આ દંપતીએ ૧૨૮૧૩ બાળકોમાંથી ૮૦% બાળકોને મજૂરીમાંથી છોડાવી જીવનની નવી દિશા આપી.
“લોકો કહે છે ગરીબી છે એટલે બાળમજૂરી છે પરંતું અમે કહીએ છીએ કે બાળમજૂરી છે એટલે ગરીબી છે.“ આવું કહેનારા પારૂલબેન અને ફાલ્ગુનભાઈએ બાળમજૂરોની સમસ્યા સુલઝાવવાની તેમની અઢી દાયકાની યાત્રાના અનુભવના આધારે રજૂ કરેલો અર્થસભર સંદેશ હતો. પારૂલબેનના પપ્પા બાળમજૂર હતા. પરંતું કુંટુંબના સંસ્કારે તેઓએ મજૂરી કરતાં કરતાં શિક્ષણ મેળવ્યુંઅને બીજાબાર ભાઈ-બહેનોના જીવનની ગાડીને પાટે ચઢાવી. ભણ્યા ના હોત તો બધાજ મજૂરી કરતાં હોત !પારૂલબેને કહ્યું : “ બાળક પાસે ભણતર ના હોય, કૌશલ્ય ના હોય એટલે માત્ર મજૂર તરીકે શરીર તોડીને કામ કરવું પડે. શરીરને પડતો ઘસારો 7 – 8 વર્ષની ઉંમરે શરૂ થાય અને 35 – 40 વર્ષની ઉંમરે તો એ તન – મનથી થાકી જાય. અપૂરતુ પોષણ અને માંદગીઓ ઉમેરાય એટલે મૃત્યુ વહેલું આવે. બાળકોને ભણાવી ના શકે એટલે એમના બાળક પણ મજૂરી જ કરે અને આમ આખું વિષચક્ર ચાલ્યા કરે. “ફાલ્ગુનભાઈએ વાત ઉપાડી લેતાં કહ્યું : “સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા બાળકોના અધિકારના ખતપત્રનો સ્વીકાર 1989માં થયો અને આપણા દેશે 1992માં સ્વીકાર કર્યો. આપણે ત્યાં 14 વર્ષ સુધીના બાળકોને મફત શિક્ષણના અધિકારનો કાયદો 2009માં બન્યો.બાળકને શિક્ષણની સાથેરમવાનો, હરવા-ફરવાનો અને મનોરંજન દ્વારા પોતાના ઘડતર અને વિકાસનો અધિકાર છે. શોષણ સામે રક્ષણનો અધિકાર છે પરંતું આ બધાથી મોટા ભાગના બાળકો વંચિત રહે છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસના સમયે બાળકને મજૂરી કરવી પડે, ભેદભાવનો સામનો કરવો પડે. ક્રુરતા કે અધમ કાર્યોના ભોગ બનવું પડે તે અત્યંત શરમજનક ઘટનાછે. તમામ બાળકોને શોષણ સામે રક્ષણનો, ઘડતર અને વિકાસ માટે જ્ઞાન – માહિતી વિગેરે મેળવવાનો પણ અધિકાર છે.”
આટલા બધા અધિકારો હજી ત્રણેકદાયકા પહેલાં જ કાયદેસર રીતે સ્વીકારાયા પરંતું આજથી 25 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં આવું કાર્ય થતું ન હતુંત્યારે બાળમજૂરોના વિકાસ માટે આ દંપતીએ જીવન સમર્પિત કરી દીધું છે. હું આ દંપતીના ભૂતકાળમાં ડોકિયું કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે જીવનના બાર વર્ષ તેમણે સેવા રૂરલમાં કામ કરી સામાજિક કાર્યો કરવાની નીતિ, રીતી અને વ્યવહાર શીખ્યાં હતાં.તેમનું લક્ષ્ય બાળમજૂરના સર્વાંગી વિકાસનું હતું એટલે અભ્યાસ અને પરિસ્થિતિનું પૃથક્કરણ કર્યું. તેમણે સમજી લીધેલું કે બધા મેટ્રો સીટીઝમાં સ્ટ્રીટ ચિલ્ડ્રનનો પ્રોબ્લેમ છે પરંતું ગ્રામ્ય વિસ્તાર કે નાના શહેરોમાં બાળમજૂરી બહુ મોટી સમસ્યા છેતેથી આ ક્ષેત્રે ત્યાં કામ કરવાની વધુ જરૂર છે બધા જ પ્રકારના લોકોને મળ્યા પછી એમણે ભાવનગર શહેર પસંદ કર્યું. નાનું શહેર પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું ગ્લોબલાઈઝેશનના કારણે ગામડાં તૂટશે અને એ લોકો બાજુના નાના શહેરોમાં જ જશે. એમને વિચાર આવ્યો કે આવું એક શહેર તેમના કાર્ય માટે પસંદ કરી ત્યાંજ ખૂપી જવું એટલે એને જમૉડલ બનાવી બીજા નાના શહેરોમાં આ કાર્ય પ્રસરાવી શકાય.
વૈજ્ઞાનિક પધ્ધતિએ 1995માં સર્વે કર્યો જે દરમ્યાન એમણે નોંધ્યું કે આ વિસ્તારમાં 12813 બાળમજૂરો 116 પ્રકારના વ્યવસાયમાં 8 થી 15 કલાક કામ કરે છે. એ સાથે એમણે એ પણ જોયું કે આ બાળકો આટલા બધા કલાકો કામ કર્યા પછી રોજના રૂપિયા 10 થી રૂપિયા 100 સુધી કમાઈ શકે છે અને સરેરાશ મહિને રૂપિયા 500ની આવક છે.સામાન્ય માન્યતા હતી કે બાળમજૂરી કરતા બાળકથી ઘર ચાલે છે પરંતું એ માન્યતાને એમના અભ્યાસે ખોટી પાડી. આ અભ્યાસથી એમણે જોયું કે આટલી આવકથી ઘર ચાલે જ નહીં પરંતું બાળક શોષિત થાય અને શિક્ષણ અને વિકાસથી વંચિત રહે.
બીજું એમણે શોધી કાઢ્યું કે 68% બાળકો ભણતા જ ન હતા અને બાકીના જે ભણતાં હતાં તેમાંથી ધો.7 પહેલા 79%ડ્રોપઆઉટહતાં!આવું શા માટે થાય છે એનો વિચાર આવતાં એમણે અનુભવ્યું કે મા-બાપને બાળકો સ્કૂલમાં મોકલવા અધરાં હતાં પરંતું મજૂરીએ મોકલવા સહેલાં હતા. કારણ ?તો જાણવા મળ્યું કે સ્કૂલ માટે ઘરના અને બીજા પુરાવાનો અભાવ, રોજી છોડી ધક્કા ખાવા, પાંચ ધોરણ પછી પણ લખતાં – વાંચતાં ના શીખે તો એના કરતાં મજૂરી શું ખોટી એવી માન્યતા. એમના સર્વેમાં, એ પણ બહાર આવ્યું કે આજનું શિક્ષણ મધ્યમવર્ગીય લોકો માટે છે અને આ બાળક એમાં ભળી શકતો નથી એટલે ડ્રોપ આઉટ થાય છે. પારૂલબેને કહ્યું : “ ખરેખર તો એ ડ્રોપ આઉટ નથી,પણ આપણેજ એને પુશ આઉટકરીએ છીએ. ૩૨૦૦૦ પ્રાયમરી સ્કૂલો સામે ૮૦૦૦ માધ્યમિક શાળાઓ છે એટલે બાળકો જાય પણ ક્યાં?” મેં અધવચ્ચેથી રોકી પૂછી લીધું. “ તમે પ્રશ્નો તો સમજ્યા પરંતું એના ઉકેલ માટે એવું તે શું કરી શક્યા છો કે જેને કારણે તમે આટલાં વર્ષો અવિરતપણે કાર્ય કરી રહ્યાં છો?” પારૂલબેને ભૂતકાળમાં ડોકીયું કરતાં કહ્યું : “1996માંઅમે કુંભારવાડામાં સામુહિક શિક્ષણ કેન્દ્ર, બાલઘરના નામે શરૂ કર્યું. બાળકોને પ્રવૃત્તિ દ્વારા, રમતાં રમતાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું તેના પરિણામો આનંદદાયક હતાં. અમે ૭૮ બાળકોને શાળામાં મૂકાવી શક્યા. પરંતું અમને ખબર હતી કે આ પૂરતું નથી જ એટલે અમે મલ્ટીપરપઝ મોબાઈલસ્કૂલ શરૂ કરી. મોટી વાનમાં લેબોરેટરીથી લાયબ્રેરી લઈને જુદા જુદા વિસ્તારોમાં જવા માંડ્યું. બધું જ શિક્ષણ ઘર પાસેની શાળામાં મળે. પ્રત્યેક વિષય લોકભોગ્ય રીતે, ચાર્ટસ, રમત-ગમત, પ્રવૃત્તિ, ક્વીઝ દ્વારા જ મળે. વિશ્વના ઈતિહાસના બદલે ગામનો ઈતિહાસ, ભારતના નકશા ઉપર પાસા નાંખી રાજ્યો – વસ્તી – કલ્ચરની સમજ, સાપસીડીની રમતથી આરોગ્ય, પાણીની અગત્યતા, વાતાવરણ જેવા વિષયોમાં જ્ઞાન પીરસ્યું. સન બે હજારથી લઈ આજ સુધી દોઢ – બે લાખ બાળકો સુધી અમે પહોંચ્યા છીએ જેમાં ૩૬સ્કૂલોમાં થઈ દર અઠવાડિયે ૧૮૦૦૦ બાળકો લાભ લે તેવું આયોજન કર્યું. ખાનગીસ્કૂલોના બાળકો અને સરકારી સ્કૂલનાઆ બાળકો વચ્ચે સંવાદસેતુ રચી તેમની વચ્ચે સમાનતા કેળવવાની અવિરત ઝુંબેશ સફળતાથી સતત 12 વર્ષ ચલાવી રહ્યાં છીએ.
બાળકો સાથેનું કામતો 94 – 95 થી શરૂ કર્યું હતું. પરંતું વિધિવત રીતે ૨૦૦૩માં વિવિધ વિસ્તારોમાં બાલસેના સ્થાપી કાર્યમાં બાળકોની સહભાગિતા અને નેતૃત્વ – એ વિચારને મૂર્તિમંત કર્યો છે. બાલસેના એમના જ વિસ્તારમાં સ્થપાય એટલે બાળકો નિયમિત મળે, પરિચય અને મૈત્રી કેળવે, નેતૃત્વ શીખે, જીવન કૌશલ્ય પામે, ઉપરાંત તેઓને જીવન શિક્ષણની તાલીમ, બાળકીઓ માટે સ્વરક્ષણની તાલીમ પણ અહીં મળે.“ હજી મને લાગતું હતું કે બાળમજૂરી ઘટાડવાના કાર્યનું પરિણામ શું આવ્યું એ માહિતી નથી ત્યાં જ ફાલ્ગુનભાઈએ કહ્યું : “ અમારો મૂળ ઉદ્દેશ્ય મૂર્તિમંત થયો છે અને અમે ૮૦% બાળકોને બાળમજૂરીથી રોકી શક્યા છીએ. આનાથી એક સ્પષ્ટ સંદેશો પ્રસર્યો છે કે બાળમજૂરીને બદલે બાળકોને ભણાવો. તદ્દઉપરાંત અમે બાળકોમાં આત્મવિશ્વાસ ઊભો કરી તેમના હક્કો માટે જાગૃત કર્યા છે. દા.ત. શેરીની લાઈટ બંધ હોય તો બાળકો જ ફોન કરી લાઈટ ચાલુ કરાવે. અમારી બાલસેના એ પોઝીટીવ મુવમેન્ટ છે જેમાં બાળકો બધું જ કૌશલ્ય પ્રાપ્ત કરી ગર્વભેર જીવી શકે છે. ઘણાં બધાં બાળકો ગ્રેજ્યુએટ જ નહીં પોસ્ટગ્રેજ્યુએટ થઈ સ્વનિર્ભર બન્યા છે. અમારી એક સ્ટાફ રીના રંગકામ કરતાં બાપના સામે જીદ કરી ભણી – પહેલાં મોબાઈલ સ્કૂલમાં, પછી બાલસેનામાં જોડાઈ અને જાતે ખર્ચ કાઢી છેક ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક સુધી ભણી છેવટે અમારી જ સંસ્થામાં કાર્યકર બની. આજે એ બીજા બાળકો માટે પ્રેરણારૂપ બની રહી છે. આવા તો સેંકડો બાળકોની જિંદગી બદલાયાની જાણ થતાં અમને જીવનની ધન્યતા અનુભવાય છે.“‘શૈશવ‘સંસ્થાને બાળમજૂરી અટકાવવાનું ભગીરથ કાર્ય કરવા સક્ષમબનાવનાર આ દંપતીને અશોકા ફેલોશીપ મળી છે તથા પારૂલબેન ફૂલ-બ્રાઇટ હમ્ફી ફેલો છે.
તૈયાર થયેલા અને યૌવનને ઉંબરે ટકોરા મારતા યુવાનો માટે તરૂણસેના સ્થપાઈ છે. આ દંપતી પોતાના અનુભવોથી બાળકો માટે સંશોધનો કરી નવું સાહિત્ય બનાવે છે, હેલ્થ હેઝાર્ડ, બાળ અધિકાર ઓડીટ, ચાઈલ્ડ ફ્રેન્ડલી કોમ્યુનીટી ઓડીટ, ચાઈલ્ડ સેફ્ટી સ્ટડી જેવા વિષયો ઉપર અભ્યાસ પેપરો તૈયાર કર્યા છે. પારૂલબેને સરસ વાત કરી : “અઢી દાયકામાં એ સત્ય સમજાયું કે કસ્તુરી તો આપણી અંદર જ છે એના માટે ક્યાંય દોડવાની જરૂર નથી. પ્રશ્નોની શરૂઆત પણ બાળકોથી થાય અને ઉત્તર પણ ત્યાંથી જ મળે એટલે બાળકથી જ અને બાળક માટે જ કામ કરવું એ અમારા કેન્દ્ર સ્થાને છે.“
આ દંપતી વાતનું સમાપન કરતાં બોલી ઊઠ્યું : “ જો ફરીથી જીવન મળે તો અગર આખી જિંદગી પાછી જીવવાની હોય તો માત્ર આ જ કાર્ય કરવું છે.“
નોબલ પુરસ્કાર સન્માનિત વીંગારી મુધા મથાઈ નું વાક્ય યાદ આવી ગયું. આપણાં બાળકોને દુનિયાની સુંદરતા અને વિસ્મય પાછા આપવા તે પડકાર છે. આ પડકારને ઝીલી લઈ બાળકોને તે પરત કરતા આ દંપતિને મળી હું ધન્યતા અનુભવતાં અનુભવતાં તેમની આંખોનો ઉલ્લાસ માણી રહ્યો હતો.
2 thoughts on “સમાજસેવા – વ્યક્તિગત અને સંસ્થાકીય – ૧૩ (ડો. ભરત ભગત)- અંતીમ”
‘આપણાં બાળકોને દુનિયાની સુંદરતા અને વિસ્મય પાછા આપવા તે પડકાર છે. આ પડકારને ઝીલી લઈ બાળકોને તે પરત કરતા આ દંપતિને … ‘અનેકાનેક ધન્યવાદ અને પ્રેરણાદાયક પ્રવૃતિ માટે વંદન
‘આપણાં બાળકોને દુનિયાની સુંદરતા અને વિસ્મય પાછા આપવા તે પડકાર છે. આ પડકારને ઝીલી લઈ બાળકોને તે પરત કરતા આ દંપતિને … ‘અનેકાનેક ધન્યવાદ અને પ્રેરણાદાયક પ્રવૃતિ માટે વંદન
LikeLike
KILL YOUR TIME , GIVEN TIME FOR WORLD BAL MAJUR PROGRESS & THEIR LIFE PROSPECT. WHAT BEAUTIFUL COUPLE. CONGRATULATION GOD BLESS YOU’
LikeLiked by 1 person