ભારતભરમાં દર ત્રીજી મિનીટ એ એક ફિલ્મ રિવ્યુઅરનો જન્મ થાય છે!
આપણે સૌ જે પણ ફિલ કરીએ છીએ, જે જોઈએ-સાંભળીએ-ખાઈએ એ બધા વિષે આપણને શેર કરવાની અંદર થી એક ‘અર્જ’ આવે છે. જેમ ચટપટુ, તીખુંતમતું કે ગળ્યું ખાવાનું મન થાય, જેમ સેક્સની અર્જ આવે, પૈસા થી સન્માન સુધી દરેક વસ્તુની એક ભુખ હોય એમ જ છેલ્લા થોડા વર્ષોમાં ફિલ્મો વિષે આડુંઅવળું, સીધું, અધકચરું બધું જ લખવાનો એક જુવાળ ફાટી નીકળો છે. એમાં પણ સોશિયલ મીડિયા (ફેસબુક-ટ્વિટર-ઈન્સટાગ્રામ-યુ ટ્યુબ) આવ્યા પછી બધાને ફિલ્મ જોવા જાય ત્યારે છેક થિયેટરનાં ‘ચેકઇન’ થી લઈને અડધી ફિલ્મ પત્યે વનલાઈન રિવ્યુ લખવા છે અને પતી જાય પછી એની લાંબીલચક પોસ્ટ પણ અચૂક લખવી છે. દર શુક્રવારે ફિલ્મો રિલીઝ થાય કે લગભગ ૧૦૦ થી વધુ રિવ્યુ કોઈ દંગાગ્રસ્ત વિસ્તારમાં જેમ અંધાધુંધ પથ્થરો ઝીંકાય એમ આડેધડ અફળાય છે. બસ દરેકને ફિલ્મ વિષે લખવું છે, અને એમાં ખોટું પણ કંઈ નથી!
શું હોય છે આ ‘ફિલ્મ રિવ્યુ’નાં નામે લખાતા લખાણોમાં? કોણ હોય છે એ લોકો જે ફિલ્મ વિષે લાંબુલચક લખે છે? શું ધ્યેય હોય છે? આવો આજે કટિંગ ચા સાથે ફિલ્મ વિષે લખતા જાણીતા, અજાણ્યા, લોકલ, ઈંટરનેશનલ, ભાડુતી, સન્માનનીય, અભ્યાસુ, છીછરા દરેક પ્રકારનાં રિવ્યુ લખનારા વિષે થોડી ગરમાગરમ ચર્ચા થઇ જાય! અફકોર્સ લેખ વાંચીને બંધ બેસતા જિન્સ, ટીશર્ટ, સ્કર્ટ, ટોપ અલ્ટરેશન વગર ફિટિંગમાં આવી જાય તો પહેરવાની પુરી છુટ, એ પણ કોઈ પુર્વશરત વગર હોં કે!
૦૧. જેન્યુઈન અને સંગીન ફિલ્મ રિવ્યુઅર્સ:
ચિક્કાર ફિલ્મો જોતો અને સિનેમાની ઊંડી સમજ ધરાવતો આ વર્ગ હવે ભારતનાં શહેરોમાં દેખાતી ટ્રાફિક સેન્સ જેટલો જુજ છે! સત્યજીત રે થી ક્રિસ્ટોફર નોલન અને ડેવિડ ધવન થી રાજમૌલી સુધીનાં સર્જકોની ફિલ્મોને એ જોતા જ નથી પણ એમનાં લખાણમાં કોઈ પૂર્વગ્રહ વગર એક એક પાસાનો તલ સ્પર્શી અભ્યાસ જોવા મળે. અફકોર્સ એ બીજા લોકોનાં ટેસ્ટને વખોડ્યા વગર પ્રામાણિક મત આપી શકે અને કોઈને ફિલ્મ ન ગમે તો એને ‘અબુધ, શિશુ, બાળકબુદ્ધિ, નાદાન, ડફોળ, નેઈવ’ જેવા વિશેષણો થી નવાજવાની હિમાકત નથી કરતા! ફિલ્મ રિવ્યુ એ ફિલ્મ વિષે ચર્ચા કરવાનું માધ્યમ છે, પોતાનું જ્ઞાન (કે અજ્ઞાન?) પ્રદર્શિત કરવા માટે નહી.
૦૨. ‘ટેગ ખોર’ રિવ્યુકારો!
આજકાલ આ પ્રજાતિનો ફેસબુક પર રાફડો ફાટ્યો છે, એમાં પણ ગુજરાતી ફિલ્મો પ્રીમિયરમાં જઈને કે પછી પાછળ થી જઈને એનાં વિષે મોંફાટ અને ધડમાથા વગરનાં બેફામ વખાણ કરશે એટલું જ નહિ, પણ જે તે ફિલ્મ સાથે સંકળાયેલા એક એક મિત્રોને ટેગ કરી પરાણે વંચાવી વહાલા બનવાનો બેશરમ પ્રયાસ કરશે! શું ખબર ક્યારેક કોઈ કામ મળી જાય, સેલ્ફી પડાવી સાથે પોસ્ટ કરતા આ લોકોનું દુષણ એ રસ્તાઓ પર ફરતી ગાયો, લવારીછાપ જોડકણા લખતા કવિઓ કરતા પણ વધુ છે. કસમ થી સાહેબ, ‘ખોટ નથ કેતો!’
ફિલ્મ વિશે લખવાની શરૂઆત જ કંઇક આમ કરશે: આમ તો ઘણાને ‘હેરી મેટ સેજલમાં શાહરૂખ-અનુષ્કાની પાછળ દેખાતો એ ફુવારો દેખાણો જ નહિ હોય!’ પણ હમો એવું કહીએ છીએ કે ત્યાં ઈમ્તિયાઝ ભાઈ એ ફુવારા થી જીવનમાં સતત વહેવાનો મેટાફોર બતાવવા માંગતા હતા! બિચારા ઈમ્તિયાઝ અલીને પણ ખબર ન હોય એવી ટેકનિકલ અને સો કોલ્ડ બારિકીઓનો જંતુનાશક છંટકાવ કરીને રિવ્યુનાં નામે આવા હથોડા મારતા આ લોકો એ ખરેખર પેરાસિટામોલની ટિકડી વાંચનારને મફતમાં સાથે આપવી જોઈએ. ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી જોઈને પ્રાદેશિક થી લઈને વર્લ્ડ સિનેમા પર ઝુડઝુડ કરતાં આ લોકોનો આતંક બની બેઠેલા મોટિવેશનલ સ્પિકર્સ કરતા સહેજ પણ ઓછો નથી!
૦૪. સ્યુડો સિનેલવર્સ:
જાણીતી વ્યક્તિઓની પ્રોફાઈલ કે ટ્વિટર હેન્ડલ પર જઈ જઈને કોઈ ક્રિટીકલી એક્લેઈમ્ડ કે મોટાગજાનાં સર્જકની ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ સ્ટેટસ કે ક્વેરી મુકશે: ‘અવેઈટિંગ યોર વ્યુ ઓન ‘લિપસ્ટિક અન્ડર માય બુરકા’ સર! ક્યારેક ઈરાનિયન સિનેમા તો ક્યારેક જર્મન ફિલ્મો વિષે અધકચરું એ પણ પાછું લખાણમાં સ્ટોરી કે આખેઆખા દ્રશ્યો ઢસડી મારતા આ લોકોને પૃથિવીવલ્લભની જેમ હાથી આગળ માથું કચડવવા મૂકી દેવાની તીવ્ર ઈચ્છા થાય!
૦૫. ‘તને સિનેમામાં શું ખબર પડે?’ લેખકો:
શ્રાવણમાં મોળુ ખાઈખાઈને ભાદરવામાં મસાલેદાર વાનગીઓ પર તૂટી પડતા લોકોની માફક આ આખી એક એવા લેખકોની ફૌજ છે જે ફિલ્મો વિષે લખતી જ નથી, પણ જો કોઈએ એમનાં મતની વિરુદ્ધ જઈને પોતાનો મત વ્યક્ત કર્યો તો પછી એની આવી બની! ક્રિયેટીવ સર્જન પબ્લિક સુધી પહોંચે પછી સર્જકે એને છોડી દેવું પડે છે, પૈસા ખર્ચીને ફિલ્મો જોનાર વર્ગ ‘મસાન’ થી ‘મુબારકા’ સુધીની ફિલ્મો જોવે, વખાણે કે વખોડે પણ એમાં એને સિનેમાની સમજ જ નથી એવું કહેવું એ આ લેખકોનો મનપસંદ ગૃહઉદ્યોગ છે. સતત બધાથી અલગ કહેવાની રીત ‘સાંવરિયા’ થી ‘રોય’ ને વખાણે એનો વાંધો નથી પણ એમાં બીજાને કંઈ ટપ્પો જ નથી પડતો કે એ મંદબુદ્ધિ છે એવું કહેવું એ તો ક્રિમીનલ એક્ટ છે સર!
૦૬. ભાડુતી અથવા પેઈડ રિવ્યુ રાઈટર્સ:
કોઈને કોઈ છુપા લાભથી પોઝિટીવ કે નેગેટિવ રિવ્યુ લખતા લોકોમાં નેશનલ લેવલનાં બિગશોટ રાઈટર્સ પણ બાકાત નથી! ફિલ્મ સાથે જોડાયેલા લોકો સાથે કેવો સંબંધ છે એ પ્રમાણે રિવ્યુ લખવામાં આવે છે. ક્યારેક સ્ટાર તો ક્યારેક મિર્ચી તો ક્યારેક લીંબુ-હળદર, એ બધું આપી આપીને ફિલ્મ વિષે લવારી ઝૂડી નાખવામાં આવે છે, બિન્દાસ!
૦૭. નેગેટિવ બોલર્સ:
આ વર્ગ ફિલ્મ રિલીઝ થાય પછી તરત નથી લખતા, પણ પહેલા વિકેન્ડ સુધીમાં દરેક પ્રકારનાં રિવ્યુઝ આવી ગયા પછી પોતે રિલાયન્સ જિયોનાં મફતિયા ઈન્ટરનેટ માંથી ઠીક ઉલટો મત આપી વાહવાહી લુંટવાનો પ્રયાસ કરે છે! બધા એ નેગેટિવ કહ્યું, તો હું ધરાર ફિલ્મને વખાણીશ! જો બધા એ ફિલ્મને નકારી દીધી તો હું એને ધરાર બેસ્ટ સાબિત કરીને રહીશ, બે થી પાંચ જેટલી પોસ્ટ કે આર્ટિકલ ઢસડવા પડે તો શું છે, અલગ દિખના હૈ બોસ!
૦૮. ફેમિનિસ્ટ ફિલ્મ સમીક્ષકો:
આ એક નવો ફાલ અસ્તિત્વમાં આવ્યો છે, દરેક ફિલ્મમાં કોઈ સ્ત્રીલક્ષી મુદ્દો ઉઠાવી એનાં પર જ લખવાનું! ફિમેલ ડિરેક્ટરની ફિલ્મ હોય, શ્રીદેવી જેવી કોઈ વેટરન અભિનેત્રી હોય, ‘ક્વિન’ થી ‘પિંક’ સુધી વિમેન ઓરિયેન્ટેડ ફિલ્મો, અભિનેત્રીઓ, પાત્રો અને પહેરવેશ વિષે ચિંતા કરી મારીમચડી ફિમેલ વિષે ચર્ચા કરી મર્દોને ભાંડતી આ પ્રજાતિ એક નવો જ ફિલ્મ સમીક્ષક વર્ગ તરીકે ઝડપથી રોગચાળાનું સ્વરૂપ લઇ લીધું છે!
૦૯. ‘તમે મારા પૈસા બચાવી લીધા’ કહેતા લોકો:
બિચારા નિરુપદ્રવી આ લોકો બસ જાહેરમાં લખ્યે જાય છે, ‘હાશ, તમે મારા પૈસા બચાવી લીધા!’ એ લોકો હકીકતમાં આમ પણ કોઈ ફિલ્મો જોતા નથી હોતા પણ ક્યારેક ‘પિઅર પ્રેશર’ માં આવીને કે છાકો પાડી દેવા માટે પણ આવા વાક્યો લખવા પડે છે.
૧૦. પોચા પોચા – કુણા કુણા રિવ્યુકારો:
‘ડન્કર્ક’માં યુદ્ધ દરમ્યાનની મજબૂરી અને એકલતાનાં ભાવો, ‘હિન્દી મીડીયમ’માં એક બાપની મજબૂરી, ‘જબ હેરી મેટ સેજલ’ માં એક ગુજરાતી છોકરીની મનોસ્થિતિ, ‘તમાશા’માં એક અથડાતો-જાતને શોધતો રહેતો દિશાહીન યુવાન આવું બધું લખી લખીને ‘ઘોળવું’ દહીં જેવું પોચું પોચું અને પ્રવાહી લખનારા આ લોકો છોકરીઓમાં બહુ વંચાય છે!
એટલે પ્રિય વાંચકો, આજની કટિંગ ચા થી ડેઝર્ટ તરફ જતાં પહેલા એક જ મેસેજ: બસ સારી ખરાબ તમામ ફિલ્મો જુઓ, ચિક્કાર જુઓ, એનાં વિષે જેવું આવડે એવું લખો, પણ બીજાની લિટી નાની કરીને કે ઉતારી પાડીને નહિ….અને હા, બોબી સિંગ થી અજિત દુઆરા, રાજીવ મસંદ થી કાનન ગિલ, અને જય અર્જુન સિંહ થી લઈને ભારદ્વાજ રંગનનાં ફિલ્મ વિશેનાં ઉત્તમોતમ લખાણો વાંચો, ‘હું તો કંઈ વાંચતો જ નથી’ એવી વાતો કરવાથી ઘણું ગુમાઈ જાય છે!
ડેઝર્ટ:
ફિલ્મ ક્રિટીક્સનું કામ અદભુત હોય છે, દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાની જવાબદારી અને જાદુ એ જ લોકો કરી શકે છે! ફક્ત ફિલ્મ વિષે લખતા નથી, પણ ફિલ્મ સમીક્ષકો દરેક પાસાઓને જોઈ ચકાસી શકે છે. અમે એક્ટર્સ તો ફક્ત સ્ક્રિપ્ટ કહે એ પ્રમાણે વર્તીએ છીએ! – અમિતાભ બચ્ચન
“ફિલ્મો ઓછી અને રિવ્યુઅર ઝાઝા!” અંગે
ખૂબ, ખૂબ, ખૂબ સાચું ને સરસ વિશ્લેષણ. દરેક જાતના રિવ્યુઅર ‘શું છે?’તે દરેકની છેલ્લા એક જ વાક્યમાં
ઓળખ કરાવી દીધી. ધન્યવાદ.
ફિલ્મ ક્રિટીક્સનું કામ અદભુત હોય છે, દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાની જવાબદારી અને જાદુ એ જ લોકો કરી શકે છે! ફક્ત ફિલ્મ વિષે લખતા નથી, પણ ફિલ્મ સમીક્ષકો દરેક પાસાઓને જોઈ ચકાસી શકે છે. અમે એક્ટર્સ તો ફક્ત સ્ક્રિપ્ટ કહે એ પ્રમાણે વર્તીએ છીએ! – અમિતાભ બચ્ચન
“ફિલ્મો ઓછી અને રિવ્યુઅર ઝાઝા!” અંગે
ખૂબ, ખૂબ, ખૂબ સાચું ને સરસ વિશ્લેષણ. દરેક જાતના રિવ્યુઅર ‘શું છે?’તે દરેકની છેલ્લા એક જ વાક્યમાં
ઓળખ કરાવી દીધી. ધન્યવાદ.
LikeLike
ફિલ્મ ક્રિટીક્સનું કામ અદભુત હોય છે, દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાની જવાબદારી અને જાદુ એ જ લોકો કરી શકે છે! ફક્ત ફિલ્મ વિષે લખતા નથી, પણ ફિલ્મ સમીક્ષકો દરેક પાસાઓને જોઈ ચકાસી શકે છે. અમે એક્ટર્સ તો ફક્ત સ્ક્રિપ્ટ કહે એ પ્રમાણે વર્તીએ છીએ! – અમિતાભ બચ્ચન
LikeLike
FREE FACEBOOK. WHEN THEY START CHARGE, REVIEWR WILL BE DOWN. MAFAT CHE LAKHO NE.
LikeLike