ચીઝ,બટર અને માવો:સ્વાદ થી વળગણ તરફ!
ઋજુતા દિવેકરનું ‘Don’t Lose Your Mind, Lose Your Weight’ વાંચતા વાંચતા, પ્લેન્કસ થી કાર્ડિયો ની વાતો અને હાથમાં ફિજેટ સ્પિનર ફેરવતા ફેરવતા સ્ટ્રેસ દૂર કરવો એ આજનો ટ્રેન્ડ છે! જમાનો ફિટબિટ નો છે પણ સાલી ખાટલે મોટી ખોડ એ છે કે શનિ-રવિ તો આપણે બધા હોટેલનું જ જમવાનું મોં માં ઓરતા રહીએ છીએ! 28 ની કમર ક્યારે 36 ની થઇ જાય છે, ખબર જ નથી રહેતી! જોગિંગની વાતો રાતનાં નાઈટઆઉટ અને સ્માર્ટફોનનાં પાંચ ઇંચનાં સ્ક્રિનમાં જ રહી જાય છે!
હા, અહીં કોઈ મજાક નથી થઇ રહી. ખરેખર આ એક એવી વાત છે જેને લોકો ક્યારેય ગંભીરતા થી નથી લેતા અને રોજીંદી લાઈફની એક એવી આદત બની ગઈ છે કે ભાગ્યે જ કોઈ એના તરફ વિચારે છે. હંમેશા ખરાબ આદતો કે વ્યસનની વાત નીકળે એટલે સ્મોકિંગ–દારુ ની વાતો અને એની અસરો અને કેવી રીતે છોડી શકાયની લાંબી લચક ચર્ચાઓ છેડાતી રહે છે. ચીઝ–માખણ અને માવો હવે એક અનિવાર્ય અનિષ્ટ બન્યા છે. સામાન્ય માણસ કહેશે શું વાતો કરો છો? માખણ અને ચીઝ તો નસીબદાર લોકોને ખાવા મળે,અને એ તો એક પૌષ્ટિક વસ્તુ છે! એ નુકશાન કેવી રીતે કરી શકે?
ચીઝ અને માખણનો અતિરેક ક્યાં, કઈ અને કેવી રીતે ફેલાયો છે એનું ઉદાહરણ લેવા માટે ક્યાંય દુર જવાની જરૂર નથી. જરા ઘર કે ઓફિસની બાજુમાં આવેલા ફાસ્ટ ફૂડ ના ગલ્લા કે શોપ કે પછી ઇવન કોઈ સોફિસ્ટીકેટેડ કહેવાતી ફૂડ ચેઇનનું મેનુ ઉઠાવીને જુઓ. કંઇક આ મુજબનું લિસ્ટ જોવા મળશે.
ચીઝ આલુ મટર સેન્ડવિચ,ચીઝ ભેળ,ચીઝ પિઝા,ચીઝ ઢોસા,ચીઝ સોસ,ચીઝ પકોડા,ચીઝ જામ બન,ચીઝ ટોસ્ટ, અને ચીઝ ઓમલેટ (જી હાં,મોઢું બગાડવાની જરૂર નથી શિયાળામાં ગુજરાતીઓ પણ હસતા મોઢે ઓમલેટ આરોગે અને એન્જોય કરે છે!) અને એ સિવાય પણ મેનુ ની લગભગ 80% વસ્તુઓ પર ચીઝ ની ઘુસણખોરી કહો કે દબદબો છે! બીજી તરફ બટર પણ કંઈ કમ નથી! પાઉંભાજી હોય કે નુડલ્સ (ભાઈ હવે દરેક નુડલ્સ ને મેગી જ ન કહેવાય એ તો સૌ જાણે છે!), નાન હોય કે તંદુરી રોટી, અમેરિકન મકાઈ હોય કે પછી રોજ્જે ખવાતા વડાપાઉં! બધે જ ‘સાદુ‘ અને ‘બટર‘, એમ બે વેરાયટી મળે છે.
શા માટે દરેક વસ્તુ ચીઝ કે બટર ના અલગ અલગ એડ ઓન માં મળતી થઇ? સફેદ માખણ ઘરે છેલ્લે ક્યારે ખાધેલું? માખણ ને તો હવેની ‘એપ્સ જનરેશન‘ પીળું જ હોય અને લંબચોરસ કે ગોળ લાદીમાં જ મળે એવું જ ધારે છે,એવી હાલત છે! ચીઝનો તો ઈતિહાસ પણ એકદમ એના સ્વાદ જેવો જ થોડો ફિક્કો છતાં માણવો ગમે એવો છે. પણ એની બોરિંગ કિતાબી માહિતીમાં અહીં નથી પડવું, લોકો આજકાલ એ બધું વાંચવા કરતા દરેક વસ્તુનો સીધો ઉપયોગ કરવાનું પસંદ કરે છે! નવી વિચારધારા કંઇક એવી છે કે સંબંધ હોય કે ફૂડ, પહેલા એ બની જાય છે પછી વિચારાય છે કે એ બરાબર છે કે કેમ?
દરેક વસ્તુ માપમાં જ ખાવી જોઈએ, કે પછી ગમે એટલી સંયમની વાતો કરીએ પણ અંતે તો કાગળ પર જ રહી જાય છે. જરા જાતને અને આસપાસ પૂછી જોજો તો એક જ જવાબ મળશે કે કમર છેલ્લા બે થી ત્રણ વર્ષના સમયગાળા માં સરેરાશ બે થી ચાર ઇંચ જેટલી વધી ગઈ છે. સ્થૂળતા ફક્ત ડાયેટિંગ કેમ કરવું, જી.એમ ડાયેટ અને બીજી બધી તંદુરસ્તી ની સરસ વાતો કરતી કોલમ અને પુસ્તકોમાં જોવા મળે અને વાંચતી વખતે તો એવો જુસ્સો આવે કે સાલું સીધું સાઈઝ ઝીરો જ કરી દઈએ, જીમ જોઈન કરી લઈએ, સાયકલિંગ કરીએ વગેરે વગેરે! પણ અફસોસ ડાયેટ પ્લાનના ફક્ત પુસ્તકો જ વંચાય છે અને એનો અમલ કાગળ પર જ રહી જાય છે.
છેલ્લા થોડા વર્ષોમાં જ ચીઝ અને બટર નો આપણી લાઈફ સ્ટાઈલમાં અતિરેક થયો છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. જરા યાદ કરો, આજ થી 7-8 વર્ષો પહેલા પણ ક્યાં બધી જ વાનગીઓ અને નાસ્તો–ફાસ્ટ ફૂડ માં પરાણે ચીઝ ઠોકવામાં આવતું? પૂરો પીઝા બની જાય,ગરમ ગરમ કેપ્સિકમ અને તાજા શાકભાજી અને એલેપીનો નંખાય અને છેલ્લે એના ઉપર ખમણેલા ચીઝનો રીતસર વરસાદ કરવામાં આવે. ચીઝ ક્યુબ તો લોકો અમુક ચોક્કસ પીણા પીતી વખતે બાઈટિંગ તરીકે પણ ખાતા હોય છે! તો ગુજરાતના મોટા શહેરોમાં હવે મેક્સિકન ફૂડ પણ ખાસ્સું લોકપ્રિય બન્યું છે. નાચોઝ હોય કે ટાકોઝ કે પછી બારિટો બધા માં સાલસા અને મેયોનિઝ સોસ સાથે વ્હાઈટ લિક્વીડ ચીઝની રીતસર નદીઓ વહેવડામાં આવે છે!
ટોમ એન્ડ જેરી હોય કે ચિપ એન્ડ ડેલ, કાર્ટુન કેરેક્ટર્સ માટે ચીઝ અને બટર હંમેશા માટે પસંદીદા રહ્યું છે પણ હવે એ જ વસ્તુ આપણા સૌ સાથે થઇ રહી છે. એમાં પણ કોઈ દુકાન કે લારી વાળો આપણને પૂછે કે સાહેબ સાદી પાઉંભાજી કરું કે બટર તો આપણે ગર્વ થી બીજો વિકલ્પ જ પસંદ કરીએ છીએ. ચીઝ માટે તો ‘ચીઝ ઓબ્સેશન‘ જેવો પણ એક શબ્દ હવે અસ્તિત્વ માં આવ્યો છે.
માવાની વાત પણ કેમ રહી જાય? ગુજરાતીઓ તહેવારોના દિવસોમાં જેટલી માવાની મિઠાઈઓ આરોગી જાય છે એ જોતા સૌ ને ‘માવોવાદી‘ કહી શકાય? માવાના ઘૂઘરા કહો કે ગુજિયા, પેટમાં તો એ જ વસ્તુ પધરાવાય છે। નવી દિલ્હી હોય કે જુના અમદાવાદ નો કોઈ વિસ્તાર, છાશવારે ડુપ્લીકેટ માવો અને ચીઝ બનાવવાની ફેક્ટરી પકડાય છે, થોડી ધરપકડ થાય છે. ત્યાં સુધી કે નામીચી અને બ્રાન્ડેડ મિઠાઈઓ માંથી પણ વાસી માવા કે ચીઝ ના લીધે ક્યારેક ફૂડ પોઈઝનિંગ, પેટ માં ચાંદાઓ કે ઝાડા–ઉલ્ટી થતા રહે છે. ઢીલા કાયદાઓ અને ફૂડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટની બેદરકારી ના પ્રતાપે મોટે ભાગે બહાર જે માખણ–માવો કે ચીઝ મળે છે કે વપરાય છે એ ભેળસેળ યુક્ત જ હોય છે. આપણી તંદુરસ્તી સાથે આપણે કાયમ બેવફાઈ કરતા રહીએ છીએ, ક્યારેક કોઈ કહે તો આપણે એને અવગણી આપણી બીજી પ્રાયોરીટીઝમાં લાગી જઈએ છીએ.
શ્રી ભાવિન અધ્યારૂની ચીઝ,બટર અને માવો સ્વાસ્થ્ય અંગે સ રસ લેખ
અમે અમદાવાદ જતા ત્યારે લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને … લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ ખાતા ત્યારબાદ ડૉ. સોની પાસે જાણ્યુ કે, ‘સફેદ માખણના ઘણા ફાયદા છે. એનાથી જૉઇન્ટ્સને લુબ્રિકેશન મળે છે, મેમરી સારી થાય છે, નર્વ્સને પણ ફાયદો કરે અને બાળકો માટે એ ફાયદાકારક છે.મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ મુજબ એમાં ફૅટ-સૉલ્યુબલ વિટામિન્સ ‘એ’, ‘ડી’, ‘ઈ’ અને ‘કે’ ભરપૂર માત્રામાં હોય છે. એને કારણે આંખ, હાડકાં, રક્તવાહિનીઓ અને ત્વચા બધા માટે માખણ બહુ ગુણકારી છે. ઇમ્યુનિટી વધારવામાં અને કૅન્સર સામે રક્ષણ આપવામાં પણ માખણ મોખરે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટમાં ભારતીય કિચનના સુપરફૂડ તરીકે સફેદ માખણ ખાવાની હિમાયત કરી છે. આપણે ફૅન્સી દેખાતા અને ટ્રાન્સ ફૅટ-ફ્રીનું લેબલ ધરાવતા પ્રોસેસ્ડ બટર કે ચીઝ વાપરીએ છીએ એના કરતાં માખણ ઉતમ છે.
LikeLiked by 1 person