મારી કલમ, મારા વિચાર – ૧ (પરભુભાઈ મિસ્ત્રી)


અતિથિ દેવો ભવ

ઈતિહાસના કોઈપણ સમયખંડ કરતાં આજના સમયમાં શિક્ષણનું મહત્વ અનેકગણું વધી ગયું છે. વાલીઓ વધારે સજાગ બન્યા છે. વિદ્યાલયોની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનારાની સંખ્યા વધતી જ જાય છે તેમ છતાં જીવનવ્યવહારને સંદર્ભે શિક્ષિત અને અશિક્ષિતો વચ્ચે કોઈ ભેદ વર્તાતો નથી. કેટલીકવાર અશિક્ષિતોનું વર્તન ગૌરવશાળી જોવામાં આવે છે જ્યારે શિક્ષિતોનું વર્તન શિક્ષણને લજાવનારું હોય છે. આમ કેમ?

આપણે આપણા બાળકોને સારો ડોક્ટર કે એન્જિનીયર બનાવવાનું પસંદ કરીએ છીએ. સારો અભિનેતા, ચિત્રકાર, ગાયક, કુશળ કારીગર અને બિઝનેસમેન બનાવીએ છીએ. જિંદગીમાં સારું કમાય અને સુખી થાય એવું આપણે ઈચ્છીએ છીએ. પૈસો હોય તો જ સુખી થવાય એવી માનસિકતાને કારણે  જે વ્યવસાયમાં કમાણીની કે નોકરીની તક વધારે દેખાતી લાગે તે તરફ આપણો ધસારો થતો રહે છે. વિદ્યાલયો એટલે જાણે વિવિધક્ષેત્રના નિષ્ણાતો કે  ટેકનોક્રેટ બનાવી આપનારા કારખાના! માણસ બધું શીખે છે, પણ માણસ કેમ બનવું તે જ શીખતો નથી. શિક્ષણ વ્યવસાયલક્ષી બને તેનો વાંધો નથી, પણ જીવનલક્ષી શિક્ષણનો એકડો જ નીકળી જાય એવું તો ન જ બનવું જોઈએ.

વિદ્વાનો જીવનને જુદી જુદી ઉપમા આપતા રહેલા છે. જીવન એક રમત છે તો તેમાં હાર અને જીત આવવાના જ છે. જીવનને રણસંગ્રામ ગણીએ તો રણમેદાનમાં કોઈપણ દિશામાંથી પ્રાણઘાતક હુમલો થવાનું નિશ્ચિત છે. જીવન એક જુગાર છે એમ માનીએ તો ક્યારેક લાભ તો ક્યારેક હાનિ થવાની જ છે. જીવનને વેપાર સમજીએ તો નફો અને ખોટ એની સાથે સંકળાયેલા છે. જીવન દ્વન્દ્વાત્મક છે અને તેમાં અવારનવાર અનુકૂળતા-પ્રતિકૂળતા આવવાના જ છે. તુલસી રામચરિતમાં કહ્યું છે ‘हानि लाभु जीवनु मरनु जसु अपजसु बिधि हाथ ॥‘ એ તો વિધિના હાથમાં છે. ગીતામાં ભગવાન અર્જુનને દ્વન્દ્વો સહન કરવાનું કહે છે. માણસથી દુ:ખ, પરાજય, નુકસાન સહન થતાં નથી અને પ્રતિકૂળ સંજોગો આવતાં સાવ પાણીમાં બેસી જાય છે. એટલું જ નહિ, સુખ, જીત અને લાભ મળે તે પણ સહન થતાં નથી. એનો મિજાજ બદલાઈ જાય છે! માણસ સ્વસ્થ રહી શકતો નથી.

નિષ્ફળતા મળે ત્યારે માણસ સાવ ભાંગી પડે છે. હતાશ થઈ જાય છે, જાત પ્રત્યે તિરસ્કાર પેદા થાય છે, જીવન જીવવાનું આત્મબળ ખલાસ થઈ જાય છે અને આપઘાતને માર્ગે વળે છે. બોર્ડની પરીક્ષામાં ધારેલું પરિણામ ન આવતાં વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે, યુવક યુવતિઓ ધારેલા પાત્ર જોડે લગ્ન ન થતાં આત્મહત્યા કરી લે છે. વડીલોએ ઠપકો આપતાં ઘર છોડી ભાગી જનારા કે નાની સરખી વાતમાં કૂવો, તળાવ, બગડોલ કે ગાડીના પાટાને શરણે જનારને આપણે હલકા મગજના કહીએ છીએ. એમનાથી જરા જેટલીય પ્રતિકૂળતા સહન નથી થતી. વેપારમાં ખોટ જવાથી વેપારી આત્મહત્યા કરી લે છે. ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત વિજ્ઞાની, ડોક્ટર, એન્જીનિયર કે મોટો અધિકારી પણ આત્મહત્યા કરીને પલાયનવાદને શરણે જાય છે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કેમ કરવો તેની તાલીમના અભાવને કારણે આપણે આશાસ્પદ પ્રતિભાઓ ગુમાવવી પડે છે. આનો કોઈ ઉપાય શોધાવો જોઈએ. વિષમ સંજોગો વખતે સ્વસ્થતા કેમ જાળવવી તે શીખવવાનું આજના અભ્યાસક્રમમાં આવતું નથી.

શિક્ષણની ક્ષિતિજો વિસ્તરતી જાય છે. નવાં નવાં સંશોધનો થતાં જાય છે. એ બધાં ક્યાં કેદ થઈ જાય છે? જ્ઞાનસરિતા તો સતત વહેતી રહેવી જોઈએ તેને બદલે પ્રવાહ ક્યાંય અટકી જતો માલમ પડે છે. કેટલી બધી વિદ્યાશાખાઓ અસ્તિત્વમાં છે અને એમાં નિત નવું રિસર્ચ થયા જ કરે છે છતાં આપણી પાસે તેના વિષે કોઈ માહિતી જ આવતી નથી, આવું કેમ? એ સંશોધનો પ્રયોગશાળા કે વિશ્વ વિદ્યાલયોની લાયબ્રેરીમાંથી બહાર જ નથી નીકળતા. સામાન્ય લોકો સાથે જાણે એને કંઈ લાગતું વળગતું જ નથી. પહેલાંના કરતા પીએચડી થનાર લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે. પણ તેમણે કયા વિષયમાં શું સંશોધન કર્યું તેની આપણને જાણ સુદ્ધાં નથી થતી તેનાથી સમાજને કેવી રીતે લાભાન્વિત કરવો એ વિચારવાનો તો સવાલ જ નથી ઊભો થતો.

જેમ જ્ઞાનસરિતાનો પ્રવાહ ક્યાંક રૂંધાઈ ગયો છે તેમ જ્ઞાની પુરુષો પણ ક્યાંક અટકી ગયા છે, તેઓ ચોટડૂક થઈ ગયા એમ લાગે છે. જ્ઞાની અને વિદ્વાન પુરુષોનો સમાજ સાથે જાણે કશો સંબંધ જ રહ્યો નથી. જેમ ‘રૂપિયો હંમેશાં ફરતો રહેવો જોઈએ‘ અને ‘નદી સતત વહેતી રહેવી જોઈએ‘ એવું કહેવાય છે તેમ જ્ઞાન પણ ફરતું રહેવું જોઈએ અને તે માટે જ્ઞાનીઓ સમાજમાં સતત ફરતા રહેવા જોઈએ. લોકોની સમજણનું અપડેશન થતું રહેવું જોઈએ તે થતું નથી એને કારણે સમાજ પતિત થતો જાય છે. વિદ્વાનો એમને અનુકૂળ સ્થાનો પરથી પ્રવચનો કરે છે અને વિદ્વાન લેખકો એમના પ્રકાશિત થયેલા પુસ્તકોની સંખ્યા ગણતા બેઠા છે. લોકો સુધી એ વિચારો પહોંચાડવાનો પ્રયત્ન થતો નથી અથવા થાય છે તો તે અતિ પાંગળો છે.

સમાજના એક ખૂણે કોઈ ટેકનોલોજી શોધાય તો તેની ખબર લોકો સુધી પહોંચી જાય છે, જીવનોપયોગી કોઈ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો તેને માર્કેટમાં આવતાં વાર નથી લાગતી. માર્કેટિંગ એજન્ટો દ્વારા ગામેગામ અને ગલીએ ગલી તે ચીજ વસ્તુ મળતી જાય છે, પણ જીવનોપયોગી કોઈ વિચાર સમાજમાં પ્રસરતો નથી. એનું પણ માર્કેટિંગ થવું જોઈએ.

આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવ‘ એ સૂત્ર પ્રચલિત છે. આંગણે આવેલા અતિથિને તું દેવ માન અર્થાત તેની આજ્ઞા તું પાળ- એવો બોધ એ સૂત્રમાં રહેલો છે. અતિથિનો અર્થ આપણે બહુ સીમિત કરી નાંખ્યો છે. આપણા સગાં સંબંધીઓ આપણે ત્યાં પધારે તેમનું દેવતુલ્ય સ્વાગત થવું જોઈએ એવો અર્થ આપણે પકડી બેઠા છીએ. તેઓ આપણા મહેમાન છે, અતિથિ નહિ! તો પછી જેને દેવ માનવાનો આદેશ ભારતીય સંસ્કૃતિએ આપ્યો છે તે અતિથિ કોણ? પ્રાચીન કાળમાં ઋષિઓના તપોવનમાં ભણવા ગયેલો યુવાન વ્યવસાયલક્ષી તથા જીવનલક્ષી વિદ્યા ભણીને સમાજ વચ્ચે આવતો હતો. ભણતી વખતે મગજમાં જેટલી વિદ્યા હોય છે તેટલી તે કાયમ ટકતી નથી. જીવનવ્યવહાર વચ્ચે છૂટ લેતાં લેતાં ઘણું બધું છૂટી જતું હોય છે. વિવાહ સંસ્કાર વખતે સપ્તપદીમાં આપેલા કોલ ભૂલી જવાય છે. નાની નાની વાત પર મન ઊંચા થઈ જાય છે. દામ્પત્યો કથળે છે. મિત્રો અને સંબંધીઓ વચ્ચેના સંબંધો બગડે છે, મન સંકુચિત થઈ જાય છે. બુદ્ધિમાં સ્વાર્થ ઘર કરી જાય છે. ત્યારે ઋષિઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરવા મોકલેલા બ્રાહ્મણો, ભિક્ષુકો કે સન્યાસીઓ ગૃહસ્થીના આંગણે આવીને ઊભા રહેતા. એમનો આવવાનો કોઈ દિવસ નક્કી નહિ તેથી તેઓ અતિથિ કહેવાતા. આ અતિથિઓને દેવ માનવાની આજ્ઞા આપણી સંસ્કૃતિએ કરી છે.

તેઓ અચાનક આપણે આંગણે આવીને ઊભા રહેતા તેથી આપણા જીવનની દુર્બળતાઓ પકડાઈ જતી.. પતિ અને પત્ની વચ્ચે અબોલા હોય કે મન ઊંચા થયેલા દેખાય તો અતિથિ તરીકે આવેલો બ્રાહ્મણ પૂછતો કે લગ્ન વખતે અગ્નિની સાક્ષીએ સમાજની હાજરી વચ્ચે લીધેલી પ્રતિજ્ઞા તું ભૂલી ગયો? પત્ની તો ઘરની લક્ષ્મી છે અને તેની તું અવગણના કરે છે? ઋષિના તપોવનમાં શાસ્ત્રમાં જે ભણેલો તે તું આટલું જલદી ભૂલી ગયો? મા બાપ તો ભગવાનનું રૂપ છે એમ તને શીખવવામાં આવેલું અને આજે તું મા બાપથી મુખ ફેરવી બેઠો? માણસ માત્રમાં ભગવાન આવીને બેઠો છે અને અંદર બેસીને તે સૌનું જીવન ચલાવે છે એમ શીખેલા તે પણ તને યાદ નથી? ઊંચ નીચના કે અન્ય કોઈ જાતના ભેદભાવ રાખીને તું જ્યારે બીજાની અવગણના કરે છે ત્યારે તને ખ્યાલ નથી આવતો કે એની અંદર રહેલો રામ તારા પર નારાજ થાય છે? ભગવાને તને બાળક આપીને બાળઉછેરની જવાબદારી સોંપી છે તે પણ તું ભૂલી ગયો? સરપ્રાઈઝ ચેકિંગમાં આ બધી બાબતો પકડાઈ જાય છે. બચાવ કરવાની કોઈ તક રહેતી નથી કારણ કે અપરાધ કરતા રંગે હાથ પકડાઈ જઈએ છીએ. જીવનને પતિત થતું અટકાવવા માટે અતિથિઓ મહત્વની ભૂમિકા ભજવતા. બગડેલા જીવનને પાટા પર લાવવાનું કામ તેઓ કરતા. તેમની આજ્ઞા પાળવાનું કે તેમને દેવ માનવા પાછળની તેમની આ ભૂમિકા રહેલી છે. એક રીતે જોતાં તેઓ ઈન્ટરનલ ઓડિટર જેવા છે, જેઓ આપણી ભૂલ શોધીને આપણને દેખાડે છે અને તે કઈ રીતે સુધારવી તેનું માર્ગદર્શન આપે છે.

સતત મળતી નિષ્ફળતાઓથી હતાશ થયેલા જીવો સમક્ષ આ લોકો જઈને કહેતા કે ‘અરે, આમ માથે હાથ દઈને શું કામ બેઠો છે? કામ કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કદી નિષ્ફળ જતું નથી. તારી જાત પર અને ઈશ્વર પર ભરોસો રાખ. કામ કરતો જા અને પરમ શક્તિને હાક મારતો જા. મદદ તૈયાર છે.‘ નિરાશ જીવનમાં આશાનો પ્રાણ સંચાર થતો. વિશ્વને ચલાવનાર શક્તિ મારી જોડે છે. હું એકલો નથી. આ સમજને કારણે માણસોને જીવવાનું બળ મળતું. લોકોની પાસે બેસીને તેમની સમસ્યાને સહાનુભૂતિપૂર્વક સમજીને તેને નક્કર માર્ગદર્શન આપતા એ ભિક્ષુક બ્રાહ્મણોને લોકો ભૂદેવ કહીને સન્માન આપતા. ભૂદેવ એટલે પૃથ્વી પરના દેવ. અસંસ્કારી જીવન જીવતા લોકોને તેઓ સંસ્કારી બનાવતા અને નિરુત્સાહી જીવનમાં ઉત્સાહ રેડતા.

‘ચરૈવેતિ ચરૈવેતિ‘ નો મંત્ર લઈને સમાજ વચ્ચે સતત ભ્રમણ કરતા સાધુ સન્યાસીઓનો એક વર્ગ આપણે ત્યાં સક્રિય ભૂમિકા જ્યાં સુધી બજાવતો રહ્યો ત્યાં સુધી સમાજ સ્વસ્થ રહી શક્યો. એ પ્રથા તૂટી અને સમાજનું પતન થવા માંડ્યું. આચાર્યોના ચાતુર્માસ પાછળ પણ આ જ ભાવના હતી. તેનાથી સમાજના સમસ્યાગ્રસ્ત લોકોને જીવનનું માર્ગદર્શન મળતું. જ્ઞાન કદી બંધિયાર ન બનવું જોઈએ. આપણી તીર્થયાત્રા પણ વહેતી જ્ઞાનસરિતા હતી અને કુંભમેળા પણ આખું વરસ ચાલે એટલા લાંબા જ્ઞાનસત્રો હતા.

ફાધર વાલેસનો એક પ્રેરણાદાયી પ્રયોગ ઉલ્લેખનીય છે. નિવૃત્ત થયા પછી તેઓ જુદી જુદી ઝૂંપડપટ્ટીમાં જઈને રહેતા. ગરીબ શ્રમજીવીના ઘરે ઓછામાં ઓછી જરૂરિયાતથી સાધુની જેમ રહેતા. તેમની દિનચર્યા અને જીવનવ્યવહારને પ્રત્યક્ષ નિહાળીને લોકો તેમને અનુસરતા. ફાધર લોકોની સમસ્યાથી પરિચિત થતા. તેમના સુખ દુ:ખ સમજતા. પ્રેમથી તેમને ઉચિત સમજણ આપતા.

 જયાં સુધી વિદ્વાનો, શ્રીમંતો, વિચારકો, સજ્જનો સમાજાભિમુખ નહિ બને, અને સામાન્ય લોકો સાથે સંપર્ક કે સંબંધ ઊભો નહિ કરે ત્યાં સુધી સમાજ સમસ્યાગ્રસ્ત જ રહેવાનો. હવે સમય પાકી ગયો છે કોસેટામાંથી બહાર નીકળવાનો.

3 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૧ (પરભુભાઈ મિસ્ત્રી)

 1. મા પરભુભાઈ મિસ્ત્રીનો મારી કલમ, મારા વિચારમા અતિથિ દેવો ભવ અભ્યાસુ લેખ.
  ‘આત્મહત્યા નું પ્રમાણ ખૂબ વધ્યું છે ‘તેમા જ્યારે બાળકોની આત્મહત્યા વિષે સાંભળીએ ત્યારે ખૂબ દુઃખ થાય છે તથા પીએચડી થનાર લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે…તેના કારણમા એક કારણ કોઇ પણ ૫-૧૦ લાખ ખર્ચે તો તેના લહીયા મળી રહે છે… અંગે પ્રેરણાદાયી ચિંતન
  જીવનોપયોગી કોઈ વિચાર સમાજમાં પ્રસરતો નથી. એનું પણ માર્કેટિંગ થવું જોઈએ.અતિથિ કોણ? પ્રાચીન કાળમાં ઋષિઓના તપોવનમાં ભણવા ગયેલો યુવાન વ્યવસાયલક્ષી તથા જીવનલક્ષી વિદ્યા ભણીને સમાજ વચ્ચે આવતો હતો.આ અતિથિઓને દેવ માનવાની આજ્ઞા આપણી સંસ્કૃતિએ કરી છે.વિચારણીય વાત અને જયાં સુધી વિદ્વાનો, શ્રીમંતો, વિચારકો, સજ્જનો સમાજાભિમુખ નહિ બને, અને સામાન્ય લોકો સાથે સંપર્ક કે સંબંધ ઊભો નહિ કરે ત્યાં સુધી સમાજ સમસ્યાગ્રસ્ત જ રહેવાનો. હવે સમય પાકી ગયો છે કોસેટામાંથી બહાર નીકળવાનો.
  સમાજ ઉજાગર કરતી વાત…
  હવે જરુર સમાજે આ વાત પર સત્વરે અમલ કરવાની

  Like

 2. TO DAY SELFISHNESS PRODUCE MORE & MORE ON PEOPLE’S MIND.THIS IS THE REASON .SHRI PRABHU BHAI IS RIGHT .THE TIME IS WAIT FOR CHANGES, BUT HOW START ? WHO BEGINING TO TEACH. MAJORITY PEOPLE SELFISF FOR THEIR SELF. EDUCATION TEACH THE LESION DURING SCHOOL OR COLLEGE TIME?

  Like

 3. ત્યારે ઋષિઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરવા મોકલેલા બ્રાહ્મણો, ભિક્ષુકો કે સન્યાસીઓ ગૃહસ્થીના આંગણે આવીને ઊભા રહેતા. એમનો આવવાનો કોઈ દિવસ નક્કી નહિ તેથી તેઓ અતિથિ કહેવાતા. આ અતિથિઓને દેવ માનવાની આજ્ઞા આપણી સંસ્કૃતિએ કરી છે Very nice thought ! And it makes sense .. there is a difference between a guest and an Atithi ..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s