તેરમા અધ્યાયમાં શરીરની વાત કરવામાં આવી છે. શરીરને એક ક્ષેત્ર એટલે કે ખેતર સાથે સરખાવવામાં આવ્યું છે. અહીં શરીર માટે ક્ષેત્ર (ખેતર) શબ્દ વાપરી, ગીતા એ એક Master stroke નો પરિચય કરાવ્યો છે. ખેતરમાં ઘણી બધી વસ્તુઓ ઊગે છે, એમ શરીરમાં (અને મનમાં) ઘણી બધી વસ્તુઓ ઊગે છે. પ્રેમ, ક્રોધ, ઇર્ષા, અભિમાન, તિરસ્કાર, રોગ અને બીજી કેટલીયે લાગણીઓ ગણાવી શકાય. ખેતરને સિંચનની જરૂર છે, તેમ આ ક્ષેત્રને પણ જ્ઞાનના સિંચનની જરૂર છે, આ સિંચન વગર સારો પાક મળે જ નહિં.
ખેતર હોય તો એનો કોઈ માલિક પણ હોય. સામાન્ય વાતચીતમાં આપણે કહીએ છીએ આ મારૂં શરીર છે. ગીતા તમને માલિક નહીં પણ લીઝ હોલ્ડર સમજે છે. શરીર વિશાળ સંખ્યાની કોશીકાઓનું બનેલું છે. આ ઓર્ગેનિક કોશીકાઓ અનેક તત્વોની બનેલી છે. આ તત્વોના અણુઓ શક્તિનું રૂપાંતર છે. (ફરી આઇન્સટાઈનની E=mC2). એટલે શરીરની માલીકી શક્તિની છે. ગીતામાં આ શક્તિને ઈશ્વર તરીકે ઓળખાવવામાં આવી છે.
ગીતાની શરૂઆતમાં બે શબ્દો વાપરવામાં આવ્યા છે, કુરૂક્ષેત્ર અને ધર્મક્ષેત્ર. આપણે મોટેભાગે જીવનભર સંઘર્ષ કરતા રહી, જીવનને કુરૂક્ષેત્ર બનાવી દઈયે છીયે. ગીતા કહે છે કે જીવન ધર્મક્ષેત્ર પણ બની શકે.
શરીરના વિકારો તરીકે ગીતા ઈન્દ્રીયોના, વાણીના, મનના અને બુધ્ધિના વિકારો ગણાવે છે. ઈચ્છા, ધિક્કાર, સુખ, દુખ, માન, અપમાન આ બધાં મનના વિકારો છે. ટુંકમાં બધી અઘટિત પ્રવૃતિઓને વિકારો તરીકે વર્ણવી છે.
આ અધ્યાયમાં ગીતાએ જ્ઞાની કોને કહેવાય એ પણ સમજાવ્યું છે. અભિમાની ન હોય, દંભી ન હોય, અસ્વચ્છ ન હોય, નિર્દય ન હોય, ઇન્દ્રીય સુખને જ સર્વોત્તમ ન માનતો હોય, કામ અને ક્રોધથી દૂર રહેનાર હોય, ધીરજવાળો હોય, ગુરૂને માન આપવાવાળો હોય, સમાજનો પ્રીતિપાત્ર હોય અને ભક્ત હોય એ જ્ઞાની છે.
અહીં ફરી એકવાર અનાશક્ત કોને કહેવાય એ વાત બેવડાવે છે. ગીતા પ્રમાણે કર્મ એટલે ફળની ઇચ્છા વગરનું અને ફળના ત્યાગની ભાવના વાળું કર્મ. સામાન્ય માણસ માટે આ અશક્ય નહિં તો અઘરૂં તો જરૂર છે. આ અધ્યાયમાં ફરી ઇશ્વર પ્રાપ્તિના ત્રણે રસ્તાની વાત પણ કરી છે. ગીતામાં એકની એક વાત વારંવાર શા માટે કરી છે, એ પણ મારી સમજણ શક્તિની બહાર છે. હું અહીં એ વાતો ફરી નથી કહેવાનો. મારો આશય ગીતામાંથી મને સમજાય એવું અને મારા જીવનમાં અપનાવી શકાય એવું જ શોધું છું.
અંતમાં ઈશ્વરની સરખામણી સૂર્ય સાથે કરતાં કહે છે કે સૂર્ય એક જ જગ્યાએ છે છતાં આખી દુનિયામાં પ્રકાશ પાથરે છે, એમ ઈશ્વર પણ સમગ્ર વિશ્વને ચલાવે છે.
(૧૪) ગુણત્રયવિભાગ યોગ
અધ્યાયની શરૂઆતમાં જ જ્ઞાનના મહત્વની યાદ અપાવીને ગીતા કહે છે કે જ્ઞાનથી ૠષિમુનિઓ પરમ સિધ્ધિને પામ્યા છે, અને મુક્તિ પામ્યા છે. અને પછી આ અધ્યાયના વિષય ઉપર આવે છે.
આ અધ્યાયનું નામ છે ગુણત્રયવિભાગ યોગ. ગીતા કહે છે કે પ્રત્યેક મનુષ્યની વાણી, વર્તન અને જીવનના પ્રત્યેક કર્મમાં સત્વ, રજશ અને તમસ, આ ત્રણ પ્રકારના ગુણ-અવગુણ જોવા મળે છે. આ ગુણોના મૂળમાં માણસની ઇન્દ્રીયો અને આસક્તિ જ કારણભૂત છે. સાત્વિકગુણ નિર્મળતાનું પ્રતિક છે. સાત્વિક માણસ ઉપદ્રવ રહિત અને જ્ઞાની છે. રાજસિકગુણના મૂળમાં આસક્તિ છે, ઇચ્છાઓ છે અને એ ઈન્દ્રી્યોની સુખપૂર્તિ માટે છે, પણ એમાં અમુક અંશે મર્યાદા છે. તામસિકગુણ અમર્યાદ છે. એમાં જ્ઞાનનો સદંતર અભાવ છે. એના મૂળમાં લોભ છે, મોહ છે, સારા કર્મનો અભાવ છે. એના ઉપર સંપૂર્ણપણે ઈન્દ્રિયોનું વર્ચસ્વ છે.
સત્વગુણ જ્ઞાનની દિશામાં લઈ જાય છે. એનાથી સુખ ઉપજે છે, રજોગુણથી કર્મમાં મન લાગે છે, ગૃહસ્થી જીવન જીવવા માટે ક્યારેક એ જરૂરી થઈ જાય છે. તમોગુણ કર્તવ્યવિમુખ બનાવી, વિનાશની દિશામાં લઈ જાય છે. પ્રત્યેક મનુષ્યમાં આ ત્રણે ગુણ છે. સવાલ કયા ગુણનું વર્ચસ્વ છે એનો છે. આજના સંદર્ભમાં જેનું સત્વગુણ, રજસ અને તમસ ઉપર અંકુશ રાખે છે એ સજ્જન પુરૂષ ગણાય છે. જેમાં રજસનું વર્ચસ્વ છે એ વ્યહવારૂ અને વેપારી ગણાય છે, અને જેના ઉપર તમસે સંપૂર્ણ કબ્જો જમાવી રાખ્યો છે એ દુર્જન છે.
સાત્વિક માણસને સારે માર્ગે ચાલવાની પ્રેરણા અંદરથી મળે છે. રાજસિક માણસ બુધ્ધિથી વિચારીને માર્ગ શોધવા પ્રયત્ન કરે છે. તામસિક માણસ રાહમાં ભટકી જાય છે.
જે સમયમાં ગીતા લખાઈ છે, એ સમયની વિચારધારા અનુસાર આ અધ્યાયમાં પણ આલોક અને પરલોકની વાતો છે. આ જન્મ અને આવતા જન્મોની વાતો છે, એની ચર્ચા મેં અહીં કરી નથી.
૨૨ મા શ્ર્લોકમાં અર્જુનના સવાલના જવાબમાં કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ત્રણેગુણોથી પર છે, જેનામાં આસક્તિ નથી, સુખ-દુખને સમાન ગણે છે, જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રત્યે પ્રેમભાવ રાખે છે, જે ધીરજવાળો છે, જેના માટે માન-અપમાન વચ્ચે કોઈ ફરક નથી, જેણે કર્મોનું વર્ગીકરણ રાખ્યું નથી એ ગુણાતીત છે. એને ગુણોના વિભાગમાં બાંધી શકાય નહિં.
ડૉ દાવડાજીની સરળ ભાષામા આ સાર ગમ્યો’જે મનુષ્ય ત્રણેગુણોથી પર છે, જેનામાં આસક્તિ નથી, સુખ-દુખને સમાન ગણે છે, જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રત્યે પ્રેમભાવ રાખે છે, જે ધીરજવાળો છે, જેના માટે માન-અપમાન વચ્ચે કોઈ ફરક નથી, જેણે કર્મોનું વર્ગીકરણ રાખ્યું નથી એ ગુણાતીત છે. એને ગુણોના વિભાગમાં બાંધી શકાય નહિં.
શ્રી દાવડાસાહેબના ગીતાના અભ્યાસ અને લખાણના અનુસંધાનમાં…
તમસ, રજસ, સત્વ
અગણિત ઈચ્છાઓ, માત એની મમતા,
અવિરત ક્લેષો, માત ‘હું’ અહંમતા.–
સુખ અને દુઃખ એક સાથ સાથ વસતાં,
અનેક વિધ આકારે સર્વ સમય ડસતાં.–
માયાની મોહજાળ મલકે માદકતા,
તમસ દ્વાર ખુલ્લું, આમંત્રે લોલુપતા.–
મધમીઠા સાકર સા સ્વાદથી રીઝવતા,
નશીલા સુંવાળા રજસ ભાવમાં વિષમતા.–
એક એક પગલે ઊંડા ઉતરતા,
બહાર કેમ નીકળું? ભારી વિહ્વળતા.–
કર્તવ્ય કર્મ ધર્મ સ્નેહમાં સફળતા,
રાજયોગ યમ નિયમ તપમાં નિયમિતતા.–
ચંદન-મન ઘસી ઘસી સુવાસિત સમતા,
જ્ઞાનધ્યાન, દાનપુણ્ય, વિકસે સાત્વિકતા.–
—- સરયૂ પરીખ
LikeLiked by 1 person
ડૉ દાવડાજીની સરળ ભાષામા આ સાર ગમ્યો’જે મનુષ્ય ત્રણેગુણોથી પર છે, જેનામાં આસક્તિ નથી, સુખ-દુખને સમાન ગણે છે, જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રત્યે પ્રેમભાવ રાખે છે, જે ધીરજવાળો છે, જેના માટે માન-અપમાન વચ્ચે કોઈ ફરક નથી, જેણે કર્મોનું વર્ગીકરણ રાખ્યું નથી એ ગુણાતીત છે. એને ગુણોના વિભાગમાં બાંધી શકાય નહિં.
LikeLike