(આદિલ તખ્ખલુસ ધારી આ કવિનું નામ ફકીરમહમ્મ્દ ગુલામનબી મનસુરી હતું. ગઝલ ઉપરાંત કવિતા અને નાટક પણ એમણે લખેલા. તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. એમની ગઝલોમાં જબાન, ભાવપ્રતિકો અને રચનાની રીત ગજબના છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર જેવા વિષયોને એમણે સુપેરે ખેડ્યા છે. એમની “નદીની રેતમાં મળતું નગર મળે ન મળે….” રચના તો ગુજરાતીમાં એક કહેવત બની ગઈ છે.
મને એમની ઘણીબધી ગઝલ ગમે છે, એમાંથી એક અહીં રજૂ કરૂં છું. – સંપાદક)
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં “આદિલ”
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
1 thought on “નદીની રેતમાં રમતું નગર ( આદિલ મનસુરી )”
આદિલ મનસુરી સાહેબે સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ’મળે ન મળે’ ગઝલ!! જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે. જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે સહજ આંખ નમ બને…..મા દાવડાજીએ રસાસ્વાદ કરાવ્યો તે પ્રમાણે એમની “નદીની રેતમાં મળતું નગર મળે ન મળે….” રચના તો ગુજરાતીમાં એક કહેવત બની ગઈ છે

LikeLike