અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                                (૭)

સાધનસંપન્ન ભારતીયો

અમેરિકામાં સ્થાયી થઈને વસતા ભારતીયો મુખ્યત્વે કૉલેજમાં ભણેલા, અંગ્રેજી બરાબર જાણતા અને દેશના મોટાં શહેરોમાંથી આવેલા લોકો છે.  ઘણા તો અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જ આવેલા અને પછી અહીં રહી ગયા.  ડોકટરો અને બીજા વ્યવસાયી ભારતીયોતો ઘણું ભાણીને જ આવ્યા, પણ પછીયે નવરાશના સમયમાં આરામથી બેસવાને બદલે વધુ આગળ ભણ્યા.

આમ આ ભારતીય પ્રજા માત્ર ભારતના જ નહીં પણ અમેરિકાના પણ સર્વોચ્ચ ભણેલા વર્ગમાં સ્થાન પામે છે.  તે ઉપરાંત એમનું ઉચ્ચ શિક્ષણ સાહિત્ય અને માનવવિદ્યાઓ કરતાં મેડિસિન, ફાર્મસી, ડેન્ટિસ્ટ્રી, એન્જિનિયરિંગ, એકાઉન્ટિંગ, આર્કિટેક્ચર વગેરે વ્યવસાયો અને વૈજ્ઞાનિક ક્ષેત્રે વધુ થયેલું હોવાને કારણે નોકરીધંધાની મુશ્કેલી પ્રમાણમાં ઓછી પડે. ડોકટરો તો દેશમાંથી જ નોકરી લઈને આવતા.

અહીં આવેલા ભારતીયો દેશમાં હતા ત્યારે દુનિયાથી અજાણ ન હતા.  મુંબઈ, અમદાવાદ, બેંગલોર, મદ્રાસ, દિલ્હી જેવા શહેરોમાંથી જ મોટા ભાગના લોકો આવ્યા છે એટલે અમેરિકા શું છે અને અમરિકન જીવન કેમ જીવાય છે તેની વિગતોથી ઘણાખરા પરિચિત હતા.  કેટલાક તો પહેલાં અમેરિકામાં અને પશ્ચિમના અન્ય દેશોમાં આંટો મારી ગયેલા. અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી, હેરાન થયેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાનું જે ચિત્ર છે, તે આ ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી.  જે દશામાં રશિયન, ઇટાલિયન, આઈરીશ વગેરે પ્રજા અહીં આવી અને આજે હિસ્પાનિક ગેરકાયદેસર પણ આવી રહી છે, તે દશામાં આ ભારતીય પ્રજા નથી આવી.  અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં પણ સાધનસંપન્ન હતા અને અમેરિકામાં પણ સાધનસંપન્ન બન્યા છે.

                                               (૮)

ઉમદા છાપ

1965થી પછી મુખ્યત્વે ભણેલા ગણેલા અને વ્યવસાયી ભારતીયો જ અહીં આવ્યા અને કારણે ભારતીયોની એક સંપન્ન અને સંસ્કારી લઘુમતિ તરીકેની ઉમદા છાપ પડી છે તે નોંધપાત્ર છે.  આ ઉમદા છાપને કારણે અહીંના સ્થાયી થયેલા ભારતીયો રંગભેદના અને વિદેશી લઘુમતિઓ પ્રત્યે થતા ભેદભાવના અન્યાયમાંથી મુખ્યત્વે બચ્યા છે. જે રીતે ઈંગ્લેંડમાં ઝાડુ વળતા, હોટેલ સાફ કરતા કે બસ ચલાવતા ભારતીયો સહજ જ જોવા મળે તે અમેરિકામાં વિરલ દૃશ્ય બની રહે છે.  આનો અર્થ એ નથી કે ઈંગ્લેંડમાં ડોકટરો કે અન્ય વ્યવસાયી ભારતીય લોકો નથી. ઘણા છે, પણ અગત્યની વાત એ છે કે એક લઘુમતિ તરીકે ભારતીયોની સામૂહિક છાપ કઈ અને કેવી પડે છે?  અજાણ્યા અમેરિકનો સાથે વાતચીતના જ્યારે કોઈ પ્રસંગ પડે ત્યારે જે સુભગ સ્મરણથી એ કોઈ પરિચિત ભારતીયની પ્રશંસા કરે છે ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થાય છે. સામાન્ય અમેરિકન અહીં વસતા ભારતીયને કોઈ પોસ્ટગ્રેજ્યુએટ સહવિદ્યાર્થી કે લોકપ્રિય પ્રોફેસર, ઑફિસનો કોઈ કુશળ એન્જિનિયર સાથી કે ઈમરજન્સી રૂમમાં જીવ બચાવનાર ડોક્ટર તરીકે ઓળખે છે.  જે અમેરિકન પ્રજા સાથે અહીંના ભારતીયોનો નિત્ય સંપર્ક છે તે બહુધા ઊંચા સ્તરની હોય છે. આ અમેરિકનો ભારતીય વ્યવસાયીઓનાં કૌશલ્ય અને વાણિજ્ય સમજી શકે છે, અને તેનો આદર કરે છે.  નિરુપદ્રવી અને સંપન્ન લઘુમતિ તરીકેની પહેલેથી જ પડેલી કયા છાપ ભારતીયો માટે અહીં મહાન આશીર્વાદ રૂપ થઈ પડી છે.

1 thoughts on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

  1. ‘આ અમેરિકનો ભારતીય વ્યવસાયીઓનાં કૌશલ્ય અને વાણિજ્ય સમજી શકે છે, અને તેનો આદર કરે છે. નિરુપદ્રવી અને સંપન્ન લઘુમતિ તરીકેની પહેલેથી જ પડેલી કયા છાપ ભારતીયો માટે અહીં મહાન આશીર્વાદ રૂપ થઈ પડી છે.’ જાણી આનંદ

    Like

પ્રતિભાવ