાંત અમે હજુ થોડા સમય પહેલા જ બોસ્ટનથી અહીં મૂવ થયાં છીએ જેથી કરીને આપ આ ઘરને અમારે માટે નવું ઘર કહી શકો છો અને અમે હિન્દુઑ જ્યાં નવું ઘર વસાવીએ છીએ ત્યાં અમારી પ્રગતિ થતી રહે તે શુભતાનાં હેતુ માટે સ્વસ્તિક ચોક્કસ કરીએ છીએ. આ સેન્ડ આર્ટ શા માટે કર્યું છે ઓફિસરે પૂછ્યું..? આ સેન્ડ આર્ટ સદાયે સ્વસ્તિક સાથે ચાલે છે, શુભતાની સાથે સાથે અમારા જીવનમાં પણ અનેક પોઝિટિવ રંગો પુરાતાં રહે તે મુખ્ય હેતુ છે. મારો જવાબ સાંભળી ઓફિસરે કહ્યું કે હું જઈને તપાસ કરીશ કે હિન્દુ ધર્મમાં ખરેખર સ્વસ્તિક છે કે નહીં જો તમે ખોટું બોલ્યાં હશો તો મારે આગળ પગલાં લેવા પડશે, એમ કહી પોતાની સાથે આવેલા ઓફિસરને સ્વસ્તિક અને હિન્દુ ધર્મ વિષે શું રિલેશન છે તે કાઢવા જણાવ્યું અને મને કહે જ્યાં સુધી આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ સ્વસ્તિક અને સેન્ડ આર્ટને દૂર કરો. ઓફિસરની સૂચનાથી મારે કમને મારી રંગોળી અને સ્વસ્તિકને ત્યાંથી કાઢવા પડ્યાં ત્યારે મારા મો પર રહેલા અણગમાને તે જાણે વાંચી ગયો હોય તેમ મને કહ્યું કે ડોન્ટ વરી આ પ્રતિબંધ ટેમ્પરરી છે અમારી તપાસ પૂર્ણ થાય પછી આપ સેન્ડઆર્ટ કરી શકો છો. મ્લાન પરંતુ હસતાં મોઢે મારે હા કહેવા ઉપરાંત કોઈ ઉપાય ન હતો તેથી રંગોળી અને સ્વસ્તિક કાઢી નાખ્યાં.
બે દિવસ બાદ તે ઓફિસર આવ્યો અને મને કહે કે તે દિવસે સેન્ડ આર્ટ કઢાવી નાખવા બદલ હું દિલગીર છું પરંતુ અમારી તપાસ પૂર્ણ થઈ ગઈ છે અમને આપના સ્વસ્તિક અને સેન્ડ આર્ટ સામે કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસ તરફથી ક્લીનચીટ મળતાં હું ખુશ થઈ ગઈ જલ્દી જલ્દી ઘરમાંથી રંગો લાવી મે ઓફિસરની સામે જ રંગોળી કરી. રંગો જોઈ તે ખુશ થયો અને સુંદર સેન્ડ આર્ટ……કહી તે ચાલ્યો ગયો. આ વાતને બે-ત્રણ દિવસ થયાં હશે ત્યાં એક ફરી નવો ઓફિસર મારા ઘરનાં દરવાજે આવીને ઊભો રહ્યો અને મને કહે શું તમે નાઝી છો? તમે આ સ્વસ્તિક શા માટે કર્યો છે? ઓફિસરની એ વાતથી મે તેને કહ્યું કે ઓફિસર આ ઇશ્યુ તો બે દિવસ પહેલા પૂર્ણ થઈ ગયો છે તો ફરી શા માટે? તે મને કહે કે તમે નાઝી છો તે વાત આ સ્વસ્તિકા બતાવી રહ્યો છે. ફરી તે ઓફિસર સાથે ચર્ચાઓ ચાલી તે દિવસે સાંજે આવીને તે ઓફિસર મને ફરી કલીનચીટ આપી ગયો અને કહ્યું હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય પરંતુ તે ઓફિસરની વાત પણ ખોટી નીકળી કારણે બીજા દિવસની સવારે ફરી એક ઓફિસર મારા આંગણે ઊભો હતો.
તે અપાર્ટમેંન્ટ છોડીને અમે જ્યારે અમારા નવા પ્રાઈવેટ હાઉસમાં રહેવા ગયાં ત્યારે મને લાગ્યું કે મારી રંગોળીની પ્રવૃતિ અહીં હું નિશ્ચિંત રૂપે કરી શકીશ કારણ કે અહીં મારા સિવાય જોનાર કોઈ નથી તેથી રોજ ઘરનાં મુખ્યદ્વારે રંગોળી કરતી અને ખુશ થતી. મારા હાઉસમાં એકલી હોઈ મે વિન્ટરમાં પણ મારી આ એક્ટિવિટી ચાલું રાખી. પરંતુ અહીં પણ મારો ભ્રમ બહુ જ ઝડપથી તૂટ્યો કારણ કે રસ્તાની પેલે પાર રહેલા નૈબર્સો મને રોજ ઠંડીમાં બહાર બેસીને કશુંક કરતાં જોતાં. પરંતુ બે ઘર વચ્ચે સારું એવું અંતર હોવાથી તેઓ જાણી શકતા ન હતાં કે હું શું કરી રહી છું તેથી એક દિવસ મારી ગેરહાજરીમાં તેઓ મારા ઘરનાં આંગણે આવી રંગોળી જોઈ જ રહ્યાં હતાં ત્યાં જ મારું આવવું થયું તેમણે મને રંગોળી વિષે થોડા સવાલ કર્યા જેનાં જવાબ મે શાંતિથી આપ્યાં પરંતુ ન જાણે કેમ આ જવાબો આપતી વખતે મારું મન અતિશય ઉચાટભર્યું રહ્યું તેઓ રંગોળી જોઈને ગયાં પરંતુ મારો તે દિવસ અતિ ટેન્શનયુક્ત રહ્યો. રાત સુધી કશું જ ન બનવાને કારણે હું થોડી શાંતિ અનુભવવા લાગી અને વિચારવા લાગી કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે પરંતુ આ ભ્રમ પણ બહુ ઝાઝો ન ટક્યો સવાર પડતાં જ પોલીસ સાઇરન સાથે એક નવી પોલીસ ઓફિસર મારી સામે ઊભી રહી મને પૂછી રહી હતી કે Do you have any relation with Nazi ? (કહેવાની જરૂર ખરી કે તે દિવસથી મારા ઘરનાં આંગણે સ્વસ્તિક મહારાજ નથી આવતાં, હા ક્યારેક રંગોળી દેવી આવી જાય છે. ઉત્સવો દરમ્યાન ઘરની અંદર જ હું સ્વસ્તિક દોરી લઉં છું પરંતુ ઘર બહાર સ્વસ્તિક સાથેનો મારો સાથ છૂટી ગયો છે.)
પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com
હિટલરનો સ્વસ્તિકા
આપણો સ્વસ્તિક
નોંધ:- ઉપરની તસ્વીરો નેટ જગતને આભારી છે.
Apple Drive Apartment
આ અનુભવથી પૂર્વીબેનને બરોબર પાઠ ભણવા મળ્યો અને દાવડાજીના આંગણે આવનારને એ વાંચવા પણ મળ્યો! અત્રે એક વાત યાદ આવી જા છે. દેશમાંથી વડીલો ઘોતીયા પહેરીને આવતા એઓ સવારે ચાહ પહેલાં ચાલવાનો ક્રમ રાખતા અને ઘોતિયું પહેરી એ ચાલવા જતા! ‘દેશ એવો વેશ’ આ વડીલો પાસેથી જાણ્યું ને એમને એને ન અપનાવ્યું! અહિ અમેરિકનો એમને અટકાવતા નો’તા, પણ એ વડીલોના સગાઓ એમને સમજાવતા પણ નોતા! હવે એ ધોતિયા જોવા નથી મળતા! અમારા ગામમાં એક સમય હતો કે તમે ઉઘાડા માથે ઠાકરડાના વાસમાં થઈને પસાર ન થઈ શકો એ લોકો તમને રોકી દેતા. સમય સમય બળવાન.
LikeLike
અમે આંગણામા સ્વસ્તિકવાળી રંગોળી કરી હતી તે અમારા વડીલે આવા ‘નાઝી ફોબિયા’ના ડરથી ભુંસી કાઢી હતી ! ત્યારે અમને તેઓ વધારે પડતા ગભરાયેલા લાગેલા !!
LikeLike
મને હિટલરના યહૂદીઓ ઉપરના અત્યાચાર અને સ્વસ્તિક વિષે પૂરો ખ્યાલ હતો , પણ એક વાર અમારાં બાલમંદિર – ડે કેર સેન્ટરમાં ઇન્સ્પેક્શન દરમ્યાન મારી ઓફિસમાં થોડા ફોટા પડેલા ; અમે ઇન્ડિયાની ટ્રીપ કરીને આવેલાં અને હું કેમેરા રોલ ધોવડાવીને ફોટાઓનું આલ્બમ બનાવતી હતી એટલે મેં સ્વાભાવિક રીતે જ મારી ઈન્સ્પેક્ટરને ફોટાઓ બતાવ્યા !! અને ઘરને બારણે મોતીના તોરણમાં સ્વસ્તિક જોઈને એ ગભરાઈ .. વાતનો સુર ફરી ગયો .. મેં પછી એક્સપ્લેઇન કરેલું
LikeLike