બારમો અધ્યાય ભક્તિયોગ છે. ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા પછી, અર્જુનને સમજાઈ ગયું કે જીવન ઉપયોગી બધી વાતો સમજી લેવાનો એક અજોડ મોકો મળ્યો છે, એનો પુરેપુરો ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે doubting અર્જુનની જગ્યાએ જીજ્ઞાસુ અર્જુન, શિષ્ય ભાવે બધું સમજી લેવા, પ્રશ્નો પુછવાનું ચાલુ રાખે છે. બારમા અધ્યાયના પહેલા શ્ર્લોકમાં જ અર્જુન પૂછે છે,
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે,
યે ચાપ્યાક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમા.
નિરંતર તમારૂં ધ્યાન ધરતા ભક્તો તમને સગુણ સ્વરૂપે પૂજે છે, અને જે લોકો તમારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, એ બે માંથી શ્રેષ્ઠ યોગવેતા કોણ છે?
કૃષ્ણ બીજા શ્ર્લોકમાં જ એનો જવાબ આપી દે છે,
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે,
શ્રધ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તમા મતાઃ
જેઓ મનને એકાગ્ર કરી, નિરંતર ધ્યાન ધરી, શ્રધ્ધાથી મારી ઉપાસના કરે છે, એમને હું શ્રેષ્ઠ યોગવેત્તા માનું છું.
ગીતાના ૧૫ માં અધ્યાય પછી સર્વાધિક ચર્ચાતો અધ્યાય છે ૧૨ મો અધ્યાય. આ અધ્યાયમાં ભક્તિની સમજ આપવામાં આવી છે. એક જ લક્ષ્ય ઉપર પહોંચવાના અલગ અલગ રસ્તા હોઈ શકે, એવી જ રીતે જીવનમાં સુખ, શાંતિ અને આનંદ મેળવવા ભક્તિના અનેક પ્રકાર આપણાં ધર્મગ્રંથોમાં આપેલા છે. સર્વાધિક વર્ણવેલા પ્રકાર છે, ત્રિગુણ ભક્તિ, અને નવધા ભક્તિ. ત્રિગુણ ભક્તિના ત્રણ પ્રકાર છે સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિ, અને પરા ભક્તિ. પરા ભક્તિ એટલે પ્રેમલક્ષણા ભક્તિ. આનો સચોટ દાખલો ગોપીભાવ.
અહીં સગુણ અને નિર્ગુણ ભક્તિની વાત કરીએ એ પહેલા વિગતમાં ઉતર્યા વગર નવધા ભક્તિ ગણાવી દઉં. આ નવ પ્રકાર છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મૈત્રી(સખાભાવ), દાસ્ય અને આત્મનિવેદન.
ગીતા ફરી ફરી ઈશ્વરપ્રાપ્તિ માટે જ્ઞાન, કર્મ અને ભક્તિની વાતો કરે છે. નરસિંહ અને મીરાંએ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. ભક્તિ માટે શ્રધ્ધા જરૂરી છે. શ્રધ્ધા વગર ભક્તિ થઈ જ ન શકે, હા પૂજા વિધિ થઈ શકે. પૂજા કરવી અને ભક્તિ કરવી એ બે તદ્દન અલગ વસ્તુઓ છે. પૂજામાં શરીરનો વધારે ઉપયોગ થાય છે, ભક્તિમાં મનનો. મન અતિ ચંચળ છે. ઈન્દ્રીયોનો મન ઉપર કાબુ હોય ત્યાં સુધી ભક્તિ શક્ય નથી, ઈન્દ્રીયો ઉપર મનનો કાબુ આવી જાય ત્યારે ભક્તિની શરૂઆત શક્ય છે.
હવે મૂળ વાત ઉપર આવીએ. સગુણ ભક્તિ સારી કે નિર્ગુણ ભક્તિ સારી. તમારા મારા જેવા માણસો સગુણ-નિર્ગુણનો અર્થ સમજવાની માથાકુટમાં પડ્યા વગર સગુણથી શરૂકરી નિર્ગુણ ભક્તિમાં પહોંચી જાય છે. ગણપતિની મૂર્તિ ઘરમાં લાવી, દસ દિવસ એની સગુણ પૂજા કરી, દસમે દિવસે એને જળસમાધી આપી દઈએ છીએ, અને કહીએ છીએ, “બાપા હવે અમે તમને ઓળખીએ છીએ, તમારી મૂર્તિ વગર પણ અમે તમારી ભક્તિ બારેમાસ કરી શકવા સમર્થ છીએ.” અને આપણે બારેમાસ ગણપતીની ભક્તિ કરીએ પણ છીએ. નવરાત્રીમાં શક્તિના અલગ અલગ રૂપ જોઈ, દશમે દિવસે એને પણ પાણીમાં પધરાવી આવીએ છીએ. આપણે શક્તિને જાણી ગયા છીએ, એની મૂર્તિ વગર પણ આપણે માતાજીની ભક્તિ કરી શકીએ છીએ. બસ આ જ છે, સગુણ અને નિર્ગુણ ભક્તિની સહેલી વ્યાખ્યા. જપ, તપ, ભજન, કીર્તન, આ બધા નિર્ગુણ ભક્તિના પ્રકાર છે.
આ અધ્યાયમાં પણ ત્રણે Options આપવામાં આવ્યા છે. સારા કર્મ કર, અથવા સારૂં જ્ઞાન પ્રાપ્ત કર, અથવા કોઈપણ પ્રકારની ભક્તિ કર. આ અધ્યાયમાં ભક્તિ કરનારમાં કયા ક્યા ગુણ હોવા જોઈએ, એ પણ સમજાવ્યું છે. ત્યાગ, સંયમ, શ્રધ્ધા, રાગદ્વેશથી મુકત વગેરે વગેરે.
ગીતામાંથી જીવન જીવવાની કળા શોધી શકો તો ગીતા ઉપયોગી થાય, માત્ર રટણ કરવાથી કોઈ ફાયદો નથી.
સગુણ અને નિર્ગુણ ભક્તિની સરળ સમજ મળી, પ્રણામ સાહેબ.
LikeLiked by 1 person
સગુણ ભક્તિ સારી કે નિર્ગુણ ભક્તિ સારી. તમારા મારા જેવા માણસો સગુણ-નિર્ગુણનો અર્થ સમજવાની માથાકુટમાં પડ્યા વગર સગુણથી શરૂકરી નિર્ગુણ ભક્તિમાં પહોંચી જાય છે.
મા દાવડાજીએ સ રસ સાર સ્મજાવ્યો બાકી સાચી વાત ગીતામાંથી જીવન જીવવાની કળા શોધી શકો તો ગીતા ઉપયોગી થાય, માત્ર રટણ કરવાથી કોઈ ફાયદો નથી.
LikeLike