વ્યવસાયી ભણતર અને કૌશલ્ય કારણે અહીં વસતા ભારતીયો અમરિકન તેજી મંદીના ચાકરવામાંથી સામાન્ય રીતે બચે છે, અને પોતાના નોકરીધંધા જાળવી રાખે છે. કોઈ જો વધતી જતી મંદીની ઓટમાં સપડાય અને નોકરીધંધો ગુમાવે તો હાડમારીના એ દિવસો કાઢવા જેટલી બચત એમની પાસે જરૂર હોય. એમની આવક અને જીવનધોરણ જો સામાન્ય અમેરિકન કરતાં ઊંચા છે, તો એમની બચત પણ સામાન્ય અમેરિકન કરતાં વધુ હોય છે. દેશના સંસ્કારો અને ઈમિગ્રન્ટ્સના સંયમને કારણે વધુ આવક કે બચત હોવા છતાં આ ભારતીયો છકી જતા નથી. ઊલટાનું આ બચતનો ઘરનું ઘર કરવામાં કે ધંધામાં રોકાણ કરવામાં સદુપયોગ કરે છે. આ રીતે આ ભારતીયોએ નાના નાના ધંધાઓમાં પગપેસારો કરેલો, જે આજે બરાબર જામીને મોટા લાખો ડોલરના વેચાણવાળી વિશાળ કંપનીઓ બની ચૂકી છે.
(૧૦)
ત્રિશંકુ સમી દશા
આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થઈ ગયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી જ હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમીની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહી. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપાર પડેલ જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ આકરી સામાજિક વ્યથાને કારણે આપણને ઈટાલિયન ઈમિગ્રન્ટ પ્રજાએ ન્યૂ યોર્કમાં ઊભું કરેલું ‘લિટલ ઈટલી’ કે ક્યૂબન ઈમિગ્રન્ટ લોકોએ માયામીમાં રચેલું ‘લિટલ હવાના’ જોવા મળે છે. ત્રિશંકુની આ દ્વિધામાંથી દરકે ઈમિગ્રન્ટ પ્રજાએ પસાર થવાનું જ રહ્યું. ગઈ કાલે જર્મન, ઈટાલિયન કે આઈરીશ ઈમિગ્રન્ટ લોકોનો હતો, તો આજે હવે આપણા ભારતીયોનો વારો છે.
સાસરે ગયેલી નવવધૂ જેમ પિયરનો વિચાર કર્યા કરે છે તેમ આ ભારતીયો અહીં બેઠા બેઠા દેશનો વિચાર કર્યા કરે છે. ગળથૂથીમાં પીધેલા સંસ્કારો, માતાના ધાવણ સાથે પીધેલી માતૃભાષા, છાશવારે અનુસરેલા રીતરિવાજો, વાળી વાળીને પાળેલા વ્યવહારો વગેરે અમેરિકા આવવાથી થોડાં ભૂલી જવાય છે? ભાથામાં મળેલી પોટલીમાં જાણે કે આ બધું સંઘરાઈને પડ્યું હતું, તે અહીં આવતાં જ બહાર નીકળવા માંડે છે. અમેરિકામાં આવતાં જ મિત્રોની, સગાંવહાલાંની શોધ શરૂ થઈ જાય. મોટા ભાગની આપણી વસતી અહીંના બોસ્ટન, ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા, વોશીન્ગટન, પિટ્સબર્ગ, શિકાગો, ડિટ્રોઇટ, હ્યુસ્ટન, લોસ એન્જિલિસ અને સાન ફ્રાંસિસ્કો જેવાં મોટાં શહેરોના બૃહદ વિસ્તારોમાં રહે છે. આવા મોટાં શહેરોમાં તમને અનેક મિત્રો અને દૂરનજીકનાં સગાંવહાલાંઓ મળી જ રહે. આને કારણે આજથી વીસ વરસ પહેલાં ભારતીયોને જે એકલતા સાલતી હતી તે આજે નથી, અને છતાં દેશ તો દસ હજાર માઈલ દૂર છે તેનો વસવસો રહે છે.
[1] 2016ના ઓક્ટોબરમાં ફોર્બ્સ મેગેઝીનનું અમેરિકાના 400 અત્યંત ધનિકોનું જે લિસ્ટ બહાર પડ્યું તેમાં પાંચ બિલિયોનેર ભારતીય ઈમિગ્રન્ટ્સ પણ છે: વિનોદ ખોસલા, ભરત દેસાઈ, રમેશ વાધવાણી, કે. રામ શ્રીરામ, અને મનોજ ભાર્ગવ. એ ઉપરાંત પેપ્સીકોલા, માસ્ટર કાર્ડ, માઈક્રોસોફ્ટ, અને ગૂગલ જેવી અહીંની મહાન કંપનીઓના ચેરમેન પણ ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.
1 thought on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)”
ત્રિશંકુ સમી દશામાથી પસાર થઇ હવે ‘અનેક મિત્રો અને દૂરનજીકનાં સગાંવહાલાંઓ મળી જ રહે. આને કારણે આજથી વીસ વરસ પહેલાં ભારતીયોને જે એકલતા સાલતી હતી તે આજે નથી, અને છતાં દેશ તો દસ હજાર માઈલ દૂર છે તેનો વસવસો રહે છે.’ વાત અનુભવીએ છીએ
ત્રિશંકુ સમી દશામાથી પસાર થઇ હવે ‘અનેક મિત્રો અને દૂરનજીકનાં સગાંવહાલાંઓ મળી જ રહે. આને કારણે આજથી વીસ વરસ પહેલાં ભારતીયોને જે એકલતા સાલતી હતી તે આજે નથી, અને છતાં દેશ તો દસ હજાર માઈલ દૂર છે તેનો વસવસો રહે છે.’ વાત અનુભવીએ છીએ
LikeLiked by 1 person