ભારતીય સાહિત્યની અનેકવિધ ધારાઓમાં ચારણી સાહિત્ય એક મહત્વની ધારા છે. વૈદિક પરંપરા અને લોકપરંપરાની રચનાઓના ઊજળા અનુસંધાન રૂપ ચારણી સાહિત્યે ઉભય ધારાને જોડવા સેતુબંધનું કાર્ય કર્યું છે.
ચારણ પરંપરા ઘણી પ્રાચીન હોવાથી, રામાયણ, મહાભારત, પુરાણો અને ઐતિહાસિક ગ્રંથોમાં તેના ઉલ્લેખો મળે છે. વિદ્વાનોનું સ્પષ્ટ માનવું છે કે ચારણી સાહિત્ય એ શૈલી વિશેષનું સાહિત્ય છે, તેમાં ચારણૉ અને ચારણેતર વિદ્વાનોનું પ્રદાન છે. ચારણી સાહિત્ય મુખ્યત્વે મધ્યકાળમાં રચાયું અને ગુજરાત-રાજસ્થાનમાં સવિશેષ ફૂલ્યુઁ-ફાલ્યું છે. આ ધારાના શતાધિક કવિઓની સહસ્ત્રાધિક રચનાઓ મળે છે, જે કંઠસ્થ પરંપરામાં કે હસ્તપ્રતોમાં જળવાયેલી છે. મેઘાણીજીએ “ચારણો અને ચારણી સાહિત્ય” ગ્રંથમાં આ ધારાનો પરિચય કરાવીને સૌ પ્રથમ વિદ્વાનોનું ધ્યાન દોરેલું. રતુદાન રોહડિયાએ ચારણ સાહિત્ય હસ્તપ્રત ભંડારની સામગ્રીને આધારે “ગુજરતના ચારણી સાહિત્યનો ઇતિહાસ” ગ્રંથ આપ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી આ ધારાના અનેક ગ્રંથો પ્રકાશિત થયા છે.
ચારણી સાહિત્યનું છંદશાસ્ત્ર વિશિષ્ઠ છે, આથી છંદશાસ્ત્રવિષયક ગ્રંથો, શબ્દકોધ અને પર્યાયવાચી શબ્દકોશની રચનાઓ પણ મળે છે. આ ધારાનું શિક્ષણ આપતી રા’ઓ લખપત વ્રજભાષા પાઠશાળા કચ્છ ભૂજમાં સવા બસો વર્ષ ચાલેલી. પેઢી દર પેઢી વારસારૂએ પણ આ ધારાનું શિક્ષણ અપાતું, આથી મેધાણી કહે છે કે “સાહિત્યસર્જન એ ચારણોનો વ્યહવાર કે વ્યવસાય નથી, પણ સંસ્કાર છે.”
આ ધારાના વાહક ભક્તકવ ઈસરદાસ રોહડિયા, ‘રામરાસો’ ના કર્તા માધવદાસ દધવાડિયા, પરમ વૈષ્ણવ સાંયાજી ઝૂલા, કવિશ્રી માવલ વરસડા, ભક્તકવિ નરહરદાસ બારહટ્ટ, કવિશ્રી હમીરજી રત્નુ, પદ્મશ્રી દુલા કાગ અને કવિશ્રી દાદ ની રામવિષયક રચનાઓ લોકહ્રદયમાં સવિશેષ સ્થાન પામી છે.
ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સ્વીકારવામાં આવ્યા છે. સૃષ્ટિ પર જ્યારે આતતાયીઓના અત્યાચાર વધી જાય ત્યારે ધર્મના સક્ષણાર્થે પ્રભુ અવતાર લે છે. ભગવાન વિષ્ણુના દશાવતારમાંથી રામ અને કૃષ્ણને વિશેષ આદરભાવ મળ્યો છે. રામનું ચરિત્ર સંતો અને ભક્તો માટે આદર્શ બન્યું છે.
ભક્તકવિ ઈસરદાસ રોહડિયા એમની રચનામાં કહે છેઃ
પીઠ ધરણીધર પટડી, હરઉત લેખણહાર;
તંઉ તોરાં ચરિતાં તણો, પરમ ન લભ્ભે પાર.
રામનો મહિમા સમજાવતાં કવિ કહે છે કે તારૂં ભાગ્ય સારૂં હોય તો રામ ભજી લેજે અને સારો સમય હોય તો કંઈક દાન કરજે, કેમકે માનવદેહ મળ્યાની સાર્થકતા એમાં જ છેઃ
ભાગ્ય બડો તો રામ ભજ, વખત બડો કછું દેહ;
અકલ બડી ઉપકાર કર, દેહ ધર્યા ફળ એહ.
રામનામ ન ભૂલવાની વાત કરી કવિ કહે છે કે, પ્રભુએ કૃપા કરી તને માનવદેહ તેમજ હાથ, જીભ, કાન અને આંખ આપી છે, એથી તું તેને વીસરતો નહીઃ
રામ નામ ન ભૂલો બાપડાં, જે શિર છત્ર પ્રળોય,
કર, જિવ્હા, લોચન, શ્રવણ, બિયો આપે ન કોય.
વિભીષણે સૈન્ય બળે નહીં પણ પ્રભુ રામના નામનું રટણ કરતાં જ લંકા મેળવી લીધી, એમ કહી પ્રભુનામનો મહિમા રજૂ કરે છેઃ
દાખે ઈસરદાસ યૂં, કટક ન હોણાં કીધ;
રામ, રામ, રટ્તાં થકાં, લંક બભીખણ લીધ.
ચારણી સાહિત્યમાં રામાયણ વિશે અનેક કવિઓએ પુષ્કળ પ્રમાણમાં લખ્યું છે. સીતાજી જ્યારે પતિ રામ સાથે વનમાં જવા તૈયાર થાય છે, ત્યારે પ્રારંભે રામ તેને વનમાં ન આવવા સમજાવે છે, છતાં તેનો નિર્ણય મક્કમ છે. છેલ્લે સજળ નયને સાસુ કૌશલ્યાજી સમજાવે છેઃ
ધરી ધીર મૈથિલી રહહુ ધામ, વનગમન ઉચિત તુમકો ન વામ;
પુનિ સાસુ કહ્યો દગજલ પ્રવાહુ, જાનકી અલ્પવય વન ન જાહું.
રામ અને ભરતના મિલન પછી ભરતની વેદના ઓછી કરવા અને વિધિની વક્રતાનો સ્વીકાર કરવાની સલાહ આપતાં કવિએ શાશ્વત સત્યની વાત રામમુખે કહી છેઃ
અપરાધ ન માતા પિતા યહ, સબ ભાવિ કારન નિસંદેહ;
વર્ષ દશચારિ દંડક નિવાસ, પિતુ વચન સસ્ત્ય કરિહું પ્રકાશ.
આમ ચારણી સાહિત્યમાં સંપૂર્ણ રામાયણને આવરી લેવામાં આવી છે.
nice doha for ramayan in charni sahtiya.
LikeLike
કવિએ શાશ્વત સત્યની વાત રામમુખે કહી છેઃ
અપરાધ ન માતા પિતા યહ, સબ ભાવિ કારન નિસંદેહ;
વર્ષ દશચારિ દંડક નિવાસ, પિતુ વચન સસ્ત્ય કરિહું પ્રકાશ.
આ ચારણી સાહિત્યની વાત ખૂબ ગમી.
LikeLike