જીંદગી ફરી નહીં મળે
પ્રત્યેક માનવીના હ્રદયમાં સત્કાર્ય કરવાની અભિપ્સા હોય છે, હ્રદયમાં બીજા માટે ઘસાઈ જવાની ભાવના હોય છે અને આમ જુવો તો અંદર એક તણખો પડેલો જ હોય છે જેમાં ચિનગારી ચાંપતા જ સેવાની આગ ભભૂકી ઉઠે છે. કમનસીબે મોટાભાગના માણસોની આ વૃતિ ઉપર સમય અને સંજોગોના પરિબળો આવરણ ઢાંકી દે છે જેથી તે પોતાની ઈચ્છાઓને મૂર્તિમંત કરી શકતો નથી. પરંતું કેટલાંક વિરલા, સમયનો સાદ પડે ત્યારે બધુયે છોડીને પડકાર ઝીલી લે છે. આવું જ બન્યુ રવિવાર, ૭ એપ્રિલ બપોરના બરાબર ૨.૩૦ કલાકે, સિવિલ હોસ્પીટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં જ્યાં બે યુવાનો, મુઠ્ઠી ઉંચેરા માનવીઓ બની ગયાં.
આ દિવસે ભાગો-ભાગો, આગ-આગ, બચાવો-બચાવોની બૂમોથી સિવિલ હોસ્પીટલનો સ્વાઇન ફ્લૂ માટેનો સ્પેશિયલ વોર્ડ કંપી ઊઠ્યો. દર્દીઓ, સગા-વહાલા અને સૌ સ્ટાફ મિત્રો ડરના માર્યા દોડી રહ્યાં હતાં, ચારેય બાજુ ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું કારણકે સૌને યમરાજના સાક્ષાત દર્શન થઇ રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં બે યુવાનો – એક તબીબ અને બીજો પુરુષ નર્સ – શાંત ચિત્તે, નિર્ભય મને અને જવલ્લે જ જોવા મળતી સ્વસ્થતાથી પોતાની ફરજ પ્રત્યે સભાનતાપૂર્વક પગલાં પાડી રહ્યાં હતાં. બંને માનવ સહજ નિર્બળતાથી ઉપર ઊઠી ફરજ માટે કૃતનિશ્ચયી બન્યાં હતાં. તબીબ હતો એનેસ્થેસિયા વિભાગનો ફર્સ્ટ ઈયર રેસીડેન્ટ ડૉ. સંકેત કર્કર અને પુરુષ નર્સ હતો ભાવિક નાયી. એવું તે શુ બન્યું હશે કે આ બંને યુવકો બીજા માટે આદર્શ બની મુઠ્ઠી ઊંચેરા માનવી બની ગયાં? તમારે જાણવું હોય તો ડૉ. સંકેતને સાંભળવો પડશે; “સામાન્ય રીતે આપણી ગુજરાતી પ્રજા બપોરના જમ્યા પછી ઊંઘ ખેંચી લેવાના મૂડમાં હોય છે. અહીં પણ બધાં જ એ જ મૂડમાં હતાં. બરોબર તે જ સમયે કેબીન નં – ૬માં રહેલાં દર્દી રોહિતના સગા દોડતાં આવ્યા કે સાહેબ જલ્દી આવો, ACમાંથી આગના ભડકા નીકળી રહ્યાં છે. હું દોડ્યો, મુંઝાયો પણ તરત જ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગણતરીની પળોમાં મારા મનમાં અગણિત વિચારો આવી ગયાં, કુલ ૯ દર્દીઓ હતાં જેમાં કેટલાંક ગંભીર હતાં તો કેટલાંક સાજા થઇ રજા મેળવવાની રાહ જોઈ રહ્યાં હતાં. એમાં એક સ્ત્રી પણ હતી જે પેહલી વાર માતા બનવાની હતી અને સ્વાઇન ફ્લૂ થવાથી દાખલ થયેલી. બધાને સૌથી પેહલાં બહાર નીકળવું હતું. પોતે અને પોતાના સગા દર્દીને બહાર કાઢવાની ઉતાવળમાં તેમના મનમાં બીજા માટે વિચાર પણ ન હતો. આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ તે વિચારતો હતો અને તે સમયે તબીબો માટેનો હીપોક્રેટીક ઓથ મને યાદ આવ્યો, મેં લીધેલા શપથ યાદ આવી ગયાં અને તરત જ તબીબ તરીકેની મારી જવાબદારીનું ચિત્ર મારી સમક્ષ ઉભું થઇ ગયું. મને દિશા મળી ગઈ અને નિશ્ચય થઇ ગયો કે મારું જે થવું હોય તે થાય પણ અહીંના ૯ માંથી એકપણ દર્દી કે તેના સગાને મારા જીવતા, મોતના હવાલે નહીં થવા દઉં. આ જ વિચાર પુરુષ નર્સ ભાવિકભાઈ, પ્રિયંકા, શિવાની અને ધવલભાઈને પણ આવેલો. બધાંજ ભયને છોડી બીજી જિંદગીઓ બચાવવા માટે ખડે પગે તૈયાર હતાં.
હું જોઈ રહ્યો હતો કે અહીં આગના ભડકા છે, કાળા ડીબાંગ ધુમાડાથી વોર્ડ ભરાઈ ગયો છે અને વીજળી જવાથી ઘોર અંધારું છે. અમે તાત્કાલિક નિર્ણય કર્યો કે પેહલાં કોને બહાર લઇ જવા અને કોને છેલ્લે. બધા સ્ટાફે હિંમત, નીડરતા અને સ્વસ્થતાથી એક પછી એક દર્દીને બહાર લઇ જવાનું શરૂ કર્યું. જે દર્દી વેન્ટીલેટર પર હતો તેને વેન્ટીલેટરમાંથી મુક્ત કરી સાદા ઓક્સીજન પર ચડાવ્યો અને બહાર લઇ જઈ બીજા ICUમાં મોકલ્યો, ત્યારબાદ ગર્ભવતી સ્ત્રી અને બીજા દર્દીઓને એક પછી એક બહાર મોકલ્યાં. આ વખતે મારી સાથે રહેલાં તમામ સ્ટાફમાં એ ભાવના હતી કે દેશની રક્ષા માટે જવાનો જોખમ લઇ આપણા સહુની રક્ષા કરે છે તેમ આપણે પણ જીવના ભોગે આ બધાને બચાવીએ તો પણ એ સૈનિકનું જ કામ હશે. અમારા સદ્દભાગ્યે અમે એકેએક દર્દીને અને તેનાં સગા-વ્હાલાને સરસ રીતે બહાર કાઢી શક્યા જેનો આજે પણ ખૂબ રોમાંચ અને આનંદ છે.” ડૉ. સંકેતની લાગણી, ભાવના અને તરવરાટને જોતાં મને લાગ્યું કે આ માનવી, તબીબ જગતનું ભવિષ્ય છે જે ખૂબ સમૃદ્ધ છે. મને ડો. સંકેતે જ કહેલી એક ગઝલના શબ્દો યાદ આવી ગયાં;
વક્ત સબકો મીલતા હૈ, જિંદગી બદલને કે લીયે,
લેકિન જિંદગી દુબારા નહિ મીલતી, વક્તકો બદલને કે લીયે.
ડો. સંકેત અને સૌ સાથીઓ વક્તને બદલવા માટે આ જ જિંદગીમાં સદ્દભાગી બની રહ્યાં તે ખૂબ પ્રશંશનીય કેહવાય.
ભાવિક નાયી પણ ખૂબ લાગણી પ્રધાન થઈને કહી રહ્યાં હતાં; “જેવી મને ખબર પડી કે ACમાં આગ લાગી છે એટલે હું આગ બુઝાવવા માટે સ્પ્રે કરવા માંડ્યો પરંતું આગના ભડકા મારી પર આવતાં હતાં તો યે પ્રયત્ન ચાલુ રાખ્યો. આગની જ્વાળાઓથી સખત ગરમી લાગતી હતી પણ એટલાં ભાગમાં થોડું દેખાતું હતું બાકીનો બધો ભાગ ધુમાડાથી ભરાયેલો હોઈ કશું જ દેખાતું ન હતું. અમે એકબીજાને જોઈ પણ શકતા ન હતાં. મેં આગ હોલવવા પ્રયત્ન ચાલુ રાખ્યો તથા મારા સાથી સ્ટાફે ઇલેક્ટ્રિશયન અને ઈમરજન્સી વિભાગના સ્ટાફને તરત જ બોલાવી લીધા. અમે બે મોરચે કામ કર્યું, એક ટીમ દર્દીઓને ખસેડવાના કામમાં હતી અને બીજી ટીમ આગ હોલવવાના કામમાં હતી. અગત્યની વાત એ હતી કે બધાં જ શાંત મગજથી કામ કરી રહ્યાં હતાં જો કે જિંદગીના જોખમની સૌને ખબર હતી પરંતું ભગવાને અમને આ વ્યવસાય આપ્યો છે તો અમારે આવા પ્રસંગે ફરજ પરીપૂર્ણ કરવાની હોય છે, અમારા બધાની અગ્નિપરીક્ષા હતી પણ અમે નીડરતા અને સ્વસ્થતાથી કામ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શક્યા. ફાયરબ્રિગેડ આવે તે પહેલાં બધી જ જિંદગી બચાવી શક્યા તે અમારા સૌ માટે જીવનભરનો એક યાદગાર પ્રસંગ જ નહીં પરંતું પ્રેરણાદાયી પ્રસંગ પણ બની રેહશે. અમારી આદર્શ ફ્લોરેન્સ નાઇટએન્ગલે અનેક બ્રિટીશ સૈનિકોની જિંદગી બચાવી નર્સિંગ વ્યવસાયને એક દિશા આપી હતી એવું જ કામ અમારા સહુના દ્વારા બની ગયું એ આજે કલ્પનાથી પર લાગે છે.”
આ યુવાનોનું સન્માન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં જવાનું થયું ત્યારે બર્ન્સ અને પ્લાસ્ટિક વિભાગના પ્રોફેસર ડૉ. શેખ સાહેબથી જાણવા મળ્યું કે રેક્સ્યુ ઓપરેશન બહુ કઠીન હોય છે. તાલીમ વિના જયારે કોઈ વ્યક્તિ કામ કરે ત્યારે એનામાં ભાવના હોય પણ સ્વબચાવની આવડત ના હોય તો તેના પોતાના માટે જીવનું જોખમ થાય છે. તેમાં પણ ફાયર રેસ્ક્યુ બહુ જ વિકટ પરિસ્થિતિ છે. જયારે ભયંકર ધુમાડા નીકળતાં હોય ત્યારે ખૂબ જ કાર્બન મોનોક્સાઈડ નીકળે છે જે રેસ્ક્યુ ટીમ સહિત સહુના શ્વાસમાં જાય. આ ગેસ એવો છે કે જેમાં અસરગ્રસ્ત વ્યક્તિનું હલન-ચલન બંધ થઇ જાય એટલે તે ઘટના સ્થળેથી બહાર જ ના નીકળી શકે અને મૃત્યુ પામે. એવું અહીં પણ થઇ શકત પણ આ બંને યુવાનોએ ભારે હિંમત કરી જોખમ લીધું અને ખુશી એ વાતની છે કે બધાં સહી સલામત બહાર આવી ગયાં. ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે જયારે આગ લાગે ત્યારે પાણી નાંખે તો તે દાઝી પણ શકે અને મૃત્યુ પણ પામે. અહીં પણ આવું જ થયું એક સ્ટાફના ભાઈએ પાણી છાટ્યું અને એનાં હાથ પર બર્ન્સ થયા.
થોડાં સમય પેહલાં થાઇલેન્ડમાં ફૂટબોલ ટીમના બાળકો ખાણમાં ફસાયા ત્યારે રેસ્ક્યુ ટીમના નિષ્ણાતોએ ખૂબ જ જમત કરી બાળકોને બચાવ્યા. બધાં નિષ્ણાત હોવા છતાંયે એક નેવી રેસ્ક્યુ બહાર નીકળવામાં સહેજ મોડો પડ્યો અને મૃત્યુ પામ્યો. હું આ થાઈલેન્ડની ઘટનાને સિવિલ હોસ્પીટલની ઘટના સાથે મુકીને વિચારુ છુ કે ખુદાની મહેરબાની હતી કે આ રેસ્ક્યુ ટીમના બધાં જ મેમ્બર બહાર આવી શક્યા.
સિવિલ હોસ્પીટલના પૂર્વ સુપ્રીટેન્ડટ અને હાલમાં એડીશનલ ડીરેક્ટર ડૉ. પ્રભાકર સાહેબે સરસ માહિતી આપતા કહ્યું; “સાહેબ, જાપાનમાં ખૂબ ધરતીકંપ આવે એટલે એની સ્કૂલના બાળકોથી લઇને તમામને ધરતીકંપ સમયે સ્વબચાવની તાલીમ અપાય છે એમ અમે અહીં પણ સ્ટાફને વિવિધ રેસ્ક્યુ માટે તાલીમ આપતા રહીયે છીએ એટલે દુર્ઘટના સમયે ઘણી બધી જાનહાનિ દૂર કરી શકાય છે.” મને વિચાર આવ્યો કે રોજિંદા જીવનમાં પણ પ્રત્યેક કુટુંબમાં વિવિધ રેસ્ક્યુની પ્રાથમિક તાલીમ અપાય તો કેટલી બધી જિંદગી બચાવી શકાય. સામાન્ય માહિતી અને વ્યવહારિક અભિગમ પોતાની પરિસ્થિતિ કે પડોસીઓ માટે આશીર્વાદરૂપ થઇ શકે છે. ગુજરાત યુનિવર્સીટીના મેડીકલ ફેકલ્ટીના ડીન ડો. મહેશ પટેલે માર્ક ટ્વેઇનના વાક્યને યાદ કરતાં કહ્યું કે માણસની જિંદગીમાં બે દિવસ અગત્યના હોય છે એક તે જન્મ્યો તે અને બીજો જયારે સમજાય કે શા માટે તે. આ બંને યુવાનો અને સ્ટાફે જિંદગીનો મકસદ પામી લીધો હતો અને પોતાના જ જીવનને બીજા માટે પ્રેરણાદાયી બનાવી દીધું છે.
આપણાં દેશના યુવાનોની આ ભાવના જ છે આપણાં ભાવિ માટે આશાનું સૂચક છે.
‘ જિંદગીમાં બે દિવસ અગત્યના હોય છે એક તે જન્મ્યો તે અને બીજો જયારે સમજાય કે શા માટે તે. આ બંને યુવાનો અને સ્ટાફે જિંદગીનો મકસદ પામી લીધો હતો અને પોતાના જ જીવનને બીજા માટે પ્રેરણાદાયી બનાવી દીધું છે.
આપણાં દેશના યુવાનોની આ ભાવના જ છે આપણાં ભાવિ માટે આશાનું સૂચક છે.’ ધન્ય બન્ને યુવાનો અને સ્ટાફને..
LikeLike
જાનને જોખમમાં નાંખીને પણ જેઓ લોકોને બચાવવાનું કાર્ય કરે છે તેઓ ખરેખર તો ફરિશ્તા કહેવાય. સંકેત અને ભાવિ તથા એમને મદદ કરનાર દરેકને અંતરના અભિનંદન.
LikeLike
જ્વલંત કર્તવ્યનિષ્ઠા.સન્માન અને નમસ્કારપાત્ર.
LikeLike