ભાષાને શું વળગે ભૂર – ૨૫ (બાબુ સુથાર)


ક્રિયાપદો: વિશેષણ તરીકે

જેમ નામ તરીકે વપરાય એમ ક્રિયાપદો વિશેષણની તરીકે પણ વપરાતાં હોય છે. જો કે, આ ક્રિયાપદો, આપણે આગળ જોયું છે એમ, infinitive સાથે નથી વપરાતાં. એની જગ્યાએ કેટલાક કાળ/અવસ્થા/વૃત્તિસૂચક પ્રત્યયો વપરાતા હોય છે.

તમે ગુજરાતી વ્યાકરણ પરનું કોઈ પણ પુસ્તક લો તો એમાં તમને વિશેષણ તરીકે વપરાતાં ક્રિયાપદની વાત જોવા મખશે. એમાં ક્રિયાપદમાંથી બનાવવામાં આવેલાં  બે પ્રકારનાં વિશેષણોની (હવે પછી  કૃદંતોની) વાત તમને જોવા મળશે: (૧) વર્તમાન કૃંદત અને (૨) ભૂતકૃદંત.

          વર્તમાન કૃદંત વિશેષણોમાં infinitiveની જગ્યાએ -ત્- પ્રત્યય વપરાતો હોય છે. જેમ કે:

(૧) દોડતો છોકરો

(૨) દોડતા છોકરાઓ

(૩) દોડતી છોકરીઓ

(૪) દોડતી છોકરીઓ

(૫) દોડતું છોકરું

(૬) દોડતાં છોકરાં

અહીં ‘દોડતો’, ‘દોડતા’, ‘દોડતી’, ‘દોડતું’ અને ‘દોડતાં’ વિશેષણ તરીકે કામ કરે છે.

          આપણાં વ્યાકરણનાં પુસ્તકો આ -ત્-ને વર્તમાનકાળના પ્રત્યય તરીકે જુએ છે જે આમ જુઓ તો બરાબર નથી. કેમ કે, આ -ત્- કાળ નહીં, અવસ્થા પ્રગટ કરતો હોય છે. એ ક્રિયા ચાલુ હોવાનું અથવા તો ક્રિયા પૂર્ણ ન થઈ હોવાનું સૂચન કરતો હોય છે. એથી આપણે આવાં કૃંદતોને વર્તમાન કૃંદત તરીકે ઓળખાવવાને બદલે અપૂર્ણતાવાચક અથવા તો ચાલુ કૃંદત તરીકે ઓળખાવવાં જોઈએ. આ વિશેષણો, આપણે જોઈએ છીએ એમ, વિકારી વિશેષણો જેવું વર્તન કરતાં હોય છે. અર્થાત્, એ વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે લિંગ અને વચન લેતાં હોય છે.

આ પુસ્તકો ભૂતકૃંદત વિશેષણોને બે ભાગમાં વહેંચે છે: સાદાં ભૂતકૃંદત અને પરોક્ષ ભૂતકૃંદત. આમાંના પહેલા પ્રકારનાં ભૂતકૃદંતોમાં સાદા ભૂતકાળનો -ય્- પ્રત્યય વપરાતો હોય છે જ્યારે બીજા પ્રકારનાં ભૂતકૃદંતોમાં પરોક્ષ ભૂતકાળનો -એલ્- પ્રત્યય વપરાતો હોય છે. આ વિશેષણો પણ વિકારી હોય છે અને નીચે (અ) અને (બ)માં આપેલાં ઉદાહરણો બતાવે છે એમ વિશેષ્યનાં લિંગ અને વચન લેતાં હોય છે. જો કે, પહેલા પ્રકારનાં, એટલે કે સાદાં ભૂતકૃંદત, ગુજરાતીમાં પ્રમાણમાં ઓછાં વપરાય છે.

(અ)

(૧) રાંધ્યું ધાન

(૨) રાંધ્યાં ધાન

(બ)

(૧) કાપેલો કાગળ

(૨) કાપેલા કાગળ

(૩) છાપેલી કંકોતરી

(૪) છાપેલી કંકોતરીઓ

(૫) ભસતું કૂતરું

(૬) ભસતાં કૂતરાં

આપણાં મોટા ભાગનાં વ્યાકરણનાં પુસ્તકો ભવિષ્ય કૃદંતની વાત પણ કરે છે. પણ, શું ગુજરાતીમાં ખરેખર એવાં કૃંદત છે ખરાં એવો એક પ્રશ્ન થાય. કેમ કે, આ પ્રકારનાં વિશેષણોમાં કાળ/અવસ્થા/વૃત્તિવાચક પ્રત્યયોને બદલે agentive -નાર્- પ્રત્યય વપરાતો હોય છે. જેમ કે:

(૧) દોડનારો છોકરો

(૨) દોડનારા છોકરા

(૩) દોડનારી છોકરીઓ

(૪) છોડનારી છોકરીઓ

(૫) દોડનારું છોકરું

(૬) દોડનારાં છોકરાં.

આ પ્રકારનાં વિશેષણો મોટે ભાગે ભવિષ્યમાં બનનારી ઘટનાનું સૂચન કરતાં હોય છે પણ એ અર્થ માત્રના આધારે એમને ભવિષ્ય કૃદંત કહી શકાય કે કેમ એ એક પ્રશ્ન છે. હું માનું છું કે આ પ્રકારનાં વિશેષણો માટે આપણે કોઈક અલગ વર્ણનાત્મક સંજ્ઞા શોધવી જોઈએ. આપણે કદાચ એમને ‘કર્તાવાચક વિશેષણો’ કે એવું કંઈક કહી શકીએ.

          આ પ્રકારનાં, વિશેષણો, હકીકતમાં તો અનેક સૈદ્ધાન્તિક પ્રશ્નો ઊભા કરે છે. આપણે એ બધા પ્રશ્નોની ચર્ચા અહીં નહીં કરીએ. પણ એમાંના થોડાક પ્રશ્નોનો ઉલ્લેખ ચોક્કસ કરીશું.

સૌ પહેલો પ્રશ્ન તો એ છે કે ક્રિયાપદોનો વિશેષણ તરીકે ઉપયોગ કરવા માટે આપણે કયા પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરીએ છીએ? આપણે કાળ/અવસ્થા/વૃત્તિનો ઉલ્લેખ કર્યો. પણ, આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્તમાનકાળ (‘હું દોડું છું’) અને ભવિષ્યકાળની (જેમકે, ‘હું દોડીશ’) કાળ/અવસ્થા/વૃત્તિની વ્યવસ્થા અહીં વપરાતી નથી. એનું પણ એક કારણ છે. આપણે આગળ જોયું છે એમ ગુજરાતીમાં બે પ્રકારનાં વિશેષણો છે: વિકારી અને અવિકારી. અને એમાંનાં વિકારી વિશેષણોનાં લિંગ અને વચન વિશેષ્યનાં લિંગ અને વચન પ્રમાણે બદલાતાં હોય છે. પણ, જેમ નામ અને સર્વનામ પુરુષવ્યવસ્થામાં ભાગ લે છે એમ વિશેષણો પુરુષવ્યવસ્થામાં ભાગ લેતાં નથી. એટલે કે વિકારી વિશેષણો લિંગ અને વચન પ્રમાણે બદલાય પણ પુરુષ પ્રમાણે ન બદલાય. ગુજરાતીમાં કેવળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જ ક્રિયાપદો પુરુષ પ્રમાણે અલગ અલગ પ્રત્યયો લેતાં હોય છે. એ નિયંત્રણને કારણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળ દર્શાવતી પ્રત્યય વ્યવસ્થા કૃદંત બનાવવામાં વપરાતી નથી. આ એક ખૂબ જ રસ પડે એવું નિરીક્ષણ છે પણ કમનસીબે આ પહેલાં આપણા કોઈ ભાષાશાસ્ત્રીએ એ નોંધ્યું નથી.

એનો અર્થ એ થયો કે આપણે વર્તમાનકાળની એક એક પેટાવ્યવસ્થાનો જ કૃંદત બનાવવામાં ઉપયોગ કરીએ છીએ પણ એ સાચેસાચ વર્તમાનકાળનો નિર્દેશ કરતી નથી. આ વાત સમજવા ‘દોડતો છોકરો’ જેવાં ઉદાહરણો લો. એમાં આવતા ‘દોડતો’ વિશેષણને આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખાવીએ છીએ પણ એમાં આવતો -ત્- વર્તમાનનું નહીં, ક્રિયા ચાલુ હોવાનું સૂચન કરે છે.

આજ વાત ચાલુ ભૂતકાળને પણ લાગુ પડે. દાખલા તરીકે, ‘છોકરો દોડતો હતો’ જેવું વાક્ય લો. એમાં આવતો -ત્- ક્રિયા ભૂતકાળમાં ચાલુ હોવાનો નિર્દેશ કરે છે. જ્યારે આપણે કહીએ કે ‘તમે આવ્યા ત્યારે હું ઉંઘતો હતો’ ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે તમે આવ્યા એ પહેલાં મેં ઊંઘવાનું શરૂ કરેલું અને તમે આવ્યા ત્યારે પણ મારું ઊંઘવાનું ચાલુ હતું. એમ હોવાથી આ પ્રકારનાં કૃદંતોને વર્તમાન કૃદંત તરીકે ઓળખવાને બદલે આપણે ‘અપૂર્ણ કૃદંત’ કે ‘ચાલુ કૃદંત’ તરીકે ઓળખવાં જોઈએ.

આવો જ મુદ્દો આપણે ભૂતકૃંદતના સંદર્ભમાં પણ ઊભો કરી શકીએ. એ માટે ‘રાંધ્યાં ધાન’ અને ‘રાંધેલું ધાન’ ઉદાહરણો લો. ‘રાંધ્યાં’ અને ‘રાંધેલું’ બન્ને ભૂતકાળનાં સ્વરૂપો છે તો સાથોસાથ એમાં વપરાયેલા -ય્- અને -એલ્- ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ સૂચન કરે છે. એમ હોવાથી આપણે આ પ્રકારનાં કૃદંતને ‘ભૂતકૃદંત’ કહેવાને બદલે ‘પૂર્ણ અવસ્થાવાચક વાચક કૃંદત’ કહી શકીએ ખરા? એટલું જ નહીં, આ બન્ને પ્રકારનાં, એટલે કે અપૂર્ણ અને પૂર્ણ-ના આધારે આપણે એવું કહી શકીએ ખરા કે આ પ્રકારનાં વિશેષણો કાળને નહીં પણ અવસ્થાને ધ્યાનમાં રાખતાં હોય છે?

એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. દાખલા તરીકે, આપણાં મોટા ભાગનાં વ્યાકરણનાં પુસ્તકો એવું કહે છે કે ‘દોડતો છોકરો’, ‘શેકેલી મગફળી’, ‘રાંધ્યું ધાન’ જેવાં ઉદાહરણોમાં ‘દોડતો’, ‘શેકેલી’ અને ‘રાંધ્યું’ જેવાં ક્રિયાપદો વિશેષણ તરીકે કામ કરે છે. પણ, એ પુસ્તકો એક વાત નથી કરતાં અને તે એ કે આવાં ક્રિયાપદો વિશેષણની જગ્યાએ વપરાય ત્યારે જ વિશેષણ બને. એ સિવાય નહીં. એનો અર્થ એ થયો કે આ ક્રિયાપદોનું રૂપતંત્ર જ નહીં, એમનું વાક્યતંત્ર અથવા તો વ્યાકરણ પણ આપણે ધ્યાનમાં લેવું પડે.

          છેલ્લે, એક એવો પ્રશ્ન પણ થાય કે આ પ્રકારનાં વિશેષણો અને નિયમિત વિશેષણો વચ્ચે કોઈ ભેદ કે સામ્ય છે ખરું? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે સૌ પહેલાં તો એમના વ્યાકરણમૂલક વર્તનની પ્રત્યક્ષ તપાસ કરવી પડે. દાખલા તરીકે આપણે ‘પેલો છોકરો દોડતો છે’ અને ‘પેલી મગફળી શેકેલી છે’ એમ કહી શકીએ પણ ‘પેલું ધાન રાંધ્યું છે’ એમ નહીં કહીએ અને જો કહીએ તો પણ કદાચ ‘રાંધ્યું’ વિશેષણનો ભાવ વ્યક્ત નહીં કરે. એનો અર્થ એ થયો કે ‘રાંધ્યું’ જેવાં વિશેષણો વિધેયમાં (predicateમાં) ન વાપરી શકીએ. એ જ રીતે, આપણે બે વિશેષણોને ‘અને’ વડે જોડી શકીએ. જેમ કે, ‘લીલું અને ઊંચુ ઘાસ’. પણ, ‘પેલો ઊંચો અને દોડતો છોકરો’ જેવાં પદો વિચાર માગી લે. પણ ‘પેલી તાજી અને શેકેલી મગફળી’ જેવાં પદોમાં એવી તકલીફ ઓછી પડે. બરાબર એમ જ ‘પેલું તાજું અને રાંધ્યું ધાન’ જેવાં પદો પણ પ્રશ્નો ઊભા કરે. એની સામે છેડે, ‘પેલો દોડતો અને હાંફતો છોકરો’માં કોઈ મુશ્કેલી ન પડે પણ, ‘પેલો હાંફતો અને દોડેલો છોકરો’ ભાગ્યે જ કોઈને સ્વીકાર્ય લાગશે.

          સાવ સરળ લાગતાં આ કૃંદતો હકીકતમાં તો ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આ વિષય પર પણ કામ કરશે. જો કે, હજી આ કૃદંતકુમારનાં પરાક્રમોની વાત પૂરી થઈ નથી. હવે પછીના લેખમાં એમના ક્રિયાવિશષણ તરીકે ભજવાતા ખેલની વાત કરીશું. જો કે, એ વાત ક્રિયાવિશેષણ પરના વિભાગમાં કરવી જોઈએ. પણ, જ્યારે આપણે ક્રિયાવિશેષણોની વાત કરીશું ત્યારની વાત ત્યારે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૨૫ (બાબુ સુથાર)

  1. અમે તો શીખ્યા તે પ્રમાણે નામ સિવાયના ભાષાના કોઈપણ ભાગના અર્થમાં વધારો કરે કે તેમાં ફેરફાર કરે તે શબ્દને ક્રિયાવિશેષણ કહેવામાં આવે છે. (નામમાં ફેરફાર કરે તેને સામાન્ય રીતે વિશેષણ અથવા તો ડિટરમીનર (નિર્ધારક) કહે છે). ક્રિયાવિશેષણ ક્રિયાપદો, વિશેષણો (આંકડા સહિત), ઊપવાકયો, વાકયો અને અન્ય ક્રિયાવિશેષણોમાં ફેરફાર કરી શકે છે.’સાવ સરળ લાગતાં આ કૃંદતો હકીકતમાં તો ઘણા પ્રશ્નો ઊભા કરે છે.’ ની રસિક વાત અને ક્રિયાવિશેષણ વાતની રાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s