ભાષાને શું વળગે ભૂર – ૨૪ (બાબુ સુથાર)


ગુજરાતીમાં ક્રિયાર્થક સંજ્ઞાઓ

આપણે આગળ જોયું એમ ક્રિયાપદો ક્યારેક infinitive સાથે પણ વપરાતાં હોય છે. જેમ કે:

(૧) મીનાનું આવવું મને ન ગમ્યું.

(૨) મારે આ પુસ્તક વાંચવાનું છે.

(૩) તમે રમવા (માટે) આવશો?

(૪) મીનાએ હવે ઘેર જવું જોઈએ.

ઉપરનાં વાક્યોમાં ‘આવવું’, ‘વાંચવાનું’, ‘રમવા’ અને ‘જવું’ ક્રિયાપદો infinitive ‘-વ્-ઉં’ સાથે વપરાયાં છે. જો કે, આપણે ધ્યાનથી જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આમાંનાં પહેલાં ત્રણ વાક્યોમાં આ ક્રિયાપદો સંજ્ઞાની જેમ, અર્તાત્ નામની જેમ વપરાયાં છે જ્યારે ચોથા વાક્યમાં ક્રિયાપદ એ રીતે નથી વપરાયું.

ભાષાશાસ્ત્રીઓ આમાંનાં પહેલા ત્રણ પ્રકારનાં વાક્યોમાં આવતાં ‘આવવું’, ‘વાંચવાનું’ અને ‘રમવા’ જેવાં ક્રિયાપદોને ક્રિયાર્થક સંજ્ઞા (gerund) તરીકે ઓળખાવે છે. જો કે, કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારનાં ક્રિયાપદોને ક્રિયાપદમૂલક નામ (nominal noun) તરીકે પણ ઓળખાવે છે. આ પ્રકારનાં નામો કઈ રીતે રચાય છે. એની પાછળ કયા પ્રકારના નિયમો કામ કરે છે અને એ નિયમો ભાષાના સામાન્ય સિદ્ધાન્તો સાથે કઈ રીતે જોડાયેલા છે જેવા પ્રશ્નો પણ, ખાસ કરીને જનરેટીવ વ્યાકરણની પરંપરામાં, ખૂબ જ સંશોધન થયું છે. કહેવાય છે કે આ નામોનો પોતાના સિદ્ધાન્તમાં સમાવેશ કરવા માટે ચોમ્સકી અને એમના અનુયાયીઓએ પણ ભાષાના મૂળ સિદ્ધાન્તો બદલવા પડેલા. જો કે, આપણે એમણે આ પ્રકારનાં નામોની કઈ રીતે ચર્ચા કરી છે એની ચર્ચામાં નહીં જઈએ. કેમ કે, આપણો મૂળ આશય ગુજરાતી ભાષામાં આવતા શબ્દો કઈ રીતે વ્યાકરણમૂલક કોટિઓમાં વહેંચાયેલા છે એ જ જોવા પૂરતો મર્યાદિત છે.

          આપણે નામ પરની ચર્ચામાં જોયું કે ગુજરાતી નામો લિંગ, વચન અને વિભક્તિ પ્રમાણે વહેંચાયેલાં છે. એટલે કે કોઈ પણ ગુજરાતી નામ હોય, એ કાં તો એકવચન હોય કાં તો બહુવચન હોય; એ કાં તો પુલ્લિંગ હોય, કાં તો સ્ત્રીલિંગ હોય, કાં તો નપુસંકલિંગ હોય. અને એ નામ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે એને વિભક્તિના પ્રત્યય લાગે. આપણા માટે અહીં જે પ્રશ્ન છે તે એ કે ઉપર જે ક્રિયાર્થક નામો (‘આવવું’, ‘વાંચવાનું’ અને ‘રમવા’) વપરાયાં છે એ નામોને લિંગ, વચન અને વિભક્તની વ્યવસ્થા સાથે કયા પ્રકારનો સંબંધ છે. અને એ સંબંધના આધારે આપણે આ પ્રકારનાં નામોને કઈ રીતે સમજી શકીએ.

દા.ત. ઉપર આપેલાં વાક્યોમાંનું પહેલું વાક્ય લો: ‘મીનાનું આવવું મને ન ગમ્યું’. આ પ્રકારનાં વાક્યોમાં ‘આવવું’ હંમેશાં એકવચનમાં જ હોય છે. આપણે ‘મીનાનાં આવવાં’ ન કહી શકીએ. જો કે, ‘મારે પુસ્તક વાંચવાનું છે’ જેવાં વાક્યોમાં ‘વાંચવાનું’નું બહુવચન આપણે કરી શકીએ અને કહી શકીએ કે ‘મારે પુસ્તકો વાંચવાનાં છે’. એ જ રીતે, ત્રીજા વાક્યમાં આવતા ‘રમવા’નું પણ પણ ક્યારેય બહુવચન નહીં થાય. એનો અર્થ એ થયો કે આ પ્રકારનાં, એટલે કે ક્રિયાપદમાંથી બનાવવામાં આવેલાં નામોનું વર્તન મૂળ નામો કરતાં ક્યાંક ક્યાંક જુદું પડે છે.

          એ જ રીતે હવે લિંગવ્યવસ્થા વિશે વિચારો. ‘મીનાનું આવવું મને ન ગમ્યું’ જેવાં વાક્યોમાં ‘આવવું’ હંમેશાં નાન્યતર જ રહેશે. આપણે ‘મીનાની દાળ ખાવી મને ન ગમ્યું’ જેવું વાક્ય નહીં બોલીએ. જો કે, ‘મારે પુસ્તકો વાંચવાનાં છે’ જેવાં વાક્યોને બદલે આપણે ‘મારે કવિતા વાંચવાની છે’ એવાં વાક્યો બોલી શકીએ ખરા. એનો અર્થ એ થયો કે લિંગવ્યવસ્થાની બાબતમાં પણ ક્રિયાર્થક નામો બીજાં નામો કરતાં જરા જુદું વર્તન કરતાં હોય છે.

          આ જ રીતે આપણે વિભક્તિના સંદર્ભમાં પણ ચર્ચા કરી શકીએ. ‘મીનાનું આવવું મને ન ગમ્યું’ને બદલે આપણે એમ ન કહી શકીએ કે ‘મીનાનું આવવુંએ મારો દિવસ બગાડ્યો’. જો કે, આપણે ‘મીનાના આવવાથી મારો દિવસ બગડ્યો’ જેવાં વાક્યો કહી શકીએ. અર્થાત્ આપણે અમુક પ્રકારનાં વાક્યોમાં ‘આવવું’ને ‘-થી’ પ્રત્યય લગાડી શકીએ. એ જ રીતે, ‘મીનાના ભણવામાં મને જરાય રસ નથી’ એવું વાક્ય પણ બરાબર લાગે અને ‘એવું એકાદ પુસ્તક મારા જોવામાં આવેલું ખરું’માં ‘જોવું’ને પણ ‘-માં’ લાગી શકે. બરાબર એમ જ, ‘એકાદ પુસ્તક વાંચવાથી શું?’ જેવાં વાક્યોમાં આપણે ક્રિયાપદને -થી લગાડી શકીએ. પણ, ‘તમે રમવા (માટે) આવશો?’ જેવાં વાક્યોમાં ‘રમવા’ને કદાચ વિભક્તિના પ્રત્યયો નહીં લગાડી શકાય. જો કે, ‘તમે રમવાને (માટે) આવજો’ જેવાં વાક્યોમાં -ને પ્રત્યય વાપરી શકાય છે ખરો. ટૂંકામાં, આ ત્રણેય પ્રકારનાં ક્રિયાર્થ નામો આમ એકસરખાં લાગે પણ એમનું વર્તન તદ્દન એકસમાન નથી. આ પણ એક તપાસનો વિષય છે. જ્યાં સુધી આપણે પૂરતાં ક્રિયાપદો લઈ, એમને ક્રિયાર્થ નામ બનાવી, એ કઈ રીતે નામની વ્યવસ્થામાં સહભાગી થાય છે એની પ્રત્યક્ષ તપાસ ન કરીએ ત્યાં સુધી આપણે એમના સમગ્રલક્ષી વર્તન વિશે કંઈ કહી શકીએ નહીં.

નામની વાત કરતી વખતે આપણે જે તે શબ્દ નામ છે કે નહીં એ નક્કી કરવા માટેની કેટલીક કસોટીઓની પણ વાત કરેલી. એમાં એક કસોટી હતી સ્વામિત્વદર્શકની. જો બે શબ્દો સ્વામિત્વ દર્શક -નું વડે જોડી શકાતા હોય તો એ બન્ને શબ્દો નામ હોઈ શકે. દા.ત. ‘રમેશનું ઘર’ પદ લો. એમાં ‘રમેશ’ અને ‘ઘર’ બન્ને શબ્દો નામ છે. કેમ કે એ બન્ને અહીં સ્વામિત્વદર્શક -નું વડે જોડાયેલા છે. આ જ કસોટીને આપણે થોડીક આગળ પણ વિસ્તારી શકીએ અને કહી શકીએ કે સ્વામિત્વવાચક સર્વનામ અને કોઈ શબ્દ જો સ્વીકાર્ય એવું સ્વામિત્વવાચક પદ બનાવતાં હોય તો એમાં આવતા શબ્દને પણ આપણે નામ તરીકે સ્વીકરવો પડે. જેમ કે, ‘મારું ઘર’. અહીં, ‘મારું’ સ્વામિત્વવાચક સર્વનામ છે અને ‘મારું ઘર’ એક સ્વીકાર્ય સ્વામિત્વવાચક પદ બને છે. એના આધારે ‘ઘર’ એક નામ છે એમ સાબિત થાય છે.

આ કસોટી પ્રમાણે જઈએ તો પણ આપણે ‘મારું આવવું’ અને ‘મીતાનું આવવું’માં આવતા ‘આવવું’ને નામ તરીકે સ્વીકારવું પડશે. એ જ રીતે, ‘મારે આ પુસ્તક વાંચવાનું છે’ એ વાક્ય જુઓ. યાદ રાખો કે અહીં ‘છે’ સહાયકારક ક્રિયાપદ નથી. પણ, copular verb છે. અર્થાત્, to be ક્રિયાપદ છે. આ પ્રકારનાં ક્રિયાપદો ઉદ્દેશ અને વિધેયને જોડવાનું કામ કરે. આ વિશે આપણે સહાયકારક ક્રિયાપદોની વાત કરતી વખતે વધારે ચર્ચા કરીશું. ગુજરાતીમાં ‘છે’, ‘હતું’ અને ‘હશે’ એમ ત્રણ to be ક્રિયાપદો છે. જો કે, આ વિશે ભાષાશાસ્ત્રીઓમાં મતભેદ છે. પણ, એ વાત હમણાં બાજુ પર મૂકીએ. આપણે ‘મારે આ પુસ્તક વાંચવાનું હતું’ અને ‘મારે આ પુસ્તક વાંચવાનું હશે તો હું તમને જણાવીશ’ જેવાં વાક્યોમાં ‘હતું’ અને ‘હશે’ વાપરી શકીએ.

જો કે, ‘મારે આ પુસ્તક વાંચવાનું છે’ જેવાં વાક્યો આમ જુઓ તો પડકાર રૂપ છે. કેમ કે સ્વામિત્વવાચક પદોમાં હંમેશાં પહેલાં ‘સ્વામિ’ (possesser) અને પછી એ જેનો સ્વામિ છે એ પદાર્થ (possessed) આવે. અહીં ‘પુસ્તક’ શબ્દ ‘વાંચવાનું’ પછી નથી આવતો. આ હકીકત સૂચવે છે કે આ સંરચના સપાટી પરથી ભલે સ્વામિત્વવાચક લાગતી હોય પણ એ સ્વામિત્વાચક નથી. આપણે એમ કહી શકીએ કે અહીં સ્વામિત્વવાચક સામગ્રીને WANTનો અર્થ પ્રગટ કરવા વાપરવામાં આવી છે. પણ, એમ કરતી વખતે સ્વામિત્વવાચક પદનો ક્રમ સ્વીકારવામાં નથી આવ્યો.

હવે આપણે ‘તમે રમવા (માટે) આવશો?’ વાક્યને જોઈએ. અહીં મેં ‘માટે’ શબ્દને જાણી જોઈને કૌંસમાં મૂક્યો છે. એ સૂચવે છે કે આપણે ‘માટે’ શબ્દને વિકલ્પે પડતો મૂકી શકીએ. અહીં ‘રમવા’ મૂળે તો ‘રમવું’ છે. એ પણ gerund રૂપે. પણ અહીં નામયોગી ‘માટે’ને પગલે ‘રમવું’નું ‘રમવા’ થઈ જાય છે. આ નિયમ તમને ગુજરાતી ભાષા પરના એક પણ પુસ્તકમાં તમને જોવા નહીં મળે. અત્યારે આ નિયમ સ્વીકારી લો. ક્યારેક તક મળે હું એની વિગતે ચર્ચા કરીશ. એ નિયમ, સાવ સરળ ભાષામાં મૂકવો હોય તો આમ છે: કોઈ પણ નામયોગી પદને નામયોગી કે વિભક્તિનો પ્રત્યય લાગે ત્યારે પુલ્લિંગ -ઓ અને નપુસંકલિંગ -ઉં -આ થઈ જતા હોય છે. પંડિત અને બીજા તમામ ભાષાશાસ્ત્રીઓએ આ ‘-આ’ને પરોક્ષ વિભક્તિ તરીકે ઓળખાવ્યો છે. પણ, કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો નથી કે પરોક્ષ વિભક્તિ કેવળ પુલ્લિંગ અને નપુંસકલિંગ નામોને જ કેમ લાગે? એ પણ એવાં જ નામોને જેમનાં લિંગ પ્રગટ હોય.

આવતા લેખમાં આપણે ક્રિયાપદો વિશેષણ તરીકે કઈ રીતે વપરાય છે એની ચર્ચા કરીશું.

 

 

 

 

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૨૪ (બાબુ સુથાર)

  1. મા બાબુ સુથારજીએ ગુજરાતીમાં ક્રિયાર્થક સંજ્ઞાઓ અંગે સરળ સમજાવ્યું
    રાહ ક્રિયાપદો વિશેષણ તરીકે કઈ રીતે વપરાય છે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s