મધુલિકાબેન ને આજે આખી રાત ઊંઘ ન આવી. પાસા ઘસી ઘસી ને સવાર પડી ગઈ હતી. વિચાર કરી કરીને તેમનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું. સદાય હસતાં, મોર્ડન વિચાર ધરાવતા, મુંબઈમાં ઉછરેલ મધુબેન માનતા કે તેમને તો જનરેશન ગેપ નડવાનો જ નથી. તેમને તો પોતાના દીકરા-વહુ સાથે કોઈ વિચારભેદ થવાના જ નથી. એટલે તો તેમના દીકરા સિદ્ધાર્થ ઉર્ફ સીડે તેની ગર્લફ્રેન્ડ અનન્યાની ઓળખાણ મધુબેન સાથે કરાવી તો તે રાજીના રેડ થઈ ગયેલા. મોડેલ અનન્યાની સુંદરતા અપલક નેત્રોથી નિહાળીને મનોમન જ ખુશ થઈ વિચારતાં “વાહ !મારો સીડ કેવી પરી જેવી વહુ પસંદ કરી લાવ્યો!!”
અનન્યા ઘેર આવે ત્યારે તેની આગળ પાછળ ફરી, ”બેટા, અનુ તું શું ખાઈશ? તને અમારા ગુજરાતી ખમણ બનાવી આપું? તે તારા ડાયટફૂડમાં ચાલશે કે પછી ક્વીનવા અને ટોફુંનું બીન્સવાળુ સલાડબનાવું?” મધુબેન અનન્યાને દર વખતે અવનવા કપડાં, દાગીના, બ્રાન્ડેડ પર્સ જેવી ભેટો પણ આપતા. અરે!તેની સાથે ફોટા પડાવી ને પોતાના મિત્રો અને કુંટુંબીજનોને “મારા સીડ ની ગર્લફ્રેન્ડ” લખીને મોકલી દેતા હતા.થોડો સમય વિતતા તો એક દિવસ એમણે સીડ અને અનન્યાને પૂછી જ લીધું કે ”ભાઈ તમારે હવે લગ્ન ક્યારે કરવા છે? તો હું પણ તે માટે તૈયારી કરુ” અને તે વખતે અનન્યાએ જે જવાબ આપ્યો તેનાથી તે હલી ગયા.
અનન્યાએ કીધું મને સીડ બહુજ ગમે છે. હું તેને બહુજ પ્રેમ કરું છું અને લગ્ન કરવા પણ માંગું છું પણ લગ્ન પહેલા એક વાત કહેવા માંગું છું કે “હું મોડલ છું અને મારી કેરીયર હું જરાપણ બગાડવા નથી માંગતી. મારા શરીરના શેઈપના ભોગે મારે બાળક જોઈતું નથી, એટલે બાળક મને સેરોગસીથી જ જોઈએ છે.” સીડ આ વાત જાણતો હતો પણ તે પોતાની માને આ વાત કહી શકતો ન હતો.
શૂન્યમનસ્ક થઈ ગયેલ મધુબેન કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ પોતાના રુમમાં ચાલ્યા ગયા. તે રાત્રે તે જમ્યા પણ નહી.તેમનું મગજ ચકરાવે ચડી ગયું.
“મા બનવું છેપણ………….બાળકને પોતાના શરીરનું એક અંગ બનાવ્યા વગર…….
પહેલી પ્રેગ્નસી વખતનો પતિ-પત્નીનો અનેરો આનંદ અને એ ઉન્માદ………
પોતાની નાડ સાથે ના બંધન સાથે ઉછેરી રહેલ પોતાના અંશ નો અવર્ણનીય અનુભવ ………
પેટ પર હાથ મૂકીને તેની સાથે કરેલ વાતો…..ને તેને આપેલ ગર્ભ સંસ્કાર……….
છમહિના થતાં બાળકે ગર્ભમાં મારેલ લાતો……..ત્યારબાદ બાળકનું ડાબેથી જમણે અને જમણેથી ડાબેનું ગર્ભપરિભ્રમણ અને તે સાથે માતાએ પાડેલ તીણી ચીસ…..
પતિનું પત્નીના પેટ પર કાન મૂકીને બાળકના ધબકારાનું સાંભળવું……
સેરોગસીથી જન્મેલ બાળકની મા કેવીરીતે અનુભવશે આ સંવેદના?
સરોગસી તો તેને માટે છે જે સ્ત્રી શારીરિક ખામી થકી બાળકને જન્મ આપવા શક્તિમાન નહોય!
વિચારોની વણઝાર મધુબેનનો પીછો છોડતી નહોતી. તે વિચારતા હતા.
કુદરતની કરામત પર આફરીન થઈને પહેલી વાર બાળકને કરાવેલ સ્તનપાન…..
પોતાના પાલવથી લૂછેલ બાળકના સ્તનપાન કરાવેલ હોઠ અને માના દૂધની સાડલામાંથી આખો દિવસ આવતી આહ્લલાદક સુગંધ….
બાળક ચાર પાંચ મહિનાનું થાય અને કામથી મા બહાર ગઈ હોય ત્યારે બાળકનું ભૂખ્યું થવું અને માની બન્ને છાતી માંથી ઊભરાતી દૂધની અવિરત ધારા …………..આ મા-બાળકના અનેરા જોડાણ નું શું?
આ બધા અનોખા સંવેદનો ને લાગણીવિહીન કોરાધાકોર સેરોગસી માતૃત્વ નો શો અર્થ?
આ મોર્ડન સમાજે માતૃત્વ ની લાગણીઓને કચડી ને ભૂક્કા કરી બોદી બનાવી દીધી!
મધુબેન આજે મોડે સુધી રૂમમાંથી બહાર ન આવ્યા.સીડ જોબ પર ચાલી ગયો હતો ને એટલામાં જ ફોનની રીંગ વાગી .તેમની નાનપણની ખાસ સહેલી નીલુનો ફોન હતો. નીલુને પણ મધુબેન પોતાનો અનન્યા સાથેનો ફોટો મોકલ્યો હતો. મધુનો આજે ઢીલો ઉત્સાહ વગરનો અવાજ સાંભળી પૂછ્યું” કેમ આજે તારી તબિયત બરાબર નથી?” ભરાઈ ગયેલી વાદળી વરસી પડે તેમ મધુબેન પણ નીલુ પાસે વરસી પડ્યા.પરતું મધુની બધી વાત સાંભળી નીલુએ જે જવાબ આપ્યો તે સાંભળી મધુબેનની તો બોલતી જ બંધ થઈ ગઈ. નીલુએ કીધું “મારા હાર્ટસર્જન દીકરા ને વહુએ તો કહી જ દીધું છે કે અમારી પાસે બાળક ઉછેરવાનો ટાઈમ નથી એટલે અમે ક્યારેય બાળક લાવવાના જ નથી. મા તે અમને મોટા કર્યા હવે અમારા બાળકને તું મોટું કરે તેવું અમને જોઈતું નથી.” એટલે તારે ત્યાં તો સેરોગસીથી પણ પૌત્ર કે પૌત્રી ની કિલકારી સાંભળવા મળવાની છે, હું તો એનાથીજ વંછીત રહેવાની
છું.
નીલુએ એક ઊંડો નિસાસો નાંખતાં કીધું ”મધુ ,આ અમેરિકાએ આપણા છોકરાઓને ઊંચી પદવીઓ, ખૂબ પૈસો, માનપાન, સુખ સગવડો ને સવલતો એ બધું આપ્યું પણ માતૃત્વ જેવી લાગણીનું આકાશ સાવ કોરું ધાકોર કરીને!!! સંવેદનાની ભીનાશને આમ ચૂસી લઈને!!!!
જૂની અને નવી પેઢી અર્થાત્ વૃદ્ધ વડીલોની પેઢી અને નવી યુવાવર્ગની પેઢી વચ્ચે અંતર અવશ્ય વધ્યું જ છે, તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી. આ અંતરના ઉદ્ભવ અને વૃદ્ધિ પાછળ કયાંક જવાબદાર હોઈ શકે, તેનું …સુ શ્રી જિગીષા પટેલ દ્વારા દ્રુષ્ટાંતો દ્વારા સ રસ લેખ
ધન્યવાદ
જૂની અને નવી પેઢી અર્થાત્ વૃદ્ધ વડીલોની પેઢી અને નવી યુવાવર્ગની પેઢી વચ્ચે અંતર અવશ્ય વધ્યું જ છે, તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી. આ અંતરના ઉદ્ભવ અને વૃદ્ધિ પાછળ કયાંક જવાબદાર હોઈ શકે, તેનું …સુ શ્રી જિગીષા પટેલ દ્વારા દ્રુષ્ટાંતો દ્વારા સ રસ લેખ
ધન્યવાદ
LikeLike
pasand apni apni khyal apna apna
LikeLike
saras
LikeLike
Nice article.
LikeLike
બહુ સુંદર વાર્તા…
LikeLike